રજનીકુમાર પંડ્યા

મ્યાનમાંથી તલવાર ખેંચવાનો મેં ભારે પ્રયત્ન કર્યો – બેઠો ત્યાંથી ઊભો થઈ ગયો, પણ ખૂલી નહીં. જૂના ‘પટારા’નાં કટાયેલાં તાળાં તોડવા જેવી વાતમાં આમ તલવાર તાણવી એ ઠીક નહીં. એટલે પાછો બેસી ગયો. પુંડરીક વ્યાસને વર્ષે એક વાર એનો મહાવરો હતો એટલે એમણે જરાક બળ કર્યુ કે તરત જ ખૂલી ગઈ. મારી સામે ધરી. મેં ગરદન નમાવી. અલબત્ત, મારું શોણિત વહાવવા નહીં જ, પણ એના પરનું લખાણ વાંચવા. એના પર ઝીણા અક્ષરે કોતર્યું હતું કે ‘1925ની સાલ’ ને એમ પછી કોતરેલું કે ‘પરિત્રાણાય સાધુનામ..’ .

‘સાધુ’ શબ્દ ભલે પુરુષવાચક હોય, પણ એમાં પનિહારીઓય આવી જાય. ખેડા ગામની તો નક્કી. એ કેવી રીતે ? એની આખી કથા મળી પુંડરીક વ્યાસ પાસેથી. વાત કરતાં કરતાં એમના મોં પર તેજ પ્રગટી જતું હતું, એટલે મેં તેમને કહ્યું કે કરો,કરો પણ તલવાર મ્યાન કરીને પછી વાત કરો. એમણે મને કહ્યું કે તમે મજનૂ હો તો જ આનો ભય રાખવાનો, કારણ કે થોડાક મુસલમાન મજનૂઓની સામે મુકાબલાની કદરરૂપે એમના પિતાજી કૃષ્ણશંકર અંબાશંકર વ્યાસને સિત્તેર વર્ષ (આજ 2017ના હિસાબે ગણતાં 92 વર્ષ) અગાઉ લોર્ડ બ્રેબૉર્નના હાથે જાહેર સમારંભમાં આ તલવાર એમની નિર્ભીકતાની કદરરૂપે એનાયત થઈ હતી.

ખેડાની તકલીફ-એની આ વાત. ત્યાંની પનિહારીઓને આવા ઈશ્કીઓ રોજ રંજાડતા હતા. એમની સામે ફરિયાદો તો થઈ, પણ સાક્ષી આપવાની તાકાત કોની? કૃષ્ણશંકર વ્યાસ પાસે રાવ આવી એટલે એ સામી છાતીએ સાક્ષી પડ્યા. ને મુસલમાનોની આંખે થયા. મજનૂઓના પિતાઓ-ભાઈઓ કૃષ્ણશંકરના પિતા પાસે ગયા. અને કહ્યું, “તમારા દીકરાને એમાંથી પાછો ખેંચો-નહીં તો નાહકનો ભૂંસાઈ જશે…. હાડકું હાથ નહીં આવે.” અંબાશંકરભાઈ અવસ્થાવાન હતા, પણ બોલ્યા, “મારા દીકરાને સામી છાતીએ કોઈ નહીં પહોંચે. ભાગો અહીંથી.” અંતે થવાનું હતું તે થયું. થોડો ઘુરકાટ થયો સામેથી – તો અહીંથી પણ ગર્જના થઈ, પણ છેવટે કાયમી સુખ થયું – ત્રાસ ટળ્યો. આ વાત ફરતી ફરતી ડી.એસ.પી. મારફત કલેક્ટર જયકર સુધી પહોંચી. પોતાના તાબાનો નોકરિયાત આવું પાણી બતાવે તો કંઈક નવાજેશ કરવી જરૂરી સમજીને લૉર્ડ બ્રેબૉર્નને હાથે એમને આ તલવાર એનાયત કરી. એના પર લખાવ્યું : “પરિત્રાણાય… સાધુનામ…” જો કે, મને લાગે છે કે “વિનાશાયચ દુષ્કૃતામ” લખવું જરૂરી હતું, પણ પચ્ચીસની સાલમાં આપણે નહીં,એટલે સલાહ કોણ આપે ?

આપણે અહીં નહોતા તો ક્યાં હતા એનો જવાબ જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ પણ આપી શકતી નથી, પણ પુંડરીક વ્યાસ અને જ્યોતિબહેન વ્યાસની બેબીઓ નામે દિતિ અને પૂજા તડ દઈને જવાબ આપે છે. આ વાત થતી હતી 1995 માં એટલે એ વર્ષે તો એમને જનમ્યે પૂરાં પંદર અને દસ વર્ષ પણ નહિં થયાં બંનેને… અને કહે છે : “અમે આકાશમાં દાદાજીના ખોળામાં હતાં. વાદળામાં અમે તરતાં હતાં. ત્યાં એકાએક દાદાજીએ અમને વહાલથી ટપલી મારીને કહ્યું, “જાવ… નીચે જાવ… અને તમારાં દાદીની અને મમ્મી-પપ્પાની સેવા કરો,’ એટલે અમે નીચે આવ્યાં.”

“તમે નીચે આવીને જનમ્યાં, પણ તો દાદાજીને કેમ પાછા ન લાવ્યાં ?” એમ વહાલથી ટપલી મારીને પૂછીએ એટલે બંને ખિલખિલ બોલે કે, “એમાં તો એવું છે ને અંકલ, કે એક વાર અમે હૅલિકોપ્ટરમાં પાછાં વાદળામાં જઈશું ને હાથ કાઢી દાદાજીને ખેંચી લઈશું. પછી નીચે આવીને દાદાજીની આંગળીએ ઘરમાં આવીશું ને દાદી તરત બોલી ઊઠશે કે બેટા, તમે તો તમારા દાદાજીને લઈ આવ્યાં ? ખરાં છો હોં ?”

1976માં દાદાજી એટલે કૃષ્ણશંકર વ્યાસનો દેહવિલય થયો. મૃત્યુ પછી દેહ ધરીને દુનિયામાં ક્યાં કદી કોઈ પાછું આવ્યું છે ? તેઓ બંને બહેનો બચ્ચાં છે તે બોલે. એની વાત પરીકથાના એક ફકરા જેવી લાગે. પણ ફકરાની પરીકથા સાંભળી દાદીમાં તારાબહેનની આંખમાં આંસુનાં ટીપાં બાઝી જાય!…પંચાવન વર્ષનો લાંબો ઘરવાસ – એની સ્મૃતિ ચળકતાં આંસુઓમાં સંગોપાઈ જાય છે. 1921માં કૃષ્ણશંકર વ્યાસે નોકરી લીધી અને લગ્ન પણ કર્યું. પછી ચોપનની સાલમાં નિવૃત્ત થયા. ત્યારે નિવૃત્તિના નામે નવી પ્રવૃત્તિ લીધી- વેદવેદાંતનાં અધ્યન અને લેખનની. એટલે નિવૃત્તિ પછીના બાવીસ વરસે તારાલક્ષ્મીબહેને અમલદાર પતિનાં પત્નીની ભૂમિકા છોડીને પ્રકાંડપંડિતનાં પત્નીની ભૂમિકા સ્વીકારી. સાચી સંસારણનું આ સુખ છે.

પ્રકાંડ પંડિત કૃષ્ણશંકર વ્યાસ ધર્મપત્નીને સમજાવી કહેતા :”ભગવાન પર શ્રદ્ધા રાખવી. ને જો, સાંભળ! આપણે છોકરાઓને કદી નિશાળે મૂક્યાં ? ન મૂક્યાં. આપણે વારંવાર બદલી થાય અને ભણતર ચેરાઈ જાય એટલે છોકરાઓને નિશાળનો દરવાજો જ બતાવ્યો નહીં. છતાં ભણીગણીને-ગ્રેજ્યુએટ.ડબલ ગ્રેજ્યુએટ થયા કે નહીં ?”

વાતમાં તથ્ય પૂરેપુરું. નોકરીની તડામારી વચ્ચેય છોકરાને ઘેર જ ભણાવેલાં.( અત્યારે દાખલો આપવો હોય તો કવિવર્ય રાજેન્દ્ર શુક્લના બેઉ દિકરાઓની જેમ) સીધી જ એસ.એસ.સી.ની પરીક્ષાઓ અપાવેલી. એમ ભણ્યાં. તૈયાર થયા. નોકરીએ વળગ્યા.

હું તારાલક્ષ્મીબા પાસે એમના સંસારની મીઠી વાતો સાંભળતો હતો.ત્યાં ‘જય શ્રીકૃષ્ણ’ બોલતાં એમનાં પુત્રવધૂ જ્યોતિબહેન પ્રગટ થયાં. મેં પૂછ્યું કે, “ઠીક છે. તમારા પતિ તો પિતૃભક્ત છે, ને પિતાને ઝૂરવાની કક્ષાએ સ્મર્યા કરે છે, પણ તમને સસરાનું વળી આટલું બધું ?”

આમ ન પુછાય – એમ પૂછ્યા પછી મને લાગ્યું. એમ તો દિતિ અને પૂજા તો દાદાના અવસાન પછી જનમ્યાં. એમને દાદા સાથે શી લેવાદેવા ? પણ આ બધા કાલગણિતના પ્રશ્નો છે. કૃષ્ણ નામના પુરુષોત્તમ સાથે ક્યાં આપણે એક પળ પણ જીવ્યા છીએ ? ગાંધીજીને ક્યાં આપણે જોયા છે ? છતાં કોઈ કંઈ એમના વિષે બોલે તો કાન સરવા થાય કે નહીં ? મોટા ભાગનાને લાગી પણ આવે, કારણ કે આ બધી હૃદય સાથે અનુસંધાન પામેલી હસ્તીઓ છે –આ ઘર, આ સ્વજનો, આ એમના ચાહકો-સ્નેહીઓ માટે કૃષ્ણશંકર વ્યાસ એવી હસ્તી હતા.

image

(કૃષ્ણશંકર વ્યાસ)

છતાંય જ્યોતિબહેને જવાબમાં કહ્યું, ‘તમે ‘કળિયુગનો કર્મયોગી’ નામની ચોપડીક દી વાંચી છે ?’ બોલતાંની સાથે એક જબરા કબાટ પાસે એ ગયાં. જેમાં ઢગલાબંધ વેદવેદાંતનાં, આધ્યાત્મિક સાહિત્યનાં પુસ્તકો હતાં. કૃષ્ણશંકર વ્યાસનો એ મોટા ભાગનો સંચય હતો. એમાંથી બ્લ્યુ-કેસરી પૂંઠાની ચોપડી જ્યોતિબહેને કાઢી. તેનું મુખપૃષ્ઠ જોઈને તત્ક્ષણ યાદ આવ્યું, થોડા વર્ષ પહેલાં અમદાવાદમાં ઈશ્વર પેટલીકરના હાથે એ પુસ્તકનો વિમોચન સમારંભ થયો હતો. એ વખતે કૃષ્ણશંકર અંબાશંકર વ્યાસ કોણ છે એ ખબર નહીં. કોઈએ કહ્યું કે “એક મોટા વિદ્વાન અને નિવૃત્ત ડેપ્યુટી-કલેક્ટર હતા. એમના ગુજરી ગયા પછી પુત્રને એમનું કબાટ ગોઠવતાં ‘સિંહાવલોકન’ નામે પિતાના સરકારી નોકરીકાળનાં સંસ્મરણનાં છુટ્ટાં પાનાં મળી આવ્યાં હતાં. વાચતાં રસ પડે તેવું હતું. ઠરાવ્યું કે પ્રગટ કરવાં. ‘ગૂર્જર ગ્રંથરત્ન’વાળા સ્વ. ઠાકોરભાઈ શાહ એ જૂના વખતના સ્નેહી. એમણે એ પુસ્તક ‘કળિયુગનો કર્મયોગી’ના નામે બહાર પાડ્યું. ટ્રેનની બારીમાંથી ઝડપથી દેખાઈને અદૃશ્ય થતાં વૃક્ષોની જેમ ઘણાં પુસ્તકો આપણને અડકીને પસાર થઈ જાય છે. ખાસ તો એમ કે ડેપ્યુટી-કલેક્ટરનાં સંસ્મરણોમાં શું ઝાઝો માલ હોય ? હશે બધી રોફ માર્યાની વાતો.જો કે ‘ગૂર્જર’વાળા કદી કચરો છાપે નહીં એટલો ભરોસો.

જ્યોતિબહેને આપ્યું એટલે પુસ્તકનાં પાનાં ફેરવ્યાં. જોયું તો અંદર અનંતરાય રાવળ જેવા વિદ્વાનનું લખેલું આમુખ, તો “અમલદાર દ્વારા લોકસેવા” ના મથાળા સહિતનો પેટલીકરનો લેખ. પાછળ બાબુભાઈ જશભાઈ પટેલ, કે. કા. શાસ્ત્રી, પ્રભુદાસ પટવારી, માધવલાલ પંડ્યા અને પ્રા.જયદેવ શુક્લ જેવાનાં એમના વિષેનાંઅહોભાવદર્શક લખાણો! તો ધાર્યા કરતાં આ હસ્તી ઘણી બધી મોટી, ને તે પણ માત્ર નર્યા અમલદાર નહીં જ… પેટલીકરે લખેલી વાતમાં સોળ વાલ ને એક રતી માથે કે આ સજ્જન અમલદારના વાઘામાં લોકસેવક હતા.

અંદર એવા પાંચસો પ્રસંગ, પણ સ્મૃતિમાં એક જડાઈ ગયો. કૃષ્ણશંકર વ્યાસ મુંબઈ પાસે કલ્યાણમાં સિટી મૅજિસ્ટ્રેટ. 1945ની સાલ ચાલે. કલ્યાણના કુત્બુદીન પઠાણની છોકરીને એનો ખાવિંદ તેડે નહીં. બાઈ છોકરાસોતી ને મનમાં મૂંઝાય કે બાપ મોકલે નહીં ને ખાવિંદ તેડે નહીં તો ઝઘડામાં અંજામ એક જ આવે કે પેલો બીજી બીબી કરે ને પોતે રખડી પડે. કોર્ટમાં બાપ અને સાસુ સામસામે પડેલાં. પાડેપાડા લડે ને ઝાડનો ખો નીકળી જાય.

અંદર ને અંદર સોસવાયા કરતી બાઈએ કૃષ્ણશંકર વ્યાસને કહ્યું. તેઓ એટલી વાર સિટી મૅજેસ્ટ્રેટ મટી ગયા ને છોકરીને પોતાના બંગલે મોકલી. સસરા-જમાઈને મોઢામોઢ કર્યા. અંટસનાં માર્યા બેય એકબીજાની સામે પણ ન જુએ. એટલે પોતે ઘડીભર બાઈના પાલક પિતા બન્યા ને તેને વળાવવાનો હક્ક પોતે માગી લીધો. મૂળ બાપનો વટ વટને ઠેકાણે રહ્યો ને સિટી મૅજિસ્ટ્રેટ કૃષ્ણશંકર વ્યાસે બાપ બનીને છોકરીને વળાવી. ગાંઠના રૂપિયા બબ્બે દંપતીના હાથમાં આપ્યા.ચા-નાસ્તો કરાવ્યો…. આ જોઈને ગદ્‍ગદ્‍ બનેલાં વેરી એવાં સસરો-જમાઈ ભેટ્યા અને ધન્યવાદ તથા આશીર્વાદ પામ્યાં. આ વ્યાસસાહેબના આવા તો કુનેહના અને કરુણતાના પારાવાર કિસ્સા. ખરેખર પૂરું પુસ્તક જ વાંચવું જોઈએ. લીટી બે લીટીમાં કાંઈ પ્રત્યેક પ્રસંગનો સ્વાદ ન આવે. જેમ કે, આણંદના દેશદ્રોહી કમુમિયાંની મોટરમાં બેસતાં પંડિત નહેરુને શી રીતે અટકાવ્યા, પાછળથી કમુમિયાંની ભરી રિવોલ્વર શી રીતે જપ્ત કરી. નાપા ગામેથી પોતે રેવન્યુ અમલદાર હોવા છતાં રિવોલ્વર લઈને બહારવટિયાઓને શી રીતે નસાડ્યા, એની બધી વાતો. પુસ્તકમાં પ્રસંગોની સ્થૂળતાને ઓગાળી નાખો તો અંદરથી એક નીડર, કુશળ નિર્ણયશક્તિવાળા અમલદાર છતા થાય છે.

***********

પણ ચોપનમાં નિવૃત્ત થઈ ગયા પછી અમલદારી માત્ર સ્મરણોમાં રહી. પછી તો 1913થી 1917ની સાલની વિદ્યાતેજસ્વિતા જ ફરી ઝળકી રહી. કોઈ ન માને, પણ શાસ્ત્રગ્રંથોના દોહનરૂપે એમણે 1975માં અંગ્રેજીમાં ભીમાભાઈ ડી. મહેતા સાથે શ્રીમદ્‍ભાગવતનું ભાષાંતર કર્યું. શેક્સપિયરના “મર્ચન્ટ ઑવ વેનિસ”નો પદ્યાનુવાદ જીવનકવનની સંપૂર્ણ ઝાંખી અને વિશ્લેષણ સાથે કર્યો, જે પણ ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે’ જ બહાર પાડ્યો છે. આ ઉપરાંત બીજાં અનેક પુસ્તકો. હજુ તો નેપાળની ત્રિભુવન યુનિવર્સિટી એમને “હિંદુ ધર્મમાં મૂર્તિપૂજા” વિષય પર ડી. લિટ.ની ઉપાધિ આપવાની હતી. અને ‘પૅનોરેમિક વ્યુ ઓવ હિંદુઈઝમ’ અને કવિ ન્હાનાલાલનું ‘જયાજયંત’ અંગ્રેજીમાં બહાર પાડવા માટે તૈયાર કર્યું.

*********

કૃષ્ણશંકર વ્યાસ એટલે નર્યા અમલદાર જ નહિ, નર્યા લોકસેવક પણ. રવિશંકર મહારાજની વાત કરું છું 1949ની. ત્યારે એમને ચોસઠમું વર્ષ ચાલતું હતું. ધોતિયામાંથી એમની નરેડી જેવી માંસલ પિંડીઓ દેખાતી હતી. અભયનું વરદાન પામેલા માણસ ! એમણે નક્કી કર્યું હતું કે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં હરિજનપ્રવેશ કરાવવો. આખી મંડળી તૈયાર હતી.એમની સાથે લડવૈયાશૂરા હતા પરીક્ષિતલાલ મજમુદાર, છોટાલાલ વ્યાસ, રાવજી મણિભાઈ પટેલ એટલે કે રાવજીકાકા અને બીજા ઘણા. વળી આ કામ મૂંગામૂંગા તો કરવાનું નહીં. ઢંઢેરો પીટીને કરવાનું. એટલે નગારાની દાંડી દિવસોપ હેલાં વાગી ચૂકી. જાગનારા જાગી ગયા.ચેતનારા ચેતી ગયા. બાંય ચડાવનારે બાંય ચડાવી. ગરમી આવી ગઈ હવામાં…. નક્કી કાંઈ છાપાનાં તોતીંગ કાળાં મથાળામાં આવે એવું બની રહ્યું છે.

જો કે, ડાકોરના ફોજદારને બહુ ભીતિ નહોતી. એ તો ખાતરીમાં સૂતા હતા કે મંદિરના સંચાલકો અને સનાતન ધર્મચુસ્ત પ્રજા તરફથી કોઈ વિરોધનો પોકાર પડવાનો નથી. ઠીક છે, ઈધર-ઉધર પાંચસાત સિપાહી ગોઠવી દઈશું. બાકી હવે તો આઝાદી આવી અને રવિશંકર મહારાજ જેવી હસ્તીને કોણ અટકાવી શકે ?

કૃષ્ણશંકર વ્યાસને બહુ દૂરની ગંધ આવતી હતી. એ આણંદના ડેપ્યુટી કલેક્ટર હતા. ચાર દિવસ અગાઉ ઠાસરા જઈને મુસાફરી બંગલામાં રહ્યા. ફોજદાર સાથે વાત કરી, પણ જીવને ખાસ ટાઢક ન વળી એટલે એમણે તો જિલ્લા કલેક્ટરને લખ્યું કે ફોજદાર ભલે કહે, પણ તમે ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને મોકલવાનો બંદોબસ્ત કરી આપો તે ઈચ્છવા યોગ્ય છે. કારણ કે મને તો અહીં મંદિરપ્રવેશ સામે એક માત્ર રણછોડરાયજી ભગવાન પોતે અને બીજા રવિશંકર મહારાજની મંડળી સિવાય સૌ વાંધાવાળા હોય એમ લાગે છે. સવાલ-જવાબમાં બે દિવસ નીકળી ગયા. ફક્ત આગલા દિવસે ડી.એસ.પી સત્યપ્રસાદ મહેતાનો કાફલો કલેક્ટરે મોકલ્યો. મહેતાએ ભલભલા ટોળાં-ટણક કાબૂમાં લીધેલાં. એવો એમને અનુભવ. એમની મુશ્તાકી પણ વાજબી હતી. ‘કંઈ થવા ન દઉં-બેઠો છું.’

કૃષ્ણશંકર વ્યાસને ફરી દુર્ગંધ આવી. એમણે નાક બંધ કરી દીધું. મહેતાસાહેબના નાકનો સવાલ હતો. એમના પર અવિશ્વાસ કેમ કરાય ? નામના અગાઉ પણ સાંભળેલી.એટલે કૃષ્ણશંકર વ્યાસ બેફિકર થઈને સૂઈ ગયા, કારણ કે મંદિરપ્રવેશના મુર્હૂત આડે કલાક-બે કલાકની જ વાર.

એમણે ચશ્માં ઉતારીને જોયું તો જરા અજંપ જેવા થઈ ગયા. માણસો એવા અને એટલા બધા કે આમાં કોણ પોલીસ, કોણ સામાન્યજન એ ખબર ન પડે. માણસોનો દરિયો હાલકડોલક થાય એવી સ્થિતિ. ઓછામાં ઓછા પંદરેક હજારનો અડસટ્ટો આવે. દર્શનાર્થી કેટલા, તોફાની કેટલા અને વ્યવસ્થાર્થી કેટલા ? તારવણી અશક્ય. નજરને આંટી પડી જાય એટલી હરફર, ધાંધલ, દેકારો. હવામાં આછો આછો તોફાન-જ્વર પણ દેખાઈ આવે. કૃષ્ણશંકર વ્યાસે ડી.એસ.પી.ના કાનમાં હોઠ ફફડાવ્યા તો ડી.એસ.પી. બોલ્યા, “બેફિકર રહો. હું બેઠો છું.”

એમ બેઠા હતા ત્યાં જ ખૂણામાંથી દેકારો ઊઠ્યો. રવિશંકર મહારાજ અને મંડળી આવી પહોંચી. ઝાંઝ-પખાજ અને ભજન-ગાન સાથે સૌ આવ્યા હતા તો રણછોડરાયજીને મળવા, પણ રણછોડરાયજી અને એમની વચ્ચે માણસોનાં મોજાં ઊછળતાં હતાં. કેટલાક ભડવીરો મહારાજની આડે લેટી ગયા. અને કેટલાક ભેગા થઈ જીવતી દીવાલ થઈ ગયા-ટપીને કે ધકેલીને જાય એવી વૃત્તિ રવિશંકર મહારાજમાં તો કદી હતી જ નહીં.

“લાઠીચાર્જ કરીશું…” કોઈક નવોદિત અમલદાર બોલ્યો. “કોના પર લાઠી ઝીંકશો ?” કૃષ્ણશંકર બોલ્યા, “તમને ખાતરી છે કે આપણા જ માણસોને કે અરે, મહારાજશ્રીને ખુદને કે મંડળીને નહીં વાગે ?”

“તો ?”

આ “તો” જવાબ વગરનો હતો. મહારાજ રવિશંકર અને મંડળી ધક્કે ચડ્યાં. એમનું સાબૂત ઊભું રહેવું મુશ્કેલ હતું. રેલો એટલે સુધી આવ્યો કે ખુદ વ્યાસ અને મહેતા ડી.એસ.પી.ના પગ જમીન પરથી ઊંચકાઈ જાય ને પછી ક્યાંય ન મંડાય.

કાને પડ્યું સંભળાય નહીં એટલે રાવજીભાઈએ દૂરથી હાથનો સંકેત કરીને કૃષ્ણશંકરને બોલાવ્યા. અંતર પાંચ ડગલાનું, પણ કાપતાં પચ્ચીસ મિનિટ થઈ. પહોંચીને સાંભળવાનું તો આ જ. “આમ કેમ થયું ? વ્યાસસાહેબ છે છતાં ?”

“હું નથી,” કૃષ્ણશંકર બોલ્યા. “દર્શનાર્થી છું. છતાં બોલો શું કરું ?”

ચીસ જેવા અવાજે રાવજીભાઈ બોલ્યા: “મહારાજને સાચવો…એમને લઈ આવો. એ હુજ્જત કરીને આગળ વધવા જાય છે. એમના જાનનું જોખમ છે.”

કોઈ અમલદારની જેમ કૃષ્ણશંકર વ્યાસે “હું ડ્યુટી પર નથી” એમ ન કહ્યું અથવા જા બિલાડી મોભામોભ પણ ન કર્યું. ધક્કામુક્કીમાં કચડાતાં –પિસાતાં એ મહારાજ પાસે ગયા. મહારાજ પોકારીપોકારીને “હું પીછેહઠ નહીં કરું “એમ બોલતા હતા ને ધક્કા પર ધક્કા ખાતા હતા. કૃષ્ણશંકરે એમને કહ્યું – વિનંતી કરી અને રક્ષણ માટે ઢાલની જેમ હાથ ધર્યા તો ફરી એ પુણ્યપ્રકોપિત કંઠે બોલ્યા : “મને બચાવવાની કોશિશ ન કરો – હું પીછેહઠ નહીં કરું.”

જે પીછેહઠ ન કરવા માગે અને હઠ કરીને આગે જવા માગે એનું શું કરવું ? કૃષ્ણશંકર વ્યાસના મનમાં સવાલ થયો ને એમને નિર્ણયબુદ્ધિએ જે જવાબ દીધો એનો અમલ એમણે તરત જ કર્યો. રવિશંકર મહારાજનું બાવડું પકડવાનું. પણ અંદરનો પડેલો વ્યવસ્થાપક અમલદાર એમ જ દોરવણી આપતો હતો. દૃશ્ય અનોખું હતું. મહારાજને બાવડેથી થોભીને પાછા લઈ જવાતા હતા. ટોળાએ જોયું – સમજ્યા કે હવે હરિજનોનો પ્રવેશ બંધ રહ્યો લાગે છે. એનું કેન્દ્ર જ ખસેડાઈ રહ્યું છે. એટલે એ વીખરાવા લાગ્યું. રવિશંકર મહારાજ આ રીતે ગાયકવાડની હવેલીએ આવ્યા. મંડળી પણ આવી. લોકો ચૌટેચકલે જઈને વાતોએ વળગ્યા. ને ભગવાન રણછોડજી હરિજનોની પ્રતીક્ષામાં જ મૂર્તિ થઈ રહ્યા.

કાર્યક્રમ બંધ તો ન રહ્યો સાવ, પણ મુલતવી રહ્યો બીજા દિવસ પર. પણ આ વખતે જવાબદારી પૂરી કૃષ્ણશંકર વ્યાસે લેવી પડી કારણ કે એમણે કાલે સાચો ચમકારો દાખવ્યો હતો.

“ભલે,” એમણે કહ્યું : “પણ હું લીલી ઝંડી આપું ત્યારે જ મહારાજે અને મંડળીએ ઉતારેથી રવાના થવાનું. ભલે થોડીવાર લાગે. અર્ધો કલાક-કલાક આઘુંપાછું પણ થાય.”

આખો દિવસ પડ્યો હતો, પણ વ્યવસ્થા માટે એ ટૂંકો ગણાય. વિચારવામાં જ ઘણો સમય નીકળી ગયો. જમ્યા અને વામકુક્ષી કરી એટલું એમાંથી બાદ. સાંજે કૃષ્ણશંકર વ્યાસ ડાકોર ગામમાં લટાર મારવા નીકળ્યા. કોઈને એમ લાગે કે સાહેબ પગ છૂટા કરવા નીકળ્યા છે. સરકારી કામ હોય તો મોટર લઈને ન નીકળે ? ને પાછા આમ સામાન્યજનની જેમ રસ્તે દુકાને-રેંકડીએ ખરીદી કરવા ઊભા રહે ? ચાલતાં ચાલતાં જ એમ એક પરિચિતને ઘેર બેસવા ગયા. એ માણસ આમ પાછો સનાતન ધર્મચુસ્ત હતો. બીજા ચાર જણા ત્યાં જામ્યા હતા. આ જ વાત ચાલતી હતી. વ્યાસસાહેબ એમાં ભળ્યા. થોડી હા-હો કરી. પછી લાગલું જ પૂછ્યું : “નિજમંદિરમાં હરિજન ન આવી શકે એ તો સમજ્યા, પણ તમને એની કોઈ ખાતરી છે કે સભામંડપમાં કોઈ હરિજન બચ્ચો નહીં આવતો હોય ?” વિચારમાં પડી જવાય એવો સવાલ. જવાબ : “એ તો શી ખબર પડે ? આજકાલ તો હરિજનોય સફેદ બગલા જેવાં કપડાં પહેરતા થઈ ગયા છે.”

“તો પછી” વ્યાસસાહેબ બોલ્યા : “ભલા માણસ, જે તમારા હાથમાં જ નથી. જેને સરકારે પણ ગેરકાયદે ગણ્યું છે એવા કામ પર શું કામ ખોફ રાખો છો ? શું કામ સામા પૂરે ચાલો છો ?”

માત્ર બી.સી.એસ.આર.નો (સરકારી નોકરી અંગેના નિયમોનો) જ નહીં, પણ આ તો શાસ્ત્ર-ઈતિહાસનો પણ જાણકાર અમલદાર ! દાખલાદલીલો આપ્યાં પુરાણોમાંથી, ઈતિહાસમાંથી, સંતો મહંતોમાંથી કબીરને લાવ્યા-નરસિંહ મહેતાને વચમાં લાવ્યા.

જો કે, ચર્ચા લાંબી ચાલી, પણ ફળ એ આવ્યું કે વિરોધના એ લોકોએ આગેવાનો તરીકે નિષ્ક્રિય થઈ જવાનું તો મંજૂર રાખ્યું. વ્યાસસાહેબને ઓડકાર આવી ગયો. આથી વિશેષ કંઈ જોઈએ નહીં. હાથ મિલાવીને એઊભાથઈ ગયા.

હવે બીજો મોરચો સંભાળવાનો હતો, જે સવારે હતો.

મંદિર પાસે પાંચ રસ્તા ભેગા થતા તે ચોકમાં સવારથી જ પોલીસ ગોઠવી દીધી. પોલીસની બેવડી હાર, એક એક ઈન્સ્પેક્ટરના હવાલામાં. અંદર પોલીસ, બહાર પોલીસ. સાચા દર્શનાર્થી સિવાય કોઈ અંદર ન પ્રવેશી શકે. જેને જવું હોય તે પોલીસની દેખરેખ નીચે જાય. આશરે પાંચસોએક દર્શનાર્થી ભેગા થયા હશે. એમાં થોડા ખાટસવાદિયા પણ ખરા. એમાં એક પરિચિત લાગતા પણ નીકળ્યા. મુખ્ય દરવાજો પકડીને બેઠેલા, વિરોધ કરવા. સલૂકાઈથી સમજાવ્યા. તે ન સમજ્યા.એટલે કાયદેસર પકડી જેલભેગા કર્યા. એવી રીતે ચાર પાંચ મોટી ઉંમરની બાઈઓ નીકળી. એમને જેલમાં જવાની ઉમેદ હતી. તે પૂરી કરી. આ બધો તાલ નેતા વગરનું ટોળું જોયા કરે, પણ સળવળાટ થાય નહીં અને એ જ મહારાજશ્રીને બોલાવવાનો શ્રેષ્ઠ સમય સમજીને કૃષ્ણશંકર વ્યાસે સંદેશો મોકલ્યો કે તરત પાંચ મિનિટમાં રવિશંકર મહારાજ હરિજનમંડળીને સાથે લઈ આવી પહોંચ્યા. હવે તો બધું સડેડાટ જેવું લાગતું હતું, પણ ચાર જુવાનિયા નીકળ્યા. આડા ફર્યા, પણ કૃષ્ણશંકર વ્યાસ પાસે એનીય ખેંચણદોરી હતી. એમાંથી એક જણ એક સ્નેહીની દુકાનમાં ભાગીદાર હતો એ સ્નેહીને બોલાવી કહ્યું : “શા માટે તારા ભાગીદારને બરબાદ થવા દે… સમજાવ એને..પાછો વળી જાય.” સ્નેહીએ સમજાવ્યો એટલે ચારમાંથી એક પાયો તો ખડ્યો. એટલે વિરોધ ખોડંગાઈ ગયો. એમ ન થાત તો મહારાજની ઈચ્છા એ યુવકોને સમજાવીને એમનો હૃદયપલટો કરવાની હતી અને એ પેરવી સાચી હતી તો ય અત્યારના સંજોગોમાં કૃષ્ણશંકર વ્યાસ એને ”પેંગડે પગ ને બ્રહ્મ-ઉપદેશ’” તરીકે સમજી શકવાની દૃષ્ટી ધરાવતા હતા.

અંતે જયજયકાર થઈ ગયો. “રણછોડરાય કી જય” બોલાઈ અને હરિજનો ડાકોરના રણછોડરાયની સન્મુખ ઊભા રહ્યા. રવિશંકર મહારાજે પણ રણછોડરાયની મૂર્તિ સામે જોઈને એક ભીની નજર કૃષ્ણશંકર તરફ નાખી લીધી.

(આ શાણા અમલદારના બીજી કુનેહયુક્ત કિસ્સાઓ આવતા સોમવારે)

(ક્રમશ: )


લેખક સંપર્ક :

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઈસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઈન- +91 79-25323711/ ઈ મેલ- rajnikumarp@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

7 Comments

 • Piyush Pandya says:

  આવા Unsung Heroes વિષે કોઈ દિવસ જાણવા ન મળે એવી માહિતી આપતા રહો છો એનો ખુબ જ આનંદ છે. આવી બળુકી કલમ વડે ઉજાગર થતાં પાત્રો જીવંત થઈ ઉઠે છે.

 • Vallabhabhai Patel jevi himmat and duramdeshi yaad aavi jaaya !
  Thanks for true story

 • સંજય ઉપાધ્યાય says:

  ઘણા સમયે આપની કલમનો જાદુ માણ્યો. ફેઇસબુક પર નિયમિત લખો છો? કદાચ નહિ. આપને નિયમિત
  વાંચવા માટે આ પેઇજ પર મુલાકાત કરવી કે અન્ય બ્લોગ પર લખો છો?

  • Rajnikumar Pandya says:

   આ 80 ની વયે હવે બીજી લેખન સંપાદન પ્રવૃત્તિ વધી એટલે કોલમ લેખનમાત્ર બે જ સ્થળે, એક આ વેબ ગુર્જરી અને બીજુ ક્વચિત અમેરિકાનું ગુજરાત ટાઇમ્સ. એ સિવાય અવારનવાર અખંડ આનંદ,કુમાર,નવનીત સમર્પણ અને અન્ય સ્થળોએ. ઉપરાંત નવાં પુસ્તકો.
   આપની લાગણી બદ્લ આભાર.
   આપને આ વેબ ગુર્જરીની લિંક નિયમિત મળે છે . નહિં તો મને મારા ઇ મેલ rajnikumarp@gmail.com પર આપનો ઇ મેલ આઇડી મોકલો.
   કુશલ ?

 • Ishwarbhai Parekh says:

  BHAVVAHI NIRUPAN rAJNIKUMAR MAHARAJ NI AAVAAT VANCHI rADI PADAYU ! JEMNI SATHE ME LAGABHAG 15 DIVAS SEVA SATHE SATSANG MA RAHYO BOCHASAN .

 • pragnajuvyas says:

  ‘… અત્યારના સંજોગોમાં કૃષ્ણશંકર વ્યાસ એને ”પેંગડે પગ ને બ્રહ્મ-ઉપદેશ’” તરીકે સમજી શકવાની દૃષ્ટી ધરાવતા હતા.અંતે જયજયકાર થઈ ગયો. “રણછોડરાય કી જય” બોલાઈ અને હરિજનો ડાકોરના રણછોડરાયની સન્મુખ ઊભા રહ્યા.’ધન્ય આવા મોટા પ્રશ્નના સહજ ઉકેલ માટે
  વધુ આનંદ ‘ રવિશંકર મહારાજે પણ રણછોડરાયની મૂર્તિ સામે જોઈને એક ભીની નજર કૃષ્ણશંકર તરફ નાખી લીધી.’
  વાંચી થયો હવે રાહ આ શાણા અમલદારના બીજી કુનેહયુક્ત કિસ્સાઓ માણવાની

 • Gulabrai D. Soni says:

  ખરેખર!મરદ ભાયડા કહેવાય! હિન્દુ ધર્મનું આ પાપ ક્યારે છુટશે? હજુ આજે પણ સમાજ બહુ સુધર્યો નથી,ઉપરથી બધું સારું દેખાય પણ અંદર લોલમલોલ ચાલે છે.રણછોડ રાયને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે.અને સંપૂર્ણ ભારત એક થાય.એજ અભ્યર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME