-રજનીકુમાર પંડ્યા

ચિનુના મોં પર પરેશાનીની રેખાઓ ઉભરી આવી. જીભને ટેરવે જ રમતી હોય એ વાત તો હોઠે તરત આવી જતી હોય છે, પણ હૃદયમાંથી જીભ સુધીની લાવવાની વાતને જબાન પરથી હોઠે લાવતા લાવતા આંખે અંધારાં આવી જતાં હોય છે. ચિનુ પણ એમાંથી બાકાત નહિં. ગળું ખોંખારીને બોલ્યો: “ બીજા દિવસની સવાર પણ પડી અને સાંજ પણ પડી. રાત પણ આવી અને વીતી ગઈ. ફોનથી પણ પત્તો લાગતો નહોતો. છેવટે ત્રીજા દિવસની સવારે હું અને મારા મિત્રો ઈંદુ પુવાર, મફત ઓઝા અને મોહન ચૌધરી હરિજન આશ્રમ પહોંચ્યા તો બારણે તાળું!”

પછી ? પછી ચિનુ મોદીએ 1960 ની સાલમાં વકિલાતની પરીક્ષા પાસ કરી છે. એટલે એના પર એ મુશ્તાક કે હું મારા ધણી તરીકેના હકથી કોર્ટ દ્વારા પાછો એનો કબજો મેળવી જ શકું. એટલે એણે ફોજદારી અદાલતમાં મુકદ્દમો દાયર કર્યો કે મારી કાયદેસરની ઓરતને એના માબાપ છળ કરીને લઈ ગયા છે બળજબરીથી ગોંધી રાખીને એને ટોર્ચર કરે છે. કોર્ટમાં કેસ ચાલવા માંડ્યો. પણ ઘરના કોઈને ઘરના મોભી (ચિનુ મોદી) આ મુકદ્દમો જીતે અને બાઈને ઘેર લઈ આવે એ રુચતું નહોતું. એક વાર તો એક મુદત વખતે ચિનુ કોર્ટમાં જવા ઘરની બહાર જ નીકળતો હતો ત્યાં ઘરના બધા સભ્યો એની આડે સુઈ ગયા. પણ ચિનુએ મક્કમપણે કહ્યું : “મહેરબાની કરીને બધા ઉભા થઈ જાઓ, નહિં તો તમારું કોઈનું માન નહિં રહે. મારે તો જવાનું છે. એમાં કોઈના ત્રાગાં કામ નહિં આવે.”

ચિનુ મોદીની લાક્ષણિક મુદ્રા

એ દિવસે સામેવાળાએ મિનાક્ષીને અદાલતમાં હાજર કરવાની હતી પણ એના વકીલ જનાબ હમીદ કુરેશીએ કહ્યું કે અમે હાઈકૉર્ટમાં જવા માગીએ છીએ એટલે મિનાક્ષી કોર્ટમાં નહિં આવે. સારું, હાઈકોર્ટમાં મેટર ગઈ. અને ત્યાં પહેલી જ મુદતે ચિનુને મિનાક્ષી કોર્ટરૂમમાં દાખલ થતી દેખાઈ. એની ચાલ, ઢાલ, સમગ્ર દેખાવ અને ચિનુ તરફ ફેંકાયેલી ભીની નજરને જોઈને માણસના ચહેરાને વાંચી શકનારા ફોટો આર્ટિસ્ટ ઝવેરીલાલ મહેતાએ ચિનુને કાનમાં કહ્યું : ”આ છોકરી તમારી પાસે પાછી આવ્યા વગર રહેવાની નથી, જો જો ને !” ચિનુને આશ્વાસન મળ્યું પણ વધુ તસલ્લી ત્યારે થઈ જ્યારે જસ્ટિસ નારાયણભાઈ ભટ્ટે ખુદે મિનાક્ષીને પૂછ્યું: “તારે કોની પાસે જવું છે?”

ચિનુની છાતી ધક ધક થઈ રહી હતી. શો જવાબ આપશે મિનાક્ષી ?

પણ એ બોલી, “ચિનુ મોદી ‘ઈર્શાદ’ પાસે જવું છે !”

જબરો હાશકારો થયો ચિનુને. પણ એ હાશનું આયુષ્ય એક શ્વાસ જેટલું જ હતું. બીજી જ પળે મિનાક્ષીના ચાલાક વકિલે જાહેર કર્યું, “અમે અમારી વાંધાઅરજી પાછી ખેંચીએ છીએ. અમે મિનાક્ષીને નીચલી કોર્ટમાં હાજર કરીશું.”

મિત્રોએ કહ્યું ચિનુને : “ભલેને નીચલી કૉર્ટમાં તો નીચલી કૉર્ટમાં, કૉર્ટ બદલાશે તો બદલાશે પણ મિનાક્ષી થોડી બદલાશે? એ તો તેં હમણાં જોઈ તેની તે જ રહેવાની ને? તે સાંભળ્યું નહિં, તે શું બોલી તે ? બધો આધાર એના બોલવા ઉપર જ છે, તું બેફિકર રહે.”

પણ નહિં! નીચલી કોર્ટમાં ઈર્શાદ અહમદ ઈર્શાદ અહમદ જ રહ્યા હતા, પણ મિનાક્ષી મિનાક્ષી નહોતી રહી. એ કૉર્ટમાં દાખલ થતી હતી ત્યારે પણ ઝવેરીલાલ મહેતા ખભે કેમેરા ટિંગાડીને હાજર હતા. ફરી એમણે મિનાક્ષીનો હુલિયો વાંચ્યો. બોલ્યા: “ચિનુ મોદી, હવે નાહી નાખો. આ છોકરી હવે તમારા હાથથી ગઈ. એ હવે અગાઉની મિનાક્ષી નથી રહી.”

ઝવેરીલાલ સાચા હતા. સ્ત્રી દરેક અર્થમાં બદલાઈ ચુકી હતી. એણે યુ ટર્ન લઈ લીધો હતો. ફરી ધર્મપલટો કરીને એ હિંદુ બની ગઈ હતી. એણે મનપલટો પણ સાધી લીધો હતો. બાકી હૃદયપલટો કરાવવાની જરૂર તો કાયદો જોતો જ નથી. વકીલ હમીદ કુરેશીએ કાયદાની એક જોગવાઈ શોધી કાઢી હતી. એની અંતર્ગત પોતાના મૂળ ધર્મમાં એ પાછી ફરી હોવાથી ઈસ્લામી શરિયત મુજબ કરેલું લગ્ન આપોઆપ ફોક થઈ જતું હતું.

ખરેખર એણે હૃદયપલટો નહોતો કર્યો. ભરી અદાલતમાં એણે કહ્યું : “ચિનુ મોદીનો આમાં કોઈ દોષ નથી. એ મારી સાથે લગ્ન કરવા આતુર નહોતા, પણ હું જ તેમની પાસે સામેથી ગઈ હતી.”

પણ લગ્ન ફોક થયા હતા એ વાત નિર્વિવાદ હતી. એણે ક્ષમાયાચનાની એક નજર ચિનુને આપી. અને પછી પોતાના માબાપ સાથે અદાલતનો ખંડ છોડી ગઈ. ચિનુ મોદી, ગુજરાતના એક ‘મેજોર’ કવિ પોતાની નવવિવાહિતાના જીવતેજીવ નવ-વિધુર થઈ ગયા. ભાંગેલા પગે એ કોર્ટના પગથિયાં ઉતરતા હોય એવો ઝવેરીલાલે પાડેલો ફોટો બીજે દહાડે ‘ગુજરાત સમાચાર’ના પહેલે પાને ચમક્યો. ભાંગેલા હૃદયનો તો કોણ પાડી શકે ? એ તો એક્સ-રેમાં પણ ના પકડાય.

“આખા ગુજરાતમાં હું બદનામ થઈ ગયો” ચિનુ બોલ્યો: “તને નથી ખબર, પણ બહુ ઓછા સમયના આ મામલાએ મને કેટલું નુકસાન પહોંચાડ્યું ! કવિ ‘સ્નેહરશ્મી’ બહુ વગદાર,પાકા ગાંધીવાદી. એમને આમાં કાંઈ લેવાદેવા નહિં છતાં એ મારા આ પગલાંથી ભારે નારાજ થયા હતા. એ દિવસોમાં હું ‘ઈસરો’ની સરકારી નોકરીમાં હતો. એના ડિરેક્ટર ડૉ. યશપાલને એમણે વારંવાર કહ્યા કર્યું : “ આ ચિનુ મોદીને તમે હજુ સુધી નોકરીમાં કેમ ચાલુ રહેવા દીધા છે ? એને રુખ્સત આપો. સમાજ પર ખરાબ છાપ એમણે પાડી છે.” ડૉ. યશપાલે એક દિવસ મને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો, કહ્યું: “માય ડિયર પોએટ! આઈ એમ સોરી, આઈ વીલ હેવ ટુ આસ્ક યુ ટુ રીઝાઈન.” અને મેં એક મિનિટનાય વિલંબ વગર રાજીનામું લખી આપ્યું.”

“ચિનુ” મેં પૂછ્યું:” તારી આ બે પંક્તિઓ તેં કદાચ આના જ વિષે લખી છે.”

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,

બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો..“

તને હજુય એ યાદ તો આવતી જ હશે ને?”

”હા!” એણે કહ્યું:” પણ હું એને યાદ આવું છું કે નહિં એ એને પૂછવાય કોણ જાય ? જો કે, હવે મને એને મળવાની તો શું પણ જોવાની તમન્ના નથી. પણ સાંભળ, મનમાં એવું થાય ખરું કે જેમને લીધે થયો ઈર્શાદ , એમને ક્યારેય આવે યાદ તું ?..

“ફરી ક્યારેય તે એને ક્યાંય જોઈ ખરી ? એ ક્યાં છે ? શું કરે છે ? બીજે ક્યાંય પરણી કે નહિં ? કશી જ તને ખબર નથી ?”

“બગડી ગયેલા દૂધની ખબર રાખવાનો કોઈ અર્થ નથી.” ચિનુએ જવાબ આપ્યો : “અમારો પ્રેમ ટોટલ પચીસ-છવ્વીસ દિવસનો જ –એથી વધુ કંઈ નહિં. થોડા સ્પર્શથી આગળ પણ કંઈ નહિં. છતાં ફાટેલા વસ્ત્રની ચિંદરડી જેવો સ્મરણનો એક તંતુ જળવાઈ રહ્યો છે. લાગે છે કે એની પાસે પણ એથી વધુ મુડી નહિં હોય. તને ખબર છે કે આ હું શેના આધારે કહું છું? સાંભળ. ઘણા વરસ પહેલાં એક વાર એ મને બસમાં મળી ગયેલી. અને નજરોનજર પણ મળી. પણ તને નવાઈ લાગશે કે સાવ અજાણ્યાની જેમ વરતી, અને રિફ્લેક્સ એક્શનની જેમ મારાથી પણ એવું જ વર્તન થઈ ગયું.” એ અટક્યો. કહ્યું: “એ પછી કદિ જોઈ પણ નથી ને..”

”…ને એ પણ સારું જ ગણજે.” મેં કહ્યું, “સણકા તો જેટલા ઓછા આવે તેટલું જ સારું.”

તેમનાં કાવ્યનું પઠન કરતા યુવાન ચિનુ મોદી

**** **** ****

એ પછી બાર વર્ષે 1989 માં અ.સૌ.હંસાબહેન ચિનુભાઈ મોદીનું ગર્ભાશયના કેન્સરને કારણે અવસાન થયું. પણ સહેજે અનુમાન થઈ શકે કે એ બાર વર્ષનું એ બેઉનું સહજીવન અગાઉ હતું તેવું મધુર નહિં રહ્યું હોય. પછડાટ ખાધેલા પરાક્રમીને સૌથી વધુ ટોણા એની સામે લડનારા નહિં, પણ એના પોતાના ઘરવાળા જ મારતા હોય છે. અને એ ટોણા એણે નીચી મુંડીએ સાંભળી લેવા સિવાય બીજો કોઈ ચારો નથી હોતો.

“પણ હંસાબહેન તો તને કદિકદા કંઈ સંભળાવ્યા વગર તો રહે જ નહિં ને ?” આવું ચિનુને હું ના પૂછું તો હંસાબહેનની છબી મનમાં ક્યાંથી ઉઘડે ?

“કદિ નહિં.” ચીનુનું આ વર્ઝન હતું : “ એ જીવી ત્યાં લગી એક વાર પણ એની જીભે મિનાક્ષીનું નામ નથી આવ્યું. કોઈ વ્યંગ નહિં કે વ્યંગ ભરેલી નજર પણ નહિં. અરે. મારા સાળા-સાળીઓ અને એ લોકોના પરિવારે મારી સાથે એ વાતને લઈને કોઈ ડંખ, કોઈ જુદારો દેખાડ્યો હોય એવું મને યાદ નથી આવતું. આજે હંસાને ગયે ચોવીસ ચોવીસ વર્ષો થયાં પણ હજુ મારા સંબંધો આ બધા જોડે હૂંફાળા જ રહ્યા છે. મારા સંતાનો કે વેવાઈઓએ પણ મેં મુસલમાન બનીને બીજાં લગ્ન કર્યાં હતાં એ ક્યારેય યાદ નથી કર્યું.”

મને, આ લખનારને, યાદ આવ્યું. 1987 કે એની આસપાસ મારો કાયમી નિવાસ અમદાવાદમાં થયો ત્યારે રાધેશ્યામ શર્મા અને લા.ઠા. એક વાર મારે ત્યાં આવ્યા હતા. સાથે વિવેચક રમણ સોની પણ હતા. વાતોના દૌરમાં ચિનુ વિષે કંઈક વાત નીકળી. મેં કદાચ પૂછ્યું હશે કે ચિનુના શા ખબર છે ? એમાંના એકે, મોટે ભાગે તો લા.ઠાએ જ મને પણ એવું કહ્યાનું બરાબર યાદ છે કે એનાં પત્ની બહુ બીમાર છે અને એ એની ચાકરીમાં સતત રોકાયેલો રહે છે. કોઈ પતિ પોતાની પત્નીની જેવી ચાકરી ના કરે એવી ચાકરી અત્યારે ચીનુ કરી રહ્યો છે.”

રાજકોટમાં એક મુશાયરા વખતે: (ડાબેથી) દેવેન શાહ,ચીનુ મોદી, રજનીકુમાર પંડ્યા

મારી આંખમાં કદાચ કોઈએ સંશય તો નહિં પણ નવાઈ જોઈ હશે એટલે એમણે કહ્યું; “એના પાડોશીઓ પણ અચંબો પામી જાય છે આ જોઈને..:”

“મેં કશી નવાઈ નથી કરી.” ચિનુને મેં આ વાત કરી ત્યારે એણે કહ્યું : “કારણ કે મને એવા સમયે જ જાણે કે ખબર પડી કે હું એને આટલું બધું ચાહતો હતો. અને એ ચાહનામાં આટલો બધો આદર, આટલો બધો લગાવ ઘોળાયેલો હતો. પણ બીજી એક વાત ! મને તો આદર એને માટે હતો પણ એને તો મારા પ્રત્યે બીનશરતી, બેહિસાબ પ્રેમ હતો. મારા જેવા માણસને એની તમામ મર્યાદાઓ સહિત ચાહવો એ સરળ નહોતું. પણ હંસા એ કોઈ પણ જાતના બરા વગર, ડોળ વગર એવું મને જતાવવાની લેશમાત્ર કોશીશ વગર બિલકુલ સહજતાથી એ કરી બતાવ્યું.” બોલતાં બોલતાં ચિનુ એકદમ આર્દ્ર થઈ ગયો : “એ માત્ર મારી પત્ની જ નહોતી, બહેનપણી હતી. મને લાગે છે કે એના ગયા પછી હું એની બહુ નજીક પહોંચ્યો.”

હંસાબહેનની વિદાય પછી એના પર કંઈ કેટલીય ગઝલો અને લાંબી કવિતાઓ લખી. એક વાર વિયોગ આરપાર સતાવવા માંડ્યો ત્યારે અત્યંત સંતપ્ત મનોદશામાં લખ્યું:

“જોતજોતામાં નજરથી પર ન થા,
ઘર ત્યજીને આમ સચરાચર ન થા.

બીજી એક વાર એક ગઝલના છેલ્લા શેરમાં લખ્યું:

“એકલો ઈર્શાદ કેવો એકલો,
શબ્દથી અક્ષર થયે વર્ષો થયાં.

હમણાં જ જે છેલ્લો ગઝલસંગ્રહ પ્રગટ થયો તેમાં એણે લખ્યું છે : “મને ખબર નહોતી કે હું એને આટલું બધું ચાહતો હતો. એનો વિયોગ આટલો બધો સાલશે એ પણ ખબર ન હતી.”

આવી તીવ્ર અને તીક્ષ્ણ ભાવોદ્રેકની મનોદશામાં કવિને બધી પંક્તિઓ મીટર કે છંદમાં જ સ્ફૂરે ? ના,ના, એ તો વારતાનો માણસ પણ છે.અને કવિતામાં એ અછાંદસ પણ કવે છે. જુઓ, હંસાબહેનના મૃત્યુના સંદર્ભમાં ચિનુનું આ અછાંદસ !

ગઈ કાલે રાત્રે એ મને સપનામાં આવી.
મને કહે : સાડી બરાબર પહેરી છે ને ?
ચાંદલો બરાબર કર્યો છે ને ?
અને જુઓ તો! આ બુટ્ટી કેવી લાગે છે ?’
અને મેં મૃત્યુને કહ્યું: “ લે, લેતું જા !

**** **** ****

“એમની હયાતીમાં બીજું કર્યું તો તેમની બીનહયાતીમાં ત્રીજું લગ્ન કેમ નહિં? તારી પચાસની વય ફરીવાર ખભે તલવાર ધારણ કરવા માટે બહુ ન કહેવાય, અને હવે તો મુસલમાન થવાની કોઈ ગરજ પણ નહિં !

હવે તો તું સિંગલ !”

“તારી મશ્કરીનો હું ગંભીર જવાબ દઉં.” એણે કહ્યું: “જો કોઈ પાત્ર સાથે પ્રેમ થયો હોત તો ચોક્કસ કર્યું હોત.”

આટલું બોલ્યા પછી એને કશું કહેવાનું રહી ગયું હોય એમ લાગ્યું, પણ મારે પૂછવું ના પડ્યું. એણે જ કહ્યું: “એનો અર્થ એમ ના કરીશ કે હું અત્યારે બહુ દુઃખી છું. લેશમાત્ર એવું નથી. મારા મોટા દિકરાની વહુ મને એટલા પિતાસમાન ભાવથી સાચવે છે! મને એ રીતે તો કદિ કોઈ ઉણપ નથી લાગી. પિયેરની ખાનદાની સાસરામાં પણ પ્રકાશ પાથરે છે.”

પછી થોડી વારે કહે : “પકવ ફળની સોડમ છે, મોત ચોગરદમ છે.
જીવ માથે જોખમ છે, પાનખરની મોસમ છે.”

(સમાપ્ત)

———————————————————————————————————————

લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઈસનપુર રોડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઈન- +91 79-25323711/ ઈ મેલ- rajnikumarp@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

11 Comments

 • Piyush says:

  સમાજની રૂઢિઓથી અલગ પડીને જીવતા માણસો મોટે ભાગે બદનામ થઈ જતા હોય છે. એ દ્રષ્ટિએ ચીનુભાઈ ઘણા જ સદ્દભાગી નીવડ્યા છે. કોઈ પણ સામાજિક વર્તુળમાં તેઓ કાયમ જ સ્વીકાર્ય રહ્યા એમાં એમની સર્જકતા ઉપરાંત એમના સ્વાભાવમાં વણાયેલી માણસાઈની હૂંફનો મુખ્ય ફાળો રહ્યો છે. અહીં એમના જીવનની અંતરંગ ક્ષણોને સુપેરે બહાર લાવવા માટે આપનો ખુબ આભાર.

 • pragnajuvyas says:

  ‘સ્વ.કવિ ચિનુ મોદી: એમના જીવનનો એક અઘરો અધ્યાય (૨)’- માન્યામા ન આવે તેવો ! તે સમય દરમિયાન અને બાદની ચિનુભાઇની સ્થિતી વર્ણવી પણ મીનાક્ષીનું શું થયું ? તે જાણવા ન મળ્યું.
  “બગડી ગયેલા દૂધની ખબર રાખવાનો કોઈ અર્થ નથી.” ચિનુભાઇએ મન મનાવ્યું પણ અમારા સ્નેહી સાથે ચર્ચા કરતા તેઓને પુછ્યું તો કહે તે પાસવર્ડ થઇ ગઇ ! તેમને હેકર પાસે જાણવા મળેલું કે ઘણા ખરા પાસવર્ડ આવી ઘટના સાથે સંકળાયેલા વ્યક્તિના નામ હોય છે! તો અમારા માસીજીએ ગયા ચૈત્રી નોરતામા મદુરાઈ શહેરમાં આવેલ મીનાક્ષી મંદિર મા દર્શન કરવા ગયેલા તે વાત…
  હંસાબહેનના મૃત્યુના સંદર્ભમાં ચિનુનું આ અછાંદસ !
  “ગઈ કાલે રાત્રે એ મને સપનામાં આવી.
  મને કહે :” સાડી બરાબર પહેરી છે ને ?
  ચાંદલો બરાબર કર્યો છે ને ?
  અને જુઓ તો! આ બુટ્ટી કેવી લાગે છે ?’
  અને મેં મૃત્યુને કહ્યું: “ લે, લેતું જા !” આંખ ભીની કરી ગયું.

  મને ખ્યાલ છે ત્યાં સુધી ગાંધીજી ના ખોળામાં હમીદ કુરેશી રમેલા . તેઓ ગાંધી મૅમોરિયલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી હતા અને લુવાણા છોકરી સાથે પરણેલા -થોડા સમય પહેલા જ જાણ્યુ હતું કે ગાંધીજીના દ. આફ્રિકા અને અમદાવાદના સાથી ઈમામ સાહેબના કુટુંબી તથા ગાંધી આશ્રમના મે. ટ્રસ્ટી હમીત કુરેશી નું અમદાવાદમાં નિધન થયું.ધન્ય સ્વ હંસાબેન ધન્ય સ્વ ચિનુભાઇ-ધન્યવાદ શ્રી રજનીભાઇની કલમને

 • Prafull Ghorecha says:

  વાર્તા કરતા પણ અદભુત હકીકત.

 • ચાહે જો તુમ્હે પૂરે દિલ સે, મિલતા હૈ વોહ મુશ્કિલ સે,
  ઐસા જો કોઈ હો ઇસ જહામે,
  ઉસ હાથ કો તું થમ લો, વો મહેરબાન કાલ હો ન હો….
  બસ આ જ પંક્તિ યાદ આવે છે, તમારી વાત વાંચીને…
  પલ્લવી મિસ્ત્રી.

 • Dr.Suresh Kubavat says:

  ફરી રૂબરૂ વાતો કરવાનુ મન થયુ છે.
  મુકામ જુનાગઢ ! મુકામ ધોરાજી ?

 • samir dholakia says:

  જો અફસાના જિસે અંજામતક લાના ન હો મુમકીન
  ઉસે એક ખુબસુરત મોડ દેકર તોડના અચ્છા !

  ચલો એકબાર ફિરસે અજનબી બન જાય હમ દોનો
  સાહિર ની ઉપરોક્ત પંક્તિઓ મુરજનીભાઈના ચિનુ મોદી ના શબ્દચિત્ર ને બરાબર લાગુ પડે છે !

 • very interesting real life story, ” ek sunder swapna bit gaya ham jike kya karange….”
  Thanks !

 • Tamari kalam vade je lakhaya chhe te kaayam naa maate yaadgiri mukti jaaya chhe !

 • અદભૂત કહાણી. ‘રપ’ વાણી ને હવે રબ વાણી કહેવી પડશે !

 • સંજય ઉપાધ્યાય says:

  ચીનુ મોદી વિશેનો સ્મરણલેખ અદભૂત! એક શ્રેષ્ઠ કવિ શ્રેષ્ઠ મનુષ્ય પણ હતા એ પ્રથમવાર જાણ્યું. એમના ધર્માંતરણ અને બીજાં લગ્ન વિશે ચાલેલી ગેરસમજોનો છેદ ઉડાડે એવી આ શ્રદ્ધાંજલિ બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME