પૂર્વી મોદી મલકાણ

नाकरिष्यद्यदि ब्रह्मा लिखितं चक्षरत्तमम् ।
तत्रेयमस्य लोकस्य नाभविष्यच्छुभा गतिः ।।

એક દિવસ માતા સરસ્વતીએ બ્રહ્માજીને એક વાંસની લેખણી અને કમલપત્ર આપેલ. આ કમલપત્ર ઉપર બ્રહ્માજીએ લેખણીની મદદથી લિપિઓ પ્રગટ કરી હતી. તેથી ઉપરોકત શ્લોકમાં કહ્યું છે કે અગર બ્રહ્માજીએ લેખનલિપિને પ્રગટ ન કરી હોત તો આ લોકની શુભગતિ ક્યારેય થઈ ન હોત.

લિપીઓનો ઉલ્લેખ બ્રહ્માજીએ ભલે કર્યો હોય; પરંતુ પ્રાચીન માનવ સમાજે હંમેશા પોતાની સંસ્કૃતિને દર્શાવવા માટે આકૃતિઓ અને સંજ્ઞાઓનો ઉલ્લેખ વિવિધ ચિત્રો દોરીને કર્યો છે. (આનો અર્થ એ થયો કે લિપીઓની શોધ પણ પાછળથી થઈ) આવી ચિત્રિત આકૃતિઓવાળી અનેક ગુફાઓ આર્કીયોલોજીસ્ટોએ શોધી છે. ગુફાઓમાંથી ચિત્ર રૂપે બહાર નીકળેલી આકૃતિએ સમયાનુસાર જ્યારે લિપિનું રૂપ લીધું ત્યારે તેણે પોતાનાં વિચારોને, પોતાની સંસ્કૃતિ સ્વભાવ અને શબ્દોને લઈને પથ્થર, ચર્મ, વિવિધ પ્રકારનાં પર્ણપત્રો, ઈંટ, કાષ્ઠ, શંખ-કોડી-છીપ, સુતરાઉ અને રેશમી કાપડ સુધી સફર કરી અને અંતે આ સફરને કાગળ ઉપર સ્થિર કરી નાનકડી ડાયરીમાં છુપાવી દીધાં.

આપણી ભાષા, આપણાં વિચારો બોલનાર આ ડાયરી શબ્દ તે મૂળ લેટિન ભાષાનો શબ્દ “ડાયરિયમ” ઉપરથી ઉતરી આવ્યો છે. ડાયરિયમ અર્થાત્ સ્વયંને રજૂ કરવાનું ડેઈલી સાધન. ૧૬ મી સદીમાં બાદશાહ જહાંગીરનાં દરબારમાં બે ડચ આવેલાં. આ બે ડચમાં એક સર થોમસ રોએ એ બાદશાહ જહાંગીરનો દરબાર જોઈ તેની નોંધ કરવા માટે પોતાની પાસે રહેલ પોકેટબૂક કાઢી. આ પોકેટબૂક જોઈ બાદશાહ જહાંગીરે પૂછ્યું કે આ શું છે? ત્યારે રોએ જવાબ આપ્યો કે ડાયરી છે. આપની સાથેની વાતચીતથી લઈ અમે જે કશું જોશું, જે નવું મહેસૂસ કરીશું તે તમામ અમારા વિચારોને, અમારી સમજણને, આપના દેશમાં જે કશું અમારે માટે નવું હશે તે બધું જ અમે નાના નાના પોઈન્ટનાં રૂપમાં લખી લઈશું. ત્યાર પછી જ્યારે અમને સમય હશે ત્યાર આ જ પોઈન્ટ ઉપરથી આ સમયને યાદ કરી અમે આ સમયને અમારી બુક્સમાં ફરી જીવંત કરીશું. ઇતિહાસ ગવાહ છે કે આ ડચ લોકોએ પાછા ફરતી વખતે બાદશાહને આ પોકેટ ડાયરીઓ ગિફ્ટમાં આપેલી. પણ જહાંગીરથી લઈ ૧૭ મી સદી સુધી ડાયરી એટલી પ્રસિધ્ધ ન થઈ પણ જ્યારે અંગ્રેજોએ પોતાના પગ હિંદુસ્તાનમાં જમાવવા શરૂ કરી દીધા ત્યાર પછી આ ડાયરીએ હિંદુસ્તાનમાં પોતાનું નવું ઘર શોધ્યું એટલે કે ૧૭ સદીના ઉત્તરાર્ધમાં ડાયરી શબ્દ વધુ પ્રચલિત થયો. આ ડાયરીઓ પરથી મજાની વાત એ થઈ કે “૧૮ મી સદીમાં આ શબ્દએ “ડાયરા”નું રૂપ લીધું. આ સમય એવો હતો કે અંગ્રેજોની અસર આપણી ઉપર થવા લાગેલી તેથી નાના-મોટા લોકો એકઠા થઈ નાની નાની વાતચીતને મોટી વાતનું કે મોટા પ્રસંગનું સ્વરૂપ આપી દેતા હોય અથવા તો આનંદ કરતાં હોય તે તમામ સમયને ડાયરાનું રૂપ આપવામાં આવ્યું. “આ ડાયરો પૂરો થાય પછી થતી ચર્ચાઓમાં કહેવાતું કે આ ડાયરામાં આપણે આમ વાત કરી હતી, ને આ પ્રસંગ બન્યો હતો…..અર્થાત્ વીતી ગયેલાં સમયને ફરી જીવંત કરવામાં આવે છે. આમ ડાયરીને જેમ ડાયરો ય પ્રખ્યાત થયો…. (આ ડાયરામાં લોકગીતો અને ગ્રામ્ય સમાજનો રંગ ૧૯ મી સદીના પૂર્વાર્ધમાં ભળ્યો.) ખેર, આ ડાયરી અને ડાયરાની વાતથી આગળ વધતાં હવે આપણે એ ય જાણી લઈએ કે ડાયરીનાં પાનાં એટલે કે કાગળની શોધ ક્યારે થઈ.

કાગળનાં પાનાંની શોધ પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ઇ.સ ૪૦૦૦ વર્ષ પૂર્વે ગૂંથેલી સાદડી જેવા પદાર્થથી કરી હતી….. જેને “પેપીરસ કે પપ્યિકા” નામ અપાયું. જ્યારે બીજો મત કહે છે કે કાગળની શોધ ઇ.સ ૧૦૫ માં ચીનમાં થયેલી હતી. પણ પેપર એ અંગ્રેજી શબ્દ તે ફ્રેંચ શબ્દ “પેપીઅર” પરથી આવ્યો છે. (વિશ્વમાં કાગળની સૌ પ્રથમ મીલ શરૂ કરવાનો શ્રેય અરેબિક લોકોને ફાળે ગયો છે.) રહી આપણી વાત તો….. આપણે ત્યાં તો છેક ૧૨ મી સદીમાં કાગળની શરૂઆત થઈ ત્યારે તેમાં થોડુઘણું બૌધ્ધ અને જૈન ધર્મનું લખાણ લખવામાં આવ્યું હતું પરંતુ મોટા પ્રમાણમાં કાગળ ઉપલબ્ધ ન હોઇ કાગળનો ઉપયોગ લગભગ નહીંવત જેવો હતો. ૧૮ મી સદી બાદ જ્યારે અંગ્રેજો આપણાં દેશમાં આવ્યાં ત્યાર પછી કાગળનો ઉપયોગ વધુ થવા લાગ્યો.

હવે કાગળ ઉપરથી ડાયરી તરફ જઈએ ત્યારે જોઈએ કે વિશ્વની પ્રથમ ડાયરી કઈ?

સાહિત્યકારોની ચર્ચા રહી છે કે રોમન કિંગ મારકસ ઓરેલિયસે ‘ટુ માય સેલ્ફ’ નામની ડાયરી બીજી સદીમાં લખવાની શરૂ કરેલી. જેમાં તેણે લખેલું કે તમારા ભવિષ્યને જો સુધારવું હોય તો તો તમે વર્તમાનને વાગોળો …..આ વર્તમાનને જો વાગોળશો તો નિશ્ચય તમારું ભવિષ્ય વધુ સ્વચ્છ અને સરળ હશે. બીજી સદી બાદ ડાયરીનો બીજો ઉલ્લેખ ૧૪મી સદીમાં કોલંબસે કરેલો. તેણે પોતાની ડાયરીમાં કહ્યું છે કે અમે ઈન્ડિયા સમજીને જે અંધારીયા ખંડમાં પગ મૂકેલો તે ખંડ ઊંચા ઊંચા સ્પ્રુઝનાં ( દેવદાર ) વૃક્ષોથી છવાયેલ છે. આ પ્રદેશ અત્યંત ઠંડો હોય અહીં દિવસો અત્યંત ટૂંકા અને રાત્રી વિશાળ છે ……. આટલી બધી ઠંડી અને વાતાવરણમાં સન્નાટો હોવા છતાં યે જાણે અનેક લોકોની ચહેલ પહેલ થતી હોય તેવા અવાજનો આભાસ મને વારંવાર થયાં કરે છે……. કોલંબસ પછી ૧૬૧૦ માં ઈંગ્લેન્ડથી જે વસાહત અમેરિકામાં ફર્સ્ટ સેટલર્સ તરીકે આવેલી તેમાં એક જ્હોન સ્મિથ હતો તેણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે એ મે મહિનો હતો અમારા પ્રમાણે તો સ્પ્રિંગ ચાલું થઈ થવી જોઈતી હતી, પરંતુ અમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે થીજી ગયેલાં વાતાવરણમાં ઘૂંટણ સુધીનો સ્નો ત્યાં હતો, ઠંડી તો એટલી કે માત્ર થોડી ક્ષણો ડેક ઉપર ઊભા રહીએ ત્યાં જ બરફ બની જઈએ. જ્યાં જુઓ ત્યાં જંગલ જ દેખાય છે ને માનવ વસ્તીની એકપણ નિશાની દેખાતી નથી. હા…..ક્યાંક ક્યાંક ડિયર જેવા પગલા જેવી છાપ દેખાઇ જતી હતી.
આ ડાયરીનું બીજું એક પાનું કહે છે કે ……રેડ ઇન્ડિયન સમુદાયનાં શક્તિશાળી પૌવાહટનની (મુખીયા) પુત્રી પોકોહોંન્ટેસ જાડી ને ઠીંગણી હતી પણ તેની આંખોમાં ગજબ એવી ચમક હતી, કે તે જ્યારે જ્યારે હું તેને જોતો ત્યારે ત્યારે તેના માસૂમ ચહેરા પરથી મને નજર હટાવવાનું મન થતું ન હતું, તેણે પોતાના લોકોથી મનેબચાવીને મારી બહુ મદદ કરી. સ્મિથની આ ડાયરીનું ત્રીજું પાનું કહે છે કે હું તેણીને લવ નહોતો કરતો પણ, તે વાત હું તેણીને કહી ન શક્યો અને અમને તેમની જરૂર હતી. ચોથા પાનાંમાં સ્મિથ કહે છે કે રેડ ઇન્ડિયન (આજે નેટિવ ઇંડિયન) સાથેની અમારી લડાઈ એ અમારી મૂર્ખામીનું ચિન્હ હતું. જો અમે શાંતિથી રહ્યાં હોત તો અમારા લોકો જીવતા રહ્યા હોત પણ અમારી મૂર્ખાઈને કારણે અમારી વસાહતે ઘણાં બધાં લોકોને ખોઈ દીધાં.
૧૬૧૦ની સ્મિથની આ ડાયરી પછી કોઈ પ્રસિધ્ધ ડાયરીનો ઉલ્લેખ ઈતિહાસે કર્યો નથી તેથી બીજી ડાયરીનો ઉલ્લેખ છેક ૧૬૫૬માં જોવા મળે છે જે ઈંગ્લેન્ડનાં કિંગ ચાર્લ્સ બીજાનાં સેક્રેટરી જ્હોને લખેલી….. જેમાં કિંગ અને ક્વિનની સાથે કિંગ દ્વારા કેદીઓને અપાતી સજાઓ વિષે લખવામાં આવેલું.

૧૬૫૬ પછી ત્રીજી ડાયરીનો ઉલ્લેખ ૧૮૫૬ થી ૧૮૬૨ વચ્ચે થયેલો છે જે કેનિંગ નામના બ્રિટિશર ઓફિસરની પત્ની શાર્લોટે લખેલી હતી. શાર્લોટ એ રાણી વિકટોરિયાની અંતરંગ સખી હતી, એને પત્રો અને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો. કેનિંગ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી ભારત આવ્યો, તેની સાથે શાર્લોટ પણ આવી. શાર્લોટ ભારતથી તિબેટ સુધી ખૂબ રખડી જેને કારણે તે ભારતીય પ્રકૃતિ, ઇતિહાસનાં ખંડિત ચિન્હોને, ગ્રામ્ય જીવનને સારી રીતે જોઈ શકી. તેણે ભારતમાં દોરેલા ચિત્રો અને તેણે લખેલા પોતાના અનુભવો અને ડાયરીનાં પાનાંઓ આજે બ્રિટિશ લાઈબ્રેરીનું એક મહત્વનું અંગ ગણવામાં આવે છે, જેમાંથી તત્કાલીન જીવનનું ચિત્ર ઊપસે છે. રાજારાણીનાં સમયમાંથી બહાર નીકળતાં પાશ્ચાત્ય વિશ્વમાં ચોથી ડાયરી એ વ્યક્તિગત ડાયરી છે; જે ૧૯૪૨ -૧૯૪૩ માં લખાઈ હતી. આ ડાયરીનું નામ છે “ધ ગોબલ્સ ડાયરી.” આ ડાયરી હિટલરનાં પ્રચાર-પ્રસાર મંત્રી ડો. પોલ.જોસેફ ગોબલ્સે લખેલી હતી. જેમાં એ સમયનાં આઝાદીનાં નેતાઓ જેવા કે સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, નહેરુ, લોકમાન્ય ટીળક, સરદાર વગેરે લખાયું છે. ગોબલ્સની આ ડાયરી વાંચતાં ખ્યાલ આવે છે કે તેને સુભાષચંદ્ર બોઝ માટે જેટલું માન હતું તેમાંથી ગાંધીજી પા ભાગનું ય માન હતું, બલ્કે તેના વિચાર પ્રમાણે ગાંધીજી અને નહેરુ એ સમયનાં સૌથી ખરાબ નેતાઓ હતાં. આથી ગોબલ્સે તેની ડાયરીમાં કહ્યું છે કે ગાંધીની અહિંસા વાદી નીતિ એ કેવળ નકારાત્મક અસહકાર છે. જેને કારણે હિન્દુસ્તાનીઓને સ્વાતંત્ર્યતા મેળવવા માટે આટલી વાર લાગે છે અને બેવકૂફ ગાંધીને સમજાવવા કરતાં નહેરુ જેવા તકવાદી લોકો તેની હા એ હા કરે છે જે હિન્દુસ્તાનીઓની બદનસીબી છે. જો સરદાર તરીકે ઓળખાતો તે માણસ કે બોઝ જેવા નેતાઓને હિન્દુસ્તાનીઓ પ્રથમ કક્ષાનું મહત્વ આપે તો હિંદુસ્તાનને બ્રિટિશ શોષણમાંથી મુક્ત થતાં જરા પણ વાર ન લાગે.

વિશ્વયુધ્ધ દરમ્યાન ૧૯૪૨ -૪૩માંથી બહાર નીકળતાં ૧૯૪૫ તરફ જઈએ. ૧૯૪૫ માં એના ફ્રેન્ક અને નેનીટ્ટ એ કેવળ બે વ્યક્તિની ડાયરીઓ એવી છે, જે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાનનાં હોલોકોસ્ટનાં સમયને જીવંત કરે છે. આ બંને ડાયરીઓને કારણે હોલીવુડને પડદા પર આ સમય જીવિત કરવા માટે ઘણી જ માહિતી મળી. પણ લખાણની બાબતે જોઈએ તો આ બંને ડાયરીમાંથી એક ડાયરીનાં પાનાં પર શબ્દો બોલે છે અને બીજી ડાયરીનાં પાનાં પર ચિત્રો બોલે છે. હોલોકોસ્ટની સર્વાઈવર નેનીટ્ટએ કહેલું કે હું અને એના ફ્રેન્ક અમે બંને એક જ કેમ્પમાં હતાં. તેને લખવાનો બહુ શોખ હતો, એમાં યે એના પિતાએ એને બર્થ -ડે ગિફ્ટ તરીકે આપેલ ડાયરી તો એ જીવની જેમ સાચવતી હતી. આગળ વધતાં નેનીટ્ટ કહે છે કે એના ફ્રેન્કથી તદ્દન જુદો મારો શોખ હતો; પણ અમે જ્યાં રહેતાં હતાં ત્યાં શોખ પૂરો થવો એ કોઈ સપનાથી ઓછું ન હતું. મારું ડ્રોઈંગ સારું હોવાથી હું ઘણાં કાલ્પનિક ચિત્રો દોરતી અને કોન્સનટ્રેશન કેમ્પમાં બીજા ખૂણે રહેલાં મારા પિતાને દેવા જતી, એક દિવસ મારા પિતાએ કહ્યું કે જે તું જુએ તેણે ચિત્રો રૂપે ઉતાર અને એ ચિત્રો કોઈને દેતી નહીં તારી પાસે જ રાખજે…મારી યાદમાં….. નેનીટ્ટએ પોતાનાં પિતાનાં કહ્યાં પ્રમાણે એ આખો સમય પોતાનાં ચિત્રોમાં કેદ કરી લીધો…. નેનીટ્ટની આ ડાયરી આજે બર્લિન મ્યુઝિયમમાં સચવાયેલ છે. (નેનીટ્ટા અત્યારે ૮૭ વરસનાં છે. તેઓ બ્રાઝિલ અને ઈંગ્લેન્ડ વચ્ચે અવરજવર કરતાં રહે છે. ) નેનીટ્ટ પછી હવે એક નજર એના ફ્રેન્કની ડાયરી ઉપર……

ડિયર ડાયરી,

આજે ફાધર અમને લઈને તેમની ઓફિસમાં લઈને આવ્યાં, આ ઓફિસનાં સૌથી ઉપરનાં માળામાં રહેલા નાના રૂમ્સ હવે અમારું નવું ઘર છે. અમારા આ ઘરમાં એકપણ લાઇટ નથી, તેથી જે વધુ ચાલે છે તે ફાનસ છે. બારીઓમાંથી આવતો પ્રકાશ હવે અમને ઘણા સમય સુધી જોવા મળવાનો નથી. કારણ કે અમારા આ ઘરમાં બારીઓ ઉપર કાળા પડદા લગાવેલા છે જેને ખોલવાની મોટેભાગે મનાઈ છે, ને ક્યારેક ખૂબ જોવાનું મન થાય તો રાતે ૧૧ વાગ્યાં પછી થોડીવાર માટે પડદાની સાઈડમાંથી જોઈ લેવાનું, પણ પડદા નહીં ખોલવાનાં. આ ઘરમાં અમારી સાથે ફાધરનાં બીજા મિત્ર અને તેમનો પરિવાર પણ છે. ટૂંકમાં કહું તો પ૦૦ સ્કેવર ફૂટના નાનકડાં ઘરમાં કુલ અમે ૮ લોકો છીએ. તોયે અમને બહુ ડર લાગે છે. તેનું કારણ છે. અમને ખબર નથી પડતી કે અમારી આજુબાજુ શું થઈ રહ્યું છે. દિવસ હોય કે રાત ગમે તે સમયમાં સાઇરન ચાલું થઈ જાય છે અને રસ્તા પર સોલ્જરોની અવરજવર વધી જાય છે. સામાન્ય માણસોની સરખામણીમાં રસ્તા પર બધે જ સોલ્જરો જ દેખાય છે. આ બદલાયેલ વાતાવરણ વિષે શું સોલ્જરને પૂછવું કે નહીં તેની ખબર નથી..પણ કદાચ પૂછવા જઈશું તો અમે ક્યાં હોઈશું તેની અમને ખબર નથી તેથી પાપા અમને ચૂપ રહેવાનું કહે છે…..ચૂપ…..એટલે… કેટલું ચૂપ…..એક શબ્દ પણ ઊંચા અવાજે બોલવાનો નહીં. વાત કરવી હોય તો કાનમાં જ વાત કરવાની બે જણાની વાત ત્યાં ઉભેલ ત્રીજી વ્યક્તિ પણ સાંભળી ન શકે તેટલા અવાજે જ વાત કરવાની અને એ ય જરૂર પૂરતી જ. જો જરૂરી ન હોય તો વાત કરવાની જ નહીં. થોડા દિવસ પહેલાં તો અમે બહુ ખુશ હતાં.. આવું ન હતું,.. પણ અમારા એ બધાં જ આનંદનાં દિવસો અચાનક જ પૂરા થઈ ગયાં હોય તેમ લાગી રહ્યું છે.

ડિયર ડાયરી,

આજે ફાધર ક્યાંકથી મારે માટે ક્યાંકથી મૂવી અને મૂવી સ્ટાર્સનાં ફોટાઓ લાવ્યાં છે જે મે મારા સિક્રેટ રૂમની દીવાલોમાં લગાવી દીધા છે. આ બધાં જ ફોટા મારે માટે આ ફોટાઓ ફક્ત કલેક્શન નથી પણ આ વાતાવરણમાં એક પ્રકારનું આનંદ આપનારું સાધન પણ છે. હું રોજે એ ફોટા જોઈ વિચારું છું કે જ્યારે આ દિવસો પૂરા થશે પછી એક દિવસ એવો આવશે જ્યારે હું પણ આ સ્ટાર્સની જેમ મોટી બનીશ પણ એ દિવસ ક્યારે આવશે તેની ખબર નથી. પણ મધર કહે છે કે કોઈ રાત એટલી લાંબી નથી હોતી જેની સવાર ન હોય. તેથી એ સવાર ચોક્કસ આવશે મને ખાતરી છે. એનાએ લખેલ આ ડાયરી વાંચતાં ક્યારેક લાગે છે કે જો એના ફ્રેન્ક બચી ગઈ હોત તો ચોક્કસ તે એક સારી લેખિકા બની હોત. પણ એના નાં કે આપણાં કમનસીબે એના ફ્રેન્ક લાંબું જીવી ન શકી, તેથી સાહિત્યકારો કહે છે કે આપણાંમાં ને આપણાં સમાજમાં રહેલાં રાક્ષસને કારણે આપણે પ્રભુ તરફથી મળેલ એક ઉત્તમ ભેંટને ખોઈ નાખી છે. આજે બીજા વિશ્વયુધ્ધને થયે ભલે ૭૦ વરસ થયાં હોય તેમ છતાં યે એના એ લખેલ આ ડાયરી વિશ્વની ઐતિહાસિક બુક્સમાં એક ગણાય છે. જે આશાવાદી કેવી રીતે રહેવું અને જીવનમાં ડીગ્નિટી કેવી રીતે રાખવી તે વાત એનાની ડાયરી આપણને શીખવે છે.

અને અંતે:- વિશ્વની પ્રત્યેક ભાષાને શબ્દો રૂપી સ્વરૂપ આપવા માટે લેખણી-પેન-કલમ અને શાહીનો ઉપયોગ થાય છે. ઈતિહાસકારોના મત મુજબ પાષાણયુગથી જ લેખણી-પેનનો ઉદ્ભવ થયો હોવો જોઈએ. જ્યારે ફિલાડેલ્ફિયા આર્ટ સોસાયટીનું માનવું છે કે લખાણ કરવાના પ્રથમ ઓજારોનો ઉદ્ભવ ૨૬,૦૦૦ વર્ષ પૂર્વે થયો છે. જ્યારે ગુફાવાસીઓ પોતાના જીવન અને સંસ્કૃતિ અંગે સંજ્ઞાઓ ચિત્રિત કરવા માટે કુદરતી શાહીની શોધ કરેલી. ગુફાવાસીઓથી વધુ સુસંસ્કૃત થયેલ માનવે પીછાથી બનેલ “પીંછી”, કાષ્ઠથી બનેલ “વર્ણક”, વૃક્ષોની ડાળીઓની “વર્ણવાર્તિકા”, સાગ-સીસમની “સલાકા”, વાંસની “વંસીકા”, મયૂરપંખની “કલમ” અને આજના “બોલપેન, શાહીપેન, પેન્સિલ, માર્કરપેન, કૃત્રિમ શાહી” વગેરેનું અસ્તિત્વ શોધ્યું છે.


Copyright ISBN-978-1500299904


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ : purvimalkan@yahoo.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

  • Dipak Dholakia says:

    બહુ જ મહિતીપૂર્ણ લેખ. ઘણી નવી વાતો જાણવા મળી. આભાર.

  • મનસુખલાલ ગાંધી says:

    બહુ જ મહિતીપૂર્ણ લેખ. ઘણી નવી વાતો જાણવા મળી. આભાર.

  • pravina says:

    બહુ સરસ જાણકારી છે, ક્યારેય ખબર ન હતી કે ડાયરી પરથી ડાયરો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME