ડૉ.. દિનેશ વૈષ્ણવ

clip_image002clip_image004clip_image006clip_image008

  પૂર્વ તૈયારી                                ટીપાં અને નોંધપોથી                કાળા ડાબલામાં                  રાતનો ચાંચીયો

જૂનાગઢના મારા પાડોસી મિત્ર, ને હવે વડોદરે નિવૃત ન્યાયાધીશ, કે જેની આગળ હાસ્યરસનું માપદંડ શહાબુદ્દીનભાઈ પણ હળવા થાવા આવી સકે ઈ ભાઈ શ્રી. ધનંજય બુચને મેં મારા મોતીયાના ઓપરેશનની વાત કરી તે ઈ મને કે, “દિનેશ, તું મોતીયો ઉતરાવા ગ્યોતો કે જમાઈ થઈને સાસરે સરભરા માણવા?” તો હવે તમે વાંચકો જ નક્કી કરો.

કામધંધા વીના મહારાજું વ્યાસપીઠેથી “જનમ, જરા અને મૃત્યુ” વિષે રાત દી’ બોધ આપ્યા કરતા હોય છ. મારા જીવાને ઈ ઉંચા ગજાના બોધ નથી પચતા ઈટલે હું તો એટલું જ જાણું કી સૌને આધી ઈટલે કે ઉંમરે થાતી વ્યાધિ ને ઉપાધિ ભોગવવાના જ છે. આમાંથી ઘણી વ્યાધિઓ “કોથળામાંથી બિલાડાની” જ્યમ આવી ને ઉભે છ ને ઘણી વણવિચારે આવકારેલી હોય છ. ઈ આવકારેલી વ્યાધિનો દાખલો અમારા મંગુભાઇ ૧૯૬૬માં પઠાણી વ્યાજે પૈસા લઇ ને બૈરાં-છોકરાં હારે સાગમઠે કણજાથી કાશ્મીર ગ્યા ને પછી ૧૯૮૦ લગી વ્યાજ પણ ઈને હફ્તે ભર્યું. બીજો દાખલો ૧૯૬૮માં પોરબંદરમાં બી.એડ.નું ભણતી સરધારની સરલા એની સાયકલમાં હવા ભરતા ભરત હારે પ્રેમમાં પડી, ભાગી ને પયણી ને મહિના દી’માં ખોટા રૂપિયાની જેમ પિયર પછી આવી. ત્રીજો દાખલો મેંદરડામાં કાળાભાઇ ભોંયનો વીહેક વરહનો દીકરો ચમન મહાદેવના મંદિરૂંમાં પોઠીયા ચણવાનો કારીગર. તી ઈને સમઢીયાળામાં શિવના મંદિરે પોઠીયો ચણતાં ક્યાંક વૈરાગ ઉપડ્યો તી ભગવાં ઓઢી લીધા. એકાદ વરહ પછી ભગવાં નો ફાવ્યાં તી જૂનાગઢમાં ભવનાથના મેળે જઈને નાગોબાવો થઇ ગ્યો ની છેલ્લે છવી વરહની ઉંમરે ચલમું ફુઇફુંકી ની ઉકલી ગ્યો. ટૂંકમાં, આ જગતમાં ઉપાધીયુંને કંકોત્રી મોકલી ની નોતરે ઇવા ગાંડાઉથી તો ગાડાં ભરાય ની તોયે મબલખ ગાડે ન માય.

હવે જે વ્યાધિ વણનોતરે આવે ઈમા એક ઈ કે કરોડપતિ નાથાલાલ શેરબજાર ઢુકે ને રાતોરાત રોડપતિ જાય ને બીજી ઈ માંદગી. મંદવાડમાં ક્યાં આપણે પસંદગી છે કે ભગવાન આ કારતકે મને કમળો, ને સામા માગસરે મયડો ની ઓણ શ્રાવણે સંધીવા ને ગણેશચોથે ગુમડું દીજે. આ કઠણાઇયું તો વિનાનોતરે કાયાના ખપેડા ફાડી ને માય આવી જાય ને ઈને ભોગવે જ છુટકો. પણ આમ જોવો તો માંદગીયું તો આપણા પરદાદાઉના વખતથી હાલી આવે છ પણ ફેર ઈટલો જ છે કે દર દસકે થોડીક જુની માંદગીયુંની જગ્યાએ નવી આવતી જાય છ. બાકી સાહેબ, જે મંદવાડ આપણા પુર્વજોએ ભોગવ્યો ઈ તો અદભુત હતો. તમે ઈ જુના રોગ્યુંના નામ લ્યો તોયે મોએથી લાળ જરે – જેમ કે ગાલપચોળિયું, બાંબલાઈ, ખસ, ખરજવું, ખુજલી, ધાધર, લુંમ્બેજુમ્બે કળા દાણના ખીલ, ગુમડાં ને અળાઈ; માથે મણ એક જુ, આંખે તપોડીયા, નાકે માળણ, ચણો ની લથબથ નસકોરી; શરીરે સીળસ, નખે પાકેલું નેવું, , જલંધર, ભગંદર, સારણગાંઠ, વધરાવળ, હઠીલી કબજીયાત, ટેટા હરસ, હાંફરો, હડકવા, ધનુર, બોયડીનો કાંટો પગે ખુંપવો, સનેપાત ઉપડે એવો ખળખળી ને તાવ, કમળી, ખાટી ઉલટી, ભૂંગળીયા જાડા, પડળે જાંખપ, વ. ત્યારે હવેના નવા રોગ્યુમાં અડધાના તો નામ હોત નથી આવડતાં, ને જે આવડે છ ઈ નામું મોળાંમસ – જેમ કે ઇબોલા વાયરસ, એઇડ્સ, સિફિલિસ, ગનોરીઆ, કેન્સર, સ્ટ્રોક, ખરાબ હાર્ટ વાલ્વ, એમ. આઈ., પલમોનરીફાઈબ્રોસીસ, હાઈ બી.પી., હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, પાયોરિયા, દાંતે કેવીટી, વ. ઈટલે આમ જોવો તો જુના રોગ્યુથી ઉથમાં ઈ નવા રોગ્યુ. આ રોગ્યુના નામ સાંભળી ને જ ઇમ થાય કે ભાઈ આ મને નહિ પણ મારા વેવાઈને થાય.

હવે અફસોસ ઈ જ છે કી નો રીયા ઈ જુના રોગ્યુ ને નો રીયા ઈ રોગીયું કે જી ઈ રોગ્યુને જીરવતા. અમારા જૂનાગઢમાં તો ઈ જુના રોગીયું બે દી’માં ઉભા થઇ ને માઢથી જગમાલ ચોકે થઇ ને નરશી મેહતાના ચોરે જાય ને વળતાં મોટી બજારેથી પાકા દસસેર બટેટાની બોરી જાલતા આવતા. ની ન કરે નારાયણ ની જો ઈ ભાયડો જલંધર જીવા રોગમાં મહિનો પથારી ઢાળે તો પડ્યોપડ્યો પાકા પાંચસેર શીરો, ની ત્રણ ગાગર ઘી ની માટલું દેસી ગોળની રાબ ઉલાળી જાય. ગધનો આપણને ઇમ વસવસો રે’ કી આવું લાંબાપાડાનું કવરું દરદ ઈને કીમ મારાથી પે’લાં થ્યું ને મને ક્યારે થાસે. બાકી નવા રોગ્યુમાં તો નકરી ગોળીયું ખાવાની ની પરેજી પાળવાની. ઈમા ખાટલો ભોગવ્યો હોય ઇમ તો લાગે જ નહિ. આ હંધાય નવા રોગ્યુમાં તો નરવા થઇ ની માથે પાણી નાખ્યાની જમણવાર ની બદલે સીધો દાડો જ કરવો પડે ઇવા આ કપરા રોગ્યુ, ની એટલે જે અસલી ઈ અસલી ની નવું ઈ નકલી. પણ આ જાતજાતના નવા રોગ્યુ વચાળે હજી એક જુનો રોગ ટકી રયો છે ની ઈ છે પડળે જાંખપ, કી જીને આજે આપણે “મોતીયો” કી સુધરેલી જીભે “કેટરેટ” કીયે છ. તો આ વાત મારી પોતાની મોતીયાની માંદગીની છે. મારે એને માંદગી જ કે’વી છ પણ મિત્રો મને નથી કે’વા દેતા ઈટલે તમે સૌ જ નક્કી કરો કે ઈવડી ઈ માંદગી હતી કે મોજ.

મેં આગળ કીધું ઇમ માણસ મંદવાડ પસંદ નથી કરી સકતો ને ઈ તો બાંબલાઇથી લઇ ને કેન્સર લગી આવી પડે. પણ જો કોઈને આ પસંદગીનો મોકો હોય તો બાપલીયા મોતીયો પસંદ કરજો. મને મારા મોતીયે ઘણા ફાયદા થ્યા કારણ ઈ આવતો હોય તીયેં મોજે દરિયો છે ની ઉતરે પછી છબછબીયાં તો ખરાં જ. જેમ કે એક ફાયદો મને ત્રણેક વરસથી પાકીને બેય આંખે મોતીયા ટબ્બા જીવા થઇ ગ્યાતા પણ હું ઉતરાવતો નો’તો. કારણ ઈ ત્રણ વરસમાં “મને હવે રાતના ઓછું દેખાય છ” એમ કઈ ને મારા પોતાના સીવાય બીજાના ત્રણસોએક બૈરાને બથ્થ ભરી લીધી. ની મુને ખાત્રી છે કે હંધાય ભાયડા આ મોજ લેવા પોળા હાથે જ બેઠા છ ઈટલે કોઈ મારી આ મોજ સામે જંડા લઈ ની ઉતરે તો ઈ એક નંબરનો દંભી છે એમ માની લેજો. અરે, હું જો અમારા પ્રમુખ ટ્રમ્પ જેમ કહું તો જે કોઈ બૈરું મેં આ ત્રણ વર્ષ એને આપેલ બથ્થની મોજનો હસ્તે મોઢે સ્વીકાર નો’તો કર્યો ઇમ ઈ કે’ તો માનજો કે એની છઠીમાંએ ઈ બેન સાચું નો’તા રોયાં. અમુક ઉંમરે બીજાને બથ્થ દેવી કે બથ્થમાં સમાવું ઈ હંધાય ભાયડાબાયડીને ગમે, ગમે ને ગમે પણ આમ નથી થાતું કારણ ઈ આપણે જ વણવિચારે ઘડેલ સમાજનો શિષ્ટચાર છે, ઉપાધિ છે.

હવે મોતીયાના ઓપરેશન દરમ્યાન પણ જલસો છે. જેમ કી ઓપરેશનના અઠવાડિયા પે’લાં મને ઈ ઓપરેશનની ફીલમ બતાવી, ઓપરેશન કરવવાવાળા દાક્તરને મેળવ્યો, મારા સવાલુંના જવાબું દીધા, બે જાતના ટીપાં આંખે નાખવા દીધાં, ઓપરેશન વિશે વાંચવા થેલી ભરીને સાહિત્ય દીધું ની મારી ડાબી આંખનો મોતીયો સવારના છ વાગ્યે ૨૦૧૬ની શ્રાવણી સુદે નક્કી થ્યો. તી અમે દાવાખાને પોગ્યા તીયેં મારી તેનાતે આંખે ચાર જાતનાં ટીપાં નાખવાવાળી ચાર નરસું, એક જરૂર પડ્યે સીસી સૂંઘાડવાવાળી નર્સ, એક કાર્ડીઓલોજીસ્ટ ની મોતીયો ઉતારવાવાળો દાક્તર. મારે ઓપરેશનના બાર કલાક પે’લાં ખાવાપીવાનું બંધ હતું ઈટલે કદાચ મારી આઠ મેલેટની સર્જરીમાં જો મારા લોહીમાં ખાંડ ઘટી જાય ને મારું “હાર્ટ ઝડપી હાલવા મંડે તો” ઈટલે ઈ બીકે કાર્ડીઓલોજીસ્ટ હાજર હતો. મોતીયો ઉતરી ગ્યો પસે રિકવરી રૂમમાં મારો આખો ખાટલો આવ્યો. યાં ઈ એકાદ કલાકના આરામ પસે બે કુલ ૧૫૦ રતલની નરસુંએ મને ૨૦૦ રતલનાને ટેકો આપી ને બ્રેકફાસ્ટ ટેબલે બેહાડ્યો ને બીજી એક છોકરી ઓમલેટ, માખણે ભરેલ પાંવ, એક બ્લ્યુબેરી મફીન, દૂધનો પ્યાલો, સંતરાનો રસ, કોફી ને પાણી એમ મને ને મારા પત્ની નીલાને બે તાસકમાં આપી ગઈ, ની અમને પ્રાઇવસી આપી ઈટલે હું મારા ઓપરેશનની વાત મારાં “ઈને” કરી સકું. પસે ઈ છોડી પાછી આવી ને અમારે વધુ ખાવાનું જોયે છ કે નહિ એની ખાત્રી કરી ગઈ. પસે એક બીજી છોડી મને વહીલચેરમાં બેસાડી ને અમારી મોટરમાં બેહાડી ગઈ.

મોતીયો ઉતર્યા પછી પણ ટેસડો જ છે. જેમ કે હું સર્જરી પસે સવારના આઠ વાગે ઘેર આવી ગ્યો. મારા પત્નીએ રૂમ બંધ કરી, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ મને ઓઢાડીને સુવાડી દીધો કારણ મને ટાઢ લાગતીતી. ઈ ઘરની ઓફિસમાંથી એની નોકરી કરતાંતાં. પસે હું બારેક વાગે ઉઠ્યો ઈટલે:

નીલાએ પૂછ્યું: “સું ખાસો?”

હું: આમ તો કાંઈ મન નથી પણ અજમાવાળી રાબ બનાવો, જો મોઢે લાગશે તો બે ઘૂંટડા પીસ.

પસે તો ગંજીયું ભરીને ઘીના કુંડાળાવાળી રાબ પીધી, ને સોફામાં કાળા ડાબલા ચશ્માં પેરી, ટી.વી. ચાલુ કરી ને બેઠો. વળી એકાદ કલાક થઇ ઈટલે:

હું: “નીલા હવે ક્યાંક ભૂખ લાગી હોય એમ લાગે છ.”

નીલા: “ઉંનોઉંનો શિરો કરું તો ભાવસે?

હું: હા કરો, ભાવસે તો ખાસું પણ ધીમે તાપે સેકજો ઈટલે ઘઉંના લોટમાં સેકવાની સુગંધ બેસે ને ગોળ પણ ઓલો કોલ્હાપુરી જ વાપરજો; પણ ભેગો ક્યાંક “ખારો હાથ” કરજો.

નીલા: હા ચોક્કસ. ખારી પુરી કરું છ તમને ભાવે છ તે.

એટલે ગંજીયું ભરીને દોડતા ઘીનો શિરો ને સાતેક ખારી પુરી ખાધાં. પછી બપોરે સાડાત્રણે પે’લી દાકતરી તાપસ હતી ઈટલે કારમાં નીલા દવાખાને લઇ ગ્યાં. યા ઉતર્યો ઈટલે એક છોકરી વહીલચેરમાં બેહાડી ને દાકતર આગળ લઇ ગઈ. દાક્તરે આંખ તપાસી ટીપાં નાખ્યાં, ઇમરજન્સી નંબરો દીધા ને અઠવાડિયા પછીની મારી ઈ આંખે પ્રગતિની તપાસવાનો સમય નક્કી કર્યો ને છોકરી પાછી વહીલચેરમાં બેહાડી ની મને મોટરમાં બેહાડી ગઈ. વળી પાંચેક વાગે:

હું: નીલા, એલચી વાળો રગડો ચા કરો ઈટલે આપણે બેય બાર ડેક ઉપર બેહી ની. હારે ઓલી બીકાનેરી સેવ પણ કાઢજો. ઈટલે આમ ચા ને સેવ પત્યાં છએક વાગે. પસે રાતના આઠેક વાગ્યે:

હું: નીલા બસ આજ હવે રાંધતા નહિ. તમે પણ મારી જેમ થાકી ગ્યાં ઈટલે પીઝાનો ઓર્ડર કરી દયો.

તી સાડાઆઠે પીઝા ની બિયર જમાવ્યાં. છેલ્લે સાડાદસે અમે બેય ખીર ડિઝર્ટમાં ખાઈ ની સુતા.

મોતિયો ઉતર્યા પછીના બીજા દિવસથી બીજા ત્રીસ દિવસ ડાબી આંખમાં ત્રણ જાતના ટીપા દી’માં ત્રણ વાર નાખવાના હતાં કી જી પણ નીલા એના સુંવાળા હાથે નાખી દેતાં ને દાક્તરે આપેલ કાગળમાં એની નોંધ રાખતાં. આ કાગળ દાક્તર દર અઠવાડિયે તપાસતો ની સહી કરી ની સર્ટિફાઇ કરતો ઈટલે હું ભવિષ્યમાં આ બાબતે દવાખાના કે દાક્તર ઉપર કેસ કરી કોર્ટે ન ચડું. વધારામાં બે અઠવાઈડયા ડાબી આંખે નીલાએ રાતના પેચ પેરાવી દરિયાના લૂંટારા – ચાંચીયા – જેવો તૈયાર કરી ને સુવાડ્યો. પછીતો શ્રાવણ વદમાં જમણી આંખનો મોતીયો પણ રંગેચંગે ઉતરી ગ્યો ની હવે બેય આંખ્યું કોડીનારના દરિયા કાંઠે જડે ઇવા કોડા જેવી લઈને ગામમાં રખડુ છ પણ બીજાની બાયડીયુંને બથ્થ નથી ભરી સકતો કી એલચી વાળો ડાંડો ચા ની હારે ખારી પુરી જોયે તીયે નથી પામતો. ઉલ્ટાનું મારુ જ બૈરું હવે દર બે દી’એ કે’છ, “તમારી આંખ સારી છે તો મને આ સોય પરોવી દયો ને,” ની મુને એમ થયા છ કે મેં મોતીયો ઉતરવાની વ્યાધિ કંકોત્રી લખીને સુ કામ નોતરી.

હવે મોતીયાની મોજની બીજી બેએક વાત કહું તો મારો જુનાગઢનો ભેરુ ભવજિત મારા જીવડો જ છે. ઈને અત્યાર લગીમાં માલગાડી ભરી ને તમાકુ ને ભારખટારો ભરીને ચૂનો ચોળ્યાં છ ની ખાધાં છ પણ ગધનાને આખી બત્રીસી છે, ઈની આંખ્યું ચકળવકળ ચાર નાડાવા આઘું ભાળે છ, ઈને માથે દેવાનંદને સરમાવે ઇવા દોઠેદોઠે કાળા ડિબાંગ વાળ છે, મહિને બે વાર ગિરનાર ચડે છે, ને સમ ખાવાયે એકેય દવાની ગોળી એને હજી લગી ખાધી નથી ને ચશ્માં સુ કે’વાય ની કેમ પે’રાય ઈ ઈને ખબર નથી. ઇવા ભાયડા-બાયડીયું ની પણ બીજી કોઈ માંદગી નહિ પણ મોતીયાનો અનુભવતો ભગવાને કરાવો જ જોયે ઈટલે ઈ હંધાય મોતીયો આવતો હોય તીયે મારી જ્યમ સુગલો કરી સકે.

મારાં સાસુને ૧૯૮૦માં બેય આંખે મોતીયા આવે ની મારા સસરાને મોતીયા ઉતરાવવા દાક્તર આગળ લઇ જાવા કે’. મારા સસરા આજકાલમાં ઉત્તરવસુ ઇમ કીધા કરે. હવે સાસુમા રોજ સાંજના નીયમસર ઘર પાસે મંદિરે જાય ની મંદિરના ઓટલે બેસી ની આરતી સાંભળે. ઘેર આવી ને રોજ મારા સસરાને કે’, “એઇ મંદિરના ઓટલે હવે બેસવાસારુ સું પોચાં ઓસીકા મુક્યાં છ.” મારા સસરાને ઈ માનવામાં ન આવ્યું ઈટલે એક રવિવારે ઈ પણ મંદિરે ભેગા ગ્યા. દર્શન કરીને બેય જણા બાર આવ્યાં ને ઓટલે બેઠાં તીયે મારા સસરાએ જોયું કે મારાં સાસુ કોક કમને ભગવે રંગાયેલ બાવાના ખોળામાં બેઠાં. પછી તો સત્વરે બેય આંખે મોતીયા ઉતરાવ્યા. ઈટલે વિજાતીને બથ્થ નહિ તો ઈને ખોળે બેસવાનીયે મોતીયાની મોજ છે.

આ લખું છ તીયે વિચારું છ કે મારો બાળપળનો મિત્ર અને આંખનો વિસ્વવિખ્યાત દાક્તર અભય વસાવડાના સદગત પિતાશ્રી અને ઈંગ્લેન્ડમાં ભણેલા ડો. રઘુકાન્તભાઈએ અમારા જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના ઓટલે ૧૯૫૦ના દાયકાથી મોતીયા ઉતાર્યા છ ને ઈ પણ અમેરિકાથી વિશેષ સફળતાથી. સાહેબ, જોવાનું ઈ છે કે રઘુકાન્તભાઈ હારે બીજા કોઈ દાક્તર કે નરસું નહિ. ખાલી એનો ડ્રાઇવર સન્મુખ અને બીજા ત્રણ છોકરા, ગજુ, કીચુ ને શાંતિલાલ હોય, અને ઈ ચારેયના ભણતરનો સરવાળો સાત ગુજરાતી થાતો. પણ કે’છ ને કે “જાડી બાઈનો ખોળો જાડો” એમ અમેરિકાનો ખોળો જાડો ને ઈમાં મેં મોજો દરિયો ઉલેચ્યો કારણ બધો ખરચ સરકારે ભોગવ્યો. ટુંકમાં, અમેરિકા હોય કે આફ્રિકા હોય, જો માંદગી ઉલેચવાવાળું પાત્ર – વર કે વહુ – સારું હોય તો માંદગી માણી સકાય ને ખાટલો ભોગવી સકાય નકર ટૂંટિયું વળી ને ખાટલો વેઠવો પડે. ની છેલ્લી મારા દિલના ઊંડાણેથી ભગવાનને ઈ જ પ્રાર્થના કે આવતે ભવ હું દસમાથાળો રામ થાઉં ની મુને સીતા નહિ પણ નીલા મળે ને મારી વીસેય આંખના મોતીયા અમેરિકામાં ઉતરે.


ડૉ. દિનેશ વૈશ્નવઃ ઇ-પત્રવ્યહારનું સરનામું: sribaba48@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

4 Comments

 • Kishor Thakr says:

  મોર્યના વખતમાં વારતાયુમાં ફણિધર નાગને માથે મણિ આવતો,હવે મોત્યો ઉત્રાવે ઇ બધાય મણિધર થઈ જઇ શી.

 • pragnajuvyas says:

  મોતિયા આંખનાની જુની યાદો સાથે રમુજી વાત

  ‘ જો માંદગી ઉલેચવાવાળું પાત્ર – વર કે વહુ – સારું હોય તો માંદગી માણી સકાય ને ખાટલો ભોગવી સકાય નકર ટૂંટિયું વળી ને ખાટલો વેઠવો પડે. ની છેલ્લી મારા દિલના ઊંડાણેથી ભગવાનને ઈ જ પ્રાર્થના કે આવતે ભવ હું દસમાથાળો રામ થાઉં ની મુને સીતા નહિ પણ નીલા મળે ને મારી વીસેય આંખના મોતીયા અમેરિકામાં ઉતરે.’

  અમે થોડા વખત પહેલા જ ફેકો પધ્ધતિથી ઉતરાવી માંદગીનો આનંદ માણ્યો હતો !તે વખતે ઘરમા કવિ જીવો કાવ્યથી મોતિયા મોજ કરાવતા…
  હુંપણાનો મોતિયો ને,
  વાંચવાનું હોય ભીતર!

  કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
  આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
  એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે.

  અહીં ની ઘણાખરા અમારા જેવાની જીંદગી- જ્યારે ગોઠણોમાં દર્દ વધી ગયું છે અને જમણા કાનમાં ઓછું સંભળાય છે અને આંખમાં મોતિયો પાકવા આવ્યો છે ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચિરવિદાય લે છે. દીવાલ પર ફોટો, અને સુખડનો હાર, અને છાતી પિસાઈ જાય એવી એકલતા. ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. હવે વર્ષો ઓછાં રહ્યાં છે અને સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખો માત્ર ભૂતકાળને જ જોયા કરે છે.ત્યારે અમારા સુરેશ દલાલ-
  ડોસો વાંચે અને ડોસીને મોતિયો
  બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
  લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
  જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
  દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
  ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે
  ત્યારે અમારા વડીલ કહે-‘તમારી મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ‘
  પતંગિયાની પાંખોના રંગ ક્લોઝપમાં જોશો તો મોતિયો થોડો સમય પાછળ ધકેલાઈ જશે પણ…. ‘દેખવું ય નહીં ને દાઝવું ય નહિ’ની નીતિવાળા મોતિયો શું લેવા ઉતરાવતા હશે ?
  સંત શ્રી.જ્ઞાનેશ્વર … શ્રદ્ધા ની ત્રીજી આંખ ને અંધાપો કે મોતિયો નથી

 • Dhara.T.Y says:

  Zindaldil and different angle to life.. Bimari ma j potanani Sachi olakh that I hoy che.

 • Dhara.T.Y says:

  Zindaldil and different angle to life.. Bimari ma j potanani Sachi olakh thati hoy che..
  Sorry upar typo thayelu..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Previous Post
«
Powered By Indic IME