નીરંજન મહેતા

ચાંદ એટલે કે ચંદ્ર – કવિઓનો પ્રિય વિષય. તો પછી ફિલ્મના ગીતકારો કેમ પાછળ રહે? આપણી ફિલ્મોમાં પણ થોકબંધ ગીતો ચંદ્રને ઉદ્દેશીને લખાયા છે અને લોકપ્રિય પણ બન્યા છે. તેમાંના થોડા સુરીલા ગીતોનો અહી ઉલ્લેખ કરું છું.

૭૫ વર્ષ પહેલાનું આ ગીત જૂની પેઢીને જરૂર યાદ હશે. જો કે તે હવે સાંભળવાનું ભાગ્ય ક્યાં સિવાય કે યુટ્યુબ? વાત છે ૧૯૪૨ની ફિલ્મ ‘જવાબ’ની. તે વખતની પ્રખ્યાત ગાયિકા કાનનદેવીના કંઠે ગવાયેલ આ સુરીલું ગીત માનવા જેવું છે:

छुप ना जाना छुप ना जाना

ए चाँद छुप ना जाना

जब तक मै गीत गाऊ

પોતાના મનના ભાવ ગીત ગાઈ પૂરી રીતે વ્યક્ત ન કરે ત્યાં સુધી નાયિકા ચન્દ્રને જવાની ના પાડે છે. આવી સુંદર કલ્પનાના રચયિતા છે ગીતકાર બુધીચન્દ્ર અગ્રવાલ માથુર અને સંગીતકાર કમલ દાસગુપ્તા. ગાનાર કલાકાર કાનનદેવી.

ત્યાર પછી યાદ આવે છે ૧૯૪૯ના એ ગીતની જે ત્યારના જમાનાના દરેક યુવા કંઠે તે રમતું અને આજે પણ કર્ણપ્રિય બની રહ્યું છે. ફિલ્મ ‘દિલ્લગી’ના આ પ્રણયગીતના શબ્દો છે:

तु मेरा चाँद मै तेरी चांदनी

मै तेरा राग तू मेरी रागनी

ओ नहीं दील का लगाना

कोई दिल्लगी कोई दिल्लगी

પ્રેમી યુગલ પોતાના સંબંધને ચાંદ અને ચાંદની સાથે સરખાવી કુદરતનો સાથ લે છે અને સાથે સાથે એ પણ સમજે છે કે આ પ્રેમ કરવો એ કોઈ મજાક નથી. આગળ કહે છે કે જ્યાં સુધી ચંદ્ર અને તારા છે ત્યાં સુધી આપણો સાથ રહેશે.

શ્યામ અને સુરૈયા પર ફિલ્માવાયેલ અને તેઓએ જ ગાયેલ આ ગીતના રચનાકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ.

નાયિકાને પોતાના પ્રેમી સાથે હજાર વાતો કરવી છે પણ ચંદ્રની હાજરીથી તે શરમાય છે અને તેથી કહે છે:

दमभर जो उधर मुँह फेरे ओ चंदा

मै उन से प्यार कर लूंगी

बाते हजार कर लूंगी

૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નું આ પ્રણયગીત મંદ સ્વરોમાં રચ્યું છે શંકર જયકિસને જેના શબ્દો છે શૈલેન્દ્રના. રાજ કપૂર અને નરગીસની અદાકારીને કંઠ આપ્યો છે મુકેશ અને લતાજીએ. આજે પણ તે સાંભળીએ તો રોમાંચ અનુભવાય છે.

એમ નથી કે ચંદ્રને લગતા ગીતો ફક્ત પ્રણય દર્શાવવા ગવાયા છે. ચંદ્રને સંબોધીને બાળગીત પણ છે: બાળકને ખાવા માટે મનાવતું આ ગીત છે :

चंदामामा दूर के

पुये पकाए बुर के

आप खाए थाली मे

मुन्ने को डे प्याली में

૧૯૫૫ની ફિલ્મ ‘વચન’નું આ ગીત પણ લોકપ્રિય બન્યું છે. ગીતાબાલી ઉપર રચાયેલ આ ગીતના ગીતકાર છે રવિ શંકર (?) અને સંગીતકાર છે રવિ જેને ગાયું છે આશા ભોસલેએ.

ચંદ્રના સહારે પોતાની અધૂરી મનોકામનાને વ્યક્ત કરતુ નૃત્યગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’નું.

आधा है चन्द्रमा रात आधी

रहे ना जाय तेरी मेरी बात आधी

પૂર્ણિમા હોય તો પૂર્ણ ચંદ્ર હોય પણ અધૂરી મનોદશાને કારણે ચંદ્ર પણ આઠમનો – અર્ધચંદ્ર. નાયક અને નાયિકા પોતાની મજબૂરીને કારણે પોતાની આસપાસનું વાતવારણ પણ અધૂરું અનુભવે છે.

સંધ્યા અને મહિપાલની જોડી પર રચાયેલ આ ગીતના ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર સી. રામચંદ્ર. ગાયકો છે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર.

૧૯૫૯નુ જ એક અન્ય પ્રણયગીત છે ફિલ્મ ‘જાગ ઊઠા ઇન્સાન’નું.

नटखट तारो हमें ना निहारो

हमारी ये प्रीत नयी

चाँद सा मुखड़ा क्यों शर्माये

आँख मिली और दिल घभराया

તારાઓને સંબોધીને કહે છે કે અમને ન જુઓ અમારી આ પ્રીત નવી નવી છે. આંખો મળતા જ દિલ ગભરાય છે અને ચાંદ જેવું મુખડું શરમાય છે.

મધુબાલા અને સુનીલ દત્ત પર ફિલ્માવાયેલ આ ગીતને ગાયું છે આશા ભોસલે અને રફીસાહેબે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર એસ.ડી.બર્મન.

એક અન્ય પ્રકારનું ગીત છે ૧૯૫૯નુ ફિલ્મ ‘અનાડી’નું. નૂતન જુદી જુદી રીતે રાજ કપૂરને પોતાના પ્રેમની લાગણીની અભિવ્યક્તિ કરે છે પણ સીધાસાદા(!) રાજ કપૂરને આ ઇશારા સમજાતા નથી એટલે તે અનાડીમાં ખપે છે:

वो चाँद खीला वो तारे हसीन

रात गजब मतवाली है

समजनेवाले समाज गए

ना समजे वो अनारी है

લતાજીના મધુર સ્વરમાં ગવાયેલ આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિશન. મુખડામાં એક પંક્તિમાં રાજ કપૂર મુકેશના સ્વરમાં પોતાને ખુશી ખુશી અનાડી કહી જાય છે.

પ્રેમી પોતાની પ્રેમિકાના સૌન્દર્ય માટે કેવા શબ્દો વાપરે છે અને કેવા ખયાલો ધરાવે છે તેનો અંદાજ ૧૯૫૯ની એક અન્ય ફિલ્મ ‘બરખા’ના આ ગીત ઉપરથી આવી જશે:

एक रात में दो दो चाँद खीले

एक घूँघट में एक बदली में

ચંદ્ર પર તો દુનિયાભરનો હક્ક છે પણ ચાંદરૂપી પ્રેમિકા ઉપર ફક્ત પોતાનો જ હક્ક છે તે આગળના શબ્દો પરથી સમજાઈ જશે.

અનંતકુમાર અને નંદા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે ચિત્રગુપ્તનું. ગાયકો છે મુકેશ અને લતાજી.

તો સૂતેલી વહીદા રહેમાનને જોઇને ગુરૂદત્ત રહી નથી શકતા અને ગાય છે:

चौदहवी का चाँद हो या आफ़ताब हो

जो भी हो तुम खुदा की कसम लाजवाब हो

આગળ ઉપર વહીદાના જુદા જુદા અંગોને અનુલક્ષીને જે સુંદર શબ્દો આ ગીતમાં વપરાયા છે તેને કારણે આજે પણ રસિકો માણવાનું ચૂકતા નથી.

૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’ના આ સદાબહાર ગીતના રચયિતા છે શકીલ બદાયુની અને તેને સુરોમાં મઢ્યું છે રવિએ.

પિયુના વિરહમાં તેને આવવાનું ઇજન આપવા માટે પણ ચંદ્રનો સહારો લેવાયો છે ૧૯૬૧ની ફિલ્મ ‘સંજોગ’માં.

बदली से निकला है चाँद

परदेसी पिया लौट के तू आजा

કલાકાર છે અનિતા ગુહા. ગીતકાર રાજીન્દર ક્રિસન અને સંગીતકાર મદનમોહન. સ્વર લતાજીનો.

આનંદ બક્ષીની આ કલ્પના તો જુઓ. નાયિકાનું સૌન્દર્ય એટલું છે કે તેને જોઇને:

चाँद आहे भरेगा

फूल दिल थाम लेगे

हुश्न की बात चली

तो सब तेरा नाम लेंगे

૧૯૬૩ની ફિલ્મ ‘ફૂલ બને અંગારે’નું આ ગીત રાજકુમાર અને માલા સિંહા પર ફિલ્માયું છે જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર મુકેશનો.

યાદ આવે છે પોતાની વ્યથાને વ્યક્ત કરવા ૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નું આ ગીત જે ચંદ્રને સંબોધીને ગવાયું છે:

रुक जा रात ठहर जा रे चन्दा

बीते ना मिलन की बेला

હોસ્પિટલમાં માંદગીના બિછાને સૂતેલ રાજકુમાર માટે પોતાની પ્રેમવ્યથાને આ ગીત દ્વારા મીનાકુમારી દર્શાવે છે જેનું મધુર સંગીત આપ્યું છે શંકર જયકિસને અને શબ્દકાર છે શૈલેન્દ્ર. સ્વર લતાજીનો.

પ્રેમના વિરહમાં ચંદ્રને પોતાનો સમદુ:ખી માની મહેમુદ ગાય છે:

चन्दा ओ चन्दा, चन्दा ओ चन्दा

किसने चुराई तेरी मेरी निंदिया

૧૯૭૧ની ફિલ્મ ‘લાખો મેં એક’ના આ ગીતમાં પોતે અને ચંદ્ર બન્ને એક જ હાલતથી ગુજરી રહ્યાની કલ્પના જુદા જુદા શબ્દોમાં કરાઈ છે જેના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર આર.ડી. બર્મન. કિશોરકુમારે ગાયેલ આ ગીતમાં લતાજીનો પણ સાથ છે.

આ જ વર્ષની એક અન્ય ફિલ્મ છે ‘રેશમા ઓર શેરા’ જેમાં વહીદા રહેમાન સુનીલ દત્તને ચંદ્ર સાથે સરખાવે છે અને પોતાને તેની ચાંદની ગણાવે છે. ગીત છે:

तू चन्दा मै चांदनी

तू तरुवर मै शाख रे

પોતાની પ્રેમની તરસને મીટાવવા તે ત્યારબાદ જાતજાતની ઉપમાઓ અને સરખામણી કરે છે.

આ સુમધુર ગીતના રચયિતા છે બાલકવિ બૈરાગી અને મંદ લયમાં ઢાળ્યું છે જયદેવે. કંઠ લતાજીનો.

એક ઓર કલ્પના માણવા જેવી છે. ૧૯૮૦ની ફિલ્મ ‘અબ્દુલ્લાહ’માં આનંદ બક્ષી તો પ્રેમી પાસે ચંદ્રને સીધો સવાલ કરાવે છે કે

मैंने पूछा चाँद से के

देखा है कही मेरे यार सा हसीन

અને પછી પોતે જ ચંદ્રના વતી જવાબ આપે છે કે

चाँद ने कहा चांदनी की कसम नहीं नहीं

અને આમ આગળ આ જ પ્રકારના સવાલ-જવાબ બાગ, જામ વગેરે સાથે થાય છે.

ગીતના કલાકારો છે સંજય ખાન અને ઝીનત અમાન પણ સ્વર ફક્ત રફીસાહેબનો છે. સંગીત છે આર. ડી. બર્મનનું.

હજી કેટલાય ફિલ્મીગીતોમાં સીધી અને આડકતરી રીતે ચંદ્રનો ઉલ્લેખ છે જે રસિકજનોને યાદ આવ્યા વગર નહિ રહે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. +912228339258/+919819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

5 Comments

 • ashok shah says:

  Really wonderful melodies.
  few of them are my very very favourite songs.
  Enjoyed lot.
  many many thanks.
  Ashok Shah

 • pragnajuvyas says:

  શ્રી નીરંજન મહેતાએ ચંદ્ર – કવિઓનો પ્રિય વિષય કહી સુરીલા મધુરા ગીતોના સ રસ સંકલન વીડીયો મણાવ્યા. કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતાં બિલાડીનાં ગાલમૂછ પર પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરીફરી ચાટવાનો સપાટો ચલાવ્યો ! कपोले मार्जारः पय इति करान लेढि शशिनः । ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો જ ઉત્સવ ! આ નોસ્ટેલજીક યાદ આપતા મધુરા ગીતો
  ए चाँद छुप ना जाना
  तु मेरा चाँद मै तेरी चांदनी
  दमभर जो उधर मुँह फेरे ओ चंदा
  चंदामामा दूर के
  नटखट तारो हमें ना निहारो
  वो चाँद खीला वो तारे हसीन
  વધુ ગમ્યા.ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME