ઉત્પલ વૈશ્નવ

જ્યારે કોઈ છોકરો પોતાની (સ્ત્રી)મિત્રને પરણી જાય છે , ત્યારે તે ખાલી જગ્યા ઊભી કરે છે.

આ ‘કણિકા’ મારી નથી. જેમ્સ ગોલ્ડસ્મિથ તેના રચયિતા છે. જો કે આ વાત કોણે કહી છે તે એટલે મહત્ત્વનું નથી કે તેનું ખરૂં મહત્વ તેમાં જે કહેવાયું છે – ગમે કે ન પણ ગમે, પણ વાતમાં દમ છે – તેનું છે.

એ તો હકીકત જ છે કે આપણને જે વાત બીનશરતી હોય તે ગમી જતી હોય છે. એ જ વાત સાથે જેવી કોઈ શરત લાગૂ પડશે તેવી એ વાત ન ગમવાનું શરૂ થઇ જશે!

આમ કાયમ બનતું તો હોય છે, પણ આપણું તેના પ્રત્યે ધ્યાન નથી જતું. આ નાની બાબતની આ વાત સાહેદી પૂરશે –

૧૯૯૯માં મારે મિલન (નામ બદલેલ છે)નામની એક વ્યક્તિને મળવાનું થયું.

તે એક શાળામાં કારકુન તરીકે નોકરી કરતો હતો. સવારના ૮.૦૦થી બપોરના ૧.૦૦ વાગ્યા નોકરી કરવાનો જે પગાર મળતો તેનાંથી તેમનાં જીવનનું ગાડું ચાલી જતું હતું.

પણ મિલનને તેની નોકરી જરા પણ નહોતી ગમતી. તેની અદમ્ય ઈચ્છા હતી કે બાળકોને તે ગણિત શીખવે.

મિલન ગણિત શિક્ષણમાં હતો પણ માહેર. વળી, ભણાવવું તેન ગમતું પણ હતું.ઘણાં વિદ્યાર્થીઓ તેની પાસે ગણિત શીખવા આવતાં પણ ખરાં.

તેની નીરસ નોકરીથી કંટાળીને તેણે એ નોકરી છોડી દીધી. પછી તેણે એક નાની સરખી જગ્યા ભાડે લીધી, થોડું ઘણું જરૂરી રાચરચીલું વસાવ્યું અને ગણિત શીખવવાના કોચિંગ ક્લાસ શરૂ કર્યા.

પહેલાં જ અઠવાડીયામાં પહેલી બેચ જેટલાં વિદ્યાર્થી પણ જોડાઈ ગયાં..

ત્રણ મહિનામાં તો તે દિવસની ચાર બેચને ભણાવવા લાગ્યો હતો. તેમનાં કામથી તે હવે સંતુષ્ટ હતો. તેંણે વધારાની જગ્યા પણ ભાડે રાખી, બીજાં બેએક શિક્ષકો સાથે ભાગીદારી કરી અને બેએક નવાં શિક્ષકોને નોકરીએ પણ રાખ્યાં.

ચારપાંચ લોકોની આ ટીમ હવે કોચિંગ ક્લાસ ધમધમાટ ચલાવવા લાગી હતી. વિદ્યાર્થીઓ અને તેમનાં માબાપમાં ગણિતના ક્લાસ તરીકે તેમનું નામ પણ થઈ ગયું હતું.

હવે વિદ્યાર્થીઓની સંખ્યા તો વધતી જ જતી હતી. મનેકમને પણ તેઓએ નવી બેચ ઉમેરતાં જવું પડતું હતું.

આમ હવે ગણિત શીખવાડવા ઉપરાંત મિલન ક્લાસ ચલાવવાના વ્યવસાયનાં વહીવટ અને સંચાલનમાં પણ ઉલઝવા લાગ્યા.

જોકે તેમનો લાગ્યા તો કરતું જ કે ક્લાસના આ વહીવટ વગેરે કરતાં તેમને તો ગણિત શીખવવાનું જ વધારે ગમતું હતું.

દિવસાદિવસ ક્લાસ ચલાવવાના ખર્ચા પણ વધવા લાગ્યા હતા. થોડા સમયમાં તેમને ખયાલ આવી ગયો કે આવક કરતાં જાવક વધવા લાગી છે.

એ ખાડો પૂરો કરવા હવે ગણિત શીખવવાના શોખને બદલે હવે તેમનો શોખ શેર બજાર તરફ વળી ચૂક્યો હતો. ગણિત તેમને હવે ગમતું નહોતું, તેમનો વધારે સમય શેરદલાલની ઑફિસમાં વીતવા લાગ્યો.

ખેર, લાંબી વાતને ટુંકાવીએ.

તેમણે ક્લાસીસ બંધ કરી દીધા કારણકે ક્લાસીસ ચાલુ રાખવાનું તેમની પહોંચની બહાર નીકળી ગયું હતું. તેમણે ફરી કોઈ સંસ્થામાં વહીવટી કામગીરીવાળી નોકરી શરૂ કરી દીધી છે.

મિલનનાં જીવનનું ગાડું તો ચાલતું રહ્યું હતું, પણ તેને, કે તેનાં કુટુંબીજનોને, જે અપેક્ષા હતી તે મુજબ તો નહીં જ !

બોધપાઠ:

૧. પોતાના શોખને વ્યવસાયમાં ન ફેરવી નાખો (તમને એ શોખનાં વ્યાવસાયિક પાસાં ન સમજાતાં હોય ત્યારે તો ખાસ!)

૨. આપણાં એ કંટાળાભર્યાં કામથકી જ આપણે આપણો શોખ પૂરો કરવા માટે સમય અને સાધનો પૂરાં પડે છે. આ વાત સમજીએ અને તેની સાથે સુલેહ કરીને ચાલીએ.

3. વ્યવસાય (કે જીવન)માં એવી કેટલી બાબતો આપણે કરવી પડે છે જે આપણને અંગત રીતે ગમતી નથી, પણ તે ક ર્યા સિવાય છૂટકો પણ નથી. એ જ સર્વસામાન્ય હકીકત છે. આપણને નાપસંદ, પણ બીજી બધી જ રીતે મહત્ત્વની, આપણા વ્યવસાયની બાબતો કે પ્રવૃત્તિઓ સાથે કામ લેતાં નહીં આવડે તો, આજે નહીં તો કાલે, વ્યવસાયમાં આપણી હકાલપટ્ટી જ થશે.

૪. જિંદગીનાં ગણિતમાં ૧+૧ બરાબર કાયમ નથી થતું હોતું. જૂદી જૂદી પરિસ્થિતિમાં એ સરવાળો જૂદો જ થવાનો. સમજવાની જરૂર એ છે . જિંદગીનાં ગણિતની રકમના આંકડા મૂકવામાં બહારનાં પરિબળોનો ફાળો પણ મોટો છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવસાય (કે જીવન)માં એ જીવનમાં ૧ એ અચલ, નિરપેક્ષ આંકડો નથી. ૧ એ એક માત્ર સાંકેતિક સંજ્ઞા છે જે સંદર્ભ અને સમય અનુસાર અલગ મૂલ્ય ધરાવે છે, અલગ અલગ અર્થઘટન દર્શાવે છે.

શોખ સાથેના આપણા સંબંધને તંદુરસ્ત રહેવા દેવો હોય તો શોખને કામ – કે વ્યવસાય-માં ન ફેરવી કાઢવું હિતાવહ છે.


ઉત્પલ વૈશ્નવના સંપર્કમાટેનાં વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • મનસુખલાલ ગાંધી says:

  સરસ લેખ છે.

 • pragnajuvyas says:

  ખૂબ જ સ રસ લેખ
  તેમા આ વાત ‘ શોખ સાથેના આપણા સંબંધને તંદુરસ્ત રહેવા દેવો હોય તો શોખને કામ – કે વ્યવસાય-માં ન ફેરવી કાઢવું હિતાવહ છે.’ ખૂબ ગમી

 • vimla hirpara says:

  હુ માનુ શુ કે કોઇપણ શોખ કે કલા જયારે વ્યવસાયના રુપમાં બજારમાં આવે ત્યારે એનુ અલગારી તત્વ નાશ પામે છે. નફાનુકશાની ગણતરી થવા માંડે ને સફળ થવા નિયમોમાં બાંધછોડ થવા માંડે. જુઓ સંગીત, નૃત્ય, કે ચલચિત્ર જયારે કલા ન રહેતા ધંધો બને તો કયારેક એના નિમ્ન સ્તરમાં આવી જાય. જયારે કોઇ લેખક પોતાના શોખ માટે લખે ને એ પોતાના આશ્રયદાતા કે વાંચકવર્ગ જાળવી રાખવા ને ખુશ રાખવા લખે તો એના સર્જનમાં ફેર પડી જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME