રૂપાંતરકાર – સુરેશ જાની

અપર સુબન્સરી, અરૂણાચલ પ્રદેશ, માર્ચ૨૦૧૨

image

આદિત્ય ત્યાગી! તમે હમણાં જ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિ.માંથી બિઝનેસ મેનેજમેન્ટના અનુસ્નાતક નિષ્ણાત બન્યા છો. એ અગાઉ તમે દિલ્હી યુનિ. માંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. ભારતના વડા પ્રધાને શરૂ કરેલા, પછાત ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની નવી તકો શોધવા અપાતી ફેલોશીપની ( Prime Minister’s rural development fellowship) પહેલી બેચમાંથી તમે ઊગતા સૂર્યના આ સાવ પછાત અને પર્વતાળ વિસ્તારમાં પહેલું કદમ મુક્યું છે. આવા બીજા ૧૫૦ તરવરતા યુવાનો પણ દેશના વિવિધ ભાગોમાં આવી કામગીરીમાં જોડાયા છે. આખાય ભારત દેશમાં સવારની સૌથી પહેલી રોશની આ રાજ્યમાં પ્રગટે છે. પણ અહીંની સ્થાનિક પ્રજા સાવ અજ્ઞાન, અંધકાર અને દરિદ્રતામાં સબડે છે.

તમને અભ્યાસ દરમિયાન મળેલ જ્ઞાન અને ભારત સરકારે આ કામ માટે આપેલી અઢી મહિનાની પાયાની તાલીમના આધારે તમે ‘કાંઈક નવું’ કરવા કટિબદ્ધ બન્યા છો. ૨,૦૦૦ કિલોમિટર લાંબા રૂટ પર, મેકમોહન રેખાની સમાંતરે, હાઈવે બનાવવાનું કામ તો હાથમાં લેવાય ત્યારે ખરું; પણ થોડાક જ અભ્યાસ બાદ તમને આ વિસ્તારમાં ભુતકાળમાં પ્રચલિત અને અહીંની પ્રજાની જીવાદોરી જેવા વેપારની જાણ થઈ છે. પગપાળા અને ખચ્ચર/ યાકના સહારે ચાલતો એ વ્યવસાય હવે સાવ મૃતપ્રાય બની ગયો છે. તમારી કુશાગ્ર બુદ્ધિ આ વ્યવસાયને પુનર્જિવિત કરી શકાય કે કેમ ? – તેનો અભ્યાસ કરવા તમને પ્રેરે છે. હાઈવે તો બનવાનો જ છે, અને પગપાળા વેપાર ફરીથી ચાલુ ન કરી શકાય , પણ આ પર્વતાળ અને રમણીય વિસ્તારમાં યુવાનોમાં સાહસિકતા પ્રગટાવે તેવી ‘ટ્રેકિંગ-તાલીમ’ યોજના બનાવી શકાય, તેવી કલ્પના તમારા દિમાગમાં ઝબકી ગઈ છે. એ કામ શરૂ થાય તો અહીંની ખડતલ પ્રજા માટે રોજગારી અને બીજા વ્યવસાયોની તક ઊભી કરી શકાય.

એવરેસ્ટ સર કરનારા સાહસિકોની સાથે જોડાયેલા શેરપા યુવાનોની ટીમ તમે તૈયાર કરો છો. પાંચ દિવસના પગપાળા પ્રવાસના અંતે તમે જી.પી.એસ.માં ચાલી શકે તેવો આધુનિક નકશો તૈયાર કરી દીધો છે. સાથે સાથે રાતવાસા માટે સગવડ અને આપત્તિમાં બચાવ માટે ઊભા કરવાના સૂચિત મથકો સ્થાપવા માટેની પાયાની માહિતી પણ તમે ભેગી કરી દીધી છે.

image

ડિસેમ્બર૨૦૧૫

તમે કરેલ સંશોધન અને અભ્યાસના આધારે, વેપારી તેમ જ સાહસવૃત્તિને ઉત્તેજન આપતા ટ્રેકિંગ પ્રોજેક્ટના કામનો હવાલો તમને સોંપવામાં આવ્યો છે. તમે આ દૂરંદેશી વાળા અને નવતર પ્રોજેક્ટમાં ગળા ડૂબ ખુંપી ગયા છો. સાથે સાથે સાડા ત્રણ વર્ષના આ પ્રદેશના વસવાટે તમને અહીંના બાળકોના શિક્ષણ માટે પણ સજાગ બની ગયા છો.

આ ગઈ સાલની જ વાત લો ને? તમારા ઘરની ઓસરીમાં તમે સેલ ફોન પર યુ-ટ્યુબ વિડિયો જોઈ રહ્યા હતા, ત્યાં જ અચાનક તમારા ધ્યાનમાં આવ્યું કે, તમારી પાછળ કોઈક ઊભું છે. તમે પાછળ જોયું તો, ઘરમાં કામ કરવા આવતી બાઈની સાથે આવેલો તેનો છ વર્ષનો દીકરો બહુ જ ધ્યાનથી વિડિયો જોઈ રહ્યો હતો. તમે એને બાળકોના શિક્ષણને લગતા બે વિડિયો બતાવ્યા અને એક વિડિયો ગેમ રમવાનું પણ શીખવાડ્યું. પછી તો આ લગભગ રોજનો ક્રમ બની ગયો.

ત્રણ મહિના પછી કામવાળી બાઈ હરખાતી હરખાતી આવી અને તમને એના દીકરાનું માર્ક શીટ બતાવી. ડાબી બાજુથી પાંચમાં નંબર રાખતા અને લગભગ દરેક વિષયમાં નાપાસ થતા , તેના દીકરાનો ક્લાસમાં દસમો નમ્બર આવ્યો હતો. તે બધા જ વિષયોમાં પાસ પણ થયો હતો. ગણિતમાં તો ૯૨ માર્ક લાવ્યો હતો. તમે એક ટેબ્લેટ તેના દીકરાને ઈનામમાં અપાવ્યું. મા દીકરો તો રાજીના રેડ બની ગયા. તમે તેના થોડાક મિત્રોને તમારા ઘેર બોલાવ્યા અને તેમને પણ આ નવી તરાહના શિક્ષણથી માહેર કર્યા. તે બધા પણ બરાબર ભણતા થઈ ગયા.

અને… આદિત્ય ત્યાગી! એ દિવસથી તમારા જીવનને એક નવી જ દિશા મળી ગઈ.

બાળકોના શિક્ષણમાં રસ હોય તેવા મિત્રોને તમે આ વાત કરી અને તેમને પણ આમાં રસ પડ્યો.

અને એક નવી નક્કોર સંસ્થા શરૂ કરવાનો સંકલ્પ તમારા દિમાગમાં દૃઢ બની ગયો.

———————————————-

image

આઈ-સક્ષમની વેબ સાઈટ પરથી ઘણી બધી માહિતી આ રહી …

http://www.i-saksham.org/

આઈ-સક્ષમની શરૂઆત બિહારના એક જિલ્લા જમુઈના મુખ્ય મથક જમુઈમાં થઈ. નક્સલવાદીઓના ત્રાસથી પીડાતા જનુઈમાં શિક્ષણ સાવ ખોરંભે પડ્યું હતું. આઠમા ધોરણનો વિદ્યાર્થી બીજા ધોરણના દાખલા પણ બરાબર કરી શકતો ન હતો. તેના ઉદભવની આ કથા આપણા દિલો દિમાગમાં એક નવી જ અનુકંપા જગવી જશે.

http://isaksham.blogspot.in/2015/02/the-day-when-idea-of-i-saksham-was.html

ત્યાં શિક્ષણ વ્યવસ્થામાં આ નવા અભિગમને `સમાવી લેવાના પ્રતાપે ૧૧મા ધોરણની વિધાર્થિની મમતાનું જીવન જ બદલાઈ ગયું છે. તેને ભણવા માટે જન્મજાત મુશ્કેલી હતી. તેના લગ્ન પણ સાવ નાની ઉમરે નક્કી થઈ ગયા હતા. માબાપને સમજાવી તેને નવી તરાહથી સહાય કરવામાં આવી, અને તેનાં લગ્ન મુલતવી રખાયા. આજે તે બીજા બાળકોને ભણાવે છે, અને મહિને ૩૦૦૦ ₹ કમાતી થઈ ગઈ છે. આવી જ એક કિશોરી, આગતા હાંસદા સ્ત્રીઓ અને કિશોરીઓને માસિક સ્રાવ વિ. સ્ત્રીઓ અંગેની બાબતોમાં શિક્ષણ આપતી થઈ છે.

image

અરૂણાચલમાં પ્રગટેલા આ સૂર્યોદયની રોશની દેશમાં ઠેર ઠેર ફેલાવા લાગી છે. ટેબ્લેટના ઉપયોગથી વિડિયો/ રમત/ કોયડા વિ. જાતજાતની અને ભાતભાતની રીતે વિશ્વ કક્ષાનું શિક્ષણ બાળકો મેળવી શકે છે, નિશાળમાં ભણેલા પાઠની પ્રેક્ટિસ જાતે કરી શકે છે.

image

અત્યાર સુધીમાં ૪,૦૦૦ વિદ્યાર્થીઓને આઈ-સક્ષમે આમ તૈયાર કર્યા છે. એમને દોરવણી આપી શકે તેવા શિક્ષકો તૈયાર કરવાનું અને આવા પછાત વિસ્તારોના યુવાન યુવતિઓમાં નવ જાગૃતિ લાવવાનું યજ્ઞ કાર્ય પણ તેઓ કરે છે. અલબત્ત એના માટે થોડીક ફી જરૂર રાખી છે, જેથી આ અભિયાનનો થોડોક ખર્ચ નીકળે. આવા ૪૦ આઈ-સક્ષમ મિત્રોની સેના પણ આ કામમાં જોટાઈ છે. અલબત્ત ભારતમાં અનેક ભાષાઓના કારણે આ કામ અંગ્રેજી જેટલું સહેલું નથી જ. વળી સાધન સામગ્રી ખરીદવાનો અને તેમની મરામતનો પ્રશ્ન તો ઊભો જ છે. પણ દેશની અનેક સંસ્થાઓએ આ ઉમદા કામમાં મદદનો હાથ લંબાવ્યો છે. મોટા પાયે, સાદી ડીઝાઈનના ટેબલેટ ઓછી કિમ્મતે ખરીદવા અને જરૂરી સોફ્ટવેર મેળવવા આઈ-સક્ષમ કટિબદ્ધ છે. આ ત્રણ વર્ષમાં ઊભા કરાયેલા માળખાના આધાર પર કોઈ સંસ્થા સ્થાનિક ભાષામાં કામ કરવા તૈયાર હોય તો તેમને પણ ઉત્તેજન આપવા આદિત્ય અને તેના સાથીઓ તૈયાર છે.


સાભાર – શ્રેયા પરીખ , Better India, ઈ-સક્ષમ


સંદર્ભ –

http://www.thebetterindia.com/26440/how-games-videos-help-rural-kids-learn-better-and-give-youth-an-opportunity-to-earn-extra-income/

https://pmrdfellows.wordpress.com/pmrd-fellows-details/north-eastern-states/arunachal-pradesh/aditya-tyagi/

https://www.facebook.com/aditya.tyagi.313?lst=548087885%3A582054047%3A1490556062


વાચકોની જાણ સારૂ –

અમદાવાદની શ્રીમતિ હીરલ શાહે એકલા હાથે આવા કામને માટે જરૂરી સામગ્રી તૈયાર કરવાના યજ્ઞની નોંધ લેવા, નીચેની વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતી, તેને મદદ કરવા કોઈ વાચક તૈયાર થાય તો સોનામાં સુગંધ ભળે.

image

http://evidyalay.net/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME