મો. ક. ગાંધી

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા(૧૯૧૫) પછી તેમનું અને તેમની ટુકડીનું દેશમાં સૌ પહેલું રોકાણ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં થયું. ગાંધીજી અને ટાગોર, બંને સાથે ઘનિષ્ઠતા ધરાવતા અંગ્રેજ પાદરી, સમાજસુધારક અને શિક્ષણકાર ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુઝે [1]જ્યારે ગાંધીભાઈને પૂછ્યું, ‘ભારતમાં સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવશે એમ તમને લાગે છે અને લાગતું હોય તો ક્યારે?’ તે અંગે ગાંધીજીનો જવાબ હતો, ‘મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. મારી ઇચ્છા એક વર્ષ સુધી ભારતભ્રમણ કરવાની છે અને આ ગાળામાં જાહેર વિષય પર કશું ન બોલવા અંગેનું વચન ગોખલેએ મારી પાસે લીધું છે. એટલે પાંચ વર્ષ સુધી સત્યાગ્રહનો પ્રસંગ આવે એમ નથી જણાતું.’ પરંતુ અંગ્રેજ સલ્તનતે આ સત્યાગ્રહીની ધારણા ખોટી ઠેરવી. માત્ર બે વર્ષમાં જ સત્યાગ્રહનો પ્રસંગ આવ્યો. એ સત્યાગ્રહ તે બિહારના ચંપારણમાં ખેડૂતોને પોતાના ખેતરના કેટલાક ભાગમાં ફરજિયાતપણે કરવા પડતા ગળીના વાવેતર અંગેની પ્રથાની નાબૂદી માટે. ૧૯૧૭ના વર્ષ દરમિયાન ગાંધીજી ઘણા દિવસો ચંપારણ આસપાસનાં ગામોમાં જ રહ્યા અને ‘ગળીનો ડાઘ’ દૂર કરાવ્યો. આ સત્યાગ્રહની કથા ગાંધીજીના શબ્દોમાં…

સંપાદન અને રજૂઆત : કેતન રૂપેરા

ગળીનો ડાઘ

ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીનકઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.

મારે કબૂલ કરવું જોઈએ કે હું ત્યાં પહોંચ્યો તેના પહેલાં ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટીઓ જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુ:ખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી.

રાજકુમાર શુક્લ કરીને ચંપારણના એક ખેડૂત હતા. તેમની ઉપર દુ:ખ પડેલું. એ દુ:ખ તેમને કઠતું હતું. પણ તેમને આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ પોતાના દુ:ખમાંથી થઈ આવી હતી.

લખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય ને મને ચંપારણ જવાને નોતરતા જાય.

વકીલ બાબુ તે મારા ચંપારણના પ્રિય સાથી, બિહારના સેવાજીવનના પ્રાણ બ્રજકિશોરબાબુ. તેમને રાજકુમાર શુક્લ મારા તંબૂમાં લાવ્યા. તેમણે કાળું આલપાકાનું અચકન, પાટલૂન વગેરે પહેરેલાં. મારી ઉપર કંઈ સારી છાપ ન પડી. મેં માની લીધું કે ભોળા ખેડૂતને લૂંટનાર આ કોઈ વકીલ સાહેબ હશે.

મેં ચંપારણનો કિસ્સો તેમની પાસેથી થોડોક સાંભળ્યો. મારા રિવાજ પ્રમાણે મેં જવાબ દીધો, ‘જાતે જોયા વિના આ વિષય ઉપર હું કંઈ અભિપ્રાય ન આપી શકું. તમે મહાસભામાં બોલજો. મને તો હમણાં છોડી જ દેજો.’ રાજકુમાર શુક્લને મહાસભાની મદદ તો જોઈતી જ હતી. ચંપારણને વિશે મહાસભામાં બ્રજકિશોરબાબુ બોલ્યા ને દિલસોજીનો ઠરાવ પાસ થયો.

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી નિમિત્તે તે અંગેની અન્ય સામગ્રી પણ સમાવતા ‘नवजीवनનો અક્ષરદેહ’ના જાન્યુઆરી, 2017ના અંકનું મુખપૃષ્ઠ

મુખપૃષ્ઠમાં ચંપારણ અને ખેડા સત્યાગ્રહના અરસામાં કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીભાઈ અને ઇનસેટમાં આ ગળીનો આ ડાઘ દૂર કરવા ગાંધીજીનો કેડો પકડનાર ખેડૂત રાજકુમાર શુક્લ

રાજકુમાર શુક્લ રાજી થયા, પણ તેટલેથી જ તેમને સંતોષ ન થયો. તે તો મને જાતે ચંપારણના ખેડૂતોનાં દુ:ખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, ‘મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એકબે દિવસ આપીશ.’ તેમણે કહ્યું: ‘એક દિન કાફી હોગા, નજરોંસે દેખિયે તો સહી.’

લખનૌથી હું કાનપુર ગયેલો. ત્યાં પણ રાજકુમાર શુક્લ હાજર જ. ‘યહાં સે ચંપારણ બહોત નજદીક હૈ. એક દિન દે દો.’ ‘હમણાં મને માફ કરો. પણ હું આવીશ એટલું વચન આપું છું,’ એમ કહી હું વધારે બંધાયો.

હું આશ્રમ ગયો તો રાજકુમાર શુક્લ મારી પૂંઠે જ હતા, ‘અબ તો દિન મુકરર કીજિયે.’ મેં કહ્યું, ‘જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે ત્યાં આવજો ને મને લઈ જજો.’ ક્યાં જવું, શું કરવું, શું જોવું એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હું ભૂપેનબાબુને ત્યાં પહોંચું તેના પહેલાં તેમણે તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણઘડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો.

૧૯૧૭ની સાલના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. રાજકુમાર શુક્લ લઈ ગયા તે ગાડીમાં અમે બંને પેઠા. સવારના પટણા ઊતર્યા.

પટણાની આ મારી પહેલી મુસાફરી હતી. પટણામાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લ જોકે અણઘડ ખેડૂત છે છતાં તેમને કંઈ વગવસીલો તો હશે જ. ટ્રેનમાં મને તેમની કંઈક વધારે ખબર પડવા લાગી. પટણામાં પોત કળાઈ ગયું. રાજકુમાર શુક્લની બુદ્ધિ નિર્દોષ હતી. તેમણે જેમને મિત્ર માન્યા હતા તે વકીલો તેમના મિત્ર નહોતા, પણ રાજકુમાર શુક્લ તેમના વસવાયા જેવા હતા. ખેડૂત અસીલ અને વકીલોની વચ્ચે તો અંતર ચોમાસાની ગંગાના પહોળા પટ જેટલું હતું.

મને તે રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. ખાવાનું કંઈક મારી સાથે હતું. મારે ખજૂર જોઈતું હતું તે બિચારા રાજકુમાર શુક્લ બજારમાંથી લાવ્યા.

પણ બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટા નોકરને અભડાવે. નોકર શું જાણે હું કઈ જાત હોઈશ. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો, ને રાજેન્દ્રબાબુ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હતો. આ રમૂજી અનુભવોથી રાજકુમાર શુક્લ વિશે જેમ મારું માન વધ્યું તેમ તેમને વિશે મારું જ્ઞાન પણ વધ્યું. પટણાથી મેં લગામ મારે હાથ કરી.

બિહારી સરળતા

મૌલાના મજહરુલ હક્ક અને હું એક વખત લંડનમાં ભણતા. ત્યાર બાદ અમે મુંબઈમાં ૧૯૧૫ની મહાસભામાં મળેલા. તે વર્ષે તેઓ મુસ્લિમ લીગના પ્રમુખ હતા. તેમણે જૂની ઓળખાણ કાઢી મને પટણા જાઉં ત્યારે તેમને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને આધારે મેં તેમને ચિઠ્ઠી મોકલી ને મારું કામ જણાવ્યું. તેઓ તુરત પોતાની મોટર લાવ્યા ને મને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ કર્યો. મેં તેમનો ઉપકાર માન્યો ને મારે જ્યાં જવાનું હતું ત્યાં મને પહેલી ટ્રેનથી રવાના કરી દેવાનું કહ્યું. રેલવે ગાઇડથી મને ખબર પડી શકે તેમ નહોતું. તેમણે રાજકુમાર શુક્લ સાથે વાત કરીને મારે પ્રથમ તો મુઝફ્ફરપુર જવું જોઈએ એમ સૂચવ્યું. તે જ દિવસે સાંજે મુઝફ્ફરપુરની ટ્રેન જતી હતી તેમાં મને તેમણે રવાના કર્યો. મુઝફ્ફરપુરમાં તે વખતે આચાર્ય કૃપલાની રહેતા હતા. તેમને હું ઓળખતો હતો. હૈદરાબાદ ગયો ત્યારે તેમના મહાત્યાગની, તેમના જીવનની ને તેમના દ્રવ્યથી ચાલતા આશ્રમની વાત દા. ચોઈથરામને મોઢેથી સાંભળી હતી. તે મુઝફ્ફરપુર કૉલેજમાં પ્રોફેસર હતા, તેમાંથી પરવારી બેઠા હતા. મેં તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્રેન મધરાતે પહોંચતી હતી. તે પોતાના શિષ્યમંડળને લઈને હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાં રહેતા હતા. મને તેમને ત્યાં લઈ ગયા. મલકાની ત્યાંની કૉલેજના પ્રોફેસર હતા, અને તે વખતના વાતાવરણમાં સરકારી કૉલેજના પ્રોફેસરે મને સંઘરવો એ અસાધારણ પગલું ગણાય.

કૃપલાનીજીએ બિહારની અને તેમાંય તિરહુત વિભાગની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઈનો ખ્યાલ આપ્યો. કૃપલાનીજીએ બિહારીઓ સાથે ગાઢ સંબંધ બાંધી લીધો હતો. તેમણે મારા કામની વાત તેમને કરી મૂકી હતી. સવારે નાનકડું વકીલમંડળ મારી પાસે આવ્યું. તેમાંના રામનવમીપ્રસાદ મને યાદ રહી ગયા છે. તેમણે પોતાના આગ્રહથી મારું ધ્યાન ખેંચ્યું.

‘તમે જે કામ કરવા આવ્યા છો તે આ જગ્યાએથી ન થાય. તમારે તો અમારા જેવાને ત્યાં રહેવું જોઈએ. ગયાબાબુ અહીંના જાણીતા વકીલ છે. તેમની વતી હું તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ કરું છું. અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઈશું. રાજકુમાર શુક્લની ઘણી વાત સાચી જ છે. દુ:ખ એ છે કે અમારા આગેવાન આજ અહીં નથી. બાબુ બ્રજકિશોરપ્રસાદને અને રાજેન્દ્રપ્રસાદને મેં તાર કર્યા છે. બંને અહીં તુરત આવી જશે ને તમને પૂરી માહિતી ને મદદ આપી શકશે. મહેરબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો.

આ ભાષણથી હું લોભાયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્ચિંત કર્યો.

હું ગયાબાબુને ત્યાં ગયો. તેમણે અને તેમનાં કુટુંબીજનોએ મને પ્રેમથી નવરાવ્યો.

બ્રજકિશોરબાબુ દરભંગાથી આવ્યા. રાજેન્દ્રબાબુ પુરીથી આવ્યા. અહીં જોયા તે લખનૌના બ્રજકિશોરપ્રસાદ નહીં. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઈ, ભલમનસાઈ, અસાધારણ શ્રદ્ધા જોઈને મારું હૈયું હર્ષથી ઊભરાઈ ગયું. બિહારી વકીલમંડળનું બ્રજકિશોરબાબુના પ્રત્યેનું માન જોઈ હું સાનંદાશ્ચર્ય પામ્યો.

આ મંડળ વચ્ચે ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઈ.

બ્રજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડૂતોને સારુ કેસો લડતા. એવા બે કેસો ચાલી રહ્યા હતા. આવા કેસો કરી કંઈક વ્યક્તિગત આશ્વાસન મેળવતા. કોઈ વાર તેમાં પણ નિષ્ફળ જતા. આ ભોળા ખેડૂતોની પાસેથી ફી તો લેતા જ. ત્યાગી છતાં બ્રજકિશોરબાબુ કે રાજેન્દ્રબાબુ ફી લેવામાં સંકોચ ન રાખતા. ધંધા પરત્વે જો ફી ન લે તો તેમનું ઘરખર્ચ ન ચાલે, ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા અને બંગાળાના ને બિહારના બારિસ્ટરોને અપાતી ફીના ન ધારી શકાય એવા આંકડા સાંભળી હું ગૂંગળાઈ ગયો.

‘સાહેબને અમે ‘ઓપીનિયન’ને સારુ ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા.’ હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી.

આ મિત્રમંડળે આ બાબતનો મારો મીઠો ઠપકો હેતપૂર્વક સાંભળ્યો. તેનો તેમણે ખોટો અર્થ ન કર્યો.

મેં કહ્યું: ‘આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું. આવા કેસોથી લાભ ઘણો થોડો થાય છે. જે રૈયતવર્ગ આટલો કચડાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત રહે છે, ત્યાં કચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઈ શકે. લોકોનો ડર કાઢવો એ તેમને સારુ ખરું ઔષધ છે. આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હું તો બે દિવસ જોવાય તેટલું જોવા આવ્યો છું. પણ હવે જોઉં છું કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તોપણ હું આપવા તૈયાર છું. આ કામમાં શું કરવું જોઈએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઈએ.’

બ્રજકિશોરબાબુને મેં બહુ ઠરેલ મગજના ભાળ્યા. તેમણે શાંતિથી જવાબ આપ્યો: ‘અમારાથી બનશે તે મદદ અમે આપશું. પણ તે કેવા પ્રકારની તે અમને સમજાવો.’

અમે આ સંવાદમાં રાત ગાળી. મેં કહ્યું: ‘મારે તમારી વકીલાતની શક્તિનો ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી હું તો લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલ જવાપણું પણ જોઉં છું. તમે તે જોખમમાં ઊતરો એ મને ગમે. પણ તેમાં ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો. પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કંઈ હું ઓછું નથી માગતો. અહીંની હિંદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથીમાં કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહોંચાય નહીં. આ બધું સેવાભાવથી ને વગર પૈસે થવું જોઈએ.’

બ્રજકિશોરબાબુ સમજ્યા, પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછ્યા. મારી અટકળ પ્રમાણે, ક્યાં લગી વકીલોએ ભોગ આપવો જોઈએ, કેટલા જોઈએ, થોડા થોડા થોડી થોડી મુદતને સારુ આવે તો ચાલે કે નહીં, વગેરે પ્રશ્નો મને પૂછ્યા. વકીલોને તેમની ત્યાગની કેટલી શક્તિ હતી તે પૂછ્યું.

છેવટે તેમણે આ નિશ્ચય જણાવ્યો: ‘અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિશે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.’

[સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી, ક્રમશઃ]

 

++++++ (‘नवजीवनનો અક્ષરદેહ’, જાન્યુઆરી, 2017માંથી) ++++++

नवजीवनનો અક્ષરદેહના બધા અંકો ઓનલાઇન વાંચવા માટે લિંક

http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh

-.-.-

ભાઈશ્રી કેતન રૂપેરાનો સંપર્ક ket.rupera@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે


[1] એમણે ઘણાં વર્ષો સુધી હિંદી લોકોના પ્રશ્નો અંગે ભક્તિભાવથી સેવા આપી હતી તેથી તેમને ‘દીનબંધુ’ની ઉપાધિ મળી હતી. તેથી દીનબંધુ એન્ડ્રુઝ નામે જાણીતા થયા. (ગાંધીજીનો અક્ષરદેહ-૧૩) – સં.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

  • pragnajuvyas says:

    સત્યના પ્રયોગો ને ફરી ફરી મમળાવવાનો આનંદ

  • સત્યાગ્રહીનો માર્ગ કેવો કપરો હોય છે તે બધાં જાણે છે, પણ આવો સત્યાગ્રહ આરંભતાં પહેલાં કેવા કેવા વિષમ અને અણચિંતવ્યા અવરોધોને પાર કરવા પડે છે તે આ લેખમાં સ્પષ્ટ થાય છે.
    ગાંધીજી કેવી નોખી માટીના મહામાનવ હતા તે સમજવા જેવી વાત છે. આ લેખ ગાંધીજીના હિંદુસ્તાનના જીવનકાર્યનો આરંભ થયો તે સમયનો છે. ત્યારે હજી તેમને પૂરા હિંદુસ્તાનનો ટેકો ન હતો, ન તો તે મહાત્મા હતા, ન હિંદુસ્તાનનો અવાજ. આવા સંયોગોમાં વકીલ ગાંધીજી, સત્યાગ્રહી ગાંધીજી તદ્દન અજાણ્યા વિસ્તારમાં જઈને લોકજાગૃતિ આણે છે અને કચડાયેલી પ્રજામાં જોમ પ્રગટાવે છે તે સૌએ નોંધવા જેવી બાબત છે.
    ગાંધીજીના સમર્થન કે વિરોધની વાત કરતાં પહેલાં તેમના જીવન ઘડતરમાંથી જન્મેલ તેમની જીવન ફિલસૂફી પર ઊંડું અધ્યયન કરીએ તે ય ઘણું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME