– નીલમ દોશી

બીજલી અને તેનો વર રોજ બાજુના ગામડેથી અહીં શાક, ફળ વેચવા આવતાં. બન્ને મહેનતુ હતાં. યુવાન હતાં. પોતાની મીઠી બોલીથી ઘરાકને પ્રસન્ન કરતાં તેમને આવડતું હતું. તેમનો ભાવ હમ્મેશાં વ્યાજબી રહેતો. પતી–પત્ની ક્યારેય કોઈને છેતરતા નહીં. સતત હસતા રહેતા આ દમ્પતીના આમ તો લગભગ બધા બાંધેલા, નીયમીત ઘરાક હતા. બધો માલ ખાલી કરીને જ રોજ જતાં. સાંજે સાત વાગે તેમની છેલ્લી બસ આવતી. પતી–પત્ની હાથમાં આવેલા પૈસા ગણતાં, બસમાં રવાના થઈ જતાં. છેલ્લા એક વરસથી તેઓ અહીં શાક વેચવા આવતાં. તેમના જેવા બીજા પણ કેટલાયે શાકવાળા અહીં આવતા. તેમને ક્યારેક વધેલું શાક પાછું લઈ જવું પડતું. પણ બીજલીને તો બધું શાક ખાલી થઈ જ ગયું હોય ! કદાચ તેમની મીઠી જીભ, તેમની સરળતા અને કોઈને ન છેતરવાની તેમની વૃત્તી આ માટે કારણભુત હતી.

આજે બીજલીના વરને શરીરે થોડું અસુખ જેવું હતું. તેથી બીજલી એકલી જ શાક લઈને આવી હતી. શાક વેચીને જાય ત્યારે તેમનો ચુલો પેટતો. એટલે બીજલીને અનીચ્છાએ પણ પતિને મુકીને આવવું પડ્યું. આજે બીજલીનો જીવ સ્વાભાવીક રીતે જ ઉતાવળમાં હતો. આજે બને તો શાક જલદી વેચી તેને વહેલાસર ઘર ભેગા થઈ જવું હતું. પણ સાથે સાથે શાક પડ્યું રહે એ પણ પોષાય તેમ નહોતું ! અને મોટા ભાગના ઘરાકો સાંજે તડકો નમે પછી જ આવતા. એટલે બહુ વહેલું પહોંચવાની કોઈ શક્યતા નહોતી.

થોડા ભાવ ઓછા કરીનેયે તેણે જલદી જલદી શાક ખાલી કરવા માંડ્યું. મોટા ભાગનું શાક તો ખાલી થઈ ગયું. માત્ર થોડાં બોર ઘરાકની રાહ જોતાં હતાં. તેની બસનો સમય પણ થવા આવ્યો હતો. આજે બોર પાછાંલઈ જવાં પડશે કે શું ? બીજલી હવે ક્યારની ઉંચીનીચી થતી હતી. તેનું મન તો ઘરે પહોંચી ગયું હતું. પણ બોર વેચાઈ જાય તો પાછાં ન લઈ જવાંપડે.. વળી, આજે તો પતી માટે દવા પણ લઈ જવાની હતી. એટલે તે થોડી લાલચમાં પણ હતી. તેણે આશા રાખી બે પાંચ મીનીટ વધુ રાહ જોવાનું નક્કી કર્યું.

ત્યાં જ એક ગાડી પાસે આવી ને ઉભી રહી. એક શેઠાણી તેમાંથી ઉતર્યાં. બીજલીને હાશ થઈ ! હવે બોર વેચાઈ જશે. શેઠાણીએ પાસે આવી બોર હાથમાં લીધાં. બોર સરસ મજેનાં તાજાં જ હતાં. પણ ભાવ ઓછા કરાવવાના ઈરાદાથી બોલી ઉઠ્યાં, ‘કેવા છે?તાજાં નથી લાગતાં!’
બીજલી કહે, ‘ના, ના, એકદમ તાજાં અને મીઠાંછે. લો, ચાખો.’ કહી એક મોટું સરસ મજાનું બોર આપ્યું. શેઠાણીએ ઉભાં ઉભાં મોટું બોર નીરાંતે ખાધું.

પછી કહે, ‘આ તો તું શોધીને આપે. એ તો સારું જ હોય ને ! એમ ખબર ન પડે’, કહી બીજાં ત્રણ–ચાર બોર જાતે લઈ ઉભાં ઉભાં ખાધાં.

બીજલી અકળાતી હતી. બોર લેવા આવ્યાં છે કે મફત ખાવા? પણ આજે પોતાને બોર વેચવાની ગરજ હતી તેથી કંઈ બોલી નહીં. ત્યાં શેઠાણીએ ભાવ પુછ્યો. ભાવ સાંભળીને કહે, ‘ના રે, વીસ રુપીયે કીલો તે હોતાં હશે? બોલ, દસમાં દેવાં છે?’

બીજલી આમ પણ ગુસ્સે થઈ હતી. કદાચ જવાની ગરજને લીધે આપી પણ દેત. પણ શેઠાણીની વૃત્તીજોઈ તેને ગુસ્સો આવ્યો હતો. તેથી બોર આપવાનું મન ન થયું. તેણે સાફ ના પાડી દીધી. ભલે, પાછાં લઈ જવાં પડે. આને તો નથી જ આપવાં.

શેઠાણીને ખબર હતી કે આ લોકોને ગામડે પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નહીં આપે તો જશે ક્યાં? રાહ જોઈ જોઈને પાંચ–સાત મીનીટ જોશે. એટલે ધીરજ ધરીને શેઠાણી દલીલો કરતાં રહ્યાં.

ત્યાં સાઈકલ પર એક કાકા આવ્યા. અને ધીમેથી પુછ્યું, ‘બહેન, કેમ આપ્યાં આ બોર? બીજલીએ કાકા સામે જોયું અને બોલી, ‘કાકા, લઈ જાઓ. તમને ઠીક લાગે તે આલજો.’

કાકાએ કંઈ બોલ્યા સીવાય બધાં બોર લીધાં અને પુછ્યું, ‘પંદર રુપીયા ચાલશે ? ‘

બીજલી મીઠું હસીને કહે, ‘કાકા, દસ આપત તોયે ચાલત.’ અને બીજલીએ પ્રેમથી કાકાના હાથમાં બોરની કોથળી મુકી.

પેલા શેઠાણી જરા ધુંધવાઈને તરત બોલ્યા, ‘હું ક્યારની કે’તી ’તી તો મને કેમ ન આપ્યાં?’

બીજલી શાન્તીથી બોલી, ‘એ તમને નહીં સમજાય.’

– નીલમ દોશી : સંડે ઇ મેહફીલમાંથી સાભાર, લેખકની પરવાનગી સાથે.

On the side track:

ઇન્ડીયન ગ્રોસરી સ્ટોરમાં ચેકઆઉટ કાઉન્ટર આગળ રજીસ્ટર સ્લીપ પર નજર નાખતાં ડોક્ટર પત્નીની આંખો ચાર થઇ ગઇ..,” ભીંડા થ્રી નાઇન્ટી નાઇન એ પાઉંડ? This is highway robbery! તમે લોકો લૂંટવા બેઠા છો કે શું?”

બહેને સ્ટોર માલિક પર બરાબર ઉભરો ઠાલવ્યો. ” તમારા હસબંડ એક ઇંજેક્સનનો ગોદો મારીને ૧૦૦ ડોલર નથી પડાવી લેતા? ”

કેશ રજીસ્ટરના કી બોર્ડ પર ફટાફટ આંગળીઓ ફેરવતાં ફેરવતાં હાજરજવાબી સ્ટોર માલિક બહેને વળતો જવાબ આપ્યો!

મહેન્દ્ર શાહ


નીલમ દોશી :  ઇ-પત્રવ્યવહાર – nilamhdoshi@gmail.com || બ્લૉગ : પરમ સમીપે

મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • ‘એ તમને નહીં સમજાય.’
  વાહ!

 • pragnajuvyas says:

  સુ શ્રી નીલમ દોશીની સ રસ વાર્તા
  યાદ આપે
  શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
  એણે જીભે તો રાખ્યા’તા રામને !
  એક પછી એક બોર ચાખવાનું નામ લઇ,
  અંદરથી ચાખ્યા’તા રામને.
  શબરીએ બોર…….
  વાત રામજીને સમજાય તેવી કોને સમજાય?
  …….
  આ વાત અમારા વ્યંગ ચિત્રકળા નિષ્ણાત શ્રી મહેન્દ્રભાઇ મરક મરક કરાવતા ચિત્ર દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે.
  ………
  અમારી રીઅલ લાઇફસ્ટોરી
  દેશમા જઇએ ત્યારે કેટલાક પૂછે-‘નિયમિત દર્શન કરવા જાઓ છો?’
  ત્યારે કહું છું-‘ના,પણ હું સાધારણ સ્થિતીના શાકભાજી ફળફળાદી વેચતા ટોપલાવાળાની સાથે ભાવ નથી કરતી !’

 • dee35(USA) says:

  સરસ વાર્તા.સાથે શ્રી મહેન્દ્રભાઈએ દર્શાવેલ કાર્ટુન ગમ્યુ.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME