– બીરેન કોઠારી

માંડ છએક વર્ષ જૂનું, બહુ ગાજેલું અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ઘણાને યાદ હશે. તેમાં એક પછી એક અગ્રણીઓ જોડાતા જતા હતા. દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદીનો પણ આમાં સમાવેશ થતો હતો. કિરણ વિરુદ્ધ એક આક્ષેપ તેમણે પોતાની સંસ્થામાં રજૂ કરેલી વિમાની ટિકિટોના દુરુપયોગનો હતો. પોતે ઈકોનોમી વર્ગમાં મુસાફરી કરતાં હોવા છતાં તેમણે વધુ ભાડાવાળા બિઝનેસ વર્ગનું ભાડું વસૂલ્યું હતું. પોતાને ભાડામાં વળતર મળતું હોવા છતાં તેઓ પોતાના યજમાન પાસેથી પૂરેપૂરું ભાડું વસૂલતાં. અલબત્ત, કિરણે બચાવમાં જણાવેલું કે કોઈ અંગત લાભ ખાતર પોતે આમ કરતાં નહોતાં. અને આ રીતે મળતા તફાવતનાં નાણાં તેઓ પોતાની સંસ્થામાં જમા કરાવતાં હતાં. આ મુદ્દો ખૂબ ચગ્યો અને કિરણ બેદીનું જાહેરજીવન આરંભાય એ પહેલાં જ તેની પર આવું કલંક લાગી ગયું.

માત્ર કિરણ બેદી જ શું કામ, એક સરેરાશ ભારતીયની આ માનસિકતા નથી હોતી? સીધેસીધા જાહેર જીવનમાં ન હોય, પણ કોઈ ને કોઈ રીતે જાહેર માધ્યમ સાથે જોડાયેલા એવા લોકો જૂજ હશે કે જેમને પોતાનું મહેનતાણું મળે તો પણ આ રીતે ‘વધારાની’ આવક મેળવવાના લાગમાં ન હોય. જાહેર જીવન કે જાહેર માધ્યમની વાત પણ જવા દઈએ. પોતાની કંપની દ્વારા ટ્રેનના અમુક વર્ગના કે ટેક્સીના ભાડાની પ્રતિપૂર્તિ કરવામાં આવતી હોવા છતાં નીચલા વર્ગમાં મુસાફરી કરીને થોડા નાણાં બચાવીને ‘વધારાની આવક’ મેળવી લેવાની માનસિકતામાંથી સાવ ઓછા લોકો બાકાત હશે. સાંભળવા મુજબ એક અગ્રણી ગુજરાતી સાહિત્યકાર પોતાના વક્તવ્ય માટે પુરસ્કાર ઉપરાંત હવાઈ ભાડાની માગણી કરે છે. વાંધો એ નથી, પણ તેઓ એવા સ્થળે જવા માટે આ માગણી કરે છે, જ્યાં વિમાની સેવા સુદ્ધાં ન હોય. ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓ તેમજ તેના આશ્રિતોને નિ:શુલ્ક તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. આવી કંપનીના કર્મચારીઓ પોતાના પર આશ્રિત ન હોય એવાં સગાંઓ માટે પણ કંપનીના ખર્ચે દવાઓ મેળવે છે. મૂળ સવાલ માનસિકતાનો છે. આપણને કોઈ એક ‘લાભ’થી સંતોષ નથી. આપણને મળતું હોય એનાથી અધિક જોઈએ છે. પણ અન્ય કોઈ એમ કરતું હોવાની વાત બહાર આવે ત્યારે એ છાપે ચડે છે અને ‘એવા’ લોકો પર આપણે હસીએ છીએ. હસવાનું સાચું કારણ એ હોઈ શકે કે આમ થાય એની નવાઈ નથી, પણ આમ કરતાં પકડાઈ જવાય એ મૂર્ખામી છે.

કયું ક્ષેત્ર આમાંથી બાકાત હશે અને કઈ હદે આ વૃત્તિ પ્રસરેલી છે એ કહેવું અઘરું છે. તાજેતરમાં દેશના રમતગમત મંત્રાલયે ધ ક્વૉલિટી કાઉન્‍સીલ ઑફ ઈન્‍ડિયા નામની એક અર્ધસરકારી સંસ્થાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્‍ડિયા (એસ.એ.આઈ.) નાં કુલ 18 કેન્‍દ્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસ શી બાબતે કરવાની છે? આ કેન્‍દ્રોમાં આવતા ખેલાડીઓએ ફરિયાદ કરી છે કે અહીંના અધિકારીઓ અને પ્રશિક્ષકો ખેલાડીઓના હિસ્સાનો સૂકો મેવો અને ફળો ઝાપટી જાય છે. એસ.એ.આઈ.ની વેબસાઈટ અનુસાર તેનાં દેશભરમાં કુલ 56 કેન્‍દ્રો છે. તેમાં 3807 છોકરાઓ અને 1587 છોકરીઓ મળીને કુલ 5394 તાલીમાર્થીઓ છે, જેમની વય 12 થી 18 વર્ષની વચ્ચે છે. બૉક્સિંગ, કુસ્તી, ચક્રફેંક જેવી રમતના ખેલાડીઓ માટે આહાર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ કેન્‍‍દ્રોમાં આવતા દરેક ખેલાડીઓ માટે સરકારે આહાર અને પોષક દ્રવ્યો મુજબ ભથ્થું ફાળવેલું છે. દરેક કેમ્પના આરંભે જે તે ખેલાડીઓની જરૂરિયાત મુજબ તેના પ્રશિક્ષક, ફીઝીયોથેરાપીસ્ટ કે અમુક કિસ્સામાં પોષણ વિશેષજ્ઞ આહાર નિર્ધારીત કરે છે. આ બાબતની જાણકારી કેન્દ્રના વડાને આપવામાં આવે છે. કેન્‍દ્રના વડા કેટરરને જણાવે છે. સ્વાભાવિક છે કે રમતના પ્રકાર તેમજ વયજૂથ મુજબ આ પ્રમાણ અલગ હોય. ખેલાડીઓને સીધેસીધું રોકડરૂપે ભથ્થું આપવાને બદલે સરકાર જે તે કેન્‍દ્રના કેટરરને તે આપે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશિક્ષકો માટે પણ ભથ્થાની ફાળવણી કરવામાં આવી છે.

કેટરર, કેન્‍દ્રના અધિકારીઓ અને પ્રશિક્ષકો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ છે. એ મુજબ તાલીમાર્થી રમતવીરોના ભાગના આહારમાંથી અડધોઅડધ પ્રશિક્ષકો લઈ લે છે. એની સામે પોતાના ભાગે ફાળવવામાં આવેલા આહારને બદલે આ પ્રશિક્ષકો કેટરર પાસેથી સીધા નાણાં લઈ લે છે. માનો કે અઠવાડિયે પાંચસો ગ્રામ સૂકો મેવો તાલીમાર્થી માટે ફાળવવામાં આવ્યો તો તેના હાથમાં ફક્ત અઢીસો ગ્રામ જ આવે. તેમને રોજનાં બે સફરજન કે બે કેરીઓ ફાળવવામાં આવી હોય, પણ મળે એક જ.

આ પ્રકારની વર્તણૂક મોટે ભાગે જુનિયર શ્રેણીના રમતવીરો સાથે કરવામાં આવે છે. તેમને પોતાના પ્રશિક્ષકોની સૂચના મુજબ આહાર લેવાનો હોય છે. રમતવીરોને પોતાને માત્રા ખ્યાલ ન હોય એ સમજાય એમ છે. સિનીયર શ્રેણીના રમતવીરો પોતાને ફાળવવામાં આવતી માત્રા બાબતે જાગ્રત હોય છે. તેથી તેમની સાથે આમ બનતું નથી.

એસ.એ.આઈ.ના ડાયરેક્ટર જનરલ શ્રીનિવાસના જણાવ્યા મુજબ મંત્રાલય હવે જે તે રમતવીરોના ખાતામાં જ તેમને મળતા લાભની રકમ જમા થઈ જાય એવી ‘ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્‍સફર’ અમલી બનાવવાની વિચારણા ચાલી રહી છે. આ આખા મામલે જોઈ શકાય છે કે યોજના બાબતે સરકારની કોઈ દિલચોરી નથી. ખાટલે મોટી ખોડ તેના અમલકર્તા જવાબદાર અધિકારીઓની નિયતમાં છે. કોઈ પણ સરકાર આપણા દેશમાં ગમે એવી લાભદાયી કે ચુસ્ત યોજના બનાવે, યોજનાના અમલ પહેલાં તેમાંનાં છીંડા શોધાઈ જાય છે. આ મામલે વર્ગવિભાજન સ્પષ્ટ હોય છે: શોષિત અને શોષક.

આ વૃત્તિના મૂળમાં આખરે શું છે? શા કારણે આપણને જરૂર કરતાં ‘વધારાનું’ મેળવવાની લાલચ થતી રહે છે? ગમે એટલું મળે તો પણ આપણને સંતોષ કેમ નથી થતો? કોઈ અધિકારી કે અમલદાર લાંચ લેતાં કે ગેરરીતિ કરતાં પકડાવાના સમાચાર આવે ત્યારે એ જાણીને રાજી થવાની સાથેસાથે એ વિચારવું રહ્યું કે તેને સ્થાને આપણે હોત તો એમ કરત કે નહીં? ક્યાંક કોઈ લાભાર્થી વંચિત રહી જતો હોય તો એ પણ વિચારવું કે આપણે જે તે અમલદારને સ્થાને હોત તો શું કરત?

બધા ભ્રષ્ટ છે એમ કહેવાનો આશય નથી, એમ બધા ઈમાનદાર જ છે એમ કહેવાનો ઈરાદો પણ નથી. હેતુ એટલો જ છે કે કોઈના ભ્રષ્ટાચારની વિગત બહાર આવે ત્યારે ક્ષણભર વિચારવું કે આપણે એને સ્થાને હોત તો શું કરત? એક ભારતીય ત્રિરંગાના ફોટા કે રણમોરચે શહીદ થયેલા જવાંમર્દ સૈનિકોની તસવીરો સાથેના સંદેશાઓ ફોરવર્ડ કરીને ઠાલું ગૌરવ લેવું બહુ સહેલું છે, પણ એક સારા નાગરિક બનવા માટે સાચેસાચો પ્રયત્ન કરવો અઘરો છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકો જે તે દેશના કાયદાને પૂરેપૂરું માન આપે છે, પણ આ મોટા ભાગના નાગરિકો ભારતમાં આવે ત્યારે તેમની ‘ભારતીયતા’ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ માનસિકતા બીજું કોઈ બદલી ન શકે. કશુંક બદલવાની ઈચ્છા હોય તો આપણી જાતથી જ તેનો આરંભ કરવો રહ્યો.


ગુજરાતમિત્ર’માં લેખકની નિયમિત કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૨-૨૦૧૭ના રોજ પ્રકાશિત થયેલ લેખ


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

5 Comments

 • Dipak Dholakia says:

  ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર યોજના લાગુ થવાથી સમસ્યા ઉકેલાશે? મોટા ભાગના ખેલાડીઓની આર્થિક સ્થિતિ એવી નબળી હોય છે કે આ રકમ અખરોટ-બદામ માટે તો નહીં જ ખર્ચાય, ભલે બીજી રીતે ખર્ચાતી હોય.

  ભ્રષ્ટ આચારને રોકવાની આ રીત સાચી નથી. ખરેખર તો જેને સજા થવી જોઈએ તેને સજા ન કરવી પડે તેવો આ ઉપાય છે.

 • Piyush Pandya says:

  તમારો આ આંખ ખોલી નાખનારો લેખ વાંચી લાગતા વળગતાઓ આયના સામે જતી વેળા આંખો બંધ કરી દેશે. આયનાની પરેશાની જોવી ન પડે અને પોતાની પ્રવૃત્તિઓ બેઝિઝક ચાલુ રાખી શકાય.

 • vijay joshi says:

  Your point is well taken. I have lived in usa now for more than 45 years. It a sad reflection on the bitter truth that a total lack of civility pervades Indian psyche. What you have alluded to about NRI is not only true while they visit India but I have personally experienced and felt betrayed by the Indian diaspora at large that these same people so disciplined, so civil in the company of white folks, become so blatantly disrespectful and uncivilized when it comes to Indians only gatherings. I have always wondered about perplexing dilemma. James Mill’s Utilitarianism and British Imperialism in India reflects what the British Raj genuinely thought was that India would progress and the Indians would be able to have more happiness under British rule than when they were governed by their native kings and that the Indians were incapable of ruling themselves. Even taken with a grain of salt, I am beginning to wonder if this might be true.

 • મનસુખલાલ ગાંધી says:

  તમારો આ આંખ ખોલી નાખનારો લેખ વાંચી લાગતા વળગતાઓ આયના સામે જતી વેળા આંખો બંધ કરી દેશે. આયનાની પરેશાની જોવી ન પડે અને પોતાની પ્રવૃત્તિઓ બેઝિઝક ચાલુ રાખી શકાય.

  ભ્રષ્ટાચારને રોકવાની આ રીત સાચી નથી. ખરેખર તો જેને સજા થવી જોઈએ તેને સજા ન કરવી પડે તેવો આ ઉપાય છે. નાના માણસો તો હજી પકડાશે, પણ મોટાઓ કદી હાથમાં નહીં આવે..દા.ત. સુરેશ કલમાડી કે શીલા દિક્ષિત…. કે ભારતીય ઓલીમ્પીકના પ્રમુખ….શું સજા થઈ એમને…? …હવે તો ભુલાઈ પણ ગયું….!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME