ભગવાન થાવરાણી

ફરી એ વાતનું પુનરાવર્તન કરીને વાત શરૂ કરીએ કે આ લેખમાળા રાગવિષયક નહીં, માત્ર અને માત્ર શૈલેન્દ્રવિષયક છે. આજે આપણે રાગ ભૈરવીના રસ્તે શૈલેન્દ્ર સુધી પહોંચીશું.

રાગ ભૈરવીથી કયો સંગીતરસિયો અજાણ હશે? વિશેષ કરીને આ પ્રકારની વાતો જાણતા, પિછાણતા અને માણતા ભાવકો! ભૈરવી યથોચિત રીતે જ ‘ સદા સુહાગન ‘ કહેવાઈ છે. એ ગમે ત્યારે, ગમે ત્યાં ગાઈ શકાય માટે. પરંતુ રાગ-શાસ્ત્રની ચુસ્ત વ્યાખ્યા પ્રમાણે એ બ્રાહ્મ મૂહુર્તમાં એટલે કે પ્રભાતના પ્રથમ પ્રહરમાં ગવાતો રાગ છે. કોઈ ઉસ્તાદ, કોઈ ગવૈયો એવો નહીં હોય જેણે આ રાગ ગાયો નહીં હોય. કોઈ મહેફિલ એવી નહીં હોય જેમાં આ રાગ ગવાતો નહીં હોય. અરે! કોઈ સામાન્યજન એવો નહીં હોય જેણે અજાણતાં આ રાગ ગુનગુનાવ્યો ન હોય! પ્રથમ પ્રહરનો રાગ હોવા છતાં મહેફિલોના અંતે આ રાગ ગાઈને મહેફિલનું સમાપન કરવામાં આવે છે, કદાચ એટલા માટે કે આવી મહેફિલો – જલસાઓ વહેલી સવાર સુધી ચાલતા હોય છે એટલે આપોઆપ રાગનો શાસ્ત્રોક્ત સમય અને મહેફિલની સમાપ્તિ સાથે આવે! ઠૂમરી, ટપ્પા, કજરી, ભજન, ગઝલ, તરાના, શું નથી ગવાયું આ રાગમાં? આ રાગના ખટકા, ઝટકા ને મુરકીઓ ભાવકને પ્રેમ અને ભક્તિના માધ્યમ થકી પરમ સમીપે પહોંચાડે છે, એવું મર્મીઓ કહે છે. આ હિસાબે જીવન-સંધ્યાને પણ જિંદગીની ‘ભૈરવી’ કહી શકાય. ઉંમરલાયક અને અનુભવવૃદ્ધ કવિ, પિતાને ડહાપણ અને જીવન-રીતિ શીખવતા યુવાન પુત્રને હળવેકથી કહે છે:

ગુઝરતી ઉમ્ર મેં જીના હમેં સિખલાઓ મત બેટે
સમા યે ભૈરવી કા હૈ બિલાવલ ગાઓ મત બેટે

અગાઉ ઉલ્લેખી ચૂક્યા છીએ તેમ સુવર્ણયુગીન ફિલ્મ સંગીતના અસલ ચાહકો કોઈ ધુનનો નાનકડો અંશ માત્ર સાંભળીને અધિકારપૂર્વક કહી શકે કે આ નૌશાદ, આ સી. રામચંદ્ર, આ મદન મોહન અને આ તો શંકર જયકિશન જ! બિલકુલ એ જ રીતે ફિલ્મ સંગીતની બારીકીઓને ઘોળીને પી જનારા સાચકલા ભાવકો છાતી ઠોકીને કહી દે કે આ ભૈરવી શંકર જયકિશનની, આ નૌશાદની અને આ સી. રામચંદ્રની! કારણ એટલું જ કે આ દરેક સંગીતકારોએ માત્ર ભૈરવી રાગ માં જ સેંકડો ની સંખ્યા માં ગીતો રચ્યા છે અને એ દરેક રચનામાં આ મહાન સંગીતકારોની આગવી છાપ, સિક્કો હોય છે જે એમની ભૈરવી-બંદિશોને અન્યની ભૈરવીઓથી અલગ તારવી આપે છે.

આજે આપણે શૈલેન્દ્ર લિખિત અને શંકર જયકિશને તર્જબદ્ધ કરેલ આવાં બે ભૈરવીગીતોની વાત કરવી છે. મૂકેશ અને લતાએ ગાયેલાં ફિલ્મ ‘આશિક઼ ‘ (૧૯૬૨) અને  ‘ઓરત’ (૧૯૫૩)નાં ગીતોની. બન્ને ફિલ્મના સમયગાળા વચ્ચે આશરે એક દાયકાનો તફાવત હોવા છતાં બન્નેમાં અનોખો શંકર- જયકિશની સંસ્પર્શ છે. પછીથી આવેલા  ‘આશિક’ ના ગીતની વાત પહેલાં કરીએ. મૂકેશે ગાયેલ શૈલેન્દ્રની એ અમર કવિતાના શબ્દો જુઓ :

તુમ જો હમારે મીત ન હોતે
ગીત યે મેરે ગીત ન હોતે
હંસકર જો તુમ યે રંગ ન ભરતે
ખ્વાબ યે મેરે ખ્વાબ ન હોતે

તુમ જો ન સુનતે ક્યોં ગાતા મૈં
બેબસ ઘુટકે રહ જાતા મૈં ..

જી કરતા હૈ ઉડ કર આઉં
સામને બૈઠું ઔર દોહરાઉં ..

સૂની ડગર કા એક સિતારા
ઝિલમિલ ઝિલમિલ રૂપ તુમ્હારા

તુમ જો હમારે ..

‘આશિક’ આમ તો ઋષિકેશ મુખર્જી જેવા માતબર સર્જકની ફિલ્મ, પણ કોણ જાણે નિર્દેશનના છૂટાછવાયા ચમકારાને બાદ કરતાં સમગ્ર ફિલ્મમાં એમનો આગવો સ્પર્શ ક્યાંય વર્તાતો નથી. જાણે આખી ફિલ્મ જ ઊંચક જીવે બનાવી હોય એમણે, અને એ પણ રાજ કપૂર, પદ્મિની અને નંદાની કક્ષાનાં કલાકારો હોવા છતાં! ફિલ્મને જે નજીવી સફળતા ટિકિટબારી પર મળી એ માત્ર શંકર જયકિશનના અણમોલ સંગીતના કારણે. ગીતોની ફેહરિસ્ત જુઓ તો ખ્યાલ આવશે કે કેવાં કેવાં ગીત-રત્નો હતાં આ ફિલ્મમાં !

 

૧.

યે તો કહો કૌન હો તુમ

શૈલેન્દ્ર

મૂકેશ – કોરસ

૨.

તુમ આજ મેરે સંગ હંસ લો

હસરત

મૂકેશ (બે ભાગમાં)

૩.

તુમ જો હમારે મીત ન હોતે

શૈલેન્દ્ર

મૂકેશ (આજનું ગીત)

૪.

મૈં આશિક હું બહારોં કા

શૈલેન્દ્ર

મૂકેશ

૫.

ઓ શમા મુજે ફૂંક દે

શૈલેન્દ્ર

મૂકેશ લતા

૬.

મેહતાબ તેરા ચેહરા

શૈલેન્દ્ર

મૂકેશ લતા

૭.

ઝનન ઝનઝનાકે અપની પાયલ

શૈલેન્દ્ર

લતા

૮.

લો આઈ મિલન રી રાત સુહાની રાત

હસરત

લતા

આ બધાં જ અત્યંત લોકપ્રિય હતાં અને છે એટલું જ નહીં, બે ગીતોને બાદ કરતાં બધાં જ ભૈરવીમાં છે ! છેલ્લું લતા-ભૈરવી ગીત ફિલ્મમાં લેવાયું નથી અને મૂકેશ વાળું શીર્ષક-ગીત, આપણે આ અગાઉના લેખમાં ચર્ચી ચૂક્યા છીએ એ મુજબ રોન ગુડવીનની અસલ ધૂનો RETURN TO PARADISE અને COME BACK TO ME ઉપરથી ‘પ્રેરણા’ લઇને રચાયેલું છે. એ ‘પ્રેરિત’ ગીતની ધુન ફિલ્મનાં ટાઇટલ દરમિયાન પણ સમૂહ-સ્વરોમાં સંભળાય છે.

વિડંબના એ કે નબળી અને ચીલાચાલૂ વાર્તાને કેવળ પોતાના નિર્દેશકીય સંસ્પર્શથી હમેશાં રસપ્રદ અને પકડદાર બનાવવામાં માહેર ઋષિદા અહીં સુંદર વાર્તા અને સુરેખ પાત્રાલેખન હોવા છતાં ધારી અસર નિપજાવી શક્યા નથી. કથાવસ્તૂ સંક્ષેપમાં જોઇએ તો સંપન્ન જમીનદાર પુત્રો રાજ કપૂર અને અભિ ભટ્ટાચાર્ય વિરોધાભાસી ચરિત્રોના માલિક છે. રાજ કપૂર મનમોજી, ઘુમક્કડ અને સંગીતપ્રિય મસ્તમૌલા તો અભિ ભટ્ટાચાર્ય નાકની દાંડીએ ચાલનાર ફરજનિષ્ઠ અને કુટુંબવત્સલ સજ્જન. ગરીબ ઘરની ઘરગથ્થુ છોકરી નંદા મનોમન રાજને ચાહે છે પણ રાજકપૂર નૃત્ય-સંગીત પ્રવિણ પદ્મિનીના મોહમાં આકર્ષાય છે. જમીનદાર માબાપને નંદા મોટા દીકરા અભિ માટે પસંદ છે. અભિને જ્યારે જાણ થાય છે કે નંદા પોતાના નાના ભાઈને પસંદ કરે છે ત્યારે લગ્નમંડપમાં પોતે ચરિત્રહીન હોવાનું નાટક કરી નંદા રાજ સાથે પરણે એવો તખ્તો ગોઠવે છે. મજબૂરન લગ્ન અને અને એક બાળકીના પિતા બનવા છતાં રાજનો જીવ પદ્મિનીમાં પરોવાયેલો રહે છે. કુટુંબની આર્થિક ખાનાખરાબી અને રાજ પદ્મિની સાથે રહેવા જતો રહે, ગાયક-સંગીતકાર તરીકે નામના મેળવે અને પદ્મિનીને પોતાના કારણે રાજનું કુટુંબ અને લગ્નજીવન કેવું પાયમાલ થયું એની જાણ થતાં રાજની જિંદગીમાંથી ખસી જાય અને રાજને સચ્ચાઈનું ભાન થતાં ઘર-વાપસી.

આપણું આજનું ગીત ફિલ્મનું અંતિમ ગીત છે. પદ્મિનીને રાજના પરિવારની પોતાના કારણે થયેલી દુર્દશાની જાણ થતાં એની જિંદગીમાંથી ખસી જવાનો મુશ્કેલ નિર્ણય લે છે. રાજને પ્રતિષ્ઠિત સંગીત-ભારતી પુરસ્કાર એનાયત થવાનો હોય છે પરંતુ એ પ્રતિષ્ઠાના પાયામાં રહેલી સ્ત્રી જ સમારંભમાં ગેરહાજર રહેતાં રાજ પોતાની વ્યથા-કથા શબ્દ અને સુર થકી સ્ટેજ પર વ્યક્ત કરે છે, ઋણ સ્વીકારાર્થે શબ્દાંજલિ સ્વરૂપે :

સમૂહ વાયલીનનો લાક્ષણિક શંકર-જયકિશની ઉપાડ. આ શરુઆતી ટુકડો એમના જ એક અન્ય ગીત ‘રુક જા રાત ઠહર જા રે ચંદા’ (દિલ એક મંદિર)ની યાદ અપાવે છે, હાલાંકિ બન્ને ગીતોના રાગ અલગ છે. પછી તુરંત સિતારનો નાનો પીસ અને પ્રેક્ષકાગારમાં લોકો સમક્ષ ઉદાસ મુસ્કુરાહટ સાથે મુખાતિબ રાજ –

તું જ ન હોત તો આ ગીત (અને આ નામના, આ કીર્તિ, આ પ્રશંસકો) ક્યાંથી હોત ! મૌન રહીને, હસતી રહીને, સ્વયંને ભુલાવીને તું જો મારા સપનાઓમાં રંગોળી ન પૂરત તો એ સપનાઓ સાકાર થયા વિના દિલના કોઈક ખૂણે નોધારા પડ્યા હોત !

તીનતાલનો શાંત સહયોગ. સિતાર. પોતાના ઘેર રેડિયો પર સજળ નેત્રે પ્રસારણ સાંભળતી અને રાજના શબ્દો પાછળનો ભાવ સમજતી પદ્મિની :

તું જ જો ન સાંભળતી હોત તો હું કોના માટે ગાતો હોત ? અંતે તો મારા શબ્દો, મારી લાગણીઓ, મારી ઊર્મિઓ અને મારી સર્જકતાને મારી ભીતર જ ભંડારીને મૌન થઈ જવું પડ્યું હોત મારે. દરેક સર્જક આમ, કોઈ ‘એક’ને ઉદ્દેશીને સર્જન કરતો હોય છે પરંતુ એ જગજાહેર થતાં ‘અનેક’નું થઈ જાય છે. દરેક સંવેદનશીલ ભાવકને જાણે એ પોતાની વાત હોય એવું મહેસૂસ થવા લાગે છે, કારણ કે દર્દનો રંગ સાર્વભૌમ છે.

ફરી એ જ વાદ્યો વાયલીન અને સિતાર :

દિલ તો કહે છે કે ઊડીને તારી સમક્ષ આવું અને તારી પડખે બેસીને આ જ પંક્તિઓ દોહરાવું પણ.. (થોડાક શબ્દફેર સાથે ‘બાદશાહ’ નું ગીત સાંભરે ‘સામને બૈઠે રહો ઇઝહાર હમ કરેં‘)

ફિલ્મમાં ગીતના બે જ અંતરા છે પરંતુ શ્રાવ્ય સંસ્કરણમાં ત્રીજો અંતરો પણ છે જે એટલો જ માર્મિક છે :

મારી નિર્જન રાહમાં પથપ્રદર્શન કરતો એકમેવ સિતારો એટલે તું. તારું ઝિલમિલ-ઝિલમિલ થતું સૌમ્ય રૂપ. એ અજવાસના સહારે તો આ કઠિન સફર સહ્ય અને સરળ લાગે છે.

બશીર બદ્ર પણ આ જ વાત સ્હેજ જુદી રીતે કહે છે –

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ

રાજની પાછળ ઊભેલા સહકર્મીઓ, રાજના ચહેરાનો ક્લોઝ-અપ અને હિજરાતી પદ્મિનીનો ચહેરો. પ્રેક્ષકોની તાળીઓ અને રાજની  સાચા રસ્તે પાછા ફરવાની પ્રક્રિયાની શરુઆત.

આજના બીજા ભૈરવી-ગીતની ફિલ્મ ‘ઔરત‘ છેક ૧૯૫૩માં બની. ફિલ્મના સર્જક ભગવાનદાસ વર્મા. એમણે આ નિષ્ફળ ફિલ્મ પહેલાં પણ શંકર જયકિશન- શૈલેન્દ્ર – હસરતને લઈને  ‘બાદલ’ નિર્માતા તરીકે બનાવેલી અને આટલેથી ન અટકતાં વધુ બે અસફળ ફિલ્મો  ‘પૂજા’ અને  ‘બાગી સિપાહી’ પણ આ જ ગીતકારો- સંગીતકારો સાથે બનાવી! આને કહેવાય પરમ ફનાગિરી!

‘ઔરત’ના નવમાંથી સાત ગીતો ભૈરવીમાં હતાં. ( એમ તો  ‘બરસાત’ના અગિયારમાંથી સાત ગીતો ભૈરવીમાં હતાં! ભૈરવીના આવા અદમ્ય આકર્ષણના કારણે જ જયકિશને પોતાની પુત્રીનું નામ પણ ભૈરવી પાડ્યું હશે!). શંકર-જયકિશની ભૈરવી તો સેંકડો ગીતોમાં નિબદ્ધ છે જ પરંતુ આ લાક્ષણિક દ્રુત દાદરા તાલમાં ઢોલકનાં વીજળીક ઠેકે એકસરખા લયમાં માત્ર લતા દ્વારા જ ગવાયેલી કેટલીક શંકર-જયકિશની ભૈરવી જુઓ: (માત્ર શબ્દો બદલતા જશે, બાકી બધું યથાવત્, છતાં કેવું દિલકશ !)

 

બરસાત મેં હમસે મિલે તુમ સજન

બરસાત

યે હરિયાલી ઔર યે રાસ્તા

હરિયાલી ઔર રાસ્તા

સુનો છોટી-સી ગુડીયા કી લંબી કહાની

સીમા

દિલ અપના ઔર પ્રીત પરાઈ

દિલ અપના પ્રીત પરાઈ

તુમ્હેં ઔર ક્યા દૂં મૈં દિલ કે સિવા

આઈ મિલન કી બેલા

રામ કરે કહીં નયના ના ઉલઝે

ગુનાહોં કા દેવતા

મુહબ્બત કી દાસ્તાં આજ સુનો

મયૂર પંખ

ઉનકી પહલી નઝર ક્યા અસર કર ગઈ

એપ્રિલ ફૂલ

યે દુનિયા બનાઈ હૈ કિસ બેરહમ ને

ઔરત

અને આ બધાં ગીત ઉપરાંત આપણું આજનું આ ગીત! ભૈરવી-દ્રુત, દાદરા- ઢોલક- શંકર જયકિશન- લતામય પુષ્પોની ટોકરી છલોછલ !

અને શંકર જયકિશનની લતા-પરસ્તી તો જુઓ!  ‘ઔરત’નાં બધાં જ નવ ગીતો લતાનાં! (અને આપણા આ ભગવાનદાસ વર્માની લતા માટેની ઘેલછા પણ કેમ અવગણવી?  ‘બાદલ’નાં આઠમાંથી સાત,  ‘પૂજા’નાં દસમાંથી પાંચ અને ‘બાગી સિપાહી’નાં આઠમાંથી છ ગીતો લતાનાં).

‘ ઔરત ‘ ફિલ્મ બાઇબલમાં આવતી સેમસન એન્ડ ડિલાઈલાહની દંતકથાનું ભારતીયકરણ, બલ્કે એમ કહો કે ઉર્દૂકરણ છે, કારણ કે ફિલ્મનાં આગા જાની કાશ્મીરી લિખિત ઉર્દૂ સંવાદો એ ભાષાના ચાહકો માટેનું આગવું આકર્ષણ છે. પ્રેમનાથ, બીના રોય અને પૂર્ણિમાના પ્રણયત્રિકોણ વાળી ફિલ્મ પણ એટલી ખરાબ તો નથી જ. પ્રેમનાથ રાજ કપૂરનો સાળો હતો અને આવી અનેક બી અને સી ગ્રેડની ફિલ્મોમાં હીરો તરીકે કારકિર્દીનો પૂર્વાર્ધ પૂરો કર્યા પછી અચાનક ‘મેરા નામ’ થકી પુનરુદ્ધાર પામી એવો ચાલ્યો કે છકી ગયો! બીના રોય ખૂબસૂરત હોવા સાથોસાથ સારી કહી શકાય એવી અભિનેત્રી પણ હતી.  ‘ઘૂંઘટ’ ફિલ્મમાં એ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પણ પામેલી. પાછલા વર્ષોમાં એના ઉમદા અભિનયવાળી પ્રસાદની ફિલ્મ ‘દાદીમા’ આવેલી. ફિલ્મની ઉપનાયિકા (ખરેખર તો પાત્રાલેખનની રૂએ નાયિકા) પૂર્ણિમા ખાસ્સી ફિલ્મોમાં હીરોઇન તરીકે ચમકી અને આપણા ભગવાનદાસ વર્માને પરણી ગઈ. પાછલી વયમાં એ કેટલીક ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે પણ આવી.

ફિલ્મમાં લતાના ગીતોમાંથી ‘બેવફા ને દે દિયા ગમ ઝિંદગાની લૂટ લી’,  ‘દર્દે ઉલ્ફત છુપાઉં કહાં‘ અને ‘ સુના સુના હૈ જહાં‘ ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. ફિલ્મનું એક હસરત લિખિત ગીત ‘આંખોં આંખોં મેં તુમકો છુપાકે દેખ લિયા‘ ઉત્તમ રચના તો છે જ, પરંતુ એ જ ધુન અને લયનો ઉપયોગ કરીને શંકર જયકિશને ૧૨ વર્ષ પછી એક ઉમદા મુજરા-ગીત બનાવેલું. શૈલેન્દ્રના શબ્દો અને લતા- આશા- મન્ના ડે દ્વારા ગવાયેલ એ બંદિશ  ‘આંખોં આંખોં મેં કિસીસે બાત હુઈ‘ અત્યંત ઉત્કૃષ્ટ હોવા છતાં મહદંશે ઉપેક્ષિત રહી છે.

મર્ફીઝ લોઝ (Murphy’s Laws) નામે ઓળખાતી કેટલીક દૈનંદિન ઘટનાઓ અને અનુભવો પરથી ઊતરી આવેલા રમૂજી નિયમો ચલણમાં છે – કહેવતો સ્વરૂપે. જેમ કે  ‘વધુમાં વધુ રોંગ નંબર તમે અડધી રાતે ભર ઊંઘમાં હો ત્યારે જ આવશે’  અથવા  ‘તમે કોઈ વસ્તુ ઘરમાં રિપેર કરતા હો ત્યારે સૌથી ઝીણામાં ઝીણો સ્ક્રૂ હશે એ જ હાથમાંથી પડી જશે એટલું જ નહીં, એ સ્ક્રૂ ઘરમાં ટેબલ કે સોફાની નીચે એટલે દૂર સુધી સરકી જશે જ્યાં તમારો હાથ જ ન પહોંચે! ‘ આ નિયમો માં આપણે ફિલ્મો સંદર્ભે વધુ એક નિયમ ઉમેરીએ કે  ‘ ફિલ્મનું સૌથી શ્રેષ્ઠ અને તમને સૌથી વધુ ગમતું ગીત જ ફિલ્મમાંથી કપાઈ ગયું હશે!’ આપણા આજના આ બીજા ગીતની એ જ વિડંબના છે! આગળ વધતાં પહેલાં શૈલેન્દ્ર લિખિત એ ઉમદા ગીતના શબ્દો જોઈએ :

દર્દે – જિગર ઠહર ઝરા દમ તો મુઝે લેને દે
જિસને મિટાયા હૈ મુજે ઉસકો દુઆ દેને દે

દિલ કી લગી ક્યા હૈ જાન લૂં તો બહોત અચ્છા હો
મૈં જો ઘુટ – ઘુટ કે જાન દૂં તો બહોત અચ્છા હો
કલ જહાં બસાયા થા આજ મિટા લેને દે ..

મેરી બરબાદ મુહબ્બત ન કર કિસીસે ગિલા
વફા કા ઇસ જહાં મેં હૈ તો બસ યહી હૈ સિલા
ઐ મેરી લગી તૂ મુઝે અપની સઝા લેને દે …

બુત ન જગે મેરી માયૂસ સદા લૌટ આઈ
લિપટ કે મુજસે રો રહી હૈ મેરી તન્હાઈ
કબ તલક જલે યે શમા અબ તો બુઝા લેને દે…

દર્દે – જિગર ઠહર ઝરા ….

ફિલ્મમાં સ્ત્રી – ઔરતની પ્રેમ અને વાસનાની આગ કેવો સર્વનાશ વેરે છે એ દર્શાવાયું છે. બીના રોયની ભૂમિકા નાયિકા કરતાં ખલનાયિકાની વધુ છે, પરંતુ મોટા ભાગનાં ગીતો એના પર જ ફિલ્માવવામાં આવ્યાં છે. પૂર્ણિમાના ફાળે પણ બે’ક ગીતો આવ્યાં છે અને વાર્તા અને પાત્રાલેખન પ્રમાણે એનું જ પાત્ર નાયિકા જેવું છે (કદાચ નિર્દેશકની વાસ્તવિક પત્ની/પ્રેમિકા છે એ કારણે!). ફિલ્મના નિર્માણ દરમિયાન જ બીના રોય – પ્રેમનાથ પરણી ગયાં હતાં. સમગ્ર ફિલ્મ દરમિયાન પાર્શ્વસંગીત રૂપે શંકર જયકિશન સ્ટાઈલનું (અથવા રોન ગુડવીન પ્રકારનું!) મેંડોલીન અથવા ગિટાર વાગ્યા કરે છે, અરેબિયન વાતાવરણ સર્જતું, મહદંશે ભૈરવીમાં.

પ્રસ્તુત ગીત બીના રોય પર ફિલ્માવવામાં આવ્યું હશે કે પૂર્ણિમા પર એ સ્પષ્ટ નથી. એવો સંભવ પણ ખરો કે ગીતનું ફિલ્માંકન જ ન થયું હોય. આ એક ઉત્તમ કવિતા અને બંદિશ છે એટલું ચોક્કસ. ગીત જોઈએ :

પ્રેમમાં ઠોકર ખાધેલી, નાસીપાસ થયેલી સ્ત્રીની વેદનાની વાત કહેતું આ ગીત છે. ગીતનો ઉપાડ પિયાનોના હળવા સુરોથી થાય છે અને પછી તુરંત સમૂહ વાયલીન. નેપથ્યે હાર્મોનિયમ પણ વાગતું રહે છે સતત. વચ્ચે સારંગી પણ.

પ્રેમ કરતી સ્ત્રી કહે છે : હે મારા દિલના દર્દ! તું ઘડીક પોરો ખા, જરાક વિરામ લે, મને થોડીક કળ વળવા દે. આપણને થાય કે કેમ વારુ? પ્રેમનું દર્દ તો દરેક પ્રેમીના ઘટ સાથે ઘડાયેલું, એમાં વિરામ શેનો હોય? પછીની પંક્તિમાં કમાલનો ઘટસ્ફોટ થાય છે. વિરામની આજીજી એટલા માટે કે જેણે મને પ્રેમ દ્વારા ખતમ કરી એને દુઆઓ દેવી છે. એ દુઆઓ ઉચ્ચારી શકું એટલા પૂરતો વિરામ! એટલી ઘડી, હે મારા વહાલા દર્દ, તું ખમી જા. કેવી ઉદાત્ત વાત!

શંકર જયકિશનનાં શરુઆતી વર્ષોનાં ગીતોની એક ખાસિયત એ હતી કે ગીતના બે અંતરાઓ વચ્ચેનો વાદ્યવિન્યાસ તો અફલાતૂન રહેતો જ, પરંતુ એ વાદ્યોની વચ્ચે ખાલી રહેતા નાના-નાના ખૂણાખાંચરામાં પણ એ લોકો વાયલીન કે મેંડોલીન કે એકોર્ડિયન કે વાંસળીનો એવો ટુકડો ભરી દેતા, જાણે કોઈ નિષ્ણાત રસોઇયો સ્વાદિષ્ટ વ્યંજનની ખાલી જગ્યાઓમાં મરી-મસાલા-તેજાનાનું પૂરણ ભરતો હોય! આચમન કરી આપણે સિસકારો ભરી ઊઠીએ!

આ જિગરની બીમારી શું છે એ જાણું તો ચેન પડે અને આ પરમ તત્ત્વ વિષે જાણતાં જાણતાં કટકે કટકે મારું અસ્તિત્વ ખતમ થાય તો ભલે એમ થતું. જે દુનિયા મેં મારા સ્વયંના હાથે જ રચી હતી એ મારા જ હાથે ભલે ભુંસાઈ જતી. પ્રેમમાં ફના થવું એ જ તો સર્જાવું છે!

ફરી મેંડોલીન અને સારંગી અને નાયિકા :

પ્રેમમાં બરબાદ થવું એ તો યુગોયુગોની પ્રણાલિકા. એમાં કોઇને ફરિયાદ કર્યે શું વળે, શું મળે? પહેલેથી વફાદારીનો બદલો આ રીતે જ મળતો આવ્યો છે. હવે આ વળગણની સજા રાજીખુશીથી ભોગવું એ જ મુક્તિ.

ફરી લાક્ષણિક વાદ્યવૃંદ અને આખરી અંતરો :

મારી ચિત્કારરૂપી ફરિયાદ આસમાનના ઉંબરાને અડીને પાછી ફરી પણ હાડ-ચામનાં મનુષ્યોએ તો એ સાંભળી જ નહીં અથવા સાંભળવા છતાં ચલિત ન થયાં. છેવટે કોઈ ન આવ્યું તો મારી ચિર સાથી એવી મારી એકલતા જ મને વળગી પડી સમદુખિયાની જેમ! આ સળગતી અસ્તિત્વની શમા પણ ક્યાં સુધી પ્રજ્વલિત રહે ? એને હવે મારા પોતાના હાથે જ બુઝાવી દઉં તો એને અને મને બન્ને ને છુટકારો મળે.

ગીત પૂરું થાય છે પણ આપણી ચોમેર ભૈરવી, ઢોલક, શંકર જયકિશની વાદ્યવૃંદ અને સૌથી વિશેષ, સૌથી ઉપરવટ લતાનો દૈવી અવાજ ગુંજતો રહે છે. સંગીત થકી નીપજતું દર્દ કાયમ માટે આપણી ભીતર મુકામ બનાવી આપણને ક્ષુલ્લક નાનાં નાનાં દર્દોમાંથી મુક્ત કરે છે :

આ નાના નાના દર્દ તો થાતા નથી સહન
દે  એક  મહાન  દર્દ  અને પારાવાર  દે..

                                                                                  – મરીઝ

કદાચ સંગીત, મરીઝ કહે છે એવું મહાન દર્દ છે. સૌને એ પારાવાર મળો !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

20 Comments

 • શંકર જયકિશનની ભવ્ય વાદ્યવૃંદની શૈલીમા તેમની ભૈરવીની ચાહત અને શૈલેન્દ્રના અર્થપૂર્ણ લાગણીના ભાવ ઘુંટાવાને કારણે ‘તુમ જો હમારે’ તેનાં પુરોગામી ‘દર્દે જિગર ઠર જરા’ કરતાં રજૂઆત અને અસરની દૃષ્ટિએ કેટલું જૂદું પડે છે એ સરખામણી પણ રસપ્રદ બની રહે છે.
  ‘મેહતાબ તેરા ચહેરા’ મને સૌથી વધારે ગમતાં ગીતોમાંનું પ્રથમ હરોળનું ગીત.શંકર જયકિશનનાં મુકેશ-લતાનાં યુગલ ગીતો જ નહીં, પણ તેમનાં બધાં યુગલ ગીતોમાંના શ્રેષ્ઠ ગીતો પૈકી સ્થાન મેળવી શકે તે કક્ષાની ધુન હોવા છતાં લોકચાહનાની દૃષ્ટિએ કદાચ થોડું ઓછું પડ્યું હોય તેવાં વિરલ ગીતોમાંનાં એક તરીકે પણ સંગીતના જાણકારો માટે આ ગીત રસપ્રદ બની રહે.

  • Bhagwan thavrani says:

   ધન્યવાદ અશોકભાઇ !
   ઉત્તમ અથવા ઉમદા હોય એવા અસંખ્ય ગીતો લોકચાહનાની પરિપાટી પર જોઈતું સ્થાન પામી શક્યા નથી. એના ઉદાહરણો અને કારણોની ચર્ચા કરવા બેસીએ તો પાર ન આવે ! ગનીમત એ કે એવા ગીતો ક્યારેય સાચા મર્મીઓની દ્રષ્ટિની બહાર ગયા નથી !
   આભાર !

 • નરેશ પ્ર. માંકડ says:

  ભગવાનભાઈ સંગીતશોખીનોને ક્યારેય નિરાશ નથી કરતા,અને આ તો શૈલેન્દ્ર, શંકર-જયકિશન સાથે ભૈરવીના અદભુત સંમિલનનો વિષય છે. સદાસુહાગન ભૈરવી સદાલુભાવન પણ છે, સંધિપ્રકાશ રાગના કોમળ સ્વરોની એક ખાસ અપીલ હોય છે. સંગીતકારના વાદ્યવૃંદનું ભવ્ય નિયોજન હ્રદયસ્પર્શી કવિતાથી ચિરંજીવ બની જાય છે એ તો સંગીતપ્રેમીઓએ જોયું જ છે.
  આજ બધાં સુંદર સંયોજનનું અન્ય એક ગીત ‘મહેતાબ તેરા ચહેરા’ મારું માનીતું છે. દુર્ભાગ્યે મૂળ ગીતના અંતે આવતા પ્રલંબ આલાપનો લાભ હવે CD-DVDના અવતારમાં નથી મળતો.

  • Bhagwan thavrani says:

   ધન્યવાદ નરેશભાઈ !
   આપ સમા મર્મીઓ મને લખતા રહેવા પ્રેરે છે. હમેશાં આવો ગુણવત્તાસભર પ્રતિભાવ આપતા રહેશો તો બહુ ગમશે.

 • vijay joshi says:

  Meticulously researched narrative, a Bhagwanbhai signature style and fluency, in evidence everywhere. Just for kicks, not too long ago, I had invited few of my white friends to watch Amarprem with subtitles. All of them had
  no clue that none of the songs were sung by the actors! A very indigenous ingenious invention indeed.

  • Bhagwan thavrani says:

   Thanks Vijaybhai !
   Your verse-like language always motivates me to keep developing my vocabulary to touch the senses of people who genuinely cherish this type of music !

 • pragnajuvyas says:

  હૈ સબ સે મધુર વો ગીતનો મા શ્રી ભગવાન થાવરાણીનો મધુરતમ મણકો

  • Bhagwan thavrani says:

   પ્રતિભાવોમાં આપની કાયમી ઉપસ્થિતિ એક મોટું પીઠબળ છે !
   હાર્દિક ધન્યવાદ !

 • Rajnikumar Pandya says:

  અનન્ય આસ્વાદ ,અદભૂત વિશ્લેષણ !
  આફરીન

  • Bhagwan thavrani says:

   આભારી છૂં રજનીકુમારભાઈ !
   આપ સમ દિગ્ગજના થોડાક પ્રોત્સાહક શબ્દો પણ અસરકારક ટોનિક બની રહે છે, લખતા રહેવા માટે, ધાર કાઢતા રહેવા માટે !
   ધન્યવાદ !

 • mahesh joshi says:

  Though every music director have utilised this Raga Bhairavi more often, However it was a knowledge addition that Shanker- Jaikishan not only were fascinated by this raga but 7/9 songs of film AURAT and 7/11 songs of film BARASAT were based on this beautiful Raga. Knew more about Bhagwandas Verma also. Both the songs have magic touch of Great shailendra and so Article has Golden and in-depth musical competence touch of Sri Thavrani. Congratulation and Thanks.

 • lalit trivedi says:

  અદભુત….વંદન….

 • Kishorchandra Vyas says:

  Today only I could read your Article in Web Gurjari. Really a wonderful analysis so minutely and interesting to read again.. Congratulations Shri Thavrani jee!! “Ashiq” songs are in my favourite list and this Article evinced me keenly to listen them now again… Compliments for superbly writing such articles.
  ,

 • samir dholakia says:

  Only Thavranibhai could do such in depth analysis of Bhairavi vis a vis Shankar Jaikishen through Shailendra. With lyrics of Shailendra he does not miss small pieses of violin or mandolin also. All the credit to him for his unerring eye and a sharp ear. Just keep it up for our sake !

  • Bhagwan thavrani says:

   Thanks a lot Samirbhai ! You are the main ‘ culprit ‘ for prompting me to start this column and I shall ensure your written permission before I put an end to this !
   Be with me till then….

 • અજિત પોપટ says:

  સરળ ભાષામાં સરસ વાત કરી. અભિનંદન.

  • Bhagwan thavrani says:

   હાર્દિક ધન્યવાદ અજીતભાઈ !
   આપ સમ દિગ્ગજના પ્રોત્સાહક થોડાક શબ્દો પણ મોટું પીઠબળ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME