– બીરેન કોઠારી

જાહેરમાં શી રીતે વર્તવું તેના કોઈ નીતિનિયમ કે આચારસંહિતા હોઈ શકે? કોઈ વ્યક્તિ મોંઘીદાટ કાર લઈને રોડ પર નીકળે ત્યારે તેમાંના મોટા ભાગનાઓનું વર્તન એવું હોય છે કે રોડ તેમની ખુદની માલિકીનો છે અને પોતાના સિવાયના અન્ય વાહનચાલકોને તેનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. આવું કોઈ શબ્દોમાં નથી કહેતું, છતાં તેમનું વર્તન આમ જ કહેતું હોય છે. તેઓ મન ફાવે ત્યાં પાર્ક કરે, મન ફાવે એટલી ઝડપે ચલાવે કે ઓવરટેક કરે. એ જ રીતે પગે ચાલનારાઓ પણ ઘણી વાર રોડ પર એ રીતે ટહેલતા હોય છે જાણે કે રોડ તેમની માલિકીનો હોય. ટ્રાફિક સિગ્નલ લાલમાંથી લીલો થઈ જાય અને વાહનોની અવરજવર ચાલુ થાય ત્યારે ઘણા રાહદારીઓ હાથ બતાવીને ધરાર વાહનને અટકાવે છે અને રસ્તો ઓળંગે છે. આ ઉદાહરણ માત્ર થયાં. મૉલ, મલ્ટિપ્લેક્સ, બસસ્ટેન્‍ડ, રેલ્વે સ્ટેશન કે બીજાં અનેક જાહેર સ્થળોએ આપણે કેવું વર્તન કરતાં હોઈએ છીએ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. સ્વચ્છતા કે નિયમપાલનનો આગ્રહ રાખનાર નાગરિક ‘વેદિયો’ કે ‘ચોખલિયો’ ગણાવાય અને તે હાંસીને પાત્ર બને એની નવાઈ નથી. અપવાદરૂપ કિસ્સામાં તે આદરપાત્ર ગણાવાય કે તેમની આવી ચેષ્ટા આશ્ચર્યજનક લાગે તે છેવટે એ જ હકીકત સૂચવે છે કે હજી આવી બધી બાબતો સામાન્ય બની નથી. પોતાની સત્તાનું પ્રદર્શન કરવાની સહેજ પણ તક મળે તો રાજાપાઠમાં આવી જવાનું લક્ષણ વ્યાપક છે.

આપણા જેવા નાગરિકો જ પોતપોતાના મતવિસ્તારમાંથી પ્રતિનિધિઓને ચૂંટે છે. લોકશાહીમાં ભલે લોકોના હાથમાં શાસન છે એમ કહેવાતું હોય, પ્રજાએ ચૂંટીને મોકલેલા આ પ્રતિનિધિઓ પોતાની જાતને ‘સેવક’ નહીં, ‘શાસક’ માને છે. પ્રજાની સેવા કરવા માટે મળેલી વિશેષ સુવિધાઓને તેઓ પોતાનો વિશેષાધિકાર માને છે. એટલું જ નહીં, તેઓ પોતાને કાયદાકાનૂનથી પણ પર સમજવા લાગે છે. તાજેતરમાં રવીન્‍દ્ર ગાયકવાડ નામના સાંસદે ‘એર ઈન્‍ડિયા’ના કર્મચારીને માર્યા હોવાનો કિસ્સો ચર્ચાયો. આવો કિસ્સો નથી પહેલો કે નથી છેલ્લો. થોડાં વરસો અગાઉ પ્રજાના એક પ્રતિનિધિએ સિવિલ હોસ્પિટલમાં ફરજરત નર્સને લાફો માર્યો હતો. પ્રજાના એક પ્રતિનિધિની દીકરીને અટકાવીને એક ટ્રાફિક પોલિસે લાયસન્‍સ માંગતાં તે વીફરી હતી. એક સમયના મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રામરાવ આદિકે એર હોસ્ટેસ સાથે બેહૂદું વર્તન કર્યાની ઘટના જે તે સમયે પ્રસાર માધ્યમોમાં ઠીકઠીક ચમકી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કે તેમનાં નિકટનાં સગાંઓએ કોઈ ટ્રાફિક પોલિસ સાથે, કોઈ નર્સ યા ડૉક્ટર સાથે કે ફરજ બજાવી રહેલા અન્ય કોઈ કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હોવાના કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકતા રહે છે, તેને પગલે થોડોઘણો ઊહાપોહ થાય છે, અને એવો કિસ્સો ફરી વાર ન બને ત્યાં સુધી તે ભૂલાઈ જાય છે.

પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં કે તેમનાં સગાંસંબંધીઓમાં અપવાદ સિવાય મોટે ભાગે આવું વર્તન કેમ જોવા મળે છે? પોતે કાયદાથી પર છે અને સત્તાના જોરે કંઈ પણ કરી શકે છે એવી તેમની માનસિકતા વિકસે છે કયા કારણે? આ સવાલનો જવાબ મેળવવો મુશ્કેલ છે, પણ અશક્ય નથી. તેના માટે આપણે આપણી આસપાસ અને સૌથી વધુ તો આપણી અંદર નજર કરવી રહી. સરેરાશ નાગરિકની દૃષ્ટિએ વિચારીએ તો હજી આપણા મનમાં રાજાશાહી પ્રત્યેનો અહોભાવ પૂરેપૂરો ઓસર્યો નથી. આપણા પ્રતિનિધિઓને આપણે આધુનિક રાજા કે આપણા ઉદ્ધારક તરીકે જોતા હોઈએ છીએ. પ્રજાની આ માનસિકતા રીઢા રાજકારણીઓ બરાબર પિછાણે છે. તેઓ વાયદા કે વચનો લૂંટાવતી વખતે એક ઉદારદિલ રાજાના પાઠમાં હોય છે. પણ ચૂંટાઈ ગયા પછી સત્તાખોર શાસકના પાઠમાં આવી જતાં તેમને વાર લાગતી નથી. આ કારણે શાસનની સામે અવાજ ઉઠાવતા, તેમને સવાલ પૂછતા નાગરિકો કે સંગઠનો રાજકારણીઓને ગમતાં નથી. ઘણી વાર એમ લાગે કે વખત વીતતાં પરિપક્વ બનવાને બદલે આપણી લોકશાહી ઉત્તરોત્તર બાલિશતા તરફ ગતિ કરી રહી છે. જાહેર શિસ્ત અને જાહેર વર્તનની ખોટી મિસાલ આપણા નેતાઓ બેસાડી રહ્યા છે, જે પ્રજાજનોના મનમાં અભાનપણે એક ધોરણ કે માપદંડ તરીકે સ્થાન જમાવી દે છે. ચૂંટણીઓ વખતે આ પાસું સૌથી વરવા સ્વરૂપે બહાર આવે છે. શેરીયુદ્ધ કક્ષાની આક્ષેપબાજી, મનોરંજક જુમલાઓ, ચરિત્રહનન માટે કોઈ પણ કક્ષાએ ઉતરી જવું, જૂઠાણાં ફેલાવવાં, આસમાની વાયદાઓ વગેરે બાબતો ચૂંટણીસભાઓમાં એટલી સામાન્ય ગણાય છે કે નક્કર મુદ્દાઓ, સમસ્યાઓ અંગે વાત કરનાર હાસ્યાસ્પદ બની રહે છે. આ નીતિરીતિ ભલે રાજકારણીઓએ અપનાવેલી હોય, પણ આવા રાજકારણીઓને ચૂંટીને મોકલવાથી આપણે તેના સમર્થક છીએ એ જ સાબિત થાય છે. સરકાર ભલે ગમે તે પક્ષની હોય, જાહેર વર્તન અને આચરણની આચારસંહિતા નાગરિકોથી લઈને તેના ચૂંટેલા પ્રતિનિધિઓ સુધીના સૌ કોઈને તે સમાન રીતે લાગુ પડવી જોઈએ. મોટરકાર પર લગાડેલી લાલ લાઈટો પ્રત્યે પ્રજા જ્યાં સુધી અહોભાવથી જોતી રહેશે ત્યાં સુધી સત્તા કે પદનું પ્રદર્શન કરનારા તેઓ કરતા જ રહેશે. એટલું જ નહીં, આ લાલ લાઈટથી અંજાનારાઓનું સ્વપ્ન પણ આ જ હશે.

કોઈ એક દિશાએથી પ્રયત્ન કરીને નક્કર પરિણામ લાવવું અસંભવ છે. પણ અનેક દિશાએથી વિવિધ રીતે સાચા પ્રયત્નો કરવામાં આવે તો લાંબે ગાળે કશુંક પરિવર્તન થાય એવી શક્યતા રહે છે. એકલદોકલ જાગ્રત નાગરિકોનું આ કામ નથી, પણ આવા નાગરિકોનું સંગઠન પોતપોતાના વિસ્તાર પૂરતું જાહેર આચરણની આચારસંહિતા બનાવીને અમલી બનાવી શકે. જાહેર વર્તનમાં સફાઈથી લઈને નાગરિકધર્મમાં આવતી તમામ બાબતો આવી શકે. તેને દંડ કે શિક્ષાને બદલે એક સાહજિક વર્તન તરીકે કેળવવામાં આવે એ વધુ જરૂરી છે. આની શરૂઆત ક્યાંથી કરવી એ સૌથી મોટો સવાલ છે. ખરેખર તો જેઓ ભાવિ નાગરિક બનવાનાં છે એવા બાળકોના ઘડતરથી આ કામનો આરંભ થવો ઘટે. પણ એ માટે શાળાઓએ નાણાંધર્મને બદલે નાગરિકધર્મને પ્રાધાન્ય આપવું પડે. આ બધું ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે આપણી જાત સહિત બીજાઓને પણ આપણા જેવા નાગરિક ગણતા થઈએ.


ગુજરાતમિત્ર’માં લેખકની નિયમિત કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૩-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME