અશોક વૈષ્ણવ

છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈ પણ કક્ષાએ કામ કરતી સ્ત્રીઓ માટે પોતાનાં અંગત, કૌટુંબીક અને વ્યાવસાયિક જીવનનાં વિરોધાભાસી પરિબળોના ઘોડાઓ પર સવારી કરવાનું કામ વધારેને વધારે પેચીદું બનતું જોવા મળી રહ્યું છે. આંશિક સમય માટેનાં કામથી માંડીને થોડો સમય કામ કરવાથી દૂર રહેવું અથવા કુટુંબનાં વડીલોની મદદ લેવી કે અન્ય વ્યાવસાયિક સેવાઓની મદદ લેવી જેવા અનેક ઉપાયો બહેનો અપનાવતી અજમાવતી રહી છે. આ આખા ખેલને ટુંકા ગાળાના અને લાંબા ગાળાના નિર્ણયોની શ્રેણીબધ્ધ હારમાળાને લીસા ઊડવીન અને દેબોરાહ ખાન, તેમના લેખ – Women, Play the Long Game – માં, શતરંજની રમતની ચાલ જેમ ગોઠવવાનું સૂચવે છે.

૧.શતરંજના ગ્રાંડ માસ્ટર પેઠે વિચારો

એકાદ પ્યાદું અવળી રીતે ગુંચવાઈ જાય તો શતરંજના ખેલનાં ગ્રાંડ માસ્ટર હાથ ઊંચા નથી કરી દેતાં. તેઓ ખેલને વ્યૂહાત્મક રીતે જૂએ છે, આગળની ચાર પાંચ છ ચાલના વિકલ્પો વિષે વિચાર કરે છે. તેમની નજર એન્ડ ગેમ પર માડેલી રાખે છે, જેથી કરીને અત્યારે કે નજદીકનાં ભવિષ્યમાં કરેલી કઈ ચાલ તેમને કુટુંબ અને કારકીર્દીનાં અવળાં સવળાં પ્યાદાઓને એવી રીતે ગોઠવી આપી શકશે જેથી ખેલનો અંત તેમની તરફેણમાં રહે!

સામાન્યતઃ મોટા ભાગના આજના પ્રશ્નો લાંબા ગાળાની દૃષ્ટિએ અસ્થાયી પરિસ્થિતિ ગણી શકાય. થોડા સમય સુધી ક્યાંક ક્યાંક નાની કિંમતો ચૂકવવાથી લાંબા ગાળે ધારેલો હેતુ સિધ્ધ થઈ શકે તે મુજબનું આયોજન ગોઠવવું રહ્યું.

૨. ખેલ આગળ વધે તેમ તેમ તમારી રણનીતિ ઘડો

આપણી કારકીર્દી શતરંજના ખેલની જેમ એક લાંબી રમત છે જેનો આરંભ છે, મધ્ય છે અને અંત છે.

પોતાનાં અંગત અને વ્યાવસાયિક જીવનને શતરંજના ખેલની દૃષ્ટિએ જોઈએ.શતરંજનો આરંભ બહુ પ્રવૃત્તિમય હોય છે. આખું બોર્ડ પ્યાદાંઓથી ભરેલ દેખાતું હોય છે.શરૂઆતની ચાલ આપણી મધ્ય અને અંતની રમતનો પાયો નાખવાની છે. કૉલેજ પૂરી કરીને આવેલાં સાથીઓની જેમ કામના ઘણા કલાકો દ્વારા ભવિષ્યનાં સ્વપ્નોમાં રંગ પૂરાતા રહે છે.પોતાની જાતને નવાં વાતાવરણમાં ગોઠવવાની સાથે આપણું નેટવર્ક પણ પ્રસરે છે. જેમ જેમ ખેલ મધ્ય ભાગ તરફ આવે છે તેમ તેમ રંગ બદલવા લાગે છે.હવે બાળકો, કુટૂંબ, સમાજ પોતા તરફ ધ્યાન માગવા લાગે છે. શતરંજના ખરા ગ્રાંડ માસ્ટર આ મધ્ય ભાગમાં જ સામાન્ય ખેલાડીથી અલગ તરી આવે છે. તે પોતાનાં કૌશલ અને કલ્પનાને પૂરેપૂરી રીતે નાથીને, અહીંયાં જોખમ ખેડીને તો ત્યાં રચનાત્મ્ક અભિગમ વડે, ખેલને પોતાની તરફેણના અંત ભાગ તરફ ઢાળે છે. માની ભૂમિકાના તબક્કામાં અન્ય લોકોની મદદ, વ્યાવસાયિક સેવાઓ કે અસ્થાયી રૂપે આંશિક કામ જેવા અનેક વિકલ્પોને વ્યાવસાયિક સ્ત્રી કામે લગાડે છે.

એમ કરતાં કરતાં ખેલનો અંત ભાગ હવે નજર સમક્ષ આવે છે. આ તબક્કે વિકલ્પો ઓછા છે, પણ વિકલ્પની પસંદગીથી ખેલનાં પરિણામ પર મોટી અસર પડવાની શક્યતાઓ નજર સામે ઝળુંબે છે.સમયની માંગને કારણે ઊભી થતી તાણની સામે સ્વસ્થ ચિત્તે આ તબક્કે ચાલ ચાલવાની રહે છે.

પહેલેથી જ આપણાં લક્ષ્ય છે – આયોજન, અનુકૂલન, (પરિસ્થિતિઓ મુજબ) તૈયારી, રમતમાં ટકી રહેવું અને જીતવા માટે રમવું.

૩.નાના નાના ભોગ આપવાને કારણે લાંબા ગાળાનાં દર્શનથી વિચલિત ન થવું.

કંઇક મેળવા માટે કંઈક આપવું તો પડવાનું છે. ગ્રાંડ માસ્ટર જ્યારે એક પ્યાદાંની ખોટ ખાય છે ત્યારે તેના પછીની ચાલના ફાયદામાં કેમ ફેરવવી તેનો જ વિચાર કરીને આક્ર્મણ કે બચાવનો નિર્ણય કરે છે.

જીવનની ભાષામાં એનો અર્થ એ થાય કે થોડા સમય મટે કંઈક અગવડ ભોગવવી પડે, ક્યાંક નવા પ્રકારનું કામ શીખવું પડે, એકાદું પ્રમોશન જતું કરવું પડે, ક્યાંક ખમી ખાવું પડે. આમાંના દરેક તબક્કે આપણી નજર લાંબા ગાળાનાં લક્ષ્યની સિધ્ધિ માટે જે કરવાનું છે તેના તરફ જ હોવી જરૂરી બની રહે છે.નાની મોટી મુશ્કેલીઓની વચ્ચે જ એ તક છૂપાયેલી હશે. તેને બન્ને હાથે ઝડપવા માટે તૈયાર રહો. આ તબક્કામાં આપણું અંગત તેમ જ વ્યાવસાયિક નેટવર્ક સૌથી વધારે કામ આવનાર અસ્ક્યામત નીવડી શકે છે.

૪. શતરંજ્માં વજીર જ એકલું મહત્ત્વનું પ્યાદું નથી

હા તે ઘણું મહ્ત્ત્વનું જરૂર છે, બહુ શકિતશાળી પણ છે. પરંતુ એનો અર્થ એમ નથી કે બીજાં પ્યાદાંની શક્તિનો લાભ ઉઠાવીને ચાલની રૂખ ફેરવી ન શકાય. એકલું કોઈ પણ પ્યાદું નબળું છે, પણ બીજાના સાથમાં તે બહુ શકિતિશાળી શસ્ત્ર નીવડી શકે છે. આપણે પણ આપણા નેટવર્કની મદદથી નબળી જણાતી પરિસ્થિતિને જીતની બાજી તરફ લઈ જતી ચાલમાં પળોટવાની છે.

કોઈ પણ પરિસ્થિતિને તમારી નાની નાની ખુશીઓ પર હાવી ન થવા દેશો. અશક્ય લાગતા વિકલ્પોને પણ નાણી જોવામાં કશું ખોટું નથી, ઘણી વાર અણધાર્યા રસ્તેથી સરળ માર્ગ મળી શકતા હોય છે. હાથ જેટલા વધારે કરી શકાશે તેટલાજ તે કામ કરવા માટે રળીયામણા નીવડશે.

૫. રમત તમારી, ખેલાડી પણ તમે જ –

વર્તમાન અને ભવિષ્ય બન્ને પર નજર રાખીને કાર્યશીલ સ્ત્રી અને માતા તરીકેનાં પોતાનાં જીવનને પોતાને અનુકૂળ પડે, તે રીતનો ઓપ આજની સ્ત્રી આપી રહી છે . તેમણે પોતાના અભિગમ બાબતે બહુ જ એકાગ્ર અને દૃઢાગ્રહી રહેવું જરૂરી છે. તેમની પોતાની ભૂમિકા શું હોવી જોઈએ તે પણ તેઓએ જાતેજ નક્કી કરવાનું છે.પોતાને ફાળે આવેલ, ઘરનાં તેમ જ વ્યાવસાયિક, કામો સારી રીતે કેમ પૂરાં કરવા તે પણ તેમણે જ નક્કી કરવાનું છે. એક વ્યાવસાયિક તરીકે તેમનાં મૂલ્યો અંગે પણ તેઓએ ખાસ્સાં સ્પષ્ટ જ રહેવું જોઇએ.

મોટા ભાગની સ્ત્રીઓ પોતાની કારકીર્દીને સંજોગોની સાથે શક્ય તેટલી હદે સારી રીતે કામ પાડતી પ્રતિક્રિયાત્મક ઘટનાઓની શ્રેણી તરીકે જોતી હોય છે. પરંતુ શતરંજના ગ્રાંડ માસ્ટરની દૃષ્ટિથી જોવાથી આ દૃષ્ટિકોણમાં ફરક આવશે. જીવન અને કારકીર્દી વચ્ચે સંતુલન જાળવવાથી કંઈક વધારે આ ખેલમાં સિધ્ધ કરવાનું રહે છે. એ ખેલ છે તમારાં જીવનને તમારાં મૂલ્યો, તમારી અપેક્ષાનાં સ્વપ્નો અનુસાર ઘડવાનો – એક પછી એક ચાલ દ્વારા બાજી ગોઠવીને. એ ખેલમાં તમારાં જીવનસાથી, સંતાનો, કુટૂંબીજનો, સહકાર્યકરો, તમારી કાર્યસ્થલ સંસ્થા, તમારૂં નેટવર્ક વગેરે બધાં એવાં પ્યાદાં છે જે તમારા ખેલને સફળ બનાવવામાં કંઇને કંઇ અંશે,તક પૂરી પાડીને, માર્ગદર્શન આપીને કે ટેકો પૂરો પાડીને પોતાનો ફાળો આપી શકે તેમ છે.

પણ આ ખેલ તો તમારો જ છે, તમારે જ દાવ માંડવાનો છે અને નક્કી થયેલા નિયમોને અનુસરીને પણ ખેલમાં જીત મેળવવાની છે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

  • darsha Kikani says:

    Very well said, Ashokbhai!

  • pragnajuvyas says:

    શતરંજ ના ખિલાડી જેમ વ્યાવસાયિક કારકીર્દી ધરાવતી સ્ત્રીઓને સાંપ્રત મૅનેજમૅન્ટ કેવી રીતે કરવું તે અંગે રસપ્રદ સૈલીમા માર્ગદર્શન બદલ શ્રી અશોક વૈષ્ણવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME