બીરેન કોઠારી

“બેટા, આપણા ઘરનો કચરો ક્યાં નાખવાનો?”

“કચરાપેટીમાં.”

“બહુ સરસ. અને કચરાપેટી ક્યાં ઠાલવવાની?”

“બાજુવાળા અંકલના ઘર આગળ.”

આ સંવાદ કાલ્પનિક છે, પણ પરિસ્થિતિ વાસ્તવિક છે. તે આપણા ઘરમાં ભજવાય કે ન ભજવાય, આપણાં શહેરોમાં ચોક્કસ ભજવાય છે. આપણે ઘેર કચરાપેટીમાં એકઠો કરી રાખેલો કચરો લેવા માટે સેવાસદનનો ટેમ્પો આવે છે કે આપણે નજીકની કોઈ કચરાપેટીમાં તે ઠાલવી આવીએ છીએ. આ કચરાપેટીઓ વેળાસર ખાલી ન થવાને કારણે તેને ઉકરડામાં ફેરવાતાં વાર નથી લાગતી, કેમ કે, કચરાપેટી સુધી પહોંચવું દોહ્યલું બનતું જાય છે. આ કારણે સૌ કચરાપેટીની અંદર નહીં, પણ તેની તરફ કચરો ફેંકવાનું શરૂ કરે છે. કચરાપેટીની બહાર વિસ્તરતી આ સૃષ્ટિમાં ગાય, કૂતરાં પોતાનું પેટ ભરવા આશરો શોધે છે. આ વાત થઈ જાહેર કચરાપેટી વેળાસર ખાલી ન કરાય ત્યારની. પણ એ વેળાસર ખાલી થતી રહે તો શું? આનો જવાબ સહેલો છે. આવું દૃશ્ય શહેરની બહાર, જ્યાં આ કચરાપેટી ઠલવાતી હોય એ સ્થળે જોવા મળે. આ સ્થિતિ ઘરેલુ કચરાના નિકાલ બાબતે છે. ઔદ્યોગિક કચરાના નિકાલ બાબતે શું સ્થિતિ છે?

ઔદ્યોગિક કચરો વિવિધ પ્રકારનો હોય છે, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપનો સમાવેશ થતો હોય છે. તમામ પ્રકારના કચરાના યોગ્ય નિકાલ માટે નિર્ધારીત નિયમો છે. તેની ચકાસણી કરવા માટે આખું તંત્ર ઉભું કરવામાં આવેલું છે. આમ છતાં, રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાંથી પસાર થતી વખતે તેનું પાલન કેવું અને કેટલું થાય છે એ જોઈ તેમજ અનુભવી શકાશે. બુધવારને તા. 22 ફેબ્રુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે ઉદ્યોગોને આદેશરૂપે ચીમકી આપતાં જણાવ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ ઉદ્યોગોએ પોતાના એફ્લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ કાર્યરત કરી દેવા. અને એમ કરવામાં નિષ્ફળ જાય તેમણે પોતાના ઔદ્યોગિક એકમને તાળા મારી દેવા. સર્વોચ્ચ અદાલતે જે આકરી ભાષામાં ચેતવણી આપી છે તે આ સમસ્યાની ગંભીરતા સૂચવે છે. જળપ્રદૂષણની સમસ્યા દિવસે દિવસે વ્યાપક અને વધુ ગંભીર બનતી જાય છે. આ સમસ્યા માટે સૌથી જવાબદાર હોય તો વિવિધ પ્રકારના ઉદ્યોગો.

ઉદ્યોગો કોઈ પણ પ્રકારના હોય, તેના માટે પાણી માનવજીવનની જેમ જ અનિવાર્ય ઘટક છે. પાણીના વિવિધ ઉપયોગોને અંતે તેમાં વિવિધ ઘટકો ભળે છે અને તે પ્રદૂષિત બને છે. આવા પ્રદૂષિત પાણી કે અન્ય નકામા પ્રવાહીને ‘એફ્લુઅન્‍ટ’ કહેવાય છે. આવા પાણીના નિકાલ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા હોય છે અને ઉદ્યોગોને અપાતી પરવાનગી માટે ‘એફ્લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ‘ અનિવાર્ય બાબત છે. પ્રદૂષિત પાણીને કે પ્રવાહીને વિવિધ પ્રક્રિયા દ્વારા બિનહાનિકારક બનાવવાની ક્રિયાને ‘એફ્લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ’ કહે છે. આ પ્રક્રિયામાં જરૂરત મુજબ એસિડ, આલ્કલી તેમજ બૅક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે પ્રદૂષિત પાણીને ખુલ્લામાં કે નદી યા દરિયામાં ગમે એટલે દૂર સુધી છોડવામાં આવે, તેની વિપરીત અસર થયા વિના રહેતી નથી.

જે ચીજ વિના ઉદ્યોગોને પરવાનગી આપવામાં ન આવતી હોય, એ બાબતના અમલ માટે સર્વોચ્ચ અદાલતે આકરું વલણ દાખવવું પડે એ શું સૂચવે છે? સરકારના સંબંધિત વિભાગે બનાવેલી માર્ગદર્શિકાના અમલમાં કઈ હદની શિથિલતા દાખવવામાં આવી રહી છે એ સૌથી પહેલી આંખે ચડતી બાબત છે. પણ એથી વધુ ખતરનાક બાબત છે થોડા નાણાંના લોભે પર્યાવરણને થતા ગંભીર અને કાયમી નુકસાન સામે કરાતા આંખ આડા કાન. સરકારના કે જે તે ઉદ્યોગોના સંબંધિત અધિકારીઓ આ સમસ્યાની ગંભીરતા બાબતે અજાણ હોય એમ બને નહીં. કારણ એ કે જે તે ઉદ્યોગની પર્યાવરણ પર થતી સંભવિત અસરો અને તેના માટે લેવાનારાં પગલાંનો ઉલ્લેખ પણ પરવાનગી માટે અનિવાર્ય બાબત છે. આનો સીધો અર્થ એ થાય કે ઉદ્યોગો પોતે આ બાબતને અવગણે છે અને સંબંધિત સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે. બીજી શક્યતા એ છે કે સરકારી તંત્ર આ બાબતે પૂરતાં પગલાં લઈ શકતું નથી. ઉદ્યોગો યોગ્ય કામગીરી કરી રહ્યા હોય, સંબંધિત અધિકારીઓ પણ તેને પ્રમાણિત કરી રહ્યા હોય અને કાગળ પર બધું બરાબર જણાતું હોય તો ત્રીજી ખતરનાક શક્યતા બન્નેની સાંઠગાંઠની છે. કારણ જે હોય એ, પણ તેનું પરિણામ સમગ્ર પર્યાવરણને થતા કાયમી નુકસાનમાં આવે છે.

‘એફ્લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ‘ ચલાવવો કદાચ આર્થિક રીતે મોંઘો પડતો હોઈ શકે, પણ કદી સરભર ન થઈ શકતા પર્યાવરણને થતા નુકસાનની સામે ગમે એટલો ખર્ચ વધુ ન કહેવાય.

થોડા વરસ અગાઉ ગુજરાતની એક અગ્રગણ્ય રસાયણ કંપનીની ખતરનાક હરકત બહાર આવી હતી. પોતાની ફેક્ટરીના પ્રદૂષિત જળને તે ઊંડા બોર દ્વારા જમીનમાં સીધું ઉતારી દેતી હતી. તેને કારણે એ આખા વિસ્તારનું ભૂગર્ભજળ ભયાનક હદે પ્રદૂષિત થઈ ગયું હતું. આ અપરાધ બદલ ગમે તેટલો દંડ નાણાંની ભરપાઈરૂપે કરવામાં આવે, તે ઓછો જ કહેવાય. કાયદો કે તેના ભંગ માટેની સજા આકરી કરવામાં આવે એ બરાબર છે, પણ પોતે કાયદાથી પર છે અને ફાવે એમ કરી શકે છે એવી વૃત્તિ ઘર કરી જાય એ સૌથી ભયાનક લક્ષણ છે. ઉદ્યોગો ભલે ખાનગી સાહસ હોય, પણ તેમનું અમુક અંશે સામાજિક ઉત્તરદાયિત્ત્વ હોય છે. તેઓ વિવિધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. આને કારણે પર્યાવરણ સાથે ચેડાં કરવાનો તેમને અધિકાર મળી જતો નથી.

એફ્લુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ ચલાવવો ખર્ચાળ હશે, તો તે નફામાં થોડો હિસ્સો ઓછો કરશે, પણ તેની સામે પર્યાવરણને થતું ગંભીર નુકસાન અટકશે એ સ્પષ્ટ છે. સર્વોચ્ચ અદાલતે જે રીતે ધ્રુજારો બતાવ્યો છે એ દર્શાવે છે કે આ મામલે પાણી માથાની ઉપરથી વહી ગયાં છે. આ પ્લાન્‍ટ કાર્યરત ન થાય તો પોતાનું ઔદ્યોગિક એકમ બંધ કરી દેવાની વાત કદાચ આત્યંતિક લાગે, પણ તે કઈ હદે હાનિકર્તા હશે ત્યારે આ પ્રકારનો આદેશ આપ્યો હશે એ વિચારવા જેવું છે. માત્ર કાનૂનપાલન પૂરતી જ નહીં, પોતાની નૈતિક જવાબદારી સમજીને પણ આ કામ કરવા જેવું છે. અને કેવળ ઉદ્યોગો જ નહીં, ઓછેવત્તે અંશે પર્યાવરણને પ્રદૂષિત કરી રહેલા આપણે સૌએ પણ સ્વૈચ્છિક તેમજ નૈતિક જવાબદારી લઈને પોતપોતાના સ્તર અને ક્ષમતા મુજબ કરાતું પ્રદૂષણ અટકાવવા જેવું છે.


ગુજરાતમિત્ર’માં લેખકની નિયમિત કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૩-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron


નોંધઃ

આ લેખમાં રજૂ કરેલ તસવીરો નેટ પરથી તેના મૂળ પ્રાશક / રચયિતાના સૌજન્યથી મૂકેલ છે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

6 Comments

 • સફાઈની વ્યાખ્યામાં કહેવાયું છે કે કચરાનો યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ નિકાલ અન્યથા તો કચરાનું માત્ર સ્થળાંતર જ.

 • vijay joshi says:

  I have traveled all over the world. Barring Countries like Bangladesh, parts of Philippines and some African countries, I have not come across extent, ubiquity and depth of the filth (which includes toxic pollution and the pathetic disregard by the society and its commerce) that is commonplace and shameful in India.
  No other country on the face of this earth has accepted/tolerated/participated/overlooked so blatantly/willingly/obscenely as India has. When will India and Indians recognize/realize/remedy this social evil?

 • મનસુખલાલ ગાંધી says:

  ખૂબ જ સરસ, માહિતી સભર લેખ છે.

 • એક આધુનિક વસ્ત્રોની દુકાનના પ્રાંગણમાં બાંકડા પર હું બેઠો છું. સામે એક રૂપકડી કચરાપેટી (ડસ્ટ બીન) છે. અરે! કશું નહીં ને કચરાપેટીનું અવલોકન? હા! આજે કચરાપેટીનું અવલોકન. જે સમે, જે સૂઝે, તેનું અવલોકન, આજે દેખાવમાં રૂપકડી આ કચરાપેટીનું અવલોકન.

  ભલે ને એ રૂપકડી હોય; છે તો કચરાપેટી જ ને? એની અંદર આંખો મીંચીને બધા કચરો નાંખી દે છે. કોઈ એની અંદર જોવાની હરકત કરતું નથી. અને કદાચ નજર પડી જાય તો પણ, મોં મચકોડી લે છે. એને ખાલી કરનારો એની પરનું ઢાંકણું ખોલતો હોવાને કારણે એનું વધારે નિરીક્ષણ કરી શકતો હશે- પણ એય મોં મચકોડીને જ તો!

  એના ઢાંકણ ઉપર સિગરેટની રાખ અને બાકી બચેલા ઠુંઠાનો નિકાલ કરવા માટે છીછરું પાત્ર છે. એ તરત હાથવગું થાય તેમ રાખેલું છે ; જેથી ધુમ્રપાન કરનારા , નીચે કચરાપેટીમાં સળગતી સિગરેટ ન નાંખે; આગ ન પ્રગટે.

  અને હમ્મેશ બનતું આવ્યું છે; તેમ માંકડા જેવું આ મન વિચારે ચઢી જાય છે.

  આપણે કચરાપેટીઓને કે એવી તુચ્છ ચીજોને આવી જ રીતે જોવા ટેવાયેલા હોઈએ છીએ.
  સૂગ, અણગમો, ગંદા/ ગોબરાનું લેબલ.

  પણ એ કચરાપેટી છે તો આજુબાજુ હરિયાળી અને ઊડીને આંખે વળગે તેવી ચોખ્ખાઈ છે. દસ મહિના પહેલાં અમદાવાદ / જામનગર/ ભાવનગર/ વલસાડ/ પાલનપુર/ કાણોદરનાં વરવાં દૃષ્યો યાદ આવી ગયાં. જ્યાં નજર પડે ત્યાં કચરાના ઢગલે ઢગલા. અરે! લીલાછમ્મ બગીચામાં પણ કાગળના ડૂચા અને છાંડી દીધેલી ખાદ્ય સામગ્રી, અને એની ઉપર કીડીઓની વણઝાર.

  કચરાપેટીઓનો અભાવ. સ્વચ્છતાની સૂઝનો અભાવ. અને ત્યાં તો એય કોઠે પડી ગયેલું છે. એ ગંદકી કોઈને ખટકતી નથી.

  પરિણામ? ૨૦૦૦ પહેલાંના ત્યાંના જીવનમાં દર વર્ષે બે ત્રણ વાર માંદગી, જીરણ તાવ, શરદી અચૂક મૂલાકાત લઈ લેતાં હતાં. ડોક્ટરને ત્યાં અવારનવાર હાજરી પૂરાતી હતી! અને હવે કોક વાર એમ થઈ આવે કે, એ નાનકડી માંદગી અહીં માણવા મળતી હોય તો? !

  • આભાર, સુરેશભાઈ! તમને ખ્યાલ હશે જ કે અહીં ઘણી જગ્યાએ એવી સૂચના લખેલી હોય છે કે- Don’t throw rubbish at the dustbin but throw it in the bin. આમાં આપણી સમજણ આવી ગઈ.
   સાવ અલગ વાત છે, પણ કચરાપેટીની વાત નીકળી એટલે કૃષ્ણ ચન્દરની એક અદભુત વાર્તા ‘પંદ્રહ ફૂટ લમ્બી દુનિયા’ યાદ આવી ગઈ. ઘેરથી તરછોડાયેલો એક માણસ પંદર ફૂટ લાંબી કચરાપેટીમાં જ વસવા લાગે છે. ત્યાં રહ્યે રહ્યે એને બધો ખ્યાલ આવે કે અત્યારે કઈ મોસમ ચાલી રહી છે, કયાં ફળ કે શાકભાજી ઉપલબ્ધ છે, શહેરનો માહોલ કેવો છે, વગેરે…!
   કચરાપેટીમાં કચરો ન નાખવો એ તો દંડનીય અપરાધ ગણાવો જોઈએ- પણ એ પહેલાં કચરાપેટીઓને ખુલ્લામાં ઠાલવી દેવાને બદલે તેનો યોગ્ય નિકાલ ગોઠવવો જોઈએ. નહીંતર પેલા દંડની જોગવાઈ ભ્રષ્ટાચારની બારી ખોલી આપનારી બની રહે.

 • vimla hirpara says:

  નમસ્તે બિરેનભાઇ. તમારો કચરાપેટીનો લેખ એ આજના સમયની એક તાતી સમસ્યા છે. ખાસ કરીને આપણા દેશમાં ખાવાની જરુરિયાત સમજ્યા પણ પછીનો કચરો! એનો નિકાલ કરવાની કોઇ વ્યવસ્થા આજતક કોઇએ વિચારી છે?એ જ રીતે આપણે ઉદ્યોગો ઉભા કરી દીધા. ચીજવસ્તુના ઢગલા ખડકી દીધા પણ પાછળનો કચરા? સામાન્ય કચરો તો ઠીક. પણ ઔદ્યૌગીક કચરો નિકાલની કોઇ નવી જ તરેહ માગે છે જે આપણને આવડતી નથી, આવડે તો પોષાતી નથી ને પોષાય તો એનુ મહત્વ લાગતુ નથી. રાસાયણિક કચરા એ હવા પાણી ને સજીવ નિર્જિવ ને અસર કરે છે. એને લઇને જાત જાતના રોગો થાય. આમાત્ર આપણી જ નહિ ,સમસ્ત માનવજાતની સમસ્યા છે. એક વિચારકે સાચુ જ ક્હયુ છે કે આપણે આપણા જ કચરાના ઢગલામાં ગુંગળાઇને નાશ પામશુ. એ જ વિમળા હિરપારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME