રજનીકુમાર પંડ્યા

રુસ્વાસાહેબ જો શાયરી ના કરતા હોય તો ત્રીજા પેગ પછી પોતાના જૂના-પાજોદના રજવાડાની વાતોના ફિંડલા ઉખેળતા. અરેબિયન નાઈટ્સની જેમ સંગોપન-સંગોપિત એવી વાતો ભલે કેટલીક રંગદર્શી હતી, પણ વાર્તાના તત્ત્વવાળી હતી. એક વાર સહજપણે જ મારાથી સૂચન થઈ ગયું. “રુસ્વાસાહબ ,યે સબ વાકયે બહુત લઝીઝ હૈ. ઈન સબકા એક દીવાન(સંગ્રહ) બનાઈયે,” ‘સમીર’ તરત જ બોલ્યા. “ખયાલ દુરુસ્ત હૈ. આજ સે હિ આપ લિખના શુરુ કરેં, દરબાર સાહબ.”

’ખયાલ’નો તરત અમલ થયો. ચયન-સંપાદનની જવાબદારી મારા ઉપર આવી. થોડા સમય પછી જ્યારે એના પ્રકાશનની વાત આવી ત્યારે મને થયું કે એક રાજવી-શાયરના રાજકાજ ચાલ્યા ગયા પછીની આ વાત છે. જે તેમણે આ ઉંમરે યાદોના પટારામાંથી બહાર કાઢીકાઢીને પેશ કરી છે. યાદ કરવા માટે તેમણે અનેક વાર આંખો બંધ કરીને વર્તમાન પર પડદો પાડી દેવો પડ્યો હશે, એમની એ સ્મરણ પ્રક્રિયા કેવી હશે? આ વિચાર આવતાંની સાથે જ મારાં મનમાં એક પંક્તિ સ્ફૂરી આવી :

’અર્ધી મીચેલી આંખે, જે યાદ તે કહું.’

પછી આગળ ? મગજને બહુ કષ્ટ આપ્યું પણ બીજી પંક્તિ એ લયમાં આવી જ નહિં. મારો અ-કવિ જીવ અકળાયો. શું કરવું ? બૅન્કના પીક-અવર્સ વચ્ચે મારી આ મથામણ મને મારા કામમાંથી ડોકવી દેતી હતી. છેવટે મેં મારી જાતને સમજાવી. આપણે શા માટે મથવું ? કવિ ‘સમીર’ તો આપણી આગળ છે જ ને ? આ ઉકેલ મગજમાં આવતાં જ મેં બૅન્કના પીળા, કોરા વાઉચર પાછળ ‘અર્ધી મીચેલી આંખે જે યાદ તે કહું’ લખી દીધું. ને નીચે નોંધ કરી, ‘આની પાદપૂર્તિ કરીને તરત બીજા ક્લિયરીંગ સાથે મોક્લો.’ અમારે ત્યાં આવેલા ચેકોનો થોકડો લઈને ક્લિયરિંગ હાઉસમાં જનારા અમારા રજની બોરીસાગરને ઘંટડી મારીને બોલાવ્યો. કહ્યું: ‘દેના બૅન્કના પીઓનને આપી દેજે. કહેજે કે એના જોશીસાહેબને હાથોહાથ આપી દે. અને બપોરના બીજા ક્લિયરીંગ વખતે આ ચિઠ્ઠી પાછી લેતો આવે.”

એ ચિઠ્ઠી લઈને ગયો. અને બપોરના બીજા ક્લિયરીંગમાં ગયો ત્યારે દેના બૅન્કના પીઓને એને આપેલી ચિઠ્ઠી એ લઈને આવ્યો હતો. મેં અધિરાઈથી એ વાંચી. યુક્તિ કારગર નિવડી હતી. ‘સમીરે’ બૅન્કના ધોધમાર કામ વચ્ચે એક નહિં, બીજી ત્રણ પંક્તિઓ ઉમેરીને ચતુષ્પદિ પૂરી કરી આપી હતી:

અર્ધી મીચેલી આંખે જે યાદ તે કહું,

આબાદમાંય હોય જે બરબાદ તે કહું,

કહેવું ઘણુંય હોય, કિંતુ શું કહું ‘સમીર’ ?

તારી મળી શકે જો અગર દાદ તો કહું.

આ પંક્તિઓમાં પછી આગળ જતાં ઘાયલસાહેબે થોડી ‘ઈસ્લાહ’ કરી. અને પછી અમે તે પંક્તિઓ રુસ્વાસાહેબના પ્રથમ પ્રસંગ-સંગ્રહ ‘ઢળતા મિનારા’ માં ઉઘડતા પાને મૂકી.

**** **** ****

1978ના અંતમાં મારી બદલી નવી બ્રાન્ચના ઓપનીંગ માટે જૂનાગઢ થઈ. અને તે જ અરસામાં ‘સમીર’ની બદલી ભુજ-કચ્છ થઈ. અમારો પાક્કા બે વરસનો સંગાથ તૂટ્યો. પણ ફોનનો વ્યવહાર જારી રહ્યો. પત્રો લખવાની બહુ ટેવ મને કે એમને નહોતી. માત્ર એક વાર એમને મેં કોઈ સામયિક માટે મારે લખવાના લેખના અનુસંધાને તેમની સર્જનપ્રક્રિયા વિષે મને જણાવવા લખેલું, એ પ્રત્યુત્તરમાં તેમણે મને લખેલો પત્ર મારી પાસે જળવાયો છે.

મળવાનું ઓછું થયું, પણ સાવ બંધ નહોતું થયું. ભુજથી અવારનવાર વેરાવળ જવાનું એ ચૂકતા નહીં. અને એ વખતે મને મળવા માટે જૂનાગઢથી ‘ઘસાઈ’ને (આ એમનો શબ્દ) જવાનો એમનો ક્રમ રહેતો. એવી જ એક મુલાકાતે 8મી મે, 1982ને શનિવારે એ અચાનક મારી બૅન્કમાં આવી ચડ્યા. બૅન્ક અર્ધો દિવસ જ કામ કરે એટલે હું પણ બધું આટોપીને ઘેર જવાની તૈયારી કરતો હતો. પણ એ આવ્યા એટલે થોડી વધુ વાર બેઠો. વેરાવળથી આવ્યા હોવાની પ્રતીતિ તો તેમના ચહેરા પરની પ્રસન્નતા જોઈને થઈ જતી હતી. એ તો એમણે પણ તરત જ મારી સામે માર્મિક નજરે જોઈને કહ્યું. “પોરબંદરમાં મુશાયરો હતો.” એ બોલ્યા. “કોસ્ટલ હાઈ-વે પરથી વેરાવળ પહોંચ્યો, હવે અહિંથી રાજકોટની બસ પકડીશ, સોમવારે તો પાછો ભુજ !”

મિત્ર વગર પૂછ્યે અમુક પ્રકારની કેફિયતો આપે અને સામો મિત્ર એની સામે કેવળ માર્મિક સ્મિત કરે તો પણ કેફિયત આપનારને પોતાનું સુખ સામાને પહોંચી ગયાનું માણ વળે. એમનેય વળ્યું હશે. કહે : “ કેસર ખાવી છે. મળશે ને ?”

જૂનાગઢમાં તો કેસરનું પૂછવાનું જ શું ? સામે જ મળતી હતી. બૅન્ક બંધ કરીને નીકળ્યા. કેરીઓ લીધી અને મારા ઘેર ગયા. પેટ ભરીને એમણે એનો સ્વાદ લીધો. માથે કોફી. પછી બોલ્યા: “ચાલો, બસ ડિપો પર મૂકી જશો ને ?”

બસ ડિપો પર ગયા તો રાજકોટની એક્સપ્રેસ બસ મૂકાવાને પોણો કલાકની વાર હતી. અમે બસ ડિપોના શોરબકોરથી દૂર બહાર જઈને ઉભા રહ્યા. એ હવે મને મારું બધું પૂછવા માંડ્યા. જે કાંઈ કહેવા જેવું હતું તે કશું પણ ગોપનીય રાખ્યા વગર મેં કહી દીધું. પણ એ બધું એમને ‘ઉપરથી’ જતું હતું. એ બોલ્યા, “તમે પણ કાલે વેરાવળમાં હોત તો બે ઘડી જોઈ જ રહેત !”

મેં કહ્યું: “આ જ ભાવની સાગર નિઝામીની એક ચીજ માસ્ટર મદને ગાઈ છે. જેનું મુખડું છે “હૈરત સે તક રહા હૈ, જહાને વફા મુઝે” એમાં એક અંતરામાં તમારી આ વાત આવે છે:

સાકી બને હૂએ હૈ વો, સાગર, શબે–વિસાલ,

ઉસ વક્ત કોઈ મેરી કસમ દેખતા મુઝે.

                   ( મિલનની એ રાત્રી, અને સાકી બનીને એ મને જામ ધરી રહ્યા હતા .

                       હે ખુદા, એવા વખતે કોઈ મને જોઈ રહ્યું હોત !( તો મને કેવો સંતોષ થાત !”)

એ ખડખડાટ હસ્યા. બોલ્યા; “આજ બસ ઈતના હી. હવે તો ઊંધી દિશામાં…” રાજકોટની દિશામાં એમણે ટાઢી નજર કરી.

“સારું.” મેં કહ્યું “કોઈ નવી રચના સંભળાવો.”

“નવી નથી.” એ બોલ્યા : “મારા એક માત્ર સંગ્રહ ‘ફૂલ અને ફોરમ’માંથી સંભળાવું.” એમણે ગળું ખોંખાર્યું:

બોલ્યા:

“કોઈ નથી, કોઈ જ નથી, કોઈ પણ નથી,

એ ક્યાંથી હોય? એણે તો કબર જોઈ પણ નથી !

‘કોઈ’ શબ્દનાં ત્રણ આવર્તનો હતાં અને ત્રણેમાં છેલ્લું આવર્તન ‘કોઈ પણ’ બોલતી વખતે એમનો સ્વર જરા રૂંધાયો ? કે પછી મને એમ લાગ્યું ?

આ તો બહુ ગંભીર થઈ ગયું. બીજી કોઈ ?

“એક બે તારી નમાઝો, એક બે મારા ગુનાહ.

લે ઉતાવળ કર ખુદા, મારો નથી ઝાઝો હિસાબ

“હશે..” ત્યાં તો એમણે મારે ખભે હાથ મૂક્યો. કહ્યું: “લાવો, તમારું વિઝીટિંગ કાર્ડ લાવો.”

મેં આપ્યું. થોડી વારે એમની બસ મૂકાઈ. અને એ ઉપડ્યા.

**** **** ****

11મી મે. 1982નો દિવસ.મંગળવાર. હજુ તો બૅન્કનું કામકાજ શરુ થતું હતું. એક મિત્ર મારી સામે બેઠા હતા અને અચાનક ફોનની ઘંટડી ધણધણી. એ તો સામાન્ય વાત, પણ આ કદાચ લોંગ ડિસ્ટન્સ કૉલ હતો એટલે રિંગ જરા લાંબી હતી. મેં રિસીવર ઉંચક્યું તો સામે છેડે કોઈ નિર્લેપ અવાજ હતો. “રજનીકુમાર પંડ્યા બોલો છો ??”

”યેસ,”

”એમ. જે. જોશીને ઓળખો છો?”

”કોણ એમ. જે. જોશી ? આપ ક્યાંથી બોલો છો?”

”ભુજથી પરમારભાઈ બોલું છું. દેના બૅન્કમાંથી.”

અચાનક મારા મનમાં એક સટાકો બોલી ગયો. મારાથી એકદમ ઉતાવળે બોલાઈ જવાયું “એમ જે જોશી એટલે ? એટલે મહેન્દ્ર ‘સમીર’?

“ના,”એણે રુક્ષ સ્વરે કહ્યું. ”ના, એમ જે જોશી. એટલે એમ જે જોશી, મહેન્દ્રભાઈ જીવનલાલ જોશી “

”ઓ કે. ઓ કે.” મેં લપ્પનછપ્પન કર્યા વગર કહ્યું, “શું થયું એમને એ તો કહો ?”

”વહેલી સવારે હાર્ટ એટેકમાં ગુજરી ગયા છે, આજે સવારે બૅન્કનો પટાવાળો એમને ત્યાં ચાવી લેવા ગયો ત્યારે ખબર પડી.”

એક પળ મગજમાં સૂનકાર છવાઈ ગયો.પણ પછી એક ઘૂંટડો પાણી પી લીધું, સ્વસ્થ થઈને પૂછ્યું. “એમને ઘેર ખબર કરી ?”

” રાજકોટના છે એટલી ખબર છે. પણ સરનામાની ખબર નથી. ડેડબોડી ક્યાં પહોંચાડવું અમારે? એમના ખિસ્સામાંથી તમારું કાર્ડ નીકળ્યું એટલે તમને ફોન લગાડ્યો. તમને તો ખબર હશે જ ને !”

“તમે મને તમારો નંબર લખાવો. તમને જાણીને થોડી વારમાં સામો ફોન કરું છું.”

“જલદી કરજો.” પરમાર બોલ્યા, “અહીં પોલિસનું લફરું થાય છે અને બૅન્કનું કામ ખોટી થાય છે.”

નંબર આપ્યો તે મેં યંત્રની ઝડપે લખી લીધો. ફોન મૂકીને રાજકોટ અમૃત ઘાયલને લાઈટનીંગ કૉલ જોડ્યો. વાત કરી તો આઘાતના માર્યા એ પણ બે ઘડી બોલી ના શક્યા. પણ પછી બોલ્યા તે કાંઈ કામનું નહોતું. “ઘેર કોઈ દિવસ લઈ ગયા હોય તો જાણું ને ? ભાઈ, મને કાંઈ ખબર નથી, તું આકાશવાણીમાં ફોન કરી જો. કદાચ…”

તાબડતોબ મારા મિત્ર નાટ્યકાર હસમુખ રાવળ કે જે આકાશવાણી રાજકોટમાં સારે હોદ્દે હતા, તેમને ફોન લગાડ્યો. એમણે આકાશવાણીના ચોપડા ખોલ્યા અને ‘ડેડ બોડી’નું તરતના ડેસ્ટિનેશનનું સરનામું ખોળી કાઢ્યું. જે ‘ડેડ બોડી’ ના કબજેદારોને પહોંચતું કરવામાં આવ્યું. પછી ખાતરી છે …’ડેડ બોડી’ને રાજકોટની દિશા પકડાવી હશે.

પણ મારું મન અવળચંડું હતું, મનોમન મારી નજર વેરાવળની દિશા ભણી ખેંચાતી હતી. શહેનાઝબાનુને તો આ સમાચાર સૌથી અવ્વલ પહોંચાડવા જોઈએ. એમને કોણ કહેશે ? છાપામાં આવે અને એ છાપું વાંચે તો અને ત્યારે ખબર જ પડે ? અને ખબર સમૂળગા કદી ના જ પડે તો?

મારી પાસે એમનો ફોન નંબર નહોતો. ઘરનું સરનામું તો હતું.

તાર કરી દીધો-અરજન્ટ: ‘યોર સમીરસાહેબ ઈઝ નો મોર..’

**** **** ****

છ મહિના પછી રાજકોટમાં એક સમારંભમાં શહેનાઝબાનુ અણધાર્યાં જ મળી ગયાં. સાથે એમના શોહર અને બાળકો હતાં, મને સહેજસાજ તાવ હતો, એટલે એક ખૂણામાં ઉભા ઉભા હું સૂપની ચુસ્કી લેતો હતો. એ નજીક આવ્યાં. સાવ નજીક આવ્યાં. એટલું જ કહેવા માટે સહેજ ધૂજતા હોઠને ખોલવા માટે એમને કદાચ બહુ મહેનત પડી. છતાં એ બોલી ના શક્યાં. પણ મને એમની નજરમાંથી એ સંભળાયું જ- ભીનું ‘શુક્રિયા’.

પાંપણ જરી ઝપકાવવા સિવાય મારાથી પણ કંઈ થઈ ના શક્યું. પૂરતું હતું. ઓછાબોલા ‘સમીર’ માટે આટલી અંજલિ કાફી હતી.

(સંપૂર્ણ)


(વિશેષ નોંધ: આ અનોખા શાયરના એકમાત્ર સંગ્રહ ‘ફૂલ અને ફોરમ’નું પુન:પ્રકાશન ‘રૂપાયતન, જૂનાગઢ’ દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢના હેમંત નાણાવટીનો સંપર્ક કરવાથી તે મળી શકશે.

શ્રી હેમંત નાણાવટી,

401, જીઆન્સ ફ્લેટ્સ,એસ ટી કૉલોની સામે, મોતીબાગ, જૂનાગઢ-362 001.

ઈ-મેલ: hemantdnanavaty@gmail.com ; મો. +91 98252 68645/ લેન્‍ડ લાઈન: +91 2850 2676136


લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા :

બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૦

મોબાઇલ : +91 98980 15545 /વ્હૉટ્સએપ : + 91 95580 62711/ લેન્ડ લાઇન – +91 79-253 23711

ઈમેલ : rajnikumarp@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

12 Comments

 • Piyush Pandya says:

  જે શાયરની માત્ર એક રજુઆત રેડીઓ ઉપર વર્ષો અગાઉ સાંભળ્યા પછી એને સાંભળવા/વાંચવાનું ક્યારે ય ન બન્યું હોય એને વિશે આટલી વિગતે માહિતી મળે એનો રોમાંચ અનોખો છે. આપનો આભાર.

 • readsetu says:

  અને માહિતી અદ્ભુત …. રસપ્રદ રીતે પીરસી છે !

 • Lata J. Hirani says:

  આજે ત્રણેય ભાગ એક સાથે વાંચ્યા… સલામ તમને પણ…

 • રસાળ શૈલીમાં લખાયેલાં બધાં જ ભાગો ઝીણવટથી વાંચ્યા. એક ચલચિત્રની જેમ આપનું લખાણ આંખ સામે ખડું થાય છે. કલમ-કૌશલ્યને કારણે બધી માહિતી તો રસપ્રદ બની છે જ. પણ સૌથી વધારે ગમી તે પત્રમાં લખાયેલી સર્જન-પ્રક્રિયા…પ્રસવ-વેદના જેવો અમળાટ અને તે પછીની પ્રસન્નતા..કેટલી સચ્ચાઈપૂર્વકની ઉત્કૃષ્ટ અનુભૂતિ!!

 • kalpana desai says:

  અદ્ભૂત!

 • Dinesh Vaishnav says:

  શ્રી. દરબાર સાહેબ, ઘાયલ સાહેબ, મનુભાઈ ત્રિવેદી “ગાફિલ,” મનોજ, રાજેન્દ્ર, ગોવિંદ ગઢવી “સ્મિત,” ગુલામલલી લાખાણી “શરર,” આશ્લેષ ત્રિવેદી, પ્રફુલ નાણાવટી, વ. ને સાંભળવાનો મોકો મને જૂનાગઢમાં જય વસાવડાના પિતા શ્રી. લલિતભાઈને ઘેર મળેલો. ત્યાર પછી ત્રણેક વરસ પે’લાં જૂનાગઢમાં જૂનાગઢના કે જૂનાગઢ હારે સંકળાયેલ પાંચ કવિઓને અભિવાદન કરાયું, જેમાં શ્રી. મહેન્દ્ર પઢીયાર “સમીર”નો સમાવેશ પણ હતો. હેમંત નાણાવટી મારો મામાનો દીકરો થાય ને જૂનાગઢમાં મારી રોકત એને ઘેર જ હોય. રુસ્વા સાહેબની ચડતી અને ક્યાંક પડતીના દિવસો મને આછાપાતળા યાદ, પણ ઈ માણસ “મજાનો હતો…”

 • Bhagwan thavrani says:

  ગજબના ચરિત્રો બધા ! રજનીકુમારભાઈ ની કલમે એ બધા એ રીતે જીવંત થાય છે જાણે ‘ ટાઈટેનીક ‘ ફિલ્મના અંતે જીવંત થતા પાત્રો ! આપણે એ ઘટનાક્રમ વખતે હાજર ન હોવા છતાં હાજર હોઈયે એવું લાગ્યા કરે !

 • lalit trivedi says:

  ખૂબ માર્મિક…

 • pragnajuvyas says:

  ઓછા જાણીતા મહાન શાયરની અદભુત વાતો માણી આનંદ

 • આદરણીય રજનીકુમારજી,
  આપના આ લેખના ત્રણેય ભાગ મને ભીતરથી ભીંજવી ગયા… કારણમાં મારું વેરાવળિય હોવું અને કવિ હોવું છે… ‘સમીર’ સાહેબનો પુત્ર સાગર મરો મિત્ર હતો.. હાલ ક્યાં છે તેની ભાળ મેળવવાના ઘણી વાર પ્રયત્નો કર્યા છે. કવિ લાભશંકર દવેએ મને ગઝલના છંદ શીખવેલા. તેમનો પુત્ર કમલેશ પણ મારો મિત્ર છે..
  ‘સમીર’સાહેબના ગઝલસંગ્રહને પણ કોઈ સાચવી શક્યું નહીં… જો શશીકંત ભટ્ટ ‘શૈશવ’ને ત્યાંથી (જમણે વેરાવળમાં રહીને સાહિત્યનું કામકરેલું. આજે પણ કેશોદમાં રહીને ‘નિસ્યંદન’ માટે પરામર્શન કરી રહ્યા છે.) સંગ્રહની છેલ્લી પ્રત ન મળી હોત તો તેનું પુન:પ્રકાશન પણ કદાચ ન થઈ શક્યું હોત… તમના બીજા કાવ્ય સંગ્રહ માટે પણ પ્રયત્નો થયેલા. ગઝલોની ફાઈલ તેમના કુટુંબીજનોની વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ હોવાનું મારી જાણમાં છે.
  તમે મારા મૂળ સાથેના અનુસંધાનને તાજું કરી અપ્યું…સાહેબ ! આજે સવારથી એક સુકાયેલો જૂનો ઘાવ ખોતરવા લાગ્યો છું…જો અને તો ની આ અજીબ સોગઠાંબાજી છે…
  યોગેશ વૈદ્ય
  વેરાવળ

 • Rajnikumar Pandya says:

  Thanks to all the appreciaters

 • Dr.Suresh Kubavat says:

  તમારી શૈલી !!
  વરસતા રહેજો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Previous Post
«
Powered By Indic IME