જ્વલંત નાયક

ચૂંટણી પહેલા ન્યૂઝ ચેનલો જે વરતારો બહાર પાડે એ ‘ઓપિનીયન પોલ’, અને મતદાન પૂરું થયા બાદના સર્વેક્ષણો દ્વારા જે આકલન મળે, એ ‘એક્ઝિટ પોલ’. બીજા શબ્દોમાં, મતદારો મત આપીને મતદાન મથકની બહાર નીકળે (Exit થાય) ત્યાર પછીના સર્વે દ્વારા જે ડેટા મળે, એ ‘એક્ઝિટ પોલ’! જો કે આ ડેટા જમા કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે ખરી? કે પછી બધું પોલમપોલ?

President Harry Truman holds up a copy of the Chicago Daily Tribune declaring his defeat to Thomas Dewey in the presidential election. St. Louis, MIssouri: November, 1948.
(Photo by Underwood Archives/Getty Images)

એક સમયે ઈલેક્શનના પોલ્સ ખોટા પડ્યા હોય, એવા અનેક દાખલાઓ બનતા. અમેરિકામાં ઇસ ૧૯૪૮ના ઇલેક્શન વખતે ‘શિકાગો ટ્રિબ્યુન’ અખબારે, પોતાના ઓપિનિયન પોલમાં, પ્રમુખપદના દાવેદાર એવા હેરી ટ્રુમેનની હાર થશે, એવી આગાહી કરેલી, પણ ટ્રુમેન જીત્યા! ત્યાર પછી ટ્રુમેને પોતાની હારનીઆગાહીવાળી શિકાગો ટ્રિબ્યુનની કોપી હાથમાં રાખીને હસ્તે મોઢે ફોટો પડાવેલો. આ ઐતિહાસિક, ફોટો ‘બેડ પોલીંગ ડેટા’ માટેની પ્રતીકાત્મક તસ્વીર બની રહ્યો! બહુ મોટી વસ્તીનું સર્વેક્ષણ કરીને પ્રજાનો મૂડ પારખવો, એ જરાય સહેલું કામ નથી.

છેલ્લી વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશની જનસંખ્યા એકવીસેક કરોડની આજુબાજુ છે. જો ઉત્તર પ્રદેશને એક અલગ દેશ ગણીએ, તો એ વિશ્વનો પાંચમાં ક્રમનો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની જાય! (આખા પાકિસ્તાનની વસતી કરતાં, હાલની ઉત્તર પ્રદેશની વસતી થોડી વધુ હોવાનું અનુમાન છે!) હવે આટલા વિશાળ જનસમુદાયના ડેટા મેળવીને પરિણામની આગાહી કરવાનું શક્ય છે ખરું? તમે આ વાંચી રહ્યા છો ત્યારે, ચાર રાજ્યોમાં થયેલી ચુંટણીઓનાં એક્ઝિટ પૉલ્સના જૂદાં જૂડા તારણો વાતાવરણમાં ગરમી ફેલાવી ચૂક્યાં છે. અત્યારે મીડિયાવાળાઓ જે આંકડાઓ રજુ કરે છે એ ક્યાંથી લાવતા હશે? આ બધા ઓપિનિયન/એક્ઝિટ પોલ શું ખરેખર કોઈ વૈજ્ઞાનિક ઢબે થતા હશે? કે પછી બધા ઉપરછલ્લા આક્લનોને આધારે ટાઢા પહોરના ગપગોળા ગબડાવ્યે રાખતા હશે? ચૂંટણીમાં સચોટ આકલન કરવું જ હોય, તો કઈ રીતે થાય?

એક શબ્દ છે ‘ડેમોગ્રાફી’, જેના વિષે સામાન્ય માણસોને બહુ ખ્યાલ નથી. કોઈ એક વિસ્તાર-પ્રદેશની વસ્તીને ધ્યાનમાં રાખીને વિશ્લેષણના બહુપરિમાણીય આંકડા મેળવવામાં આવે છે, જે ‘ડેમોગ્રાફિક્સ’ તરીકે ઓળખાય છે. આ ડેમોગ્રાફિક્સ પરથી આખી પરિસ્થિતિનું આકલન કરીને જરૂરી વિગતો મેળવવાનું શાસ્ત્ર એટલે ‘ડેમોગ્રાફી’.

ઇસ ૧૬૨૦માં લંડનમાં જન્મેલો જ્હોન ગ્રાન્ટ નામનો બ્રિટીશર આમ તો એક સામાન્ય શહેરી હતો. પરંતુ તેણે પોતાના એક મિત્ર વિલિયમ પેટ્ટી સાથે મળીને એક અસામાન્ય કાર્ય કર્યું. આ બંને જણાએ ચોક્કસ વિસ્તારની માનવવસ્તીની ગણતરી અને એની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો અને આંકડાઓ ભેગા કરવાની પદ્ધતિ વિકસાવી. જ્હોનનો સાથીદાર વિલિયમ પોટ્ટી પાછો ઇકોનોમિસ્ટ અને સંશોધક પણ હતો. એની મદદ લઈને જ્હોન ગ્રાન્ટે સૌપ્રથમ વાર લંડન શહેરમાં મૃત્યુદરને લાગતો એક સર્વે કર્યો! વર્ષ હતું ઇસ ૧૬૬૨. આ સર્વે દ્વારા એક ચોંકાવનારી વિગત લોકો સમક્ષ આવી, લંડનમાં બાળમૃત્યુનો દર ખાસ્સો ઉંચો હતો! આ બનાવ બાદ લોકોને આ પ્રકારના સર્વેક્ષણોની જરૂરિયાત સમજાઈ. જો કે આ સર્વેક્ષણ કંઈ બહુ સચોટ આંકડાઓ નહોતું આપી શક્યું, કેમકે સંશોધકોને હજી કોઈ સચોટ પદ્ધતિ જ હાથ નહોતી લાગી!

સર્વેક્ષણને અંતે આધારભૂત તથ્યો કઈ રીતે તારવવા એ માટેની સચોટ પદ્ધતિ વિકસાવવામાં સંશોધકોને લગભગ બે સદી જેટલો સમય લાગ્યો! છેક ૧૯મી સદીની શરૂઆતમાં થોડા વ્યવસ્થિત પબ્લિક સર્વેની શરૂઆત થઇ, જેમાં માત્ર માનવવસ્તીની સ્થૂળ ગણતરીને જ ધ્યાનમાં લેવામાં આવતી. પણ ૨૦મી સદીમાં, માનવવસ્તીને લગતા સ્થૂળ આંકડાઓની સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓને આવરી લેવાની શરૂઆત થઇ. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં લોકોની જાતિ (Gender), ઉંમર, જ્ઞાતિ, ભાષા, વિકલાંગતા (Disabilities) જેવા મુદ્દાઓનો સમાવેશ કરવાનું શરુ થયું. આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિ પાછળથી સેન્સસ – ‘Census’ – તરીકે ઓળખાવા માંડી. ભારતમાં દર દસ વર્ષે સેન્સસ યોજાય છે.

સેન્સસ દ્વારા મેળવાયેલા આંકડાઓ મોડર્ન ડેમોગ્રાફી માટેનું સૌથી આધારભૂત મટીરીયલ માનવામાં આવે છે. આ આંકડાઓમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ઘટનાઓને લગતી ‘સાઈકોલોજી’ ઉમેરો એટલે ઇલેક્શન પોલની ‘રેસિપી’ તૈયાર!

ડેમોગ્રાફી અને સેન્સસનું મહત્વ માત્ર ઇલેકશન પૂરતું જ નથી. અનેક સામાજિક, આર્થિક બાબતોમાં આવતો બદલાવ ડેમોગ્રાફીની મદદથી જ જાણી શકાય છે. સરકારી નીતિઓ ઘડવામાં ડેમોગ્રાફીના આધારે મેળવાયેલા અવલોકનો પાયાની બાબત ગણાય છે. અને હવે તો સેન્સસ માટેની પદ્ધતિઓ પણ વધુ ને વધુ અપગ્રેડ થતી જાય છે. જેમકે બ્રાઝિલમાં યોજાયેલા સેન્સસ વખતે હાથમાં પકડી શકાય એવું જીપીઆરએસ મશીન વાપરવામાં આવ્યું, જેથી દરેક ઘરનું ચોક્કસ લોકેશન નોંધી શકાય. ઉપરાંત, વિકસિત દેશોમાં સેન્સસ દરમિયાન ઇન્ટરનેટનો વપરાશ વધતો જાય છે. ઈલેક્ટ્રોનિક ટેકનોલોજીને કારણે વધુ સચોટ ડેટા પ્રાપ્ત થઇ શકે છે. વળી ડેટા પ્રોસેસિંગ પણ અતિ ઝડપી બન્યું છે.

જ્યાં ઇસ ૨૦૦૪ અને ૨૦૦૯ની ભારતીય લોકસભાની ચૂંટણીમાં સર્વેક્ષણો ખોટા પડેલા, ત્યાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સચોટ ડેમોગ્રાફિક ડેટાને કારણે ઇસ ૨૦૧૪ની ચૂંટણીમાં લગભગ દરેક એક્ઝિટ પોલ (એનડીએના વિજયની આગાહી બાબતે) વધતા-ઓછા અંશે સાચો હતો! જોઈએ હવે, ૨૦૧૭ના પોલ્સ કેટલા સાચા પડે છે!


જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઈ શકે છે

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

  • મનસુખલાલ ગાંધી says:

    બહુ સરસ સમજણ આપી છે. સાચા પડશે તો ટીવીમાં ઠેકડા મારશે…આપણું ટીવી પણ તોડી નાંખશે……અને ખોટા પડશે તો આજ એન્કરો વેકેશન માણવા ઉપડી જશે…..!!!!

  • pragnajuvyas says:

    મઝાની વાત
    એક્ઝિટ પોલ/ઓપિનિયન પોલ : વૈજ્ઞાનિક પદ્ધતિ કે પછી પોલમપોલ?!જે હોય તે પણ રસપ્રદ હોય અને ચુંટણીમા જેનો તુક્કો ચાલ્યો તે પ્રચાર કરે.આમા પણ બીડ…ટ્રમ્પની બીડે કરોડપતી કેટલાક બન્યા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME