માનો કે કાલે સૂરજ ઊગે નહીં

ને માનવ સર્જિત

દીવડા વચ્ચે

તારે જિંદગી

હંમેશ માટે ક્ષણે ક્ષણે

ક્ષય – અક્ષય

ચક્ર તૂટે દિન-રાત તણું

તો પ્રભુ

તારું તિમિર

દીપને અજવાળે

થાય ભાંગી ભૂકકો

પછી તું ક્યાં ? હું ક્યાં ?

                                     – રેખા સિંધલ

રસદર્શન

જીવન અને જીવનદાતા સામે પ્રશ્નો છે, ઉત્તર પણ છે.. સમસ્યા છે અને સમાધાન પણ શોધાઈ ચૂક્યું છે. હું અને તું, માનવી અને ઈશ્વર વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસવાનો ઉદાત્ત આશય છે. ‘અંદર ઝાંકીને જોયું તો તું ત્યાં જ હતો !’ ખરી વાત છે. જેણે જીવન આપ્યું છે, જેણે આ શરીરમાં પ્રાણ ફૂંકયા છે એણે પોતાને પણ ત્યાં જ સ્થાપિત કરી દીધો છે. પોતાનો અંશ એમાં રેડી દીધો છે. માનવી અને ઈશ્વરમાં કોઈ જુદાઇ નથી. બંને એકબીજામાં ઓગળી ગયેલા છે.

‘ધારો કે કાલે સૂરજ ઊગે નહી’… આ કાવ્યની પ્રથમ પંક્તિ આંખે ચડતાં જ મનમાં પેલું ગીત ગૂંજી રહે, ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?’ અલબત્ત અહી શબ્દોના સરકાવની વાત છે. ભાવવિશ્વ તદ્દન જુદું છે. સૂરજ ન ઊગવાની અને અફાટ અંધારાની કલ્પનાના શબ્દોથી કાવ્યની શરૂઆત થઈ છે. સૂરજ ન ઊગે તો અંધારું ચોસલાં બની જામી જાય. શરૂઆતની એક પંક્તિ, પ્રથમ પંક્તિ જ કાવ્યને અત્યંત વિશાળ શક્યતાઓથી ભરી દે છે. પછીના શબ્દો એટલે કે આ પરિસ્થિતિથી ઊભી થતી શક્યતાઓની કવયિત્રીની વાત આવે એ પહેલાં ક્ષણભરમાં જ સૂરજ વગરના વિશ્વની કલ્પના ભાવકના ચિત્તનો સંપૂર્ણ કબજો જમાવી બેસે અને એ આ કાવ્યની સફળતા ગણાય.

અહી કવયિત્રીએ જાણે પડકાર ફેંક્યો છે. ધારો કે કાલે સૂરજ ઊગે નહી અને માનવીએ સર્જેલા દીવડા વચ્ચે જિંદગી ક્ષણે ક્ષણે તૂટે, સંધાય… આના અનુસંધાને દિવસ-રાતનું ચક્કર પણ ખોરવાય તો પરિણામ શું આવે? પ્રભુ, સૂરજ વગર વ્યાપેલા તારા તિમિરને આ માનવીએ જગાવેલા દીવડાઓ હરાવી દે! હા, તેં જ તો એને શક્તિ આપી છે, સામર્થ્ય આપ્યું છે, પ્રત્યેક મુસીબત સામે જંગ લડીને જીતતાં શીખવ્યું છે તો એ સૂરજ વગર પણ ચલાવી લેશે! પોતાના અજવાળાને શોધી લેશે! કદાચ નવો સૂરજ શોધી લે તો પણ નવાઈ નહી! હા, આ માનવી છે, તારો જ બનાવેલો. તારી જ શક્તિથી ભરપૂર અને તારો જ અંશ. પરમ ચેતનાથી સભર. મારામાં અને તારામાં ક્યાં કોઈ ભેદ છે? હું અને તું એક જ છીએ.

જેમનાં કાવ્યોમાં ફિલોસોફી છંટાયેલી રહે છે એવાં આ કવયિત્રીનું બીજું કાવ્ય પણ જુઓ !

એકવાર અનાયાસે, મારાથી પૂછાઈ ગયું
અર્થનો અર્થ શો ?

ચાર ચતુરે આપ્યો, સાંભળશો જવાબ શો?

સાત વર્ષની બાળકી હસી,
EARTH એટલે હું… ! તેનું નામ અવનિ હતું.

થનગનતું યૌવન બોલ્યું,
અર્થ એટલે પૈસો અને….. પૈસો એટલે જ અર્થ

વનમાં પ્રવેશતા પડોશી કાકા
પાછું વળીને બોલ્યા.. અર્થનો કશો અર્થ નથી
કે પછી તમે….. જીવનના અર્થની વાત કરો છો?

કાનની બહેરાશને, આંગળીના ટેરવાથી
દૂર કરતા વયોવૃદ્ધ ઉવાચ….
આ અર્થીની વળી શું વાત છે ?……… રે

                                           – લતા હિરાણી

* * *

લતાબહેન હિરાણીનાં સંપર્કસૂત્રો :-

બ્લૉગ “સેતુ” – https://readsetu.wordpress.com
ઈ-પત્રવ્યવહાર સરનામું : Lata Hirani <lata.hirani55@gmail.com>

* * *

રેખાબહેન સિંધલનાં સંપર્કસૂત્રો :-

વેબસાઈટ – Axaypatra /અક્ષયપાત્ર : https://axaypatra.wordpress.com
ઈ-પત્રવ્યવહાર સરનામું : rekhasindhal@comcast.net

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

6 Comments

 • સિનિયર બચ્ચન યાદ આવી ગયા..

  है अँधेरी रात पर दीवा जलाना कब मना है ?

  http://kavitakosh.org/kk/%E0%A4%B9%E0%A5%88_%E0%A4%85%E0%A4%81%E0%A4%A7%E0%A5%87%E0%A4%B0%E0%A5%80_%E0%A4%B0%E0%A4%BE%E0%A4%A4_%E0%A4%AA%E0%A4%B0_%E0%A4%A6%E0%A5%80%E0%A4%B5%E0%A4%BE_%E0%A4%9C%E0%A4%B2%E0%A4%BE%E0%A4%A8%E0%A4%BE_%E0%A4%95%E0%A4%AC_%E0%A4%AE%E0%A4%A8%E0%A4%BE_%E0%A4%B9%E0%A5%88%3F_/_%E0%A4%B9%E0%A4%B0%E0%A4%BF%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AF_%E0%A4%AC%E0%A4%9A%E0%A5%8D%E0%A4%9A%E0%A4%A8

  જો અને જ્યારે આવી જાગરૂકતા આવવા માંડે, તો અને ત્યારે સૂરજ હોય કે નહીં, ઝૂંપડીમાં દીવો પ્રગટેલો છે કે, બુઝાઈ ગયો છે – તે નીરાશા પેદા કરવામાં અસફળ બની જાય છે. અંતરદીપ પ્રગટાવવાની આ આરઝૂ ગમી ગઈ.
  ————
  બન્ને બહેનોને ‘મા’ ગુમાવવા માટે દિલી આશ્વાસન.
  સધિયારો એક જ. એ ‘મા’ તમારા દિલમાં હજુ જીવે છે.

 • ફરીથી… બચ્ચનજીની આખી કવિતા ન વાંચવી હોય તો આ અંતિમ પદ તો જરૂર વાંચજો, માણજો, જીવનમાં ઉતારજો –

  क्या हवाएँ थीं कि उजड़ा प्यार का वह आशियाना
  कुछ न आया काम तेरा शोर करना, गुल मचाना
  नाश की उन शक्तियों के साथ चलता ज़ोर किसका
  किंतु ऐ निर्माण के प्रतिनिधि, तुझे होगा बताना
  जो बसे हैं वे उजड़ते हैं प्रकृति के जड़ नियम से
  पर किसी उजड़े हुए को फिर बसाना कब मना है
  है अँधेरी रात पर दीवा जलाना कब मना है।

 • LINA Savdharia Lina Savdharia says:

  Very nice.
  Enjoy reading.
  Keep it up.

 • pragnajuvyas says:

  સુંદર કાવ્યનું સુંદરતમ રસદર્શન
  ઓ જિંદગી ! તને બધા ડરાવશે , પણ તું ડરીશ નહિ . તું અમારી નજીક આવ , અમને પીગળાવ , અમને વ્હાલ કર, અમને બદલાવ . જેથી અમે પણ તારી સાથે પતંગિયાની જેમ ઉડી શકીએ , તારી સાથે માછલીની જેમ તરી શકીએ, તારામાં લુપ્ત થઇ શકીએ .
  હે જિંદગી ! તારું રહસ્ય બહુ પ્યારું લાગે છે તારું આ રહસ્ય જ અમને જીવંત રાખે છે અને જાગૃત રાખે છે
  તારું તિમિર
  દીપને અજવાળે
  થાય ભાંગી ભૂકકો
  પછી તું ક્યાં ? હું ક્યાં ?
  મેળવવાનું કશું જ બાકી ના રહે જો હું તારામાં, તું મારામાં, અને એવી જ રીતે આપને બન્ને એકબીજામાં આપણું સર્વસ્વ ગુમાવી દઇએ અને તું મને મળી જાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME