પરેશ વ્યાસ

(શ્રી પરેશ વ્યાસના આ અગાઉના લેખ . હેન્રી : અણધાર્યા અંતની અદભુત વાર્તાઓનો સર્જક”માં એક અધૂરો ફકરો આ મુજબ હતો : ‘લાસ્ટ લીફ’માં એક છોકરી ગંભીર રીતે બીમાર પડે છે. સૂતી હોય છે, ત્યારે બારીમાંથી દેખાતા સામેના મકાનની દિવાલ પરની વેલનાં પાંદડાં ખરતાં જાય છે અને એને લાગે છે કે છેલ્લું પાંદડું ખરશે અને એ મરી જશે. એની જિજીવિષા મરી પરવારી હોય છે. ડોક્ટર કહે છે કે દવા તો જ અસર કરે જો છોકરીને પોતાને જીવવાની ઇચ્છા જાગે. પણ સવારે જુએ છે તો રાતના બરફના તોફાન સામે ઝઝૂમેલું છેલ્લું પાંદડું ખરતું નથી અને.. આજે એ જ વાત વિસ્તારે…)

* * *

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

                                       – હરીન્દ્ર દવે

ફિલ્મ જોવી અમને ગમે છે. હિંદી ફિલ્મ જોવી વધારે ગમે છે. અંગ્રેજી ફિલ્મમાં સમજ ઓછી પડે. સંવાદ સમજાય નહીં. એમાં મારધાડ વધારે હોય. હિંસાની કોઇ ભાષા હોતી નથી. પણ હિંદી ફિલ્મ ખાસ કરીને રોમેંટિક ફિલ્મમાં અમને મઝા આવે છે. એનું એ કારણ છે કે અમને હંમેશાં એવું લાગે છે કે આવું ક્યાંક બન્યું છે, અમારી શેરીમાં કે અમારા શહેરમાં. મારધાડને નરી આંખે જોવાનો અવસર અમને મળતો નથી. રોમાન્સ એટલે મારી અને તારી વાત. જવાહર બક્ષી ભલે પ્રશ્ન કરે કે ‘તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું?’ પણ રોમાન્સ મારા કે તારાપણાની સર્વ ભેદરેખા ભૂંસી નાંખે છે. દરેક પ્રેમકથા સુખાંત હોતી નથી. આ લખી રહ્યો છું ત્યારે ‘લૂંટેરા’ ફિલ્મ રીલીઝ થઈ નથી. પણ આપ વાંચતા હશો ત્યારે કદાચ આપે જોઈ લીધી હશે. અમે તો પહેલાં દિવસે જ જોઈ લેવાનું નક્કી કરીને બેઠાં છીએ. એનાં ઘણાં કારણ છે. એક તો રોમેંટિક ફિલ્મ છે. એમાં સોનાક્ષી સિંહા છે. અમને માંસલ હૃષ્ટપુષ્ટ અભિનેત્રી ગમે છે. ઝીરો સાઇઝ ધરાવતી નટી અમને કૃત્રિમ લાગે છે. રીઅલ લાઇફમાં કોઈ દિ જોઈ છે ઝીરો સાઇઝ છોકરીને? મારી પત્ની કોકિલા હંમેશાં કહે છે કે આ સોનાક્ષી સાડીમાં શોભે છે. કોઈ ઝીરો સાઇઝ નટીએ સાડી પહેરી હોય તો કેવી લાગે? ખાબોચિયા પર ધોધમાર વરસાદ ખાબકે તો કેવું લાગે? વળી આ ફિલ્મમાં બંગાળી પૃષ્ઠભૂમિ છે. બંગાળીઓ અમને ગમે છે. સીધાસાદા ભાવસભર લાગણીશીલ લોકો હોય છે. ચર્ચાઓ ઘણી કરે, દલીલ ઘણી કરે પણ આપણે રહ્યા ગુજરાતીઓ. જ્યાં સુધી આર્થિક કે શારીરિક નુકસાન ન થાય ત્યાં સુધી આપણને કોઈ વાંધો હોતો નથી. પણ પહેલા જ દિવસે આ ફિલ્મ અમે એટલા માટે જોઈશું કારણ કે ‘લૂંટેરા’ અમારા પ્રિય વાર્તાકાર ઓ. હેન્રીની શ્રેષ્ઠ વાર્તા ‘લાસ્ટ લીફ’ પર આધારિત છે.
અમને યાદ આવે છે કે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં થતા અસ્મિતાપર્વમાં અમે ગુજરાતી ભાષાનાં દિગ્ગજ સાહિત્યકારોને અમારી કાલીઘેલી ભાષામાં આ વાર્તા કહેલી, માંડીને કહેલી. હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ વાતને અઘરી કરીને કહેવા કરતાં સીધી સાદી રીતે કોઈ પણ જાતનાં પિષ્ટપેષણ વગર કહેવી જોઇએ. આ જ વાત ફરીથી ‘લૂટેરા’ની સાપેક્ષમાં કહી રહ્યો છું. સવાસો વર્ષ પહેલાના ન્યૂયોર્ક શહેરનો ગ્રીનિચ વિસ્તાર. સાહિત્ય અને કલાનું ધામ. એની પેચીદા ગલીઓ. એકમાંથી બીજી અને પછી વળાંક ખાતાંય ન ખૂટતી ત્રીજી, ચોથી અને પાંચમી ગલી. ઓ. હેન્રી લખે કે ક્યાંક એક શેરી હાલવા નીકળે તો શક્ય છે કે પોતાને જ સામી એ મળી જાય. એમાં બે ચિત્રકલા શીખવા આવેલી છોકરીઓ રેસ્ટોરંટમાં મળી જાય. બેયને સલાડ ભાવે, ફુગ્ગાવાળી બાંયની કુર્તી ગમે અને ચિત્રકારી..ઓહો, બન્ને પાક્કી સહેલી થઈ જાય. સાથે રહેવા માંડે. મારી પત્ની કોકિલા કહે છે કે ‘આ બેમાંથી એક સોનાક્ષી સિંહા હશે.’ સાચી વાત. અને આ છોકરી કોઈ સંગાથી કલાકાર છોકરાના પ્રેમમાં પડશે. ના, મૂળ વાર્તામાં કોઈ હીરો જ નથી. ‘તો પછી આ રણવીર સિંઘનું પાત્ર?’ પણ આપણે ઓ.હેન્રીની મૂળ વાર્તાને આગળ ધપાવીએ.

બન્ને નાનકડા ફ્લેટમાં રહે. કડકડાવતી ઠંડી, બરફવર્ષા અને ન્યુમોનિયાના રોગચાળાનું ફાટી નીકળવું. સોનાક્ષી ગંભીર રીતે બીમાર પડે છે. ડોક્ટર કહે છે કે એને જીવવાની કોઈ ઇચ્છા જ નથી. જ્યારે કોઈ બીમાર વ્યક્તિ પોતાની સ્મશાન યાત્રામાં કેટલાં વાહનો જોડાશે એનું લિસ્ટ બનાવતી હોય ત્યારે એના બચવાનાં ચાન્સ પચાસ ટકા રહી જતા હોય. આવું તપાસનીશ ડોક્ટરનું ગણિત છે. વાત તો સાચી છે. જિજીવિષા જ ન હોય તો દવાની અસર જ ન થાય. સોનાક્ષી પોતાના પલંગમાં પડ્યાં પડ્યાં બારીની બહાર સામેના મકાનની દિવાલ પર મૂળ જમાવીને બેઠેલા વેલા અને એનાં ઠંડીના કારણે ઝડપથી પીળાં થઈને ખરી પડતાં પાંદડાંને જોયા કરે છે. બાર, અગિયાર, દસ, નવ અને એક સાથે આઠ અને સાત. સોનાક્ષીના જીવનની ઊલટી ગણત્રી શરૂ થઈ ચૂકી છે. એની સહેલી એને સમજાવે છે કે આ પાંદડાના ખરવાને અને તારા શ્વાસને ક્યાં કોઈ નિસબત છે? પણ સોનાક્ષી માનતી નથી. હવે રણવીરની એન્ટ્રી થાય છે. ઓ. હેન્રીનો રણવીર 60 વર્ષનો બુઢ્ઢો ચિત્રકાર છે. નીચેના ફ્લેટમાં રહે છે. સખત દારૂ પીએ છે. કલામાં સદંતર નિષ્ફળ છે. છતા કોઈ એક દિવસ માસ્ટરપીસ ચિત્ર દોરીશ એવા ફાંકા મારતો હોય છે. ઉંમર પ્રમાણે બન્ને છોકરીઓને પિતાતુલ્ય પ્રેમ કરે છે. બન્ને છોકરીઓની સારસંભાળની જવાબદારી એની છે તેવું એ માને છે. પાંદડું ખરે અને સોનાક્ષી મરે- એવી વાહિયાત તુકબંધી સામે પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરે છે. પણ સોનાક્ષી છે કે માનતી નથી. સાંજે વેલ પર એક માત્ર પાંદડું રહી જાય છે. રાત ભયંકર તોફાની હોય છે. પીળા જર્જરિત એકલા એક પાંદડાનો અતિભારે બરફવર્ષા સામે કોઈ મુકાબલો નથી. સવાર પડે છે. સોનાક્ષી એની સહેલીને કહે છે કે પડદો ખોલ. અને આશ્ચર્ય વચ્ચે એ આખરી પાંદડું હજી વેલને ચોંટીને બેઠું છે. સોનાક્ષીને થાય છે કે આ ખર્યું નથી તે પાછળ કોઇ ઈશ્વરીય સંકેત છે. એને લાગે છે કે મરવાની ઇચ્છા કરવી એ પણ મહાપાપ છે. હવે એને જીવવું છે. પહેલી વાર એની સહેલી પાસે અરીસો માગે છે. જ્યારે કોઈ સ્ત્રી અરીસામાં જુએ ત્યારે પોતાની જાત સાથે પ્રેમમાં પડવાની આ પહેલી નિશાની છે. એ સૂપ પીએ છે. દવા હવે અસર કરે છે. એ જીવી જાય છે. પેલા 60વર્ષના દારૂડિયા રણવીરનો કોઈ પત્તો નથી. પણ પછી ખબર પડે છે કે ક્યાંક બરફવર્ષાની તોફાની રાતે કોણ જાણે ક્યાં ગયો હતો, તે ન્યુમોનિયામાં સપડાયો હતો. ઝાઝું જીવ્યો નહીં, મરી જાય છે. સોનાક્ષી કહે છે કે કલા ક્ષેત્રે એ નિષ્ફળ હતો પણ આપણું ધ્યાન ઘણું રાખતો. સોનાક્ષીની સહેલી બારી બહાર સામેના મકાનની દિવાલ પર ટકી ગયેલા આખરી પાંદડાને ટીકી ટીકીને જોયા કરે છે. આટલો પવન છે તો પાંદડું ફરકતું કેમ નથી? નીચે બરફમાં સીડી પડી હોય છે, ફાનસ હોય છે, રંગદાની હોય છે, લીલા, પીળા રંગ વેરાયેલા હોય છે. રણવીરે આખી રાત વરસતી બરફવર્ષામાં ઝઝૂમીને સામેની દિવાલ પર આબેહૂબ પાંદડું ચીતરી દીધું હોય છે જેથી સોનાક્ષી બચી જાય. રણવીરનું લાસ્ટ લીફ એનું માસ્ટરપીસ છે.

બસ તો હે વાચક મિત્રો, તમે ‘લૂંટેરા’નાં દર્શક બનો ત્યારે રણવીરની ઉંમર 60માંથી 25 કરી નાંખજો. રણવીર અને સોનાક્ષીનાં પ્રેમનાં બે ચાર ગીત મૂકી દેજો. બાકી રણવીર છેલ્લે મરી જશે એવું અમે માનીએ છીએ. આમ તો આ બલિદાનની કથા છે. આપણે એવું માનીએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ ભૌતિકવાદમાં માને છે અને કોઈને માટે કરી છૂટવાનો, જીવ આપી દેવાનો ઠેકો માત્ર ભારતીય સંસ્કૃતિએ જ લીધો છે. પણ સાવ એવું નથી. ‘લૂંટેરા’માં પોતાની પ્રેમિકાને બચાવવા કોઈ મરી જાય એ સમજાય પણ ઓ. હેન્રીની આ બલિદાન ગાથામાં તો કોઈ ખાસ સંબંધ નથી એવો બુઢો પાડોશી એક છોકરી માટે જીવ આપી દે છે. ઓ. હેન્રી આજે પણ અમને એટલા માટે ગમે છે કારણ કે એ મૃત્યુ જેવી વાત પણ સરળતાથી, સહજતાથી કહી દે છે.

કલરવ:
        એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
        મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે

                       –ભગવતી કુમાર શર્મા

* * *

સંપર્ક સૂત્રો :

ઈ મેઈલ – Paresh Vyas <pareshvyas@pareshavyas.com

મોબાઈલ – ૯૭૧૪૫ ૦૩૭૦૩

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME