રજનીકુમાર પંડ્યા

લેખકની વિશેષ નોંધ:

(હું જેતપુરનો વતની છે એ વાત આ કટાર અંતર્ગત પ્રગટ થયેલા અનેક લેખો દ્વારા વાચકો જાણતા જ હશે. મારા શાળાજીવનના અનેક ગોઠીયાઓમાંથી હવે તો માત્ર બે-ચાર સાથે જ મારો સંપર્ક રહ્યો છે. તેમાંના એક તે કિશોરચંદ્ર જેઠાલાલ કુંભાણી, જેઓ આજે મુંબઈ વસે છે. તેમના પિતા અને મારા પિતા દેવરામ પંડ્યા પણ મિત્રો હતા. પણ એ મૈત્રીની એક વિશેષ વાત એ છે કે મારી સાવ શીશુવયમાં મને અફીણનો ડૉઝ વધુ અપાઈ જવાના ગંભીર મામલામાં રાતભર જાગીને મારો જીવ બચાવનાર જે બે ડૉક્ટરો હતા તેમાં એક ડૉ. હરિભાઈ અડાલજા અને બીજા તે આ કિશોરના પિતા ડૉ જેઠાલાલ કુંભાણી. એક માનવતાવાદી તબીબ લેખે ડૉ જેઠાભાઈ બહુ ઉમદા વ્યક્તિત્વ હતા. તેમના વિષે હું કાંઈ વધુ જાણીને મારી કલમે લખું તેના કરતાં મિત્ર કિશોરની કલમે એ આલેખાય તે જ વધુ ઠીક એમ મને લાગ્યું. એટલે આ લેખ તેમની કલમે.

તેઓ લખે છે : ‘આ લેખમાળાના લેખક રજનીકુમાર પંડ્યા મારા સિત્તેર વર્ષ જૂના ભાઈબંધ છે. તેઓ અને હું જેતપુરની ધ કમરીબાઈ હાઈસ્કૂલના વન-બેન્ચર હતા. 1955 માં તેઓ એસ એસ સી પાસ થઈને ભાવનગર કોમર્સનું ભણવા ગયા અને હું નાપાસ થઈને પછીની ઓક્ટોબરની એસ એસ સી પરીક્ષા ઉત્તીર્ણ કરીને સમયાંતરે મુંબઈ આવી ગયો. અત્યારે એક ઉદ્યોગ ધરાવું છું અને અંધેરીમાં પુત્રો-પરિવાર સાથે સ્થાયી છું.

૧૯૩૯ માં રજનીકુમાર જ્યારે એક વર્ષના હતા ત્યારે તેમના પરિવારમાં એક લગ્નપ્રસંગની ધમાલમાં તેમને ઉપરાછાપરી એક સાથે બે વાર બાળાગોળી (અફીણના અંશવાળી ગોળી) અપાઈ ગઈ અને પરિણામે તેઓ બેહોશીમાં સાવ મૃત્યુ પામવાના આરે આવી ગયા. (એ લેખ અહીં વાંચી શકાશે.) તે વખતે એ તો પોલીસકેસ જ થાય, પણ જેતપુરના બે ડૉક્ટરોએ તેમનો આખી રાત જાગીને જીવ બચાવ્યો તે ડૉ હરિભાઈ અડાલજા અને બીજા ડૉ જેઠાલાલ કુંભાણી તે મારા પિતા. જે બહુ સેવાભાવી અને પ્રજાપ્રિય ડૉક્ટર હતા તેમના વિષે, તેમની સેવાભાવના વિષે કશુંક લખવાનો રજનીકુમારનો આગ્રહ આ લેખ દ્વારા હું સંતોષી રહ્યો છું. અસ્તુ કિશોર જેઠાલાલ કુંભાણી).

જેતપુર તો કાઠી દરબારોનું રાજ્ય. મારા દાદાજી હરજીવનદાસ કુંભાણી દરબારમાં કામદારની પોસ્ટ પર હતા. મારા પિતા (જેઠાલાલભાઈ) ભણવામાં નબળા હશે એટલે મેટ્રીક પછી દરબારમાં નોકરીએ રહ્યા. પરંતુ પોતાને સતત ‘હા જી હા જી’ કરવું પડે એવું જીવન પસંદ ના પડ્યું. એટલે દાદાએ હોમીયોપથીનો તબીબી કોર્સ કરવા કલકત્તા મોકલ્યા. એ કોર્સ પ્રમાણમાં સરળ અને પાંચેક વર્ષનો હતો. તે પતાવીને થોડો સમય રંગુન (બર્મા) પણ ગયા. ત્યાં તેઓ બે-ત્રણ વર્ષ રહ્યા, પણ વધુ ફાવે તેવું નહોતું. દરમ્યાન જેતપુરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યાનું જાણ્યું એટલે પોતાને મળેલા તબીબી જ્ઞાનનો લાભ દેવા જેતપુર પ્રેક્ટીસ કરવા આવી ગયા.એ સાલ ૧૯૨૨ ની.

પ્લેગની બીમારી ખૂબ જ વિકરાળ હતી પણ સદ્‍નસીબે તેમાં હોમીયોપથી ખૂબ જ અસરકારક નીકળી અને તેથી શરૂઆતથી જ તેમને ડોક્ટર તરીકે સારી એવી નામના મળતી થઈ. એ પ્રેક્ટીસ સફળપણે તેમના અવસાનની તારીખ ૨૫-૩-૫૬ સુધી એકધારી ચાલી. તે વખતે મારી ઉમર ૧૮ વર્ષની હતી. આજે પણ તે દિવસ મારી નજરથી દૂર જતો નથી. એમની અર્થી ઘરની બહાર નીકળી તે વખતે બહાર અડીખમ ઊભેલા પીપળાના પાન ઉપરથી તેના ઉપર પાણીના ટીપાં પડ્યાં હતાં તે દૃશ્ય પણ મને સ્મરણમાં આજ સુધી અકબંધ છે.

ડૉ. જેઠાલાલ કુંભાણી

મારા સ્મરણમાં એ પણ તાજું છે કે દવાખાને રોજ ૧૦૦-૧૨૫ જેટલા દર્દીઓની ભીડ જામતી. પણ તેમાંથી બહુ જ ઓછા એવા હોય જેના પૈસા લેવાના હોય. વીઝીટમાં જવાનું બહુ થતું પણ એની ફીના નિયમો ‘ફ્લેક્સીબલ’ રહેતા. જાય ત્યારે દર્દીના ઘરનું ઝીણી નજરે નિરીક્ષણ કરતા. ઘરની વ્યક્તિ સાથે વાતચીત કરીને તેમની પાસેથી તેની આંતરીક પરિસ્થિતિ જાણી લેતા. જો એ જરા પણ નબળી જણાય તો બીજે દિવસે સવારે દવાખાને આવીને કમ્પાઉન્ડરને કહી દેતા કે કાલે આ જગ્યાએ ગયેલો તેની ફી તો લેવાની નથી. ક્યારેક એમ પણ કહી દેતા કે એમને ત્યાં એક ગુણ ઘઉં મોકલાવી દેજો. ફી સાથે કે ફી વગર સારવાર એકસરખી કરતા. કોઈ દર્દીને ત્રણચાર દિવસ સુધી તાવ ઉતરે નહીં તો પોતાના મિત્રો ડૉ. શિવુભાઈ, ડૉ. વચ્છરાજાની, ડૉ. હરિભાઈ અડાલજા જેવા મિત્રોને સેકન્ડ ઓપીનીયન માટે પોતાની સાથે લઈ જતા. કોઈ ડીફિકલ્ટ કેસ હોય તો ઘેર આવીને રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી તે અંગેના મેડિકલ જર્નલ્સ કે બુક્સ વાંચતા. એમ સતત ૨૪ કલાક પોતાના દર્દીનું જ રટણ રહેતું. કોઈ પણ જાતના ટેસ્ટ કર્યા વગર માત્ર દરદીના ફેસ અને આંખ ઉપરથી નિદાન કરતા અને કહી દેતા કે તેને શો પ્રોબ્લેમ છે. એમની આવડતથી એ જમાનાના એમ.ડી. થયેલ ડૉક્ટરો પણ આશ્ચર્ય પામતા.

મારા સગા કાકાના દિકરા(ડૉ અનુભાઈ પાનાચંદ કુંભાણી) એમ.ડી થઈને વધુ અભ્યાસ માટે લંડન જવાના હતા. જતાં પહેલાં મારા પિતાજીને પગે લાગવા અને આશીર્વાદ લેવા જેતપુર આવ્યા. એ વખતે મારાં બાની તબિયત બરાબર નહોતી. એટલે અનુભાઈએ મારા પપ્પાને પૂછ્યું, ‘કાકા, એક ડૉક્ટર તરીકે તમને મારી કાકીને શું તકલીફ હોય એમ લાગે છે ?’ મારા પપ્પાએ કહ્યું, ‘તારી કાકીના હાર્ટનો વાલ્વ પહોળો થાય છે અને તેને લીધે શ્વાસ વગેરેની તકલીફ છે. બાકી બીજું કંઈ જ નથી.’ અનુભાઈને આ સાંભળીને ખરેખર આશ્ચર્ય થયું કે પોતે હાર્ટ સ્પેશીયાલીસ્ટ હોવા છતાં એમ ઝટ જજ કરી શકતા નથી. ત્યારે કોઈ પણ જાતના ટેસ્ટ વગર કાકા કેવી રીતે આવું નિદાન કરી શકતા હશે ?

અનુકાકા લંડનથી ભણીને ઈન્ડિયા પાછા આવ્યા. બોમ્બે ઉતરીને તરત કાર્ડીયોગ્રામ વગેરે બધાં મશીનો લઈને જેતપુર અમારે ઘેર આવ્યા. મારા બાના બધા જ ટેસ્ટ કર્યા અને મોઢામાં આંગળા નાખી ગયા કે એક હોમીયોપથીનું ભણેલા ડૉક્ટર આટલું બધું પરફેક્ટ ડાયગ્નોસીસ કરી શકે! મને યાદ છે કે અમે છોકરાઓ કયા વર્ગમાં ભણીએ છીએ તેની તેઓને પણ ખબર ન હોય. કોઈ દિવસ બેસીને ગપ્પાં-સપ્પાં મારતાં અમે જોયા નથી. હંમેશા કાં વાંચતા હોય અથવા બેઠા બેઠા પોતાના દર્દીના વિચાર કરતા હોય.

એમનું મિત્રવર્તુળ પણ એમની જ કક્ષાનું હતું .વકીલ ચુનીલાલ કામદાર દવાવાળા, એસ.પી. કામદારવાળા મનુકાકા, ફુલવાડીમાં રહેતાં ગાંડુભાઈ કોઠારી અને અમારા પાડોશી જગન્નાથભાઈ કોઠારી- આ બધા મારા પિતાજીના મિત્રો હતાં. લગભગ રોજ રાત્રે ૧૦ થી ૧૨ સાથે બેસી નિર્દોષ પત્તે રમવાનો એ સૌનો શોખ.

ડૉ. જેઠાલાલ કુંભાણીનું નિવાસસ્થાન

એમની માનવતાનો એક પ્રસંગ મારાથી ભૂલ્યો ભૂલાતો નથી. રાત્રે ૧૨ આસપાસ એક સ્ત્રીએ અમારા ઘરની ડેલીનો આગળીયો ખખડાવ્યો. પિતાજીએ જાતે ઉઠીને ડેલી ખોલી અને સ્વભાવ પ્રમાણે પહેલા જતા ઊંચા સ્વરે પૂછ્યું કે ‘આ તે કાંઈ આવવાનો સમય છે ?’

બાઈ રડી પડી. ખોળો પાથરીને કહ્યું કે મારો ધણી ખૂબ જ બીમાર છે. કષ્ટાય છે અને આજની રાત નહીં કાઢે એમ લાગ્યું એટલે એકલી ચાલીને તમારી પાસે આશા લઈને આવી છું. ન આવી શકો તો છેવટ કાંઈ પણ દવા આપો, મારા પતિએ તમારું વેન લીધું છે. તેમ કહી એ રડવા લાગી. મારા પિતાએ કહ્યું કે એમ જોયા જાણ્યા વગર દવા ના અપાય. પાંચ મીનીટ ઉભી રહે. ચાલ, હું આવું છું. તેઓ પોતાના રૂમમાં પાછા ફર્યા. દવાની પેટી લીધી અને સ્ટેથોસ્કોપ લઈને બુટ પહેરીને ડેલીએ આવ્યા ત્યાં મારાં બા (લક્ષ્મીબેન) અવાજ સાંભળી ડેલીએ આવ્યાં.

તેમણે મારા પિતાને કહ્યું કે તમને પોતાને બે વાર એટેક આવી ગયો છે અને વીઝીટે જવાની ડોક્ટરોએ ના પાડી છે. વળી આટલી મોડી રાત્રે ઘોડાગાડી પણ આ બાઈ નથી લાવી. એટલે મારું સાંભળો તો આ રીતે ચાલતા જવું યોગ્ય નથી. બધું શાંતિથી સાંભળી લીધા પછી મરકીને એ બોલ્યા: ‘તારી બધી વાત બરાબર છે. હું પણ સમજું છું કે મારે રાત્રે ચાલીને ન જવું જોઈએ. પણ વિચાર કર. આ સ્ત્રીના પરિવારમાં તેઓ માત્ર ધણી-ધણીયાણી સિવાય કોઈ નથી. આટલી મોડી રાત્રે ડોક્ટરને હેરાન કરવાનો કોઈને શોખ ન હોય. ખરેખર તેની પરિસ્થિતિ કેવી છે તે તને ખબર નથી. એનો વર તાલુકા સ્કુલની બહાર થાળો લઈને તલના લાડવા, બાફેલા શક્કરિયા અને ભેળ વેચે છે અને એના પરિવારમાં માત્ર એ બે સિવાય કોઈ નથી. તો જ આટલી મોડી રાત્રે મારે બારણે આવી છે ! હવે તારું કહેવું માનીને હું વીઝીટમાં ન જાઉં અને તેના ધણીને કંઈક ન બનવાનું બની જાય તો ? તો વિચાર કર કે તેનું પાપ તો આપણને જ લાગશે ને ?’ પછી વિચાર કરીને બોલ્યા, ‘અને કદાચ વીઝીટે જતાં મને કંઈક થઈ ગયું તો આપણે તો ત્રણ ત્રણ દિકરાઓ છે. તું તો ક્યાંકને ક્યાંક સચવાઈ જઈશ. પરંતુ આ બાઈના ધણીને ના કરે નારાયણને કંઈક થઈ ગયું તો પછી તેનું કોણ?’

મારં બા પણ સમજુ હતાં. ચહેરા ઉપરથી ચિંતા ના ગઈ, પણ ભીતરથી આવા પતિ માટે ગર્વ અનુભવ્યો. તેઓ બોલ્યાં, ‘સારું,પણ સંભાળીને જજો.’

મારાં બાની વાત આમ જરાય ખોટી નહોતી. મારા પિતાને પોતાને બે વખત હાર્ટની તકલીફ થઈ ગયેલ એ વાત સાચી હતી. મિત્ર ડોક્ટરોએ તેમને ખાસ સલાહ આપેલી કે વધુ પડતો પરિશ્રમ ન કરશો અને રાત્રે વીઝીટમાં પણ ન જશો. પણ એમને પોતાના સ્વાસ્થ્ય કરતાં દર્દીઓની ચિંતા વધારે રહેતી. છેલ્લે જ્યારે ત્રીજો હાર્ટએટેક આવ્યો ત્યારે નજીકના વડીયા ગામ પાસે સાણથલી નામના ગામડે વીઝીટમાં ગયેલા અને પાછા આવતાં ગાડીમાં જ એટેક આવ્યો. પોતે પોતાની જાતે દવા ઈન્જેક્શન લઈ લીધાં અને ઘરે પાછા આવ્યા. ઘેર પાછા ફર્યા પછી આરામ કર્યો. પથારીવશ પણ રહ્યા. પંદરેક દિવસ અમને બધાંને સેવાનો લાભ મળ્યો. પણ અંતે ૨૫-૩-૫૬ના દિવસે એમનું અવસાન થયું

આવી ઘણી ઘણી વાતો મારા પિતાજી માટેની છે, પણ બધી અહિં લખી ના શકાય. ઘણી વાતોની ખબર મને પણ તેઓના ગુજરી ગયા પછી પડી. તેમના ગયા પછી સમજાયું કે એમણે પોતાનું જીવન કોઈને કંઈને કંઈ આપવા માટે જ નિર્ગમન કર્યું. અને સામે કંઈ મેળવવાની મરજી ના રાખી. એમની વિદાય પછી એમના કબાટમાંથી એવા પણ ઘણા લેખ મળ્યા, જેમાં અમુક દરબારોએ પોતાના કોઈ કુટુંબીની સારી સારવાર કર્યાના બદલામાં શરપાવરૂપે કંઈ જમીન-વાડી-ખેતર ભેટ આપ્યા હોય, પણ એક પણ કાગળમાં પોતે એના સ્વીકારની સહી કરી ન હોય.

જેતપુરના વતની, પણ બર્માના રંગુન-કે પાકીસ્તાનમાં ક્યાંય વસતા મુસ્લીમ બિરાદરો મારા પિતાશ્રીને ખૂબ જ માનતા. આજે પણ ત્યાંથી ઘણા જુના માણસો જેતપુર આવે છે ત્યારે અમારા ઘેર આવીને પાંચ પ્રદક્ષિણા અવશ્ય કરે છે અને પિતાજીને એ રીતે શ્રધ્ધાંજલી આપે છે.

પિતાના મૃત્યુ પછી મારી અઢાર વર્ષની વયે મારા મગજમાં જે કંઈ મથામણ હતી તે માત્ર અઢાર દિવસોમાં શાંત થઈ ગઈ. આ અઢાર દિવસમાં ૨૮ વર્ષ જેટલી મેચ્યુરીટી મારામાં આવી ગઈ.

**** **** ****

જેતપુરના ભાદરકાંઠે આવેલા સ્મશાનમાં જ એમને અગ્નિદાહ અપાયા પછી એવી એક ઘટના ઘટી, જે અપૂર્વ હતી. ત્યાં એકત્ર થયેલા જેતપુરના પ્રજાજનોએ એમની યાદ સદાકાળ તાજી રહે એ માટે ત્યાંને ત્યાં જ ઠરાવ કર્યો કે ફંડ ફાળોઉઘરાવીને પણ ડૉ જેઠાલાલ કુંભાણીનું એ દવાખાનું ગરીબ માણસો માટે નોમીનલ (મામૂલી) ચાર્જ લઈને ચાલુ રાખવું. પરદેશમાં વસતાં જેતપુરનાં પ્રજાજનોને સંસ્થા બાબત કદાચ બહુ ખ્યાલ હોય પણ નહીં. પણ એ સાર્વજનિક દવાખાનું સારવાર માટે રોજના ૨૫ પૈસા જેટલા ટોકન ચાર્જથી દવા આપવાની પધ્ધતિએ મોટા ચોકમાં જ્યાં મારા પિતા બેસતા અને દર્દીઓની સેવા કરતા ત્યાં જ ચાલુ રહ્યું. પછી આગળ જતાં એ ભાડાનું મકાનમાલીકને પરત આપી દીધું અને નવી વોરાવાડમાં ડૉ શીવુભાઈ દેસાઈની બાજુમાં ‘ડૉક્ટર જેઠાલાલ હરજીવન કુંભાણી ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી તે શરુ કર્યું. આ દવાખાનું શરૂ કરવામાં જેતપુરની પ્રજાનો જ ફાળો હતો. ૧૯૮૭માં ડીસ્પેન્સરીમાંથી મેટરનીટી હોસ્પીટલ બનાવી જે આજે પણ ચાલુ છે. ગિરીશભાઈ ગોડા એના સંચાલનમાં બહુ સમય આપે છે

છેલ્લે એક ઉમેરવા જેવી વાત :

મારા પિતાજીના અવસાન પછી હું, મારા મોટાભાઈ, કાકા બધા જ મુંબઈથી જેતપુર આવ્યા હતા. મને બરાબર યાદ છે પિતાજી ગુજરી ગયાને અઠવાડિયું થયું હતું. મારા મોટાભાઈએ અમારા કમ્પાઉન્ડર જેઠુભાઈ અને ગિરધરભાઈ બેઉને બોલાવીને પૂછ્યું કે દવાખાનાની બાબતે કોઈને કંઈ આપવાનું કે લેવાનું નીકળતું હોય તો અમને જણાવો, તો એ બધું સેટલ કરીને અમે પાછા મુંબઈ જઈએ. ત્યારે જેઠુભાઈ કમ્પાઉન્ડરે દવાખાના માટે જે કાંઈ દવા ખરીદવામાં આવી હોય તે ઉપરાંત દવાખાનાનું મકાનભાડું વગેરે ખર્ચની નોંધ અમને આપી અને કહ્યું કે આટલા બીલ ચુકવવાના બાકી છે. બાકી ઉઘરાણી માટે પૂછતા હો તો કહું કે અમારી પાસે એનીય યાદી છે પણ ભાઈએ આટલા વર્ષોમાં કદી કોઈ પાસે ઉઘરાણી માટે અમને મોકલ્યા નથી. એ તો કાયમ કહેતા કે કોઈ દર્દી ડૉક્ટરના પૈસા ન આપે તેવું ન બને. પણ ખરેખર જો કોઈ આપવા ન આવે તો તે ખરેખર તકલીફમાં હોય તો જ ન આપે. બાકી તેની દાનત ખોટી ના હોય, એટલે કદીકને કોઈ પૈસા ન આપે તેને આંગણે જઈને તેમને શરમાવવા નહીં.

ખરેખર પિતાજી વિશ્વાસમૂર્તિ હતા. દવાખાનામાં આખા દિવસની જે આવક થાય તેની રકમ કમ્પાઉન્ડર દવાખાનું બંધ થયે મારા પિતાજીના હાથમાં મુકી દેતા. તેમણે એ વખતે કે પછી ક્યારેય પૂછ્યું નથી કે કેટલા આવ્યા ને કોના કેટલા બાકી છે. એમના હાથમાં જે મુકાતા એ ગણ્યા વગર ઘેર આવીને મારી બાના હાથમાં આપી દેતા અને બા એ પૈસા કબાટમાં મૂકી દેતા. બાકી ક્યારેય અમે પિતાજીને કે બાને પૈસા ગણતા જોયા નથી.

**** **** ****

Kishor J Kumbhani,

103, Gulshan 1,Juhu Lane, Andheri (West) MUMBAI-400058

Tel- +9122 2628 1922/ E Mail- mixrite@gmail.com


લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા :

બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૦
મોબાઇલ : +91 98980 15545 /વ્હૉટ્સએપ : + 91 95580 62711/ લેન્ડ લાઇન – +91 79-253 23711
ઈમેલ : rajnikumarp@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

8 Comments

 • Prafull Ghorecha says:

  ડોક્ટર વિઝીટે ગયા પછી પેલી બાઈના પતિનું શું થયું તે જાણવાની ઇન્તઝારી સાથે આટલા ભલા ડોક્ટરની વાત માન્યામાં ન આવે એટલી ભલમનસાઈ પહેલી વખત વાંચી. કકીર કહેવાય ફકીર.
  પ્રફુલ્લ ઘોરેચા

 • Dr.Suresh Kubavat says:

  Adbhoot.
  મને આવાજ સેવાભાવી એવા મારા પિતાશ્રી
  ડૉ. નરોત્તમભાઈ એન કુબાવત યાદ આવી ગયા.
  આવા મહામાનવોના સંતાન હોવાનુ સૌભાગ્ય એ નાની સુની વાત નથી.

 • સ્વ. ડો. જેઠાલાલને સાદર પ્રણામ.
  આવી સેવા ભાવના વાળી વ્યક્તિઓના પ્રતાપે અને પૂણ્યે જ સમાજ ટકી રહ્યો છે. જો બધા કેવળ સ્વાર્થ લક્ષી જ થઈ જાય તો સમાજ અને જંગલમાં શો ફરક?

 • Ishwarbhai Parekh says:

  કિશોર્ ભાઇ પિતા ડોક્તર દેવ ના આપ નસિબ દાર દિકરા .

 • Rajnkkumarji
  Two things need clarifications: “pela shakkarriya vala nu shun thayu?” and Jetpur- where is that located – ( I know Pavi Jetpur near Chhotaudepur and Vadodara ) Thanks for such a nice true story. Such stories should be included in our Gujarati Text books – instead reading same old storiesagain and again

  • Rajnikumar Pandya says:

   Jetpur is medium size town between Gondal and Junagadh(30 KM) , It is in Rajkot District, 65 KM away from Rajkot. on National Highway No 8
   Regards

 • pragnajuvyas says:

  યાદ ઇવાન ઇલિચનું પુસ્તક ‘લિમિટ્સ ટુ મેડિસિન’ એમાં મલ્ટિનેશનલ કક્ષાએ ચાલતા મેડિકલ ભ્રષ્ટાચારની વિગતો
  જર્નલોમાં પ્રસિદ્ધ થયેલા લેખોને આધારે આપવામાં આવી છે. ખોટાં પ્રિસ્ક્રિ‌પ્શનમાં બિનજરૂરી દવાઓ લખી મેડિકલ કંપનીઓ પાસેથી અઢળક કમિશન ખાનારા , જરૂર ન હોય તોય બ્લડ-ટેસ્ટ કરાવીને પૈસા બનાવનારા ઉમદા વસાયને બદનામ કરે છે. ટીવી સિરિયલ ‘સત્યમેવ જયતે’માં એક એપિસોડ મેડિકલ ભ્રષ્ટાચાર પર હતો.ત્યારે સ્વ.ડો. જેઠાલાલ ની માન્યામા ન આવે તેવી સેવાથી પ્રેરાઇ ‘ડૉક્ટર જેઠાલાલ હરજીવન કુંભાણી ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામથી દવાખાનું શરૂ કરવામાં જેતપુરની પ્રજાનો જ ફાળો હતો. ૧૯૮૭માં ડીસ્પેન્સરીમાંથી મેટરનીટી હોસ્પીટલ બનાવી જે આજે પણ ચાલુ છે. ગિરીશભાઈ ગોડા એના સંચાલનમાં બહુ સમય આપે છે જાણી ધન્ય ધન્ય
  તેમની હોમિયોપેથીમા- ડૉ. જેમ્સ હેલ કેન્ટ, ડૉ બાનિંગ હૉલેન, ડૉ. બોકિ ના સમાન મૂળબૂત સંશોધનને સુધારણાઓ કરયા છે અને તે જગત ભરમાં પ્રસરેલ છે. હાલમાં, વિશ્વના ૩૦ દેશોમાં હોમિયોપેથીનો ઉપચાર કરવામાં આવે છે અને વૈકલ્પિક ઔષધોની શાખા દ્વારા માન્યતા મળી છે. આવા અનેક સેવાભાવી સંસ્થાઓની પ્રેરણાથી ભારત સરકારે ‘આયુષ’. આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી સંસ્થા સ્થાપી છે તે સફ્ળ થશે તેવી આશા

 • Nishith & Bharat Kumbhani says:

  Thank you for your kind comments. We are Grand children of Dr. Jethalalbhai Kumbhani and are truly blessed to have a Dadaji like him who have left behind immortal and inspiring deeds for all of us as mankind. Even now when we visit Jetput, some elderly people who had seen my Dadaji have tears in their eyes when they talk about him and his helping nature. We are undoubtedly enjoying the fruits of his good deeds and Karmas. We feel blessed to be born in Kumbhani family and we are indeed fortunate to see all the qualities of our Dadaji in our father Kishorbhai. God has been kind to us is all I can say. Thank you Rajni uncle for your kind publication. Last but not the least , thanks to all the readers for your soul touching comments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME