ગાંધીજીનાં કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર)-૧

– બીરેન કોઠારી

 

‘તેમની સાદગી એ જ તેમની મહાનતા હતી’ (The greatness of this man was his simplicity.) ગાંધીજી વિષે કહેવાયેલી આ ઉક્તિ તેમના રેખાચિત્રને પણ લાગુ પડે છે. આંખ, નાક કે મોં સુદ્ધાં દોર્યા વિના કેવળ ચશ્મા અને માથાની એક રેખા દોરીને જ ગાંધીનું રેખાચિત્ર બનાવી શકાય છે.

****

પણ કાર્ટૂનિસ્ટની દૃષ્ટિ હંમેશાં કંઈક જુદું શોધતી રહે છે. આ સીધાસાદા રેખાચિત્રને કાર્ટૂનિસ્ટ શ્રેયસ નવરેએ ચાર તબક્કામાં રૂપિયાના પ્રતિકમાં રૂપાંતરીત કરી દીધું છે. રોજેરોજ બહાર આવતાં વિવિધ નાણાંકીય કૌભાંડો અને એ નાણાં પર હસતી દેખાતી ગાંધીજીની છબિ! ‘મહાત્માનું રોજિંદું મૃત્યુ’ શીર્ષક એકદમ સૂચક છે. જો કે, ખરી ચોટ કાર્ટૂનના જમણા નીચલા ખૂણે લખાયેલા ‘હે રામ’ ઉદ્‍ગાર છે.

પોતાની હત્યા થઈ એ અગાઉ ગાંધીજીએ ‘હે રામ’ના ઉદ્‍ગાર કાઢ્યા હોવાની વ્યાપક માન્યતા છે. પણ અહીં મહાત્માનું રોજેરોજ થતું મૃત્યુ જોઈને ‘ઝીરો’ નામનું ગધેડું આ ઉદ્‍ગાર કાઢે છે. આર.કે.લક્ષ્મણના કાર્ટૂનોમાં જોવા મળતા કૉમનમેનની જેમ જ શ્રેયસ નવરેનાં કાર્ટૂનોમાં ‘ઝીરો’ નામનું ગધેડું છે. બન્નેમાં બીજો ફરક એ છે કે લક્ષ્મણનો કૉમનમેન હરફ સુદ્ધાં ઉચ્ચારતો ન હતો, જ્યારે ‘ઝીરો’ વક્રોક્તિ કરવામાં માહેર છે.

****

ગાંધીજીનાં સૌથી સરળ ઠઠ્ઠાચિત્રોની વાત નીકળી છે તો આ કડીમાં તેમનાં કેટલાંક અત્યંત સરળ કેરીકેચર જોઈએ. આ પ્રકારનાં કેરીકેચરમાં કાર્ટૂનિસ્ટ રંગા દ્વારા દોરાયેલાં ચિત્રો અદ્‍ભુત અને અતિ જાણીતા છે. અંગ્રેજી ‘g’ જેવા લાગતા આકારમાં માત્ર બે જ રેખાઓમાં ગાંધીજીની લાક્ષણિકતાઓ ચીતરેલી જોઈ શકાય છે. આ કેરીકેચરમાં પગનો ભાગ સુદ્ધાં ન હોવા છતાં તે સંપૂર્ણ માનવાકૃતિ લાગે છે.

****

આ ચિત્ર પણ રંગાનું ચીતરેલું છે. અહીં લાકડીનો એક લસરકો વધુ દેખાય છે. એ સિવાય ઉભેલા કે ચાલતા ગાંધીજીની આકૃતિ આબાદ ઉપસી આવી છે.

****

રંગાએ દોરેલું આ કેરીકેચર સૌથી વધુ જાણીતું છે, જેમાં ગાંધીજીને ભારતના નકશા સ્વરૂપે દર્શાવીને તેમના રાષ્ટ્રપિતા’ના બિરુદની યથાર્થતા બતાવી છે.

આ કેરીકેચરને ભારતીય ટપાલખાતાએ ભારતીય પ્રજાસત્તાકનાં પચાસ વર્ષ નિમિત્તે બહાર પાડેલી ટપાલટિકિટ પર સ્થાન આપ્યું હતું.

****

ઉન્નીએ દોરેલું આ કેરીકેચર પણ સાવ સાદી રેખાઓ વડે ગાંધીજીને દર્શાવે છે. ઓછી અને જાડી રેખાઓ ઉન્નીની શૈલીની ખાસિયત છે. તેમનાં ચિત્રોમાં ડીટેલીંગ દર્શાવતી રેખાઓ ભાગ્યે જ જોવા મળે. રેંટીયામાં તેમણે કેવળ બહારનું જ ચક્ર ચીતરેલું છે. બીજો કોઈ પણ ચિત્રકાર હોય તો તે રેંટીયાનું કેન્‍દ્ર અવશ્ય બતાવે. ગાંધીજીની દેહાકૃતિમાં તેમણે કાનના ભાગને બાદ કરતાં ક્યાંય કોઈ બીજી રેખા બતાવી નથી. આમ છતાં ઉન્નીનાં કેરીકેચર બહુ અસરકારક હોય છે. જો કે, તેમની તરત ઓળખાઈ જતી વિશેષતા તેમના દ્વારા દોરવામાં આવતા કેરીકેચરના ચહેરાના એકસરખા આકારની છે.

તેઓ મોટા ભાગના ચહેરાઓને જૂના જમાનાના લોટા જેવા- આકાર માં ચીતરે છે. આમ છતાં દરેક પાત્રોને આસાનીથી ઓળખી શકાય છે.

****

આર.કે.લક્ષ્મણે બનાવેલાં ગાંધીજીની વિવિધ મુદ્રાઓ દર્શાવતાં કેરીકેચર બહુ જાણીતાં છે. મહેન્‍દ્ર મેઘાણીએ ‘ગાંધીગંગા (1) માં તેનો ઉપયોગ છૂટથી કર્યો છે. જો કે, એ કેરીકેચરમાં રેખાઓ સાવ ઓછી નથી, એમ એટલી વધુ પણ નથી. ઉપર જોયેલાં સાવ સીધાંસાદાં કેરીકેચરની સરખામણીએ લક્ષ્મણે દોરેલું આ કેરીકેચર પ્રમાણમાં વધુ ડીટેલવાળું લાગે. પણ તેમાં ગાંધીજીના ચહેરા સાથે સામ્ય ઓછું હોય એમ જણાય છે. તેમના ભરાયેલા ગાલ, ઘાટી મૂછો, જાડા હોઠ, મોટા ચશ્મા પાછળની ઝીણી આંખો અને એ બધાની ઉપર કપાળમાં ચાંલ્લો! કોણ જાણે કેમ, આ કેરીકેચરમાં ગાંધીજીનો ચહેરો કોઈ દક્ષિણ ભારતીય વ્યક્તિ જેવો જણાય છે.

****

આ કડીમાં ગાંધીજીનાં એવાં કેરીકેચર બતાવાયાં છે, જે ઓછામાં ઓછી રેખાઓ વડે ચીતરાયેલાં હોય. આપણને એમ લાગ્યા વિના રહે નહીં કે ગાંધીજીનો ચહેરો જ એવો છે કે એમને આટલી સરળતાથી ચીતરી શકાય. પણ આ માન્યતાને ધરાર ખોટી પાડીને કેટલાક કાર્ટૂનિસ્ટોએ ગાંધીજીના કેરીકેચરમાં અતિશય ડીટેલીંગ કર્યું છે. ગાંધીજીનાં જટિલ કેરીકેચર હવે પછીની કડીમાં.

(ક્રમશ: ‌)


સ્પષ્ટતા:

૧. આ કાર્ટૂનો મારા અંગત સંગ્રહમાંથી છે. તેમાં ક્યાંય કૉપીરાઈટનો ભંગ થતો હશે અને તેની જાણ કરવામાં આવશે તો તે ચોક્કસપણે દૂર કરવામાં આવશે. જે તે કાર્ટૂનિસ્ટના નામ સાથે તે મૂકવામાં આવશે.

(Disclaimer: All the images and cartoons used or are going to be used here are either from personal collection or taken from net. Wherever it is taken from net, the source is mentioned. They are not intended for any commercial use. If there is a breach of copyright, please inform about it at bakothari@gmail.com and they will be removed. )

૨. આ શ્રેણી પરથી કોઈ પોતાની સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થા કે કોર્પોરેટ ઑફિસમાં આ અંગે વાર્તાલાપ ગોઠવવા ઈચ્છે તો ​વેબગુર્જરી માટે એ આનંદની વાત હશે.​ ગાંધીને એક અલગ દૃષ્ટિએ જોવાના ઉપક્રમની રીતે તેને મૂલવવા​નો ઉદ્દેશ પાર પડે તે માટે કાર્યક્રમના આયોજનમાં મદદ અને ખર્ચ સંબંધી બધી માહિતી માટે આ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીનો ઈ-મેઇલ દ્વારા સીધો સંપર્ક કરી શકાશે. કાર્યક્રમના ખર્ચની જવાબદારી સંબંધિત સંસ્થાએ ભોગવવાની રહેશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

  • Piyush says:

    રંગાનાં દોરેલાં ગાંધીજીનાં કેરિકેચર્સ ક્યારેક જોવા મળ્યાં છે પણ આ શ્રેયસ નવરે તો બિલકુલ અજાણ્યું નામ છે. એમનું અહીં જોવા મળતું જબરદસ્ત કામ પહેલી જ નજરે પ્રભાવિત કરી ગયું. એમનો અને એમના ગધેડાનો પરિચય કરાવવા માટે આભાર. ઉન્નીના કામમાં જોવા મળતી ખાસિયત શું છે એ હવે ખબર પડી. વળી લક્ષમણનું બનાવેલું ચિત્ર જોયું હતું અને એમાં કશુંક ખટકતું હતું પણ શું ખટકતું હતું એ તમારા બારીક વર્ણન થકી ખ્યાલ આવ્યો. બહુ જ આગવી શૈલીની શ્રેણી આપીને આનંદ વહેંચી રહ્યા છો.

  • મહેન્દ્ર શાહ says:

    Good!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME