ભગવાન થાવરાણી

હમણાં – હમણાંથી એક જ લેખમાં બે ગીતો સમાવી લેવાનો અભરખો ઉપડ્યો છે અને એ અકારણ નથી. એ બે ગીતો વચ્ચે કોઈક સેતુ, કોઈક સંધાન તો હોય જ છે પરંતુ એથીય અગત્યની બીજી એક વાત. આ લાલસા પાછળ ‘મરીઝ’ નો એક શેર પણ કારણભૂત છે ::

જિંદગીના  રસને  પીવામાં  કરો  જલદી   મરીઝ

એક  તો  ઓછી  મદિરા  છે  ને  ગળતું  જામ  છે ….

રસાસ્વાદ કરવો અને કરાવવો ગમે એવાં માત્ર શૈલેન્દ્રનાં જ કેટલાં બધાં ગીતો, એ રસાસ્વાદના આલેખન દરમિયાન ભાવકોના આનંદના ખ્યાલ ઉપરાંત નિજાનંદે એ પ્રક્રિયામાં મહાલવાનો વધારાનો આનંદ (નઘરોળ સત્ય કહું તો એ જ આનંદનું પ્રલોભન આ બધું લખવા પ્રેરે છે !) અને બીજી બાજૂ કેવળ એક જ જિંદગી ! આ વાતના સંદર્ભે ‘મરીઝ’ના આ શેર સાથે ગુસ્તાખી કરી ને કહું તો :

ગટગટાવો જામ ઉપર  જામ   ગીતોના   તમે

માણવા  લાયક  ઘણું  ને  જિંદગી  બસ  એક  છે …

આવી રીતે બબ્બે ગીતોને સાંકળી લેવાનું એક અન્ય નાનકડું કારણ એ પણ કે કેટલીય ગીત- બેલડીઓ એવી છે જે ગાઈએ – ગણગણીએ તો અનાયાસ એક ગીતમાંથી બીજામાં ઘુસી જવાય અથવા, બીજા શબ્દોમાં, એક ગીતના મુખડામાંથી પ્રવેશ કરીએ તો બીજાના અંતરામાં નીકળીએ અને બીજાના મુખડામાંથી પહેલાનાં અંતરામાં ! અને એ પણ સાવ અજાણપણે ! આનું કારણ બહુધા બન્ને ગીતોનો સમાન લય, સમાન રાગ, સરખો તાલ, એક જ ગાયક કે ગાયિકા , શબ્દોમાં સમાયેલો એકસરખો ભાવ અથવા છેવટે આપણી બે અલગ-અલગ સ્મૃતિઓ વચ્ચેનું કોઈક અગમ્ય જોડાણ – આ બધામાંથી કશુંક હોય છે. આજના બન્ને લતા-શૈલેન્દ્ર-શંકર જયકિશનના ગીતોમાં આ બધામાંનું થોડું-થોડું છે. હું ‘રુક જા રાત ઠહર જા રે ચંદા’થી ગીત ગણગણવાનું શરુ કરું અને સીધો બીજા ગીતના અંતરા ‘જિસને બરબસ બાંધ લિયા હૈ’માં પહોંચી જાઉં અને ‘મન રે તૂ હી બતા ક્યા ગાઉં’ વાળો મુખડો આરંભૂં તો ‘પહલે મિલન કી યાદેં લેકર આઈ હૈ યે રાત સુહાની’વાળા અંતરાના છેડેથી બહાર નીકળું ! વધારાના કારણો શોધવા બેસું તો આછું-પાતળું એવું પણ નીકળી આવે કે બન્ને એક જ સંગીતકાર-ગાયિકા-ગીતકારનાં ગીતો છે એટલું જ નહીં, બન્ને વ્યથા-ગીત છે, એક જ લય-તાલમાં છે, બન્ને ફિલ્મો એક જ વર્ષ ૧૯૬૩માં આગળ-પાછળ રજૂ થઇ હતી અને બન્ને ફિલ્મો મેં મારા ગામના થિયેટર સૂર્ય સિનેમામાં ઉપરાછાપરી જોઈ હતી !

આજના બન્ને ગીતોની ફિલ્મો દક્ષિણના માતબર નિર્માણ-ગૃહોની હતી, ચિત્રાલય અને પ્રસાદ પ્રોડક્શન્સ ની. પહેલાં આપણે ‘દિલ એક મંદિર’ ફિલ્મના ગીતની વાત કરીએ. નિર્માતા, નિર્દેશક, વાર્તાકાર, પટકથાકાર અને સંવાદલેખકની બહુમુખી પ્રતિભા ધરાવતા સી. વી. શ્રીધર તમિલ અને તેલુગુ ભાષાઓમાં ૧૮ જેટલી અત્યંત સફળ ફિલ્મોનું સર્જન કરી રાજકપૂર- વૈજયંતિમાલાની સફળ ફિલ્મ ‘નઝરાના’ દ્વારા હિંદી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ્યા અને આવતાંવેંત શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર પુરસ્કાર પામ્યા. (એ જમાનામાં ફિલ્મફેર પુરસ્કારો વાસ્તવિક ગુણવત્તાના ધોરણે અપાતા !) એ પછી ફરી ચાર સફળ તમિલ ફિલ્મો બનાવ્યા પછી આવ્યું ૧૯૬૩માં ‘દિલ એક મંદિર‘.(આ પહેલાં પણ એ સફળ હિંદી ફિલ્મ ‘ભાઈ ભાઈ’ની વાર્તા ૧૯૫૬માં લખી ચૂક્યા હતા). ‘દિલ એક મંદિર’ ૧૯૬૨માં બની ચૂકેલી અતિસફળ તમિલ ફિલ્મનું આબેહૂબ હિંદી સંસ્કરણ હતું અને એ પછી પણ આ જ કથાનક ઉપરથી ૧૯૬૬ માં તેલુગુ, ૧૯૭૬માં મલયાલમ અને ૧૯૭૭માં સફળ કન્નડ ફિલ્મો બની.

આમ તો ‘દિલ એક મંદિર’ માં મુખ્ય ભૂમિકાઓ રાજેન્દ્ર કુમાર, મીના કુમારી અને રાજ કુમારની હતી પરંતુ ઉત્કૃષ્ટ અભિનયની ખરી જુગલબંધી તો હતી મીના અને રાજ કુમાર વચ્ચે ! એ બન્ને ની સરખામણીમા રાજેન્દ્ર કુમાર ઘણો ઊણો, ઘણો નબળો પુરવાર થતો હતો, સશક્ત ભૂમિકા અને પાત્રાલેખન હોવા છતાં, અને એમાં કંઈ આશ્ચર્ય જેવું નહોતું, એ અપેક્ષિત જ હતું ! એ દિવસો પણ હતા રાજ કુમાર ‘જાની’ના બીબામાં ઢળી પીટ-ક્લાસ અને ટિકિટબારી ને રીઝવવા માટેની નરી ડાયલોગ-બાજી કરતો થયો એ પહેલાંના ! (યાદ કરો મધર ઇંડીયા, પૈગામ, ઉજાલા, દિલ અપના પ્રીત પરાઈ, ઘરાના, ગોદાન અને ‘ઊંચે લોગ’ની એની ભૂમિકાઓ અને અભિનય !) મીના કુમારી તો પહેલેથી નીવડેલ અભિનેત્રીનો મુકામ હાંસલ કરી ચૂકેલી હતી. ફિલ્મ કેવળ સફળ જ નહીં, મેહમૂદની બિનજરૂરી કોમેડીને બાદ કરતાં સ્વચ્છ અને હૃદયસ્પર્શી પણ હતી. એક નજર ફિલ્મના શંકર જયકિશની ગીતો પર :

૧.

યહાં કોઈ નહીં તેરા મેરે સિવા

રફી

હસરત

૨.

યાદ ન જાએ બીતે દિનોં કી

રફી

શૈલેન્દ્ર

૩.

જૂહી કી કલી મેરી લાડલી

સુમન કલ્યાણપૂર

શૈલેન્દ્ર

૪.

પાલનહારે રામ હૈં (માત્ર સાખી સ્વરૂપે)

સુમન

શૈલેન્દ્ર

૫.

હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે

લતા

હસરત

૬.

દિલ એક મંદિર હૈ (ટાઇટલ સોંગ)

રફી – સુમન

હસરત

૭.

રુક જા રાત ઠહર જા રે ચંદા

લતા

શૈલેન્દ્ર

આજનું ગીત

એ જમાનામાં શંકર જયકિશનમાં સર્જકતાનો એવો જુવાળ હતો કે એ કથીરને સ્પર્શે તો ય સોનું થઈ જતું! નહીંતર એક જ ફિલ્મનાં બધાં જ ગીતો એકમેકથી ચડિયાતાં, લોકપ્રિય અને ઉત્કૃષ્ટ હોય એવું કેમ બને?

આ રહ્યા ફિલ્મનાં મારા મત મૂજબના શ્રેષ્ઠ ગીતના શબ્દો :

રુક જા રાત ઠહર જા રે ચંદા
બીતે ન મિલન કી બેલા
આજ ચાંદની  કી નગરી  મેં
અરમાનોં કા મેલા

પહલે મિલન કી યાદેં લેકર
આઈ  હૈ  યે  રાત  સુહાની
દોહરાતે હૈં ફિર યે  સિતારે
મેરી  તુમ્હારી  પ્રેમ કહાની

કલ કા ડરના કાલ કી ચિંતા
દો તન હૈં  મન એક  હમારે
જીવન સીમા સે આગે  ભી
આઉંગી મૈં  સંગ  તુમ્હારે

રુક જા રાત ઠહર જા રે ચંદા……

ફિલ્મ ખાસો-આમમાં લોકપ્રિય બની એ માટે ફિલ્મની ચુસ્ત કથા-પટકથા અને શ્રીધરની માવજત તો જવાબદાર હતાં જ, પરંતુ અર્જુનદેવ ‘રશ્ક’ નામની વિશુદ્ધ સાહિત્યિક પ્રતિભાએ લખેલા સંવાદોનો ફાળો પણ નાનોસૂનો નહોતો. એમણે સંવાદો લખ્યા એવી અન્ય ફિલ્મો એટલે ‘નયા દૌર’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘આમ્રપાલી’ અને ‘ઊંચે લોગ’. આ બધી ફિલ્મોના સંવાદોની ઊંચાઈનું જેમને સ્મરણ હશે એ નિશ્ચિતપણે એમને ફિલ્મ જગતના બેહતરીન સંવાદ-લેખકો રાજીંદરસિંગ બેદી, કૃષ્ણ ચંદર, રામાનંદ સાગર, અખતર-ઉલ-ઇમાન અને રાહી માસૂમ રઝાની હરોળમાં મૂકશે ! કહે છે, બિમલ રોયની ફિલ્મોમાં ગીતો માત્ર પૂરક સામગ્રી નહીં પરંતુ ફિલ્મની કથાને આગળ વધારનારું ચાલક બળ બની રહેતાં. અહીં આ ફિલ્મમાં અર્જુનદેવના સંવાદો એ જ કામ સુપેરે કરે છે.

ફિલ્મની વાર્તા જોઈએ. સમગ્ર કથા એક જ હોસ્પીટલના સેટ ઉપર અને ૧૦થી ૨૫ નવેમ્બરની તારીખો દરમિયાન આકાર લે છે. શહેરની કેન્સર હોસ્પીટલના કુશળ અને નામાંકિત કેન્સર સર્જન ડો. ધર્મેશ (રાજેન્દ્ર કુમાર) પાસે રામ અને સીતા નામનું દંપતિ (રાજ કુમાર-મીના કુમારી) રામ ના બહુ આગળ વધી ચૂકેલા ફેફસાંના કેન્સરના ઇલાજ માટે આવે છે. ધર્મેશ સીતાને જોઈને આઘાત પામે છે કારણ કે આ એ જ સ્ત્રી છે જેના પ્રેમમાં એ પાગલ હતો અને એ વિલાયત ભણવા ગયો ત્યારે પાછળથી જે સ્ત્રીએ એની સાથે દગાબાજી કરી ‘અન્ય’ કોઈ જોડે લગ્ન કરી લીધાં હતાં. એ જ સ્ત્રીને ભૂલવા માટે તો ધર્મેશે પોતાની હોસ્પીટલ, પોતાના વ્યવસાય સાથે લગ્ન કરી લીધાં હતાં ! નિદાન અનુસાર રામનું ઓપરેશન એ જ સાજા થવાની ક્ષીણ આશા છે અને ડો. ધર્મેશ વિશ્વાસ અપાવે છે કે ઓપરેશન સફળ થાય એ માટે પોતે કોઈ કસર નહીં છોડે પરંતુ ભૂતપૂર્વ પ્રેમિકા અને વર્તમાન પતિપરાયણ પત્ની સીતાના દિલોદિમાગમા શંકાનો કીડો સળવળતો રહે છે કે ધર્મેશ પોતે કરેલી ‘બેવફાઈ’નો બદલો એના પતિનો જીવ લઈને લેશે ! હોસ્પીટલમાં જ ધર્મેશ-સીતા વચ્ચે થયેલી વાતચીત રામ અજાણતાં સાંભળી લે છે અને શરુ થાય છે ત્રણ ઈમાનદાર હૈયાંઓની ભીતરી કશમકશ !

ઓપરેશનની આગલી રાતે રામ સીતાને વિનવણી કરે છે કે એના જીવનની આ સંભવત: આખરી રાતે સીતા એની સમક્ષ એમની સુહાગ રાતનાં વસ્ત્રો અને આભૂષણોમાં આવે. અનેક મનોમંથનોમાં અટવાતી સીતા મજબૂરન પતિની વાત માને છે અને રામે ઇચ્છેલા વસ્ત્રાભૂષણો ઓઢી કમરાનો દરવાજો ઉઘાડે છે

હાર્મોનિયમના ધીમા સૂરો. સમૂહ વાયલીન્સ. ગત આલેખમાં જણાવી ગયા તેમ ‘તુમ જો હમારે મીત ન હોતે’વાળા ‘આશિક’ ના ગીતનો ઉપાડ અદ્દલોઅદલ આવા જ વાયલીન્સથી થાય છે. પતિ રામ ને ચરણસ્પર્શ કરી બારી ખોલતી સીતા. બારીમાં ચંદ્ર ઝાંકે છે. વાદળો અને ચંદ્ર વચ્ચેની સંતાકૂકડી જાણે જીવન અને મૃત્યુ વચ્ચેની હોય એવું લાગે છે સીતા ને !

આજની રાત પૂરતો રોકાઈ જા હે ચંદ્રમા ! આ મિલન-રાત્રિ ક્યાંક અકાળે જ પૂરી ન થઈ જાય. આજે તારી ચાંદનીની સાક્ષીએ અમારા અધૂરા અરમાનોના મિલાપની મધુરજની છે. આ રાત ફરી નહીં આવે અને આ રાત પછી બીજી કોઈ રાત આવશે કે કેમ એનો કોને ભરોસો છે? અહીં લતા આજ ચાંદની કી નગરી મેંગાયા પછી જે રીતે અરમાનોંશબ્દ ચીસરૂપે છોડે છે એના મૌન પ્રહારથી ભલભલું હૈયું વિંધાઈ જાય !

ફ્લેશબેકમાં સીતા-રામના લગ્નનાં દ્રશ્યો. સમૂહ વાયલીન અને સિતાર. શંકર જયકિશનની અન્ય ઉત્કૃષ્ટ ધુનોની જેમ અહીં પણ એક એવી પૂર્ણતા છે જ્યાં વાદ્યવૃંદ-ઓરકેસ્ટ્રેશનનું મહત્વ એટલું જ છે જેટલું ગાયિકાના સ્વર અને કવિના શબ્દોનું. સમગ્ર ઓરકેસ્ટ્રેશન પરિસ્થિતિઓ અને લતાના અવાજમાં એવું તો એકાકાર થઈ જાય છે કે એકને બીજાથી અલગ તારવી જ ન શકાય ! નેપથ્યે વાગતા હળવા તીનતાલી તબલાં પણ એવી અદબપૂર્વક લયની પૂરવણી કરે છે જાણે કે અન્ય વાદ્યો સાથે મૌન સમજૂતી હોય કે ક્યાંય અતિક્રમણ ન કરીને વિશુદ્ધ સંવાદિતા જાળવવી !

આપણા પ્રથમ મિલનના સ્મરણોની જાન લઈને આવી છે આ સોહામણી રાત. સિતારાઓના ઝૂંડ જાણે ફરી એક વાર તારી-મારી-આપણી પ્રેમકહાણીનો પ્રતિઘોષ કરે છે.અહીં ફરી એક વાર એક નાનકડી ચમત્કૃતિ. પહેલી વાર બુલંદ સ્વરે મેરી તુમ્હારી પ્રેમ કહાનીઉચ્ચાર્યા પછી બીજી વાર એ જ પંક્તિનો પુનરુચ્ચાર સાવ ધીમા ફુસફુસાહટભર્યા અવાજમાં લતા એ રીતે કરે છે જાણે નાયિકા પતિના કાનમાં હળવેકથી કોઈક આત્મીય ખાનગી વાત કહેતી હોય ! આ આવિષ્કાર માટે સંગીતકાર અને ગાયિકાને પૂર્ણ અંક !

પતિની છાતી પર સમર્પણ ભાવે ઝૂકતી સીતા. ફરી લગ્ન અને સુહાગરાતનાં સ્મરણો. આ વખતે પાર્શ્વ-સંગીતમાં સિતાર અને વાયલીન્સ સાથે શહનાઈનો ચિત્કાર પણ જોડાય છે.

આવતી કાલે શું થશે એનો અજ્ઞાત ભય અને કાળના પંજાની લટકતી તલવાર એ બન્ને જાણે દીવાલ બનીને આપણા બે શરીર અને એક જાનની વચ્ચે ઊભા છે. આમ તો જીવનની સીમાઓ જે બિંદુએ પૂરી થાય છે ત્યાં સૂધી જનારાને વળાવીને દરેક હયાત સંગી-સાથીએ પાછા ફરવું પડે છે પણ હું તો એ સીમાને પણ વળોટીને તારી સંગે આવીશ અનંતના ઓવારા લગી !‘. આપણે સૌ જાણીએ છીએ કે આ શક્ય નથી પણ આવું વિશ્વાસ અને જિદ્દપૂર્વક બોલનાર પણ કોઈક સાથી સાંપડે એ આનંદ અને સંતોષ ઓછો છે ! ફરી પહેલા અંતરાની જેમ આઉંગી મૈં સંગ તુમ્હારેનો બીજી વારનો હળવો અનન્ય ઉચ્ચાર.

સીતા કેલેંડરના ફરફરતા અને વારંવાર પચ્ચીસ નવેમ્બરની ભયાવહ તારીખ દેખાડતા પાનાને જોઈને હાથેથી એ ઉડતા પાનાને રોકે છે, જાણે વીતી રહેલા કાળ કે હાથ છોડાવી જઈ રહેલા કોઈ જીવને પરાણે રોકતી હોય !

ન  હાથ   થામ   સકે  ના  પકડ  સકે  દામન

બહોત  કરીબ  સે  ઉઠકર  ચલા  ગયા  કોઈ

રામના ચહેરાનો ક્લોઝ-અપ. એના ચહેરા પર સ્પષ્ટ ઉકેલી શકાતો મૃત્યુનો ઓછાયો. એ ઝાંખપને દૂર કરવા મથતો સીતાનો ચહેરો. રામના ચહેરા અને દેહને ભાવપૂર્વક પસવારતી સીતા. ‘રુક જા રાત ઠહર જા રે ચંદા’ એ ધ્રુવપંક્તિનું સતત ત્રણ વાર ક્રમશ: ધીમું પડતું જતું પુનરાવર્તન અને રામના હાથમાંથી પોતાનો હાથ બળપૂર્વક છોડાવી એના ચરણોમાં ઢળી પડતી સીતા.

ગીત પૂરું થતાં આપણે દર્શકો પણ જાણે હૃદયપૂર્વક પ્રાર્થી ઊઠીએ છીએ સીતાના સુહાગની રક્ષા કાજે !

જેમણે ફિલ્મ જોઈ છે એ ભાવકો રામના સફળ ઓપરેશન અને ફિલ્મના હૃદયવિદારક કરુણાંતથી સુવિદિત છે.

મજાની વાત એ છે કે આવી કરુણ ફિલ્મ આપનાર શ્રીધર થોડાક વર્ષો પછી એનાથી સાવ સામા છેડાની પૂર્ણ કોમેડી ફિલ્મ ‘પ્યાર કિયે જા’એટલી જ સહજતાથી લાવ્યા અને કામિયાબ પણ થયા.

હવે ‘ હમરાહી ‘ .

અગાઉ કહ્યું તેમ આ ફિલ્મ પણ ‘દિલ એક મંદિર’ની લગભગ સાથોસાથ જ આવી હતી. એ જમાનામાં આ ફિલ્મની નિર્માણ-સંસ્થા પ્રસાદ પ્રોડક્શન્સ ઉપરાંત એ.વી.એમ, જેમિની અને વાસુ ફિલ્મ્સ જેવી માતબર ફિલ્મ ફેક્ટરીઓમાંથી ટિકિટબારી પર ટંકશાળ પાડતી કૌટુંબિક ફિલ્મોના ઘાણ ઉપર ઘાણ ઉતરતા અને તમારા-મારા જેવા લોકો સહકુટુંબ એ ફિલ્મો જોવા ધક્કામુક્કી કરતા.

‘હમરાહી’ પ્રસાદની ટી. પ્રકાશરાવ દિગ્દર્શિત ફિલ્મ. શંકર જયકિશનની સર્જકતા એ વર્ષો માં કેવી પરાકાષ્ઠા પર હતી એ જાણવા જૂઓ ફિલ્મના ગીતો ની ફેહરિસ્ત :

 

૧.

મુજકો અપને ગલે લગા લો ઐ મેરે હમરાહી (ટાઇટલ સોંગ)

મુબારક બેગમ-રફી

હસરત

૨.

વો દિન યાદ કરો વો દિન યાદ કરો

લતા – રફી

હસરત

૩.

કર કે જિસકા ઇંતઝાર મેરા દિલ ગયા હાર

લતા – રફી

શૈલેન્દ્ર

૪.

દિલ તૂ ભી ગા પ્યાર મેં મુસ્કુરા

રફી

શૈલેન્દ્ર

૫.

યે આંસુ મેરે દિલ કી ઝુબાન હૈ

રફી

હસરત

૬.

મૈં અલબેલા જવાં હું રંગીલા

રફી

હસરત

૭.

વો ચલે ઝટક કે દામન

રફી

હસરત

૮.

મન રે તૂ હી બતા ક્યા ગાઉં (આજનું ગીત)

લતા

શૈલેન્દ્ર

અને હવે આજના ગીતનાં શબ્દો :

મન  રે તૂ હી બતા  ક્યા ગાઉં
કહ દૂં  અપને  દિલ  કે દુખડે
યા આંસુ પી જાઉં ..

જિસને  બરબસ  બાંધ લિયા હૈ
ઇસ  પિંજરે મેં કૈદ  કિયા  હૈ
કબ તક મૈં ઉસ પથ્થર દિલ કા
જી બહલાતી જાઉં ….

નીંદ  મેં જબ  યે જગ સોતા હૈ
મૈં    રોતી હું દિલ રોતા  હૈ
મુખ પે જૂઠી    મુસ્કાનોં કે
કબ તક રંગ ચઢાઉં …

મન રે તૂ હી બતા ક્યા ગાઉં…

ફિલ્મ ટિપીકલ દક્ષિણ ભારતીય મસાલા ફિલ્મ હતી. દરેક કક્ષાનાં દર્શકને પોતાનું મનગમતું કંઇકને કંઇક મળી રહે તેવી ટ્રેજેડી, કોમેડી, મેલોડ્રામા, સસ્પેન્સ અને સુરીલાં + જમાવટભર્યાં ગીતોથી ભરપૂર ! દક્ષિણના માનીતા ચોકલેટી હીરો રાજેન્દ્ર કુમાર ઉપરાંત જમુના અને સાથે શશિકલા, મહમૂદ, રાજેન્દ્ર નાથ, આગા, ધૂમાલ અને રાજેન્દ્રકુમારના સાળાશ્રી ઓ.પી. રાલ્હન. પાંચ-પાંચ કોમેડિયનોનો કાફલો !

પ્રસ્તુત ગીત જમુના પર ફિલ્માવાયું છે જે પહેલાનાં યુગની યાદ અપાવતી જૂજ હયાત અભિનેત્રીઓમાંની એક છે. ૨૦૦ ની આસપાસ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરનારી જમુનાની હિંદીમાં માત્ર છ જ ફિલ્મો આવી અને એમાં પણ મુખ્ય નાયિકા તરીકે કેવળ બે – આજની ‘હમરાહી’ અને કિશોર કુમાર સાથેની ‘એક રાઝ’ . દક્ષિણની ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે મહદંશે નાટકીયતાની જ બોલબાલા હોઈ ત્યાંથી આવેલી વૈજયંતિમાલા અને કંઇક અંશે રેખાને બાદ કરતાં ભાગ્યે જ કોઇએ કુશળ અભિનેત્રી તરીકે કાઠું કાઢ્યું. આ ફિલ્મમાં પણ જમુનાનાં અભિનય અને સંવાદ-ઉચ્ચારણમાં ઘણી ઉણપો વર્તાઇ આવે છે (યે અલગ બાત કે આ જ જમુના ને ફિલ્મ ‘મિલન’માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળેલો !) પરંતુ ગીતોની ઉત્કૃષ્ટતા ઘણી બધી ખામીઓ ઢાંકી દે છે.

ફિલ્મ ની વાર્તા ટૂંક માં જોઇએ તો પૈસાદાર સરકારી વકીલ નઝીર હુસૈનનો પુત્ર રાજેન્દ્ર કુમાર ઐયાશ અને ભારોભાર ભ્રમરવૃત્તિ ધરાવતો પિતાની આબરૂની ધજ્જિયાં ઉડાડતો શહેરભરમાં ઇશ્કબાજી કરતો રહે છે. અચાનક એનું દિલ ગરીબ મુનશી આગાની સુશીલ અને ઠરેલ પુત્રી જમુના પર ઠરે છે પણ એનો મિજાજ સુપેરે જાણી ગયેલી જમુના એને મુદ્દલ કોઠું આપતી નથી. જીવ પર આવી રાજેન્દ્ર કુમાર અનેક પેંતરા અજમાવે છે અને એક વાર તો રસ્તે જતા છેલબટાઉની અદાથી એને રીઝવવા પોતાની અગાઉની ફિલ્મ ‘સસૂરાલ’નું ઇશ્કીયા ગીત ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસીકી નઝર ના લગે’ કારની મ્યુઝીક સિસ્ટમ પર સંભળાવે છે પરંતુ વ્યર્થ !! પૈસાદાર પિતાની વગથી બન્નેના લગ્ન તો થાય છે પરંતુ પતિના ‘લખણ’થી વાકેફ જમુના એનાથી દૂર-દૂર રહે છે. એક વાર બન્નેને નજીક લાવવા માબાપ દૂરના હિલ-સ્ટેશને મોકલે છે જ્યાં જમુનાને ન્યૂમોનિયા થાય છે અને પોતાનો પ્રેમ પૂરવાર કરવાની સોનેરી તક મળતાં રાજેન્દ્ર કુમાર દિલોજાનથી પત્નીની સુશ્રુષા કરે છે. જમુનાનાં મનમાં પણ લાગણીના અંકુર ફૂટે છે પણ ફરી એકવાર મિત્રો સાથે રંગરેલિયાં મનાવતાં પકડાઈ જતાં વટાણા વેરાઈ જાય છે. નારાજ પત્ની સાથે પરત ઘેર આવેલ રાજેન્દ્ર કુમારના જન્મ દિનની પાર્ટીનું આયોજન થાય છે જ્યાં હિંદી ફિલ્મોની પરંપરા મુજબ જમુનાને ગીત ગાઈ મહેમાનોનું મનોરંજન કરવાનો આગ્રહ કરવામાં આવે છે. વ્યથિત જમુના ક-મને ગીત ગાવાનું સ્વીકારે છે.

નાની નણંદ સિતાર લાવીને જમુના ને આપે છે અને :

વીણાવાદિનીની મુદ્રામાં સ્ટેજ પર બેઠેલી જમુના. સિતારના સુરોથી ઉપાડ. જાણે સિતાર થકી મનને ઉઘાડવું હોય !

મારા મન ! તું જ કહે, હું શું ગાઉં ? મારી બધી જ વ્યથાઓ સ્પષ્ટ રીતે કહી દઉં કે આંસુઓની સાથે આ પીડાના ઘૂંટડા પણ પી જાઉં ?

ઝિંદગી   એક    આંસુઓં   કા   જામ   થા

પી  ગએ  કુછ  –  ઔર  કુછ  છલકા  ગએ …

બહુ મોઘમ નહીં એવા શબ્દોમાં પોતાની મન:સ્થિતિ મહેમાનો વચ્ચે બયાન કરતી જમુના પ્રત્યેની નારાજગી રાજેન્દ્ર કુમારના ચેહરા પર વાંચી શકાય છે પરંતુ અન્ય ઉપસ્થિતોને ગીતના શબ્દો પાછળ રહેલો ઇશારો ઝાઝો સમજાતો હોય એવું કમ-સે-કમ એમના સપાટ ચહેરાઓ ઉપરથી લાગતું નથી !

વચ્ચે સિતારનું દિલકશ વાદન અને લાક્ષણિક શંકર જયકિશની સમૂહ વાયલીન્સ. ફરી સિતાર અને પ્રથમ અંતરો :

જેણે મને પરાણે જકડી રાખેલ છે બેડીઓથી અને સોનેરી પિંજરમાં કેદ કરી છે એ પાષાણ- હૃદયી પુરુષનું દિલ બહેલાવવાની જબરદસ્તી હું ક્યાં સુધી સહન કરતી રહું ?’

અંતરો પૂરો થાય ત્યારે તબલાં થંભી જઈ, મુખડાને કોઈ અંતરાય વગર ઘૂંટવાનો જાણે મોકો આપે છે લતા ને !

હવે માત્ર સિતારની તાન અને ફરી અંતરો :

જગત-સમગ્ર જ્યારે પ્રગાઢ નીંદરમાં સૂતું હોય છે ત્યારે હું અને મારો માંહ્યલો ભીતરને ભીતર રડી લીએ છીએ મારી દશા પર. જગતને દેખાડવા મુખ પર ઓઢી રાખેલ કૃત્રિમ મુસ્કુરાહટનો અંચળો છેવટે ક્યાં સૂધી ?’

ખૂટી  રહ્યું  દિવેલ  ને  કજળી  રહી  છે  વાટ

જ્યોતિ  જગવશે  પાટ  હવે  કેટલો  વખત  ?

                                                                                                  – ગાફિલ

બીજા અંતરાના અંતે ‘મન રે’ ના લતાના અદ્ભુત તાલવિહીન આલાપથી ગીતની સમાપ્તિ થાય છે. અન્યોની સાથે રાજેન્દ્ર કુમાર પણ યંત્રવત્ તાળીઓ પાડે છે.

સમગ્ર ગીત દરમિયાન કેમેરા જમુનાની વ્યથા અને રાજેન્દ્ર કુમારની નારાજગી પર વારાફરતી મંડરાતો રહે છે. ગીતનું ચિત્રીકરણ ‘દિલ એક મંદિર’વાળાં ગીતની તુલનાએ અત્યંત નબળું ભાસે છે. જમુના અને મીનાકુમારીના ભાવ-કૌશલ્યની પણ સરખામણી થઇ શકે તેવું નથી, હાલાંકિ જમુના પ્રયત્ન પૂરેપૂરો કરે છે. ઉમદા ગીત, મહાન ગાયિકા અને ઉત્કૃષ્ટ વાદ્ય-નિયોજને સમગ્ર પરિસ્થિતિની આબરૂ સાચવી લીધી છે.

ફિલ્મની વાર્તા ગીત પછી તુરંત નાટકીય વળાંક લે છે અને બધું સમૂસૂતર પાર પડતું જણાય ત્યાં રાજેન્દ્ર કુમારની ભૂતપૂર્વ પ્રેમિકા શશિકલાની ચાલબાજી, એનું ‘રહસ્યમય’ ખૂન, ખૂનનો આરોપ રાજેન્દ્ર કુમાર પર, સગા બાપના પુત્ર ને ગુનેગાર ઠેરવી પોતાના વ્યવસાયની પવિત્રતા જાળવવાના પ્રયત્નો અને છેવટે ‘સાચો ખૂની’ ઝડપાતાં રાજેન્દ્ર કુમાર ‘બાઇજ્જત બરી’ – વગેરે ચીલાચાલૂ વળાંકો પછી છેવટે અપેક્ષા મુજબ ઘીના ઠામમાં ઘી પડે છે !

અને છેલ્લે, પહેલાં કહેવી હતી એ વાત. આ લેખમાળા રાગ-વિષયક નહીં પરંતુ શૈલેન્દ્ર-વિષયક છે એવું આપણે દોહરાવી ચૂક્યા છીએ,છતાં છેલ્લા બે’ક હપતાથી રાગ આધારિત ગીતોની જોડીઓ વિષે વાતો થઇ રહી છે એ કેવળ યોગાનુયોગ છે. ખરેખર તો બહુ જ ઓછા ગીતો કોઈ રાગના વિશુદ્ધ સુરો પર અવલંબિત હોય છે. મોટા ભાગનાં રાગ-આધારિત ફિલ્મી ગીતોમાં અન્ય સૂરોનો પણ ચંચુપાત હોય છે જે દરઅસલ ગીતને વધુ લોકભોગ્ય, વધુ કર્ણપ્રિય બનાવતું હોય છે. માત્ર ગીત સાથે, ગીતની મીઠાશ સાથે નિસ્બત ધરાવતા ભાવકને સ્વરોની વિશુદ્ધતા ની તમા પણ હોતી નથી. જે દિલને સ્પર્શે એ જ ઉત્તમ ગીત !

આટલા ઉપસંહાર પછી એટલો ઉલ્લેખ કરીને આજની વાતનું સમાપન કરીએ કે આજના બન્ને ગીતો પણ એક જ રાગ ‘આસાવરી’ પર આધારિત છે !

ફરી મળીશું.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

12 Comments

 • pragnajuvyas says:

  ‘કેટલીય ગીત- બેલડીઓ એવી છે જે ગાઈએ – ગણગણીએ તો અનાયાસ એક ગીતમાંથી બીજામાં ઘુસી જવાય અથવા, બીજા શબ્દોમાં, એક ગીતના મુખડામાંથી પ્રવેશ કરીએ તો બીજાના અંતરામાં નીકળીએ અને બીજાના મુખડામાંથી પહેલાનાં અંતરામાં ! અને એ પણ સાવ અજાણપણે ! ‘આ અમારા રોગના ચિહ્ન તરીકે કહીએ તો અસ્થિર મગજનો રોગ કહી દવા લેવાનું સુચવાય…શ્રી ભગવાન થાવરાણીના આ વખતના હૈ સબ સે મધુર વો ગીત ના ગીતો માણ્યા અને સાથે આ અંગેનું રસદર્શન વધુ ગમ્યુ…આમેય રસદર્શનમા જાણીતી વાત ફરી ફરી માણવાની ગમી.અમારા વૈદ્યકાકા કહેતા આશાવરી લોહીનું એક સમાન ગતિમાં પરિભ્રમણ કરે છે.માથાનો દુખાવો દૂર કરે, શારિરીક ઉત્સાહ અને સ્ફૂર્તિ લાવે.ડૉકટર કાકા પણ ‘ the metaphysical conceit’માનતા
  આપે કહ્યું તેમ- આ રાગિણીમાં કેટલેક ઠેકાણે દરબારી કાનડા અને જોનપુરીનો ભાસ થાય. તેની જાતિ સંપૂર્ણ હોવાથી ખરજ શુદ્ધ, રિખબ કોમળ, ગંધાર મિશ્ર, મધ્યમ કોમળ પંચમ શુદ્ધ, ધૈવત કોમળ, નિખાદ મિશ્ર એ પ્રમાણે સાતે સ્વર આવે. તેમાં ધૈવત વાદી સ્વર રિખબ સંવાદી સ્વર અને મધ્યમ ગ્રહ સ્વર અને ન્યાસ સ્વર ધૈવત છે
  યાદ આવે ધન્ય સોરઠ ને ધન્ય શામળિયો ધન્ય આશાવરી રાગ રે. – નરસિંહ
  નરસિંહે લખેલાં શૃંગાર પદો , રાગ આશાવરી માટે લખેલા અમર-પદમાં કવિ ભક્તિનો મહિમા કરે છે . ચાર જણને આ ભક્તિરસના સ્વાદની ખબર છે, એક શંકર એટલે કે શંકરાચાર્ય, બીજા શુકજોગી, (શુકદેવજી -ભાગવત ), ત્રીજી છે વ્રજ વનિતા (ગોપીઓ ) અને ચોથો છે, નરસૈંયો ભોગી
  રાગ આશાવરી.
  શ્રીગુરુ ગણપતિ શારદા, હું સમરું સુખે સર્વદા;
  મનમુદા કહું મામેરું, મહેતાતણુંરે.
  ઢાળ.
  મામેરું મહેતાતણું, પદબંધ કરવા આશ;
  નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જુનાગઢમાં વાસ.
  ભાભીએ એક વચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
  પરિત્યાગ કીધો ઘરતણો, મહેતો વન ગયા તપકાજ.
  તે વનવિષે એક દેહેરું દીઠું, અપૂજ્ય શિવનું લિંગ;
  નરસૈંયે તેની પૂજા કીધી, અંતરમાંહિ ઉમંગ.
  ઉપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રીમહાદેવ;
  કમળની પેરે લિંગ વિકાશ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.
  કર્પૂર ગૌર સ્વરુપ શોભા, ધર્યા ઉમયા ડાબે પાસ;
  બિરાજે જટામાં જાહ્‌નવી, નિલવટ ચંદ્ર પ્રકાશ.
  છે રુંઢમાળા સર્પભૂષણ, વાઘાંબર ગજ ચર્મ;
  વાજે ડાક ડમરુ શંખ શૃંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.
  તવ નરસૈંયો જ‌ઇ પાયે લાગ્યો, ત્યારે મસ્તક મૂક્યો હાથ;
  માગ્ય માગ્ય હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમયાનાથ.
  મહેતો કહે મહાદેવજી, એક માગું છું સ્વામીન,
  તમતણું દર્શન પામિયો, હવે વિષ્ણુનું દર્શન.
  ધન્ય ધન્ય સાધુ શિવ કહે, તને ભક્તિની છે આશ;
  અખંડ વ્રજમાં ગયા તેડી જ્યાં, હરિ રમે છે રાસ.
  વલણ.
  રાસમંડળતણી રચના, લીલા શી વખાણે કવી;
  નરસૈંયો કૃતારથ થયો, તે કૃપા શ્રીહરની હવી….

  આ કૃપા પામવી છે

  • Bhagwan thavrani says:

   વાહ ! આસાવરી રાગનું રસદર્શન તો મૂળ આલેખ કરતાં પણ ચાર ચાસણી ચડે તેવું તેવું છે.
   અભિનંદન અને આભાર !

 • mahesh joshi says:

  આવી રીતે બબ્બે ગીતોને સાંકળી લેવાનું એક અન્ય નાનકડું કારણ એ પણ કે કેટલીય ગીત- બેલડીઓ એવી છે જે ગાઈએ – ગણગણીએ તો અનાયાસ એક ગીતમાંથી બીજામાં ઘુસી જવાય અથવા, બીજા શબ્દોમાં, એક ગીતના મુખડામાંથી પ્રવેશ કરીએ તો બીજાના અંતરામાં નીકળીએ અને બીજાના મુખડામાંથી પહેલાનાં અંતરામાં ! અને એ પણ સાવ અજાણપણે ! આનું કારણ બહુધા બન્ને ગીતોનો સમાન લય, સમાન રાગ, સરખો તાલ, એક જ ગાયક કે ગાયિકા , શબ્દોમાં સમાયેલો એકસરખો ભાવ અથવા છેવટે આપણી બે અલગ-અલગ સ્મૃતિઓ વચ્ચેનું કોઈક અગમ્ય જોડાણ – આ બધામાંથી કશુંક હોય છે. આજના બન્ને લતા-શૈલેન્દ્ર-શંકર જયકિશનના ગીતોમાં આ બધામાંનું થોડું-થોડું છે. હું ‘રુક જા રાત ઠહર જા રે ચંદા’થી ગીત ગણગણવાનું શરુ કરું અને સીધો બીજા ગીતના અંતરા ‘જિસને બરબસ બાંધ લિયા હૈ’માં પહોંચી જાઉં અને ‘મન રે તૂ હી બતા ક્યા ગાઉં’ વાળો મુખડો આરંભૂં તો ‘પહલે મિલન કી યાદેં લેકર આઈ હૈ યે રાત સુહાની’વાળા અંતરાના છેડેથી બહાર નીકળું ! વધારાના કારણો શોધવા બેસું તો આછું-પાતળું એવું પણ નીકળી આવે કે બન્ને એક જ સંગીતકાર-ગાયિકા-ગીતકારનાં ગીતો છે એટલું જ નહીં, બન્ને વ્યથા-ગીત છે, એક જ લય-તાલમાં છે.
  Also would like to add few lines from remark of p.vyas put hereinabove.
  રાસમંડળતણી રચના, લીલા શી વખાણે કવી;
  નરસૈંયો કૃતારથ થયો, તે કૃપા શ્રીહરની હવી…
  In fact we are blessed to have it as we are privileged to enjoy the songs with such beautiful and analytical comparison(in fact lot more similarity) that to put on nice platter. My compliments to you sir & Thanks.

 • samir dholakia says:

  As usual Thavranibhai takes us to a beautiful journey through 2 Ashawari songs. Both are great but Dil Ek Mandir number is ahead because of some beautiful extra inputs by Shankar Jaikishan. In both stanza after first line is sung by Lata, a heart rending piece of Shehnai cuts through our heart escalating our pain. In both songs Lata has put her soul to portray pathos of the songs. For such a long period of 1949 to 1963 S-J has kept their musical prowess intact. Looking to their output it is a very tough feat. Thanks,Thavranibhai for such a treat!

  • Bhagwan thavrani says:

   Thanks a lot Maheshbhai ! Your prompt and precise comments keep me going !

  • Bhagwan thavrani says:

   સમીરભાઈ ! તમારી ટિપ્પણીઓ વાંચીને હરહંમેશ મને જૂની ‘ મજબૂર ‘ ફિલ્મ નું પેલું લતા- મહેંદ્ર કપૂરનું ચુલબુલું ગીત યાદ આવી જાય છે :

   અગર પૂછા કિસીને હાલ યે કિસને બનાયા હૈ
   તો મૈં તેરા નામ લૂંગા….

 • Sureshkumar G. Vithalani says:

  બહુ જ સુંદર ગીતોનું બહુ જ સુંદર વિવેચન અને રસદર્શન. અભિનંદન.

 • vijay joshi says:

  A joyous romp into the enchanted landscape of yesteryears.

 • મનસુખલાલ ગાંધી says:

  ગીતોનો રસથાળ માણીને જલસો પડી ગયો……..
  બહુ જ સુંદર ગીતોનું બહુ જ સુંદર વિવેચન અને રસદર્શન.
  અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME