ડો. દિનેશ વૈષ્ણવ

clip_image002clip_image002[4]clip_image002[6]

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ

ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”

ગુજરાતી ભાષાનો વૈભવ મુઠેરો વધારનાર જવાહરને જીવન જીવવાની ચોક્કસ દ્રષ્ટિ મળી ગઈ છે, પણ ઈ દ્રષ્ટિનો પાયો ક્યાં અને કેમ ખોદાણો ઈ જાણવા વાંચો…

શ્રી. મોરારીબાપુ ઘણીવાર કે’છ કે જો દુનિયાનો નકશો જોવો તો ભારત એનું હૃદય છે, ભારતનો નકશો જોવો તો ગુજરાત એનું હૃદય છે, ગુજરાતનો નકશો જોવો તો સૌરાષ્ટ્ર એનું હૃદય છે અને સૌરાષ્ટ્રનો નકશો જોવો તો જૂનાગઢ એનું હૃદય છે. બાપુનો જૂનગાઢ પ્રત્યે પક્ષપાતી પ્રેમ છે જેમ સગી માને પોતાના પેટના જણ્યા બાળક પ્રત્યે હોય. બાપુના આ પ્રેમના કારણોમાં જૂનાગઢે અને આસપાસની ધીંગી ધરાએ સંસ્કાર, સંસ્કૃતિ અને પોતાની એક આગવી અને અનોખી અસ્મિતાનું આવરણ ઓઢ્યું છે. જૂનાગઢ ગીગાભગતના સત્તાધારથી લઈ ને જલારામના વીરપુર ને દેવીદાસબાપુના પરબ લગી પાંગર્યું છે. જૂનાગઢ મનુ આઈના “નાગલ” નેસથી લઈને “મેલડીમા”ના નેસે વસ્યું છે. જૂનાગઢને માંના પેટ જેવું ગયર મળ્યું છે કે જે સવા હાથ પુંછડાના સાવજુને ઉજેરે છ ને તોયે ઈ ભોમકાનું લાવણ્ય શ્રાવણી સાંધ્યએ ખીલતા મેઘધનુષને ઈર્ષા કરાવે છે. જૂનાગઢ ચૌઉદ વરસની ચારણ કન્યાના હાથ અને હૈયાની તાકાતથી લઇ ને પૂ. રતુભાઇ અદાણી, દિવ્યકાંત નાણાવટી ને સૂર્યકાન્ત આચાર્ય જેવાનાં વાણી, વિચાર અને કાર્યોની તાકાતે દીપે છે. જૂનાગઢને આદિ ભક્ત કવિ નરસીથી લઇ ને આજના નવજુવાન મિલિન્દ ગઢવી જેવાએ પદે બાંધ્યું છે, કવિ દાદ જેવાએ લોકવાણીમાં લોકહૈયે પુગાડયું છે, ભીખુદાન જેવાએ શબ્દે શણગાર્યું છે, દિલીપકાકા જેવાએ કંઠે ઢાળ્યું છે, ઘનશ્યામ વ્યાસ જેવાએ વાંસળીના સૂરે વેહ્તું કર્યું છે અને વૃંદાવન સોલંકી જેવાએ પીંછીએ ચીતર્યું છે. જૂનાગઢે પાણીમાં ગળેલા ગોળની જેમ સંપી ને રે’તી અનેક કોમોના રીતરિવાજ ઉઘાડે હાથે ને હૈયે અપનાવ્યા છે, ને એટલે જ જૂનાગઢ પૃથ્વીના ગોળે એક ગામ નથી પણ ગિરનારને ખોળે ઉછેરતું ને એની રીતે કાલાઘેલા કરતું બડુંકું બાળક છે.

જૂનાગઢની ઉપરોક્ત અમૂલ્ય અને અગણિત ઓળખથી તો સૌ કોઈ વાકેફ છે પણ જે ઓછાને ખબર છે ઈ… જૂનાગઢે દર પેઢીને આંગળીને વેઢે ગણાય એટલા ઓટલે બેસી ને વાત્યું માંડવાવાળા પણ દીધા છ. મારી નાતમાં મારી હૈયાતીમાં વડીલોમાં જેની વાત્યું મેં સાંભળી હોય ઈ મારા સસરા જશભાઈ દેસાઈ, મામા દિવ્યકાંત નાણાવટી, મારા માંના મામા ઈશ્વરલાલ વસાવડા, સતુભાઇ બુચ અને માંગરોળના વકીલ ધમુભાઇ વસાવડા.મારી પેઢીનાની વાત્યું મેં સાંભળી છ ઈ નિરુપમ નાણાવટી, અનુમપમ બુચ, અને બકુ અને મારુતિ વૈષ્ણવ. અનુપમે “ધુંવાડા વિનાની ધૂણી” અને બકુએ “સુહાના સફર” પુસ્તકોમાં એની પોતાની વાત્યું માંડી છ. કમનસીબે અમારો મારુતિ આવી ચોપડી લખે ઈ પે’લાં જ ટાઢે શરીરે થઇ ગ્યો. સાહેબ એની વાત્યું – ભલે ઉપજાવેલી કે વધારી ને ઉપસાવેલી હોય પણ – હું આજેય એકાંતની પળે યાદ કરું છ. એની બેચાર વાત એના જ શબ્દોમાં કહું તો; “એના પાંચમી પેઢીએ દાદા જન્માશંકર વૈષ્ણવ અને રા’નવઘણ એકબીજાનો હાથ જાલી ને “અડીકડી વાવ”માં પાણી પીવા કેમ ઉતરતા…, પાડોસમાં ટીકીબેનને કાલ રાતના એવી ઉધરસ ઉપડી કે એની જમણી કીડની મોંએથી બા’ર આવી ગઈ ને પાણીના ઘૂંટડે ગોળીની જેમ ઈ પાછી ગળી ગ્યાં…, જૂનાગઢના નવાબ રસૂલખાનજીની જૂની કબજિયાત નાગરી અડદની કાળી દાળે કેમ ભગાડી…, જૂનાગઢના છેલ્લા નવાબ મોહબત ખાનજીની રોલ્સરોયના એન્જીનમાં મચ્છરનું ભરાવું…” વ. પણ ભાઈ, આ બધા વાત્યું માંડવે કેવા? તો કે:

“તારા કે તેજમેં ચંદર છુપે નહિ

સુરજ છુપે નહિ બાદલ છાંયો

રણે ચડેલ રાજપૂત છુપે નહિ

દાતાર છુપે નહિ ઘેર માગણ આયો

ચંચલ નાર ખૂણે છુપે નહિ

સિંહ છુપે નહિ પીઠ દિખાયો

કવિ ગંગ કહે સુણજા અકબર

ધર્મ છુપે નહિ ભભૂત લગાયો.”

ટૂંકમાં, આ વાત્યું કરવાવાળા સમૂહમાં મુંગા બેઠા હોય તોયે ગોળના ગાંગડે માખીના ગીંગ આવે એમ સભા એની આસપાસ વીંટાઈ જાય. તો મિત્રો, હમણાં જ હોળી ગઈ એટલે હોળીની આવી જ એક વાત અમે ૧૯૬૪માં ભૂતનાથની ફાટકની પાળીએ બેઠાબેઠા સાંજના વિસાવદરથી જૂનગાઢ આવતી ટ્રેન જોવાની રાહમાં હતા ત્યારે મારુતિએ કીધીતી ઈ વિષયની આછી ઓળખ હારે ઉપાડું:

સૌને ખબર છે કે જવાહર બક્ષી ઈ ગુજરાતી દુનિયામાં ચોગમ દિશે અવલ દરજ્જાના કવિ અને વિવેચક તરીકે જાણીતો છે. એના અનેક ગઝલગ્રન્થો ગામેગામ પુસ્તકાલયોના ઘરેણાં છે. ઈ આદિકવિ નરસિંહ, કૃષ્ણઘેલી મીરાં, કૃષ્ણ-સુદામા અને અનેક આવા ઉમદાં ચરિત્રોને એની આગવી શૈલી, શબ્દો અને વાણીમાં જીવિત રાખે છે. જવાહર અને એની કલમના લગનની ૫૦મી સુવર્ણજ્યંતી તાજેતરમાં “મારામાં રાસ ચાલે છે” નેજા હેઠળ મુંબઈ ખાતે ઉજવાણી. ટુંકમાં, જવાહર ઈ સાહિત્ય જગતનું અણમોલ ઝવેરાત છે એટલે એના વિષે જાજું લખું ઈ તો મેઘધનુષમાં રંગ પુરવા જેવું, બરફ ને રંદો મારી ને લાસો કરવા જેવું કે ગુલાબમાં ફોરમ છાંટવા જેવું છે. છતાં એટલું તો હું કહીસ કે ભણતર, હોદ્દો, સફળતા કે સંપત્તિનો રંગ માનવ સ્વાભાવગત અમારા જૂનાગઢીઓમાંથી પણઘણાને ચડ્યો ને પરિણામે:

કોઇએ રંગ બદલ્યો, કોઇને રંગ લાગ્યો

કોઇએ રંગ પુર્યો પણ જવાહરે રંગ રાખ્યો.

જવાહર જૂનાગઢનું નામ જમાપાસે વધુ ઉંચુ કરે છ અને વતનનો રંગ રાખે છ.

હવે અમારા બાળપણમાં ને એનીયે પે’લાં કાઠિયાવાડમાં દરેક ગામનો હોળીએ ક્યાંક અદકું કરવાનો રીવાજ; જેમ કે રાજકોટમાં મીઠાભાઈ પરસાણા ને હિમતભાઈ છાયાણી ફાગ બોલતા, તો ચોરવાડમાં બાબુ વેલારી એના ડુંગરપુરી ઘોડાને પ્રગટેલી હોળી કુદાવતો. માળીયા હાટીનામાં મૂળુબાપા ખોબામાં જ્વાર લઈ ને બળતી હોળી ઉપર ખોબો રાખી ને ફગવા ફોડતા, તો ભંડુરીના ભુવા ભવાનીને હોળાષ્ટકમાતા આવતાં એટલે ઈ ધુણતો ને દાણા પાડતો. જાંજરડામાં જયમલ કાઠી હોળીનાં સળગતા છાણાં હાથમાં જાલતો, તો જૂનાગઢમાં જુવાનીયાઉ નવદમ્પતીની મેડી વીખતા – અર્થાત યુગલના શયનખંડનું છાપરું ખપેડી ને બખોલમાંથી નવદમ્પતીને ભીંજવતા. આવો મેડી વીખાણ જેવો જૂનાગઢમાં બીજો રીવાજ ઈ બારપંદર વરસના છોકરામાંથી એક વલમભાઇ થાતો ને એની ઠાઠડી કાઢતા. તો આપણા સૌનો વ્હાલો કવિ અને વિવેચક જવાહર બક્ષી પણ વાલમભાઈના રૂપે પ્રગટ થાતો અને ત્યારે કેવો રૂડો લાગતો એની મારુતિએ કીધેલ આ મૂળ વાત:

ઈ વખતે જવાહરનું ઘર “જવાહર રોડ” ઉપર. યાં કોઈ ફળિયું નહિ એટલે ઈ કારતકે શરૂ કરી ને સાંજના રમવા નવે નાગરવાડે, વણજારી ચોકે, અંબિકા ચોકે, કુંડી શેરીમાં, બુક્કર ફળિયે, હેઠાણ ફળિયે, ગણેશ ફળિયે, વડ ફળિયે, ઢેબર ફળિયે ને છેલ્લે ફાગણ મહિને અંબાઈ ફળિયે પૂગતો. યાં લગીમાં તો હોળી આવુંઆવું થઇ ગઈ હોય એટલે ઈ આ ફળિયે પૂગી ને “હોળીએ સુ કરવું, કેમ કરવું, ક્યારે કરવું, કોણ સું કરસે, કેટલો ફાળો ઉઘરાવસું… એમ જાતજાતના વિચાર ને પછી એનો અમલ ચાલુ કરીદે. જવાબદારી પોતે લે ને સૌને સોંપે; ફાળો, હોળી ખાડો, રંગ ને ઈ બનાવી ને ભરવાના રંગાડાં, ખજુર, ધાણી, ચાની ભૂકી, ખાંડ, દૂધ, ગયણી, છાણા, ઠાઠડી ને એને લગતો માલસામાન, માટલું ને એમાં ભરવાના ઘઉં, બાજરો, ચણા, નાળીયેર, વી. આ બધું બધા કરીલે યાં અંબાઈ ફળિયે ફાગણ સુદ પૂનમ આવી જાય.

હોળીની સવાર ને બપોર આનંદ, ઉલ્લાસ ને રંગભરી જાય. બપોરના ચારેક વાગે અમારા “માઢ સ્ટ્રીટ”ના ધોબી જીવાબાપાના “માણકા” ગધેડાનું ડામણ છોડાય, પછી કેટલાક છોકરાઉ ઈ ગધેડો રંગે, એની ડોકે જોડાનો હાર પેરાવે, ને બાકીના ઠાઠડી બનાવે. લગભગ પાંચના અરસામાં મોં રંગીને જવાહર વલામભાઇ બને, ને આ ગધેડો અવળો પલાણી ને અંબાઈ ફળિયેથી માઢના પંચાટડીના નાકા લગી આવે ને પાછો જાય. પાછળ અંબાઈ ફળિયા ને ઢેબર ફળિયાના છોકરા દોડે ને એકબીજા ને કેતા જાય કે “ગધડે બેસતાં તો જવાહર ને જ આવડે ને ઈ જ રૂડો લાગે.” ઈવડો ઈ ગધડે અવળો ચડ્યો હોય ત્યારે એક હાથે પૂછડું પકડ્યું હોય ને બીજો હાથ બધા ને ઉંચો કરતો જાય – જાણે ઓબામાં અંબાઈ ફળિયાની મુલાકાતે આવ્યો હોય. છોરકારઉમાં સમજ ને વિવેક ખરાં એટલે ગધેડું જીવાબપાને પાછુ આપે ત્યારે ડામણ પગે બાંધી ને આપે.

ઠાઠડી તો અંબાઈ ફળિયાના ચોકે પીપળા તળે તૈયાર જ હોય એટલે સંધ્યાકાળ પેલા જવાહર એમાં બંધાય ને લાલલીલા રંગે રંગાયેલ ધોતિયે ઉઘાડે મોંએ ઢંકાય. પછી ધોતિયાધારી ડાહ્યાભાઈ પોપટલાકડી પ્રાણપોક મુકે ને સંધ્યાકાળ પેલાં જીવતા જવાહરની ઠાઠડી ચાર એને જ નક્કી કરેલા છોકરા ઉપાડે. ડાહ્યાભાઈ દોણી જાલી ને સૌની મોર હાલે ને “રામ બોલો” કે’તા જાય એટલે રીવાજ મુજબ ઠાઠડી પાછળ હાલતા ડાઘુઓ “ભાઈ રામ” કે’તા જાય. મૈયત અંબાઈ ફળિયેથી માઢમાં થઇ ને હાટકેશ્વરના પગેથીયે પેલો વિસામો ખાઈ ને પાછી હોળીખાડે આવી જાય. ઈ જાતી વખતે જવાહર સુતો હોય ને વળતાં ઠાઠડીમાં બેઠોબેઠો બધાને હાથ જોડતો જાય – જાણે ખાદીધારી નેતા માઢમાં ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યો હોય. આ બધું પતે પછી હોળીખાડે ધાન ને નાળીયેરથી લથપત્તું માટલું દટાય, શંકુ આકારે હોળી ગોઠવાય, પ્રગટે, ફગવા નખાય, પ્રદિક્ષીણા ફરાય, ને ફરતાફરતા કોક જુવાનીયા “ઈ આવશે” એની પ્રતીક્ષામાં બગલા જેવી લાંબી ડોકે ઉભા હોય ને કોક વળી “ઈ આવી ગઈ ને મારી સામે હસી નહિ” એના પરિતોષમાં એરડીયુ પીધું હોય એવા કટાણાં મોઢે દોઢ પગે પણ ઉભા હોય.

પછી જેવી ધીમેધીમે હોળી સમે એટલે જોરાતો જવાહર ચાર વાર હોળી ટપે, બે વાર એકએક પગે ને બે વાર જોડિયા પગે. પછી ભુખ્યોડાંસ ઈ અડધો કિલો ધાણી ને કિલો ખજુર ઠળિયા હારે જ ખાઈ જાય. મોડી રાતે હોળીખાડે ડોબાના મુતર જેવો ચા થાય, બધા ગન્જીયેગન્જીયે પીવે ને રાતપાળી કરી ને હોળીની રક્ષા કરે કારણ નીકર “અંબિકાચોક” વાળા આવીને હોળી લૂંટી જાય. બીજા દિવસે ધૂળેટી ધૂળેટી પ્રમાણે ઉજવાય. સાંજના જવાહર “આ વરસે સુ બરોબર થ્યું, સું ન થ્યું ને આવતી સાલ સું વધારે સારું કરવું” એના ઉત્સાહભેર સૂચનો કરે ને સાંભળે; એટલે આવો હુશિયાર તો ઈ પેલેથી જ. પણ સાહેબ, જોવાની ખૂબી ઈ છે કે હોળીની સવારથી જવાહર રંગાણો હોય ઈ ધૂળેટીની સાંજે સીધો ઘેર જાય ને નાઈ ને કપડા બદલે. … ને એટલે જ ઈ સૌનો વ્હાલો કવિ જવાહર અને હોળીમાં ઠાઠડીએ બંધાતો વાલમભાઈ જ લખી સકે:

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો

બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો

આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે

મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ

મારી તરસના તાપથી દરિયો થઇ ગયો

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ

ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

આ ગઝલ ઉપરથી જ લાગે છે કે જૂનાઢમાં બાળપણમાં અને યુવાનીમાં દેશદેશાવરમાં ફરી ને કમાયેલ અનુભવે જવાહરને જીવન જીવવાની એક ચોક્કસ દ્રષ્ટિ આપી છે અને ઈ એનું જીવન ખુદની ખુદ્દારી અને મસ્તીની ધારે જીવે છ. આવતા અનેક દાયકા ઈ એમ જ જીવે એવી શુભકામના હારે મારે એટલું જ કેવું છ, “જવાહર જૂનાગઢી, તારી યશ ગાથા તો ઘણી રીતે ઘણાએ ગાઈ છે ને ગવાશે પણ માત્ર હવે એક મીઠી યાદ બની ગયેલ મારુતિની રીતે તો એક જૂનાગઢી જ ગાઈ સકેને?”


ડૉ. દિનેશ વૈશ્નવઃ ઇ-પત્રવ્યહારનું સરનામું: sribaba48@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • મારા બહુ જ પ્રિય કવિ. અને આ એમનો બહુ જ ગમતીલો શેર –
  “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”
  અહીં એ શેર વાપરેલો…
  હોય છે ‘બેદાર’ ક્યારે એકલા
  આપણી અંદર ઘણા જણ હોય છે

  # – ‘બેદાર’ લાજપુરી

  ‘બેદાર’ લાજપુરી ની આ ગઝલ વાંચી ત્યારથી મારો હાથ આ વિશે લખવા સળવળતો હતો ! આવો વિચાર હજુ સુધી મેં કોઇ ગઝલ કે ગીતમાં વાંચ્યો ન હતો. પણ આ તો મારો બહુ જ માનીતો અને મનગમતો વિચાર!

  આપણા અહમ્ વિશે ઘણું લખાયું છે. અહમ્ નો ત્યાગ કરવાની ઘણી શિખામણ અપાઇ છે અને અપાતી રહેશે. આપણે કંઇક છીએ તે ભાવ સનાતન છે. પણ શેનો ત્યાગ કરવાનો છે તે આપણને ખબર છે? બાળક, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃધ્ધ ‘હું’ તે નો તેજ રહ્યો છે? પુત્ર તરીકે, ભાઇ તરીકે, મિત્ર તરીકે, પતિ અને પિતા તરીકે શું ‘હું’ એક જ હતો અને છું? જ્યારે હું એકલો હોઉં છું ત્યારે કંઇક હોઉં છું, બીજા સાથે હોઉં છું, ત્યારે કંઇક ઓર. આનંદમાં અને વિષાદમાં વળી કંઇક ત્રીજો જ. જયનો દાદો જે વ્યક્તિ છે તે જ શું જ્યોતિનો પતિ અને વિહંગ કે ઋચાનો બાપ છે?

  શું કોઇ અમેરિકન કે નીગ્રો કે દોસ્ત કે દુશ્મન સામે મળે ત્યારે ‘હું’ તેનો તે જ રહું છું? બ્લોગ પર લખું ત્યારે જે ‘હું’ છું, તે જ શું ભૂતકાળનું સ્મરણ કરતો માણસ છે? જ્યારે કોઇ અણગમતી વ્યક્તિ સાથે પનારો પડે ત્યારે, અંદરથી એક ‘હું’ કહે છે કે ‘હવે આ જાય તો સારું !’ , પણ બહાર કયો જણ બોલે છે કે ‘ તમને મળીને બહુ આનંદ થયો? ‘ !

  કયો ‘હું’ ‘હું’ છે?
  જવાબ છે : કોઇ નહીં.

  મારો ‘હું’ જેવો જન્મ્યો હતો તેવો રહ્યો જ નથી. અને ત્યારે એ શું વિચારતો હતો તે તો તે ‘હું’ ભૂલી ગયો છે. એ જે ભાષામાં ‘હું’ વિષે વિચારતો હતો તે ભાષા જ ભૂલાઇ ગઇ છે. જેને ‘હું’ કહું છું તેનું ‘હું-પણું’ તો બદલાતું રહ્યું છે. કેટલા બધા મારા આ ‘હું’ ના સ્વરૂપો રહ્યા છે? માટે જ ‘બેદાર’ કહે છે તેમ મારી અંદર ઘણા બધા જણ રહી ચૂક્યા છે અને અત્યારે પણ રહે છે!

  બીજી ભાષામાં કહીએ તો આપણા અનેક મહોરાં છે અને આપણે તે સ્થળ, સમય અને સંજોગ પ્રમાણે બદલતા રહીએ છીએ. આથી આપણે માની લીધેલું સત્ય કે વ્હેમ કે – ‘આપણે જે છીએ તે જ છીએ, તે તો બદલાય જ નહીં.’ તે સાવ ખોટું છે.

  આપણા મહોરાં આપણે આપણી સગવડ, આપણા ગમા- અણગમા પ્રમાણે બદલાતા જ રહેતાં હોઈએ છીએ.

  તો કયા ‘હું’ નો ત્યાગ કરવાનું સૌ કહે છે? કયું મહોરું રાખું અને કયું ફેંકું? કે પછી પાછું બીજું કોઇ નવું નક્કોર પહેરી લઉં? મહોરાં બદલવાથી અહમ્ નો ત્યાગ નહીં થાય. કોઇને કોઇ મહોરું તો રહેશે જ. સાધુ કે સન્યાસી થઇ હરદ્વાર રહેવા જતો રહીશ, તો બીજું મહોરું જ મળશે.

  તો વાત છે બધાં મહોરાં છોડીને જે ખરેખર ‘હું’ છે તેને જ માત્ર રાખવાની – જેને આ વિચારો આવે છે તેને જ – બીજા કોઇને નહીં. મારી સાચી ઓળખ જાણવાની – કોઇ પણ મહોરાં વગરના તે ‘હું’ ની.

  કોઇ કહેશે : ‘ આ બધી તરખડ શું કરવા કરવી? છાના માના જેમ રહેતા હો તેમ જ રહોને ! નકામા આ વિચાર વાયુમાં પાગલ થઇ જશો.’

  બસ ! આ પાગલ થવા માટે જ આ બધી તરખડ છે ! જીવનનું મૂળભૂત ધ્યેય – ‘સુખની શોધ’ છોડીને આનંદની શોધ કરવા માટે આ બધી પળોજણ છે. તમારે સુખી થવું હોય તો જેમ કરતા આવ્યા છો તેમ જ કરતા રહો. પણ કેવળ આનંદની અનુભૂતિ કરવી હોય – એવો આનંદ કે જે કદી તમને ન છોડી દે – તો ચાલો આ દિશામાં ! અને જાણકારો કહે છે કે

  આ ઓળખ
  તે જ પરમ તત્વની ઓળખ.
  બસ! ભગવાન તને મળી ગયો.

  જેને આ તત્વની ઓળખ થઇ છે તે સૌ આમ કહે છે. તેઓ કહે છે કે આ સ્તર પર તમારૂં ‘હું-પણું’ પહોંચે તે જ સાક્ષાત્કાર – તે જ મુક્તિ – તેજ બ્રહ્મ સંબંધ. ત્યારે જે શબ્દ નીકળે તે જ અંતરની વાણી. અને ત્યારે જ આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ એ બધા તમારા, અરે! આખું જગત તમારું !!

  આ માટે કોઇ યાત્રા કરવાની હોય તો તે અંદરની તરફ કરવાની છે. કશું છોડવાની આ વાત જ નથી. આ કશું નવું પ્રાપ્ત કરવાની વાત પણ નથી. આ તો થવાની વાત છે. અને તે પણ જેવા હતા તેવા થવાની વાત. પાછા જવાની વાત. ત્યાગની નહીં મસ્તીની વાત.

  બહુ સરળ વાત છે – સાવ સરળ , અને માટે જ તે જગતની સૌથી કઠણ વાત છે, કારણકે જીવનમાં આપણે પ્રગતિ કરવાનું જ શીખ્યા છીએ – પાછા જવાનું નહીં. આ તો આપણા કેળવાયેલા સ્વભાવથી પ્રતિકૂળ છે. વહેણની સામે તરવાની આ વાત છે.મારો અનુભવ એમ કહે છે કે આવું તરણ સાવ સરળ છે. તમારી સૌથી મનગમતી પ્રવૃત્તિમાં એકરૂપ થઇ જાઓ – એવી પ્રવૃત્તિ જે જીવન નિર્વાહ કે જીવન સંઘર્ષ સાથે કોઇ સંબંધ ન ધરાવતી હોય તેવી પ્રવૃત્તિ. તેના મય બની જાઓ, તેનામાં રમમાણ થઇ જાઓ, એટલે બધાં ય મહોરાં ધીરે ધીરે બિન જરૂરી લાગવા માંડશે. આપોઆપ સરતાં જશે – સરતાં જ જશે.

  જવાહર બક્ષીનો મને બહુ જ ગમતો શેર –

  મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ:
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

 • pragnajuvyas says:

  ડો. દિનેશ વૈષ્ણવનો હંમેશ જેમ નોસ્ટેલજીક યાદોમા આજે ‘ જવાહર બક્ષી, કવિ નહિ પણ…’માણવાની મઝા આવી અને શ્રી સુજાએ અત્યારસુધીમા આપેલ પ્રતિભાવમા સૌથી લાંબો પ્રતિભાવ આજે આપ્યો જે માણવાની વધુ મઝા આવી
  પણ તમે જો તેમને સાંભળ્યા હોય તો તેમનું નામ આવતા તેમના શબ્દનું ગુંજન મનમા થવા માંડે.આજે તેમને સાંભળીએ
  Meera Prem Diwani- Jawahar Baxi – Junagadh – YouTube
  Video for youtube Jawahar Baxi▶ 1:13:22
  https://www.youtube.com/watch?v=EcHW-18npic
  Sep 20, 2013 – Uploaded by Bakul Buch
  Meera Prem Diwani- Jawahar Baxi – Junagadh. Bakul Buch. SubscribeSubscribedUnsubscribe 00 …
  Narration By Jawahar Baxi – YouTube
  Video for youtube Jawahar Baxi▶ 2:44
  http://www.youtube.com/watch?v=dCuHHMD-pj0
  Feb 21, 2015 – Uploaded by Various Artists – Topic
  Provided to YouTube by The Orchard Enterprises Narration By Jawahar Baxi · Music Direction by Ashit Desai …
  અને શ્રી વિપુલભાઇએ આપેલ પરીચય
  Vipool Kalyani introduces Jawahar Baxi – YouTube
  Video for youtube Jawahar Baxi▶ 6:27
  https://www.youtube.com/watch?v=tzX-TC0Yx9E
  Sep 23, 2011 – Uploaded by pdshukla
  Vipool Kalyani introduces well known Gujarati poet & Gazalkar Shri Jawahar Baxi before his lecture on …

  • દિનેશ says:

   સુ.જા. અને પ્રજ્ઞાબેન, આપ બન્ને સાક્ષર છો. મઠારાયેલ વાંચક, વિચારક, વિવેચક અને મઢાયેલ લેખક છો. તમારા પ્રતિભાવો ભાવભીના અને વિચારભીના હોય છે; કે જે મારા જેવી “ભૂતકાળ”ને વાગોળી ને કાઠિયાવાડી વેણુ ફૂંકતી વ્યક્તિ માટે આવકારણીય છે. આભાર માત્ર કહી ને હું તમારા બેયના ઋણ મુક્ત નહીં થાઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME