નીતિન વ્યાસ

जो तुम तोड़ो पिया, मैं नाही तोडू रे।
तोरी प्रीत तोड़ी कृष्णा, कौन संग जोडू॥
तुम भये तरुवर, मैं भयी पंखिया।
तुम भये सरोवर, मैं भयी मछिया॥
तुम भये गिरिवर, मैं भयी चारा।
तुम भये चंदा मैं भयी चकोरा॥
तुम भये मोती प्रभु जी, हम भये धागा।
तुम भये सोना, हम भये सुहागा॥
बाई मीरा के प्रभु बृज के बासी।
तुम मेरे ठाकुर, मई तेरी दासी॥

::રસદર્શનઃ:

સ્નેહ અને સર્વસ્વના સમર્પણની સુરીલી મૂર્તિ એટલે મીરાંબાઈ..મીરાંબાઈ એક એવા કવયિત્રી હતાં કે જેમના કાવ્યો કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગવાયાં છે.

કૃષ્ણ પ્રત્યેના સાખ્યભાવમાં તેમણે ઘણાં ભજનો રચ્યાં છે અને મુખ્યત્વે વ્રજ અને મારવાડી ભાષામાં લખ્યાં છે.

ઉપરોક્ત ભજન

જો તુમ તોડો પિયા,મૈં નાહિ તોડું રે,

તોરી પ્રીત તોડી કૃષ્ણા કૌન સંગ જોડું..માં શરુઆતથી જ કૃષ્ણ તરફ સંપૂર્ણ શરણાગતિ અને બિનશરતી પ્રીતની મક્કમતા ભારોભાર છલકે છે,અને તે પણ ભક્તિની એક ઉચી ગરિમા સાથે નીતરે છે. ન કોઈ અપેક્ષા,ગરજ કે ન કોઈ અરજ. અહીં તો કૃષ્ણને જાણે કે પડકાર છે કે જા, તારે પ્રીત તોડવી હોય તો છૂટ છે પણ હું નહિ તોડું!! કારણ કે મારે મન તો વિશ્વમાં એક જ પુરુષ છે. હું બીજા કોની સાથે જોડું?” પ્રેમની ચરમ સીમા તો જુઓ! કોઈ વિકલ્પ વગરનો આ પાકો નિર્ધાર, દોરી વગરનું આ મજબૂત બંધન કેવું અદ્વિતિય હશે? હ્રદયમાંથી સહજપણે આવતા શબ્દોની મસ્તી પણ પ્રેમભરી છે. એક જ નાનકડી પંક્તિમાં તો ‘તોડો,તોડી,તોડું,જોડું’ ની શબ્દ-રમત ભાવોની અખિલાઈનું, તેની અડગતાનું અદભૂત દર્શન કરાવે છે.

મીરાંબાઈ પોતાના ઈષ્ટદેવની કલ્પના પતિ કે પ્રિયપાત્રના રૂપમાં કરતાં હતાં. તેથી તેની પ્રશસ્તિમાં કેટકેટલી ઉપમા, રૂપકો અને વિધવિધ શબ્દોના અલંકારો સજાવે છે.

સૌથી પ્રથમ તે કહે છે કે,

तुम भये तरुवर, मैं भयी पंखिया।

तुम भये सरोवर, मैं भयी मछिया॥

અગર તમે તરુવર છો, વૃક્ષ છો, તો હું પાન છું. તમે સરોવર છો તો હું માછલી છું.

અહીં પ્રતીકો પણ એવા કલ્પ્યાં છે કે જે અંતરની ભાવના છતી કરી આપે છે. એ રીતે કે વૃક્ષ તો પાન ખરી જાય તો પણ રહી શકે છે. જ્યારે વૃક્ષથી પાન ખરે એટલે ખેલ ખતમ. સરોવરનું જળ તો સદા સ્થિર થઈ વહ્યા જ કરે પણ માછલી પાણી વગર ન જીવી શકે. અહીં “તરુવર-સરોવર” અને“પં ખિયા-મછિયા”નો પ્રાસાનુભાવ પણ આબાદપણે ઝીલાયો છે. તો“તુમ ભયે અને મૈં ભયી”ની પુનરોક્તિ પણ મીરાંના મનોભાવમાં ઘેરા રંગ પૂરી ધારી અસરકારકતા ઉપજાવે છે.

આગળની પંક્તિઓમાં એ જ ભાવને વળી સહેજ અલગ રીતે મમળાવે છે.

तुम भये गिरिवर, मैं भयी चारा ।
तुम भये चंदा मैं भयी चकोरा॥

અહીં મીરાંબાઈની નજર સામે કૃષ્ણ જુદા જુદા રૂપે કેન્દ્રિત થાય છે.પ્રેમમાં ‘અત્ર તત્ર સર્વત્ર’તેમને કેવળ એક જ મૂરત દેખાય છે. એ કહે છે કે તમે જો પર્વત હો, ગિરિવર હો તો હું તો તેની આસપાસનું એક સામાન્ય ઘાસ છું. તમે જો ચન્દ્ર હો તો હું ચકોરા નામનું એક પક્ષી છું જે ક્યારેય ચાંદ પરથી પોતાની નજર ખસેડતું નથી. કેટલી અવિનાભાવી કલ્પના. અહીં ચારાની સાથે ચકોરા અને ચાંદના વર્ણાનુપ્રાસો પણ કાવ્યત્વની દ્રષ્ટિએ ખીલી ઉઠે છે.‘ચારા’નો બીજો અર્થ કેટલાંક વિદ્વાનોએ પર્વતની આસપાસ પવનને કારણે વહેતું નાનકડું ઝરણું પણ દર્શાવ્યો છે. ગિરિવર શબ્દપ્રયોગ સહજપણે જ ગોવર્ધનધારીની વાર્તા જગવી જાય છે. એક એક ઉપમા જાણે કે પ્રેમની પારાશીશી બની જાય છે.

આગળની લીટીઓ,
तुम भये मोती प्रभु जी, हम भये धागा।

तुम भये सोना, हम भये सुहागा॥

આમાં પોતાને એક એવી વસ્તુઓ સાથે સરખામણી કરી છે કે જે મુખ્ય વસ્તુ ની સાથે જ મૂલ્યવાન બને છે. એ કહે છે કે પ્રભુ, તમે મોતી છો અને હું તો એક દોરો છું. દોરો મોતીમાં પરોવાય તો જ કિંમતી હાર બને. તમે તો અસલ સોનું છો અને હું તો માત્ર એની ચમક!! અહીં અભિવ્યક્તિનું એક વિશિષ્ટ રૂપ પ્રગ્ટ્યું છે. એક રુઢિપ્રયોગ છે કે “સોનેપે સુહાગા” અથવા તો અંગ્રેજીમાં કહે છે Gold and Glitter.. ભાષાની આ એક લાક્ષણિક રુઢ શૈલી પ્રયોજાઈ છે. એ ઉપરાંત અહીં પણ “ધાગા,સોના,સુહાગા” વગેરે સમાન ધ્વનિ ભજનની ધૂનને સુંદર નાદ પૂરો પાડે છે.

આખા ભજનને અંતે કવયિત્રી સમસ્તપણે ન્યોછાવર થઈ પ્રેમાધીન થઈ જાય છે.એ કહે છે કે,

बाई मीरा के प्रभु बृज के बासी।
तुम मेरे ठाकुर, मई तेरी दासी॥

હે વ્રજવાસી, તમે જ મારા માલિક અને હું તમારી દાસી. ભક્તિની આ એક ચરમ સીમા છે. જગતના અને જાતના તમામ ગુણધર્મો, ભાવો, સ્વભાવો બધું જ, પ્રેમપાત્રમાં ઓગળી જાય છે, વિલીન થઈ જાય છે,આધીન થઈ જાય છે. આ પ્રેમની મર્યાદા નથી, ભક્તિની clip_image001પરાકાષ્ઠા છે, ઊંચાઈ છે.આભને આધાર નથી. છતાં એ ઉંચું છે કારણ કે,એ ચારે બાજુથી ઝુકેલું છે.હકીકતે તો ઝુક્યા કે ઉઠ્યાનો ક્યાં કશો ખ્યાલ રહે છે? આ દુન્યવી પ્રેમ નથી, દૈવી પ્રીત છે. આ સ્થુળ સ્નેહ નથી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સાધના છે અને એ જ છે મીરાંની પ્રેમલક્ષણા ભક્તિની અમરતા.

પંક્તિઓમાં પણ વાસી,દાસીનો પ્રાસ ધ્યાનાકર્ષક છે, તો કોમળ મધુર ભાવ ભજનના લયમાં ઉમેરો કરે છે.

આમ શરુઆતથી અંત સુધી આ ભજન સમગ્રતયા કૃષ્ણ સાથેનું તાદાત્મ્ય અને એકરૂપતાની ઝાંખી કરાવે છે. પદ્યનો લય અને પ્રેમની ગતિ અત્યંત સહજ અને સરળતાપૂર્વક એક પવિત્ર માહોલ સર્જી દે છે અને ભાવકની આંખ સામે હાથમાં તાનપુરો લઈ ગલી ગલી ઘૂમતા મીરાંબાઈની શ્વેત મનોહર આકૃતિ તરવરે છે.

મીરાંબાઈનું આ ભજન વિવિધ સંગીતકારોએ સૂરોથી મઢ્યું છે અને અનેક ગાયકોના કંઠમાં આજસુધી સચવાયું છે. અત્યંત મધુરતા અને કોમળતાથી ભર્યા ભર્યા આવા ભજનો છેલ્લે એ કહેવા પ્રેરે છે કે,

મેવાડની મીરાંને માધવની મમતા, મોંઘેરી મધુર મોરલીની મમતા,
મોહનના મોહક મુખડાની માયા, મેવાડની મીરાંને માધવની મમતા.

સાધક, સંત, ભક્ત કવયિત્રીને શત શત નમન.

                                                                                                         અસ્તુ.

                                       – દેવિકા રાહુલ ધ્રુવ: http://devikadhruva.wordpress. com

મીરાંબાઈ રચિત આ ભજન અનેક સંગીતકારો, ગાયકો અને ગાયિકાઓ એ જુદા જુદા રાગમાં સ્વરબધ્ધ કર્યું છે, શ્રી વસંત દેસાઈએ ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં રાગ ભૈરવી, પંડિતરવિ શંકરે “મીરા” માં રાગ યમનમાં ધૂન બનાવી, જયારે શીવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચોરસિયા એ આ જ ભજન “સીલસીલા”માં લતા મંગેશકર કંઠે રાગ ચંદ્રકૌંસમાં રેકર્ડ કર્યું છે.

પહેલાં એક અલભ્ય (Rare) રચના – ગાયિકા સીતારા કાનપુરી, 1947માં બનેલી ફિલ્મ “મીરા” સઁગીતકાર શ્રી એસ.કે. પાલ, મુખ્ય  ભૂમિકામાં નિરૂપ રોય સાથે મસૂદ પરવેઝ અને નિર્દેશન વહિદુદ્દીન ઝિયાઉદ્દીન એહમદ

હવે  સાંભળીએ “ઝનક ઝનક પાયલ બાજે”  લતા મંગેશકરને. વી. શાંતારામ દિર્ગદર્શિત ફિલ્મમાં કલા નિર્દેશન શ્રી કનુ દેસાઈનું હતું, 

સંગીતરચના પંડિત રવિશંકર, ગાયિકા વાણી જયરામ,  ફિલ્મ “મીરા”

લતા મંગેશકર, સંગીતકાર શિવ-હરિ, ફિલ્મ “સીલસીલા”  

ગાયિકા અનુરાધા પૌડવાલ – સંગીત શ્રી વિશ્વ પ્રકાશ

કર્ણાટકના પ્રસિદ્ધ ગાયક અશ્વાર્થ નારાયણન, સત્ય સાંઈની પ્રસાદી

અનુપ જલોટા

પામેલા સિંહ

ગાયિકા સાધના સરગમ  અને રવિન્દ્ર જૈનનું સંગીત

કલાકાર ગુંજન ગોયેલ, સ્વર ગીતાંજલિ શર્મા, “કલા અંકુર” અજમેરની પ્રસ્તુતિ

વાણી જયરામના ગીત સાથે ત્રીશા સરકારનું નૃત્ય

ગાયિકા કાજલ મજમુદાર સાથે સંગીત પંડિત પદ્મભૂષણ

ટીવી સીરિયલ ‘મીરાંબાઈ’માં આ જ ભજનની સુંદર રજૂઆત (ગાયિકા અને સંગીતકારનું નામ જાણી શકાયું નથી)

સ્વામિનારાયણ કીર્તન પાર્ષદ ખુશાલ ભગત

સુમધુર ગાયિકા વિભાવરી

સિતાર પર અલીફ લૈલાની રજૂઆત

સંગીતની કોઈ સીમા નથી હોતી,

ગ્રીકના લોકગાયક સ્ટેલીઓઝ કઝાનઝીદીસ, લતા મંગેશકર\ના ચાહક, તેમની પોતાની ભાષામાં એક લોકગીત રૂપે સરસ રજુઆત

એક કર્ણપ્રિય ભજન નું ખૂબ સંવેદનશીલ રસદર્શન કરવાવા બદલ શ્રીમતી દેવિકાબેન ધ્રુવ નો હૃદયપૂર્વકનો આભાર, 

આપણી સંતવાણી અને ભજનનો રસ તો તેના અસલી ઢાળ અને અંદરની આરતથી તે ગવાય તેમાં રહેલો છે. એ સંદર્ભ માં મીરાબાઈ ની રચના “જો તુમ તોડો પિયા” ના અહીં રજુ થયેલા વિવિધ રૂપો સુજ્ઞ વાચકો અને સંગીત પ્રેમીઓ ગમશે તેવી આશા સાથે –


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas@hotmail.com સરનામે કરી શકાશે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

6 Comments

 • Dipak Dholakia says:

  ફરી વાર દેવિકાબેન અને નીતિનભાઈના અજોડ સમન્વયથી એક અદ્‍ભુત અનુભવ થયો.

 • ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી) says:

  મીરાના કૃષ્ણ પ્રેમ સામે દુન્યવી પ્રેમની સરખામણીની શક્યતા જ નથી !
  દેવિકા બેન અને નીતિનભાઇની કમાલ જુગલબંદી. ધન્યવાદ બંન્નેને.
  ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી )

 • pragnajuvyas says:

  અદભુત મીરાના કૃષ્ણ પ્રેમનું ભજન
  શ્રી નીતિનભાઇના મધુરા સમ્કલન વીડીયો
  સુ શ્રી દેવિકાબેન ભાવવાહી રસદર્શન

 • Deepak Bhatt says:

  Once again duo of Nitinbhai Vyas and Devikaben Dhruv has done an outstanding job. Nitibhai is putting immortal songs and bhajans sung by various famous singers at one place to enjoy tremendously and it is lots of work. Nitinbhai, my sincere thanks for your research and compilation work as I am its beneficiary. Devikaben is also doing a a great job in analyzing. Her comments are very COMPLEMENTRY to make the combination perfect and hence there joint work is really COMPLIMETARY.

  This reminds me another devotional bhajan “Prabhuji Tum Chandan Ham Pani”written by Sant Raidas (aka Ravidas) and also sung by many famous singers in various Rags. If you compare these two bhajans, you may find almost the same themes and words and also use of RUPAKs and UPMAS (Simile and Analogy) to describe relationship between Almighty and his devotee. By the way, both were during 16th century. Raidas’ existence has been credited during 15-16th century as exact dates are not known but his work has been in Granth Sahib of Sikhs. Mirabai was in 16th century as she was married to Bhoj Raj in around 1510-20 when Babur was establishing Mogul empire in India. Raidas was a CHAMAR (untouchable) while Mirabai was a Rajput and they both revolted against established social norms. And yet they are still in hearts of masses.

  Excellent work and would like to convey my sincere thanks and congratulations to this JUGALBANDI (Nitinbhai and Devikaben).

  • Neetin Vyas says:

   શ્રી દિપકભાઈ,
   આપણા પ્રતિભાવ અને સૂચન બાદલ આભાર, સંત રવિદાસજી નું ભજન:
   प्रभु जी तुम चंदन हम पानी।
   जाकी अंग-अंग बास समानी॥ प्रभु जी तुम घन बन हम मोरा। जैसे चितवत चंद चकोरा॥

   ખુબ સરસ છે. હવે પછીના કોઇબી મણકામાં તેનો સમામવેશ કરશું,

 • Gajanan Raval says:

  I like this Bhajan very very much..Your Rasdarshan made me engross so deeply that you deserve unending love and best wishes for such an excellent attempt….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME