રૂપાંતરકાર – સુરેશ જાની

image

હા! ડો. ચેન્ના રાજુ સપનાંનો સોદાગર છે. જાતે તો સપનાં જુએ જ છે, પણ વહેંચે પણ છે. બન્ગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટમાં ચેન્ના સપનામાં ખોવાઈ ગયો છે. એ સપનાં શી રીતે શરૂ થયાં – તેની વારંવાર આવતી યાદ તેને અત્યારે પણ એટલી જ તાજી છે. એનાં સપનાંઓની શરૂઆત બન્ગલુરૂની નજીક આવેલા અરેહલ્લી ગામની નિશાળમાં મજૂરીનું કામ કરતાં થઈ હતી – ઉઘાડી આંખનાં સપનાં.

૧૯૭૦

એ માત્ર આઠ જ વર્ષનો હતો. નાનકડો ચેન્ના એના અત્યંત ગરીબ માબાપનું છેલ્લું અને બારમું સંતાન હતો. નિશાળના મેદાનમાં તે નીંદણ કામ કરી રહ્યો હતો. નીંદતાં નીંદતાં આકાશમાં ધીમી ગતિથી સરકી રહેલાં વાદળો વચ્ચે એને સપનું દેખાયું. એ મોટો થશે અને આ વાદળો વચ્ચેથી હમણાં જ પસાર થઈ ગયેલા વિમાન જેવા જ વિમાનમાં બેઠો હશે.

પણ અરે! નિશાળમાં જવાનો સમય થઈ ગયો હતો. હાથ ધોતાંકને એ તો દોડ્યો. અલબત્ત તેને ભણવાનું તો ગમતું જ હતું, પણ વધારે આકર્ષણ હતું – બાર વાગે ગરમ ગરમ ભાત અને સંભાર. ઘેર તો આવું સોડમદાર ભોજન ક્યાં મળવાનું હતું? એના વ્હાલા બાપુએ એટલે જ તો તેને નિશાળમાં ભરતી કરાવ્યો હતો ને? મોટાં અગિયાર ભાઈ બહેનોને આ સવાદ ક્યાં મળતા હતા? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, એમાંના કોઈને તેની સાથે રમવા પણ ક્યાં સમય હતો? અહીં નિશાળમાં તો દોસ્તારો હારે કેવી મજા? નીંદણ કામમાંથી મળતી નાનકડી આવક પણ કેટલી કિમતી હતી? એમાંથી જ તો તેના અંગ્રેજી ટ્યુશનનો ખર્ચ નીકળતો હતો ને?

પણ… સંભારના સબડકા મારતાં મારતાં પણ એને ઉઘાડી આંખના સપનામાં તો ઓલ્યું વિમાન જ દેખાતું હતું.

આમ ને આમ છ વર્ષ નીકળી ગયા. દસમા ધોરણમાં હતો ત્યારે ચેન્નાની નિશાળમાં જાહેરાત થઈ કે, ‘ચૌદ માઈલ દૂર આવેલા વ્હાઈટ ફિલ્ડમાં સત્ય સાંઈબાબાના આશ્રમે સ્થાપેલી ‘સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યુટ’માં ભારતના રાષ્ટ્ર પ્રમુખ બી. ડી. જટ્ટી નવી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવા આવવાના છે. ચેન્નાને આટલા મોટા મહાનુભાવને જોવા મન થઈ ગયું. પણ એટલે દૂર જવા માટે્ની બસ ટિકિટનાં ફદિયાં તો એની પાસે થોડાં જ હોય ? ચેન્નાભાઈ તો બીજા એક દોસ્તની સાથે તેની સાઈકલ પર ડબલ સવારી ઉપડયા. થાકીને લોથ થઈ ત્યાં પહોંચ્યા, ત્યારે જટ્ટી સાહેબ તો વિદાય થઈ ગયા હતા,

પણ વિદ્યાર્થીઓને રહેવા માટે, સફેદ બાસ્તા જેવી ચાદર પાથરેલા પલંગ, ચકચકાટ ટેબલ-ખુરશી અને પંખા સાથેની આવી સગવડ હોય, તેનો તેના કોઈ સપનામાં સમાવેશ થયો ન હતો! તેના સપનાનું વિમાન તો ખાલી ઊડતું પક્ષી જ હતું. એમાં મુસાફરને બેસવા માટે કેવી સીટ હોય તેનો અંદાજ઼ ઝુંપડા વાસીને થોડો જ હોય? બન્ને મિત્રો અહોભાવથી આ સપન મહેલને અચંબાથી જોઈ રહ્યા.

એટલામાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી. રાઘવાચાર ત્યાં આવી પહોંચ્યા. બન્ને લઘર વઘર ગામડિયા કિશોરોને એમણે મમતાથી આવવાનું કારણ પુછ્યું. જ્યારે તેમને ખબર પડી કે, જટ્ટી સાહેબના દર્શન કરવા આ અબુધ કિશોરો આટલી બધી જહેમત ઊઠાવીને આવ્યા છે, ત્યારે એમની આંખમાં આંસું આવી ગયા. તેમણે બન્નેને આખી કોલેજ બતાવવાની વ્યવસ્થા કરી આપી.

કોલેજ જોયા બાદ પાછા વળતાં બન્ને મિત્રો રાઘવાચાર સાહેબનો આભાર માનવા એમની ઓફિસમાં ગયા. ત્યાં સાહેબે બન્નેને કોફી અને નાસ્તો કરાવ્યા. સાથે કહ્યું કે, દર રવિવારે સત્ય સાંઈબાબા આશ્રમમાં ગરીબ બાળકોની બે બેચ માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમણે કોઈક વાર સમય કાઢીને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. ઘેર પહોંચતાં રસ્તામાં ચેન્નાએ સંકલ્પ કર્યો, ”દર રવિવારે સવારે વહેલો ઊઠીને હું આશ્રમમાં જઈશ અને આ કાર્યક્રમમાં સેવા આપીશ.”

ધોમધખતા વૈશાખી બપોરમાં, ચેન્ના એકલાની નહીં પણ, અરેહલ્લીનાં બાળકોની જિંદગી પણ બદલાઈ ગઈ.

બે વર્ષ માટે દર રવિવારે ૨૮ કિ. મિ.ની પદયાત્રા અને આશ્રમમાં સેવા એ ચેન્નાનો નિયમિત ક્રમ બની ગયો. ચેન્ના બારમા ધોરણમાં ઝળહળતી સફળતા સાથે ઉત્તીર્ણ થઈ ગયો. હવે તે અંગ્રેજી કડકડાટ બોલી શકતો હતો. ગણિતમાં તો સોમાંથી સો માર્ક લાવ્યો હતો. રાઘવાચાર સાહેબે ચેન્નાને કોલેજમાં દાખલ કરી દીધો.

પણ કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે? એક કારખાનામાં ફીટર તરીકે તેને નોકરી મળી ગઈ. ચેન્નાએ હરખથી નિમણૂંકનો એ કાગળ એના જીગરી દોસ્તો પ્રવીણ અને નવીન રાજાને બતાવ્યો. બન્નેએ વાંચ્યા વિના જ એ કાગળ ફાડી નાંખ્યો અને કહ્યું,” તારા કોલેજ ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારી.’

બેન્કમાંથી લોન અને હંગામી કારકૂન તરીકે એક ખાનગી પેઢીમાં નોકરી મળી ગઈ. ચેન્ના સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યુટ માં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં જોડાઈ ગયો. રાઘવાચાર સાહેબની કૃપા અને તેણે બે વર્ષ કરેલી નિસ્વાર્થ સેવાના પ્રતાપે હોસ્ટેલમાં બહુ જ ઓછા દરથી રહેવાની સગવડ થઈ ગઈ હતી.

આવું જ સતત ઊડાણ અને. ચેન્ના રાજુ ચાર વર્ષે ગોલ્ડ મેડલ સાથે વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. આમ જ બીજી છલાંગ અને તે અન્ના યુનિ. માંથી ગોલ્ડ મેડલ સાથે અનુસ્નાતક પણ બની ગયો. ચેન્નાની ફ્લાઈટ આટલેથી અટકે તેવી થોડી જ હતી? આવી જ એક ઓર છલાંગ અને આ સ્વપ્નદૃષ્ટાએ આઈ.આઈ.ટી. ચેન્નાઈમાંથી પી.એચ.ડી.ની ઉપાધિ પણ મેળવી લીધી. હવે તે ડો. ચેન્ના રાજુ બની ગયો. આઠ વર્ષની ઉમરથી વિમાનમાં બેસવાના જે સ્વપ્નાં તે જોતો હતો; તે વિમાનોની એરોડાયનેમિક ડિઝાઈનનો હવે તે નિષ્ણાત બની ગયો હતો.

૧૯૯૭

અને જુઓ તો ખરા – ચેન્નાને ક્યાં નોકરી મળી ? વિમાનમાં બેસવાના સપનાં જોતાં જોતાં એનાથી હજારો ગણા ઊંચા કારકિર્દીના શિખર પર – દેશની વિમાનોની ડિઝાઈન અંગે સંશોધન કરતી સંસ્થા National Aerospace Laboratories, Bangalore, માં વૈજ્ઞાનિક તરીકે !

image

૨૦૦ની સાલમાં તેને કામ અંગે જર્મની પણ મોકલવામાં આવ્યો. આખું વિશ્વ ચેન્ના માટે ખુલ્લું થઈ ગયું. તે ધારત તો વિકસિત દેશોમાં તેના જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓને બહુ સહેલાઈથી મળી શકતી, વિકાસની તકો ઝડપી શક્યો હોત. પણ ચેન્નાના સપનાંએ હવે નવો આકાર ધારણ કરી લીધો હતો. પોતાનાં મૂળને ચેન્ના આટલી ઊંચાઈએ પહોંચ્યા છતાં ભુલ્યો ન હતો. અરેહલ્લીનાં ગરીબ બાળકોની સેવાનો સાદ તેનાં સપનાંઓમાં પડઘાતો રહ્યો, પડઘાતો જ રહ્યો. ચેન્નાએ બીજો સંકલ્પ જર્મનીમાં કર્યો.

ગરીબ બાળકોનો વિકાસ અને ઉત્થાન મારો ધર્મ અને મારા જીવનની ફલશ્રુતિ.

દેશ પાછા ફરીને, અરેહલ્લીમાં નવા અને નાનકડા પણ વ્યવસ્થિત મકાનની સામે આવેલા આંબલીના ઝાડ નીચે, તેણે પોતાના ફાજલ સમયમાં, આજુબાજુનાં ગરીબ બાળકોને તાલીમ અને પ્રેરણા આપવાનું શરૂ કર્યું. તેની જેમ જ ડો. ની પદવી પામેલા હમ્મેશના સાથીઓ પ્રવીણ અને નવિને આ યજ્ઞકાર્યમાં પણ સાથ આપવો ચાલુ રાખ્યો. દોઢ જ વર્ષ અને ગામની ફાજલ જમીનમાં લાકડાંની વળીઓ, નાળિયેરનાં પાનનાં છાપરાં અને છાણના લીંપણની ફર્શ વાળી, એક નાનકડી શાળા શરૂ થઈ ગઈ. તેનું નામ તેણે માતાના નામ પરથી અંજના વિદ્યા કેન્દ્ર રાખ્યું . હવે તો આ શાળામાં ૮૦-૯૦ બાળકો ભણવા લાગ્યાં. આ માટે પોતાની બચતમાંથી ચેન્નાએ ૫૦,૦૦૦ રૂ. ખર્ચી નાંખ્યા હતા.

અગરબત્તીની સુવાસ ફેલાતાં કાંઈ વાર લાગે છે? મદદનો પ્રવાહ અસ્ખલિત વહેતો થઈ ગયો. વધારે ને વધારે બાળકો એમાં જોડાવા માટે આતૂર હતાં.

૨૦૦૧

ચેન્ના અને તેના મિત્રોએ સાથે મળી ‘બ્રાહ્મી શિક્ષણ અને સાંસ્કૃતિક ટ્રસ્ટની (Brahmi Educational and Cultural Trust) સ્થાપના કરી. બંગલુરૂથી ૪૦ કિ.મિ. દૂર ગ્રામ્ય વિસ્તારમાં દેશપાન્ડે ગુટ્ટાહલ્લી ગામમાં દોઢ એકરના વિસ્તારમાં ‘અંજના વિદ્યાકેન્દ્ર’ કામ કરતું થઈ ગયું. બાજુની અઢી એકર જમીનમાં બાળકોના ભોજન અને દૂધની વ્યવસ્થા. આ માટે ઘણા બધા મિત્રો અને ખાસ તો તેની નોકરીની સંસ્થા ‘National Aeronautical Laboratory ( CSIR) તરફથી પણ સારી એવી રકમ અને પ્રોત્સાહન મળી શક્યાં.

imageimage

શરૂઆતમાં પાંચ ધોરણ સુધી જ શિક્ષણ આપવાની સગવડ હતી, પણ હવે દસમા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવે છે – કોઈ પણ જાતની ફી લીધા વિના. આજુબાજુનાં ૧૨ ગામડાંઓના બાળકો આ શાળાનો લાભ લે છે. ઘણાં માબાપ પણ વિના મૂલ્યે એમની સેવાઓ આપે છે. બાળકે મહિનામાં એક દિવસ શાળામાં સેવા આપવાની હોય છે. આમ શિક્ષણ સાથે સ્વાશ્રય અને સેવાના પાઠ પણ બાળક શીખતું રહે છે. અભ્યાસ ક્રમની સાથે યોગ, કસરત અને ધ્યાનની પણ તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળામાંથી ચાર બેચના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર પડ્યા છે.

સપનાંના સોદાગરચેન્નાની જેમ, એના જેવા બનવાનાં સપનાં હવે અંજના વિદ્યાકેન્દ્રનાં બાળકો સેવવા લાગ્યાં છે.

એક વિડિયો –


સાભાર – ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુ, બેટર ઇન્ડિયા.


સંદર્ભ –

http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQkcvMjAwOC8wOS8wNyNBcjAwNzAw&Mode=HTML&Locale=english-skin-custom

http://www.thebetterindia.com/25776/channa-raju-bengaluru-brahmi-anjana-vidya-kendra/

http://www.thehindu.com/news/national/karnataka/a-days-labour-is-one-months-fee-in-anjana-vidya-kendra/article5059418.ece

સ્કૂલનો બ્લોગ

https://anjanavidyakendra.wordpress.com/team-anjana/

બ્રાહ્મી ફાઉન્ડેશનની વેબ સાઈટ

http://brahmi.org/index.htm


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • Chirag says:

  vandan shri chenna raju ne

 • pragnajuvyas says:

  સૌથી સુંદર પ્રેરણાદાયી વાત-‘‘સપનાંના સોદાગર’ ચેન્નાની જેમ, એના જેવા બનવાનાં સપનાં હવે અંજના વિદ્યાકેન્દ્રનાં બાળકો સેવવા લાગ્યાં છે.’ધન્ય ચેન્ના,ધન્ય ભારત

 • Vinod Patel says:

  ‘સપનાંના સોદાગર’ ચેન્ના જેવા મિશનરી ભાવનાથી બાળકોની કેળવણી માટે ભેખ લઈને કામ કરનાર
  કાર્યકરોની દેશને બહુ જરૂર છે.ચેન્નાની સેવા ભાવનાંને સલામ.

  અભણ ખેડૂતોનાં બાળકોના શિક્ષણ માટે એક અભણ ખેડૂત છગન ભા એ કડીમાં નાના પાયા પર સર્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી એ સંસ્થા આજે યુનીવર્સીટી – સર્વ વિશ્વ વિદ્યાલય- બની ગઈ છે! જેના વિદ્યાર્થીઓ વિશ્વમાં ફેલાઈ ગયા છે.આ લખનાર પણ એક વખતનો કડી સંસ્થાનો વિદ્યાર્થી હતો. છગન ભા નો જીવન મંત્ર હતો ” કર ભલા , હોગા ભલા ” આવી દરેક સંસ્થાના પાયામાં કોઈને કોઈ ભેખધારી વ્યક્તિની સેવા બોલતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME