ઈશાન કોઠારી

આ વખતે વધુ એક વખત તસવીરી નિબંધને બદલે કેટલીક છૂટીછવાઈ તસવીરોની વાત.

મોનોક્રોમ જેવો દેખાતો આ ફોટો હકીકતમાં રંગીન છે. સામા પ્રકાશે તે લીધો હોવાથી આગળનો ભાગ એકદમ ઘેરો બન્યો છે. તેની બારીમાંથી દેખાતી પાવાગઢની ધારને કારણે બારીની ફ્રેમ સરસ રીતે ભરાયેલી લાગે છે. પાવાગઢના પાછલા ભાગે આવેલા વડા તળાવની ઈમારતની બારીમાંથી આ ફોટો લીધો છે.

આ ફોટાનું બેકગ્રાઉન્‍ડ જોઈને પહેલી નજરે એમ લાગે કે એક માણસ ઘરના છાપરે ઉભેલો છે અને ચારે બાજુ જળબંબાકાર છે. હકીકતે તળાવમાં ગણેશ વિસર્જન વખતનો આ ફોટો છે. અને ખાલી પીપના તરાપા પર મૂકેલા પતરાં પર આ ભાઈ ઉભેલા છે.

 

આ ફોટો ગણેશવિસર્જન પછીના દિવસનો છે. હું અને પપ્પા આસપાસનાં જળાશયોમાં વિસર્જન પછીનું વાતાવરણ જોવા નીકળ્યા હતા. કૃત્રિમ રીતે બનાવાયેલા આ જળાશયમાં મૂર્તિનો એક પગ આ રીતે દેખાતો હતો. દેવ જાણે કે ખરેખર વિદાય લઈ રહ્યા હોય અને હવે એ સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ જશે એમ લાગતું હતું. પણ પછી ખ્યાલ આવ્યો કે એમ નહીં થાય, કેમ કે આ કૃત્રિમ જળાશય હોવાથી તેની ઊંડાઈ ઓછી છે અને એમ નહીં થાય. દસ દિવસ જેની પૂજા કરી હોય એ મૂર્તિની પછી આવી દશા!

 

આ ફોટો પણ મોનોક્રોમ જેવો લાગે છે. ધાબામાં જવાની જાળીની બહારની બાજુએથી અંદરની કેબિનનો આ ફોટો લીધેલો છે. પ્રકાશ સામો હોવાથી ફ્લેશનો ઉપયોગ કર્યો છે. તેને કારણે જાળીનો ભાગ સેપિયા જેવા રંગનો લાગે છે. અને અંદરની બારીમાં પાછળથી પ્રકાશ આવતાં એ ભાગમાં પ્રકાશ દેખાય છે. એ રીતે એક સરસ સંયોજન બને છે.

 

ચોમાસા દરમ્યાન અમે ખાસ પાણીમાં પડતાં પ્રતિબિંબોના ફોટા લેવા નીકળેલા. એક ખાબોચિયાને કિનારે આવેલાં મકાનોનું સરસ પ્રતિબિંબ પાણીમાં પડતું હતું. એ ફોટો અમે લીધો. પણ અહીં મૂકતી વખતે લાગ્યું કે તેને ઊલટાવીને મૂકીએ, જેથી ઈલ્યુઝન (દૃષ્ટિભ્રમ) જેવી અસર મળે.

 

આ ફોટામાં આમ જોઈએ તો ત્રણ મુખ્ય પદાર્થ છે. મશીન, સ્ટૂલ અને પતરાની ખુરશી. વચ્ચોવચ્ચ એક બારી છે. આ બધાને કારણે એક સુંદર સ્ટીલ લાઈફ (પદાર્થ ચિત્ર) નું સંયોજન બને છે, જે તે સ્થળનો પણ અંદાજ આપે છે.

 

નડીયાદની શેરીનો આ ફોટો છે. તેમાં અમે જમણી બાજુથી એને એ રીતે ક્રોપ કર્યો છે કે જમણા ખૂણે સૌથી ઉપર મૂકેલા હોર્ડિંગમાંના માણસનું ચિત્ર દેખાય. એ રીતે અનાયાસે આ ફોટાના ત્રણ ખૂણે માણસો જોવા મળે છે.

પોળમાં સામાન્ય રીતે નિરાંતનો માહોલ જોવા મળે. માણસો ઓટલે બેઠા હોય, વાતો કરતા જતા હોય અને કામ પણ કરતા હોય. પોળના એક ઘરમાં સાયકલને આ રીતે ગોઠવેલી હતી. તે રસ્તા પર આડી મૂકી શકાય એમ હતી. પણ તેનો આગલો ભાગ ઘરના બારણા તરફ હતો. જાણે કે સાયકલને કશે જવાનું ન હોય અને તે આરામ કરતી હોય એમ મને લાગ્યું. એ રીતે પોળનું જીવન પણ એ બતાવે છે.

 

શેરીની તસવીરોમાં આ પ્રકાર બહુ જાણીતો છે. અહીં સફેદ દીવાલમાં રહેલી અલગ અલગ કદની બે બારીઓ આખા સંયોજનને સંતુલિત કરે છે. તેની આગળ મૂકાયેલું સ્કૂટર હવે વીતેલા જમાનાનું પ્રતીક છે. સ્કૂટરનો રંગ દીવાલના રંગ સાથે મેળમાં છે, એમ તેની હાલત પણ દીવાલની સાથે મેળ ખાય એવી છે. અહીં વર્તમાનકાળમાં ભૂતકાળ થીજી ગયો હોય એમ લાગે છે.

નડીયાદની શેરીઓમાં મકાનોનું વૈવિધ્ય ઘણું હોય છે. હવે ઓટલા અદૃશ્ય થવા લાગ્યા છે, ત્યારે આ મકાનમાં એક નાના ઓટલા પર જવા માટે બે દિશામાં પગથિયાં મૂકાયેલા જોવા મળે છે. અહીં મધ્યમાં જ પગથિયાં મૂકી શકાયાં હોત, છતાં તેને બન્ને દિશામાં સરસ રીતે મૂકેલા છે. સૌથી નીચલા પગથિયાની મધ્યમાં એક રેખા કલ્પી લઈએ તો આખું ચિત્ર જાણે કે બે ભાગમાં વહેંચાઈ જાય છે.

 

કળા કરતા મોરનાં પીંછાંનો ફોટો લેવા જતો હતો ત્યાં એ મોર પાછળ ફર્યો. મેં એ ફોટો લીધો, પણ પછી લાગ્યું કે તેને હજી વધુ રસપ્રદ બનાવું. તેથી અમુક ભાગ ક્રોપ કર્યો. કેન્‍દ્રમાંથી કિરણો નીકળતાં હોય એવો અથવા જાપાનીઝ પંખા જેવો આમાં આભાસ થાય છે. કેન્‍દ્ર પાસે પીંછાની સળીઓ જાડી હોવાથી એ ભાગ પ્રકાશિત હોય એમ જણાય છે.

 


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

4 Comments

 • Piyush Pandya says:

  કેટલી બધી વાર આવાં અવનવાં અથવા સીધાં સાદાં દ્રશ્યો નજરે પડતાં અને ભુલાતાં રહેતાં હોય છે. એને યોગ્ય ક્ષણે ઝડપી લેવાની દ્રષ્ટિ નાની ઉમરે કેળવાઈ રહી છે તે અભિનંદનીય છે. વધુ ને વધુની અપેક્ષા રહેશે.

 • pragnajuvyas says:

  અદભુત ક્ષણો યોગ્ય સમયે કેમેરામા કેદ કરી રસદર્શન સાથે રજુ કરવા બદલ ધન્યવાદ

 • HARISH S. JOSHI says:

  Entire ” BUNCH ” of NICE pictures is just ” AWESOME “. I had seen during my visit to NADIAD. ( KHEDA-GUJARAT ) . ” HEARTY CONGRATULATIONS to Photography WIZARD .Thanks a lot to you too for forwarding such STUFF to us.

 • Rajnikumar Pandya says:

  ફોટા અને સમજણ બન્ને દાદ માગી લે છે ,અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME