રજનીકુમાર પંડ્યા

1976થી 1978ના એ ગાળામાં વેરાવળમાં મને જો ‘સમીર’ ના મળ્યા હોત તો સાહિત્યનો મારો વ્યાસંગ સાવ છૂટી ગયો હોત. ભેજીલા વેરાવળમાં મારા દિવસ પર બૅન્કનો અખ્ત્યાર રહેતો પણ ‘સમીર’ના લીધે સાંજ અને રાત સાહિત્યને હવાલે સોંપાઈ જતાં. ‘સમીર’ની જ દેણગી જેવા એક લાભશંકર દવે (તખલ્લુસ કદાચ ‘શાયર’ હતું) તો વેરાવળમાં જ હતા, પણ એમની કંપની મૂંગી હતી. જુવાનીમાં એક સરકારી નોકરી ચારેક મહિના કર્યા પછી સસ્પેન્ડ થયા તે એમનો કેસ એમની વયનિવૃત્તિની તારીખ સુધી લંબાયો. જીંદગી આખી નોકરીએ ગયા વગર અર્ધ-પગાર લીધા કર્યો અને શયદા-બ્રાન્ડ કવિતાઓ લખ્યા કરી. મહેફિલ હોય કે મારી ચેમ્બર, બસ વગર કહ્યે આવી ચડવું અને નીચે લટકતા હાથમાં રૂમાલ ફરકાવતા, વગર રજા લીધે અચાનક ઉઠીને ચાલતા થવું એવી એ કાળી ઉભી દિવાલની ટોપીવાળા, પહોળા ઘાઘરાશાઈ લેંઘાધારી પાતળીયા શાયરની ખાસિયત હતી. ‘સમીર’ને કારણે વધુ તો અમૃત ‘ઘાયલ’ રુસ્વા મઝલૂમી અને ક્વચિત પ્રફુલ્લ નાણાવટી તેમજ મનોજ ખંડેરિયાની વેરાવળની મુલાકાતો વારંવારની બની. મારી એમની સાથેની દોસ્તી પ્રગાઢ બનતી ચાલી.

રુસ્વાસાહેબની ખખડધજ જૂની મોરિસમાં એ શાયરોનો કાફલો વેરાવળ આવે એટલે અમારી સાંજ વધુ રંગીન બની જતી. મનોજભાઈ કે પ્રફુલ્લભાઈ તો વારેવારે ના હોય, પણ રુસ્વાસાહેબના જૂના સાથી-સંગી હોવાના કારણે ઘાયલસાહેબ તો અવશ્ય હોય જ. સાંજે ‘સમીર’ની ઑફિસે ભેગા થયા પછી અમારી ટોળી વરઘોડાના વડીલ જાનૈયાઓની જેમ પગપાળા ધીમી ચાલે વેરાવળની ઊભી બજારે નીકળતી. (રુસ્વાસાહેબની ગાડી બજારમાં કામ ના આવે.) એ મંડળી સાંજનાં અંધારા ઉતરવાની શરૂઆત સાથે જ દરિયાકિનારો તલબ કરતી. થોડી વાર પછી રેતીમાંથી જેનો એક છેડો પણ માંડ હાથમાં આવવાનો હોય તેવી રજવાડી જૂની રંગીન (પણ હવે બે-રંગ) શેતરંજીઓ પથરાતી. શેરો-શાયરી તો બેશક,પણ થોડા છાંટોપાણી સામે હિલ્લોળતા દરીયાનાં મોજાંઓમાં અમને પરીઓનાં નર્તન દેખાતાં. ઘાયલસાહેબ તો એ પરીઓની દાદ ઝીલતા હોય એમ દરિયા સામે મસ્તક ઝૂકાવતા અને ક્યારેક ઈર્શાદ પણ ફરમાવતા. રુસ્વાસાહેબ સ્વગત કશુંક ગણગણ્યા કરતા. મદિરાના એકાદ મજબૂત દૌર પછી મંડળીના દરેક સભ્યના સંવાદ બીજાની સાથેના સંવાદની સમાંતરે પોતાની જાત સાથે પણ ચાલતા. ‘સમીર’ બહેકતા નહીં, પણ ‘ઘાયલ’સાહેબની એકાદ શાયરી પરથી સાંભરી આવેલો કોઈ કિસ્સો સુણાવતા. એ વાતાવરણમાં એક ચાંદની રાતે ઘાયલસાહેબ ‘શરદની ચાંદની રાતે, સુકોમળ અંગુલીસ્પર્શે, તમે છેડી હતી, હળવે સિતારી ! યાદ આવે છે’ નું પોતાના આગવા ઝનૂની તરન્નુમમાં ગાન કરતા હતા ત્યાં ‘સમીરે’ એમને ખભે હાથ મૂક્યો. આંગળીઓ દાબી. કહ્યું : ‘યાદ આવે છે કચ્છનાં કોઈ લયલા-મજનૂ ?’

ઘાયલસાહેબ અટક્યા. ગાન અટકાવ્યું એ એમને ગમ્યું તો નહીં હોય, પણ પૂછ્યું : “અરે, કૌન લયલા ?કૈસા મજનૂ ?”

‘સમીર’ બોલ્યા : “ચાંદની રાત હતી. ભુજ-અંજારની રૂપેરી સડક પર રેવાલ ચાલે આપણી મોટરકાર દોડતી હતી. હું અને વેલજી ગજ્જર પ્રસિદ્ધ લોકગાયક, પૂરા સ્વસ્થ. પણ આપ ચકચૂર. આપના મનમાં ગઝલનો એકાદ મીસરો બંધાતો હશે ત્યાં મોટરની એકધારી ગતિમાં રોંદો આવ્યો. બ્રેક લાગી. આપના મનમાં મીસરો તૂટ્યો.

“સમીર,” આપે મને પૂછ્યું : “ગાડી કો યહ ધક્કા કૈસે આયા?”

મેં કહ્યું : “ઘાયલસાહેબ, એ તો એક શેળો આડો ઊતર્યો એટલે વેલજીભાઈએ ગાડીને બ્રેક મારી.” શેળો એટલો જંગલી પ્રાણી. “મગર…” આપે પૂછ્યું : “વો શેળા આડે ક્યું આયા ?”

હવે હું જાતે શેળો હોઉં તો જ આનો સાચો જવાબ આપી શકું. એટલે મેં કહ્યું : “બસ, આયા સો આયા.”

આપ ચિડાયા: “પર વો શેળા આડે આયા હી ક્યું ? મેરા મીસરા તૂટા-વો સાલા આડે ક્યું…”

મેં ફરી કહ્યું : “હમેં ક્યા માલૂમ ? વો આયા તો આયા….” ઘાયલસાહેબ, આપ તો એકદમ ગરમ થઈ ગયા : “મગર ક્યું આયા ? મેરા મીસરા તોડને ? ક્યું આયા ?”

એકાએક મને જવાબ સૂઝ્યો : “ઘાયલસાહેબ, વો શેળા કીસી શેળી કે પીછે પડા થા. જલદીમેં થા…. ઈસલીયે આડે આયા…. મજનૂને મીસરા તોડા…. અબ ઉસકો મૂઆફ કરો….”.

“હાં….’ ઘાયલસાહેબ એકદમ ડોલી ઊઠયા : “…તો યું બોલો ના ? અરે, ઐસે ઈશ્કી શેળે પે તો સૌ ગઝલેં કૂરબાન…. આખીર ગઝલ હોતી હી હૈ ક્યા? મજનૂ કી જૂબાં… વાહ શેળે… વાહ….”

પછી બોલ્યા : “ક્યા જાન પે ખેલ કે અપની લયલા કો મિલને ગયા! વાહ ,વાહ !”

સમીરને મોંએ યાદ અપાયેલો આ કિસ્સો સાંભળીને ઘાયલસાહેબ ટાઢા પડ્યા.

નક્કી કરેલા સમયે રુસ્વાસાહેબની ગાડી દરિયાકિનારાના અતિથિગૃહ ‘રાજેન્દ્ર ભવન’ના કમ્પાઉન્ડમાંથી નીકળીને નિયત સમયે અવાય ત્યાં સુધી આવીને ઊભી રહી જ ગઈ હોય. ડ્રાઈવર કાળુ હેડલાઈટના ઝગારા કરે એટલે મહેફિલ ધીરે ધીરે સમેટાવા માંડે અને પછી..

એ પછી ખાવા-પીવા ક્યાં જવાનું ?મોટે ભાગે અતિથિગૃહને રસોડે જ પણ……

પણ ક્યારેક વેરાવળના એક ઉચ્ચ મુસ્લિમ ઘરાનાના મહોલ્લાની દિશા પકડવામાં આવતી. શહેનાઝબાનુ (નામ બદલું છું)ગઝાલા હતાં. એટલે કે મહિલા ગઝલગો- ગઝલો ઉર્દુમાં જ લખતાં, પણ હિંદી લિપિમાં. ચાર બચ્ચાંની અમ્મા હતાં. ખાવિંદ આઠ મહિનાની ખેપ પર દરિયો ખેડવા ગયા હોય પણ આ પાકદામન બાનુ કોઈ પણને માટે વાત્સલ્યની પ્રતિમા જેવાં હતાં, ‘સમીર’ને માટે વિશેષ લગાવ હતો. કદાચ ‘સમીર’ના અંગત જીવનની કરપીણ કારુણીના મહાસાગરમાં એ સુખના તરતા ટાપુ જેવાં હતાં. ‘સમીર’ના મિત્રોને એ પોતાના ફેમિલીના મિત્રો ગણતાં. અમારે ત્યાં જવાનું હોય ત્યારે એમની મેડીનો દાદર ચડતાંની સાથે જ મનમાં ફૂટતા શબ્દોના પુરુષસહજ અર્થાંતરો, વ્યંજનાઓ, ઈંગીતો, સંકેતો સૌ લોપ પામતા.

નખશિખ રેશમી અને ઘેરા રંગના વસ્ત્રોમાં ઢબુરાયેલાં ગૌરવર્ણા શહેનાઝબાનુ અમને સૌને એમની લખનવી (એ મૂળ લખનૌના હતાં) તહજીબથી આવકારતાં. ‘શામે-અવધ’ની હલકીહલકી સુગંધ અમને ઘેરી વળતી. બચ્ચાંઓ તો બાજુના ઓરડામાં સૂતાં હોય. અહીં આ મોટા ઓરડામાં ગાલીચા બિછાવેલી ગાદીઓ અને પાછળ તકીયાઓ હોય. રુસ્વાસાહેબ અને ઘાયલસાહેબ એમને માથે હાથ ફેરવતા અને અમે સૌ નમીને ‘આદાબ’ કરતા.

થોડીવારે ઔપચારિક વાતોના આદાનપ્રદાન પછી બત્તીઓ બુઝાવી નાખવામાં આવતી. શમાદાનમાં મીણબત્તી જલાવવામાં આવતી અને પીળા, થરકતા પ્રકાશમાં માફકસર મદિરા સાથે મારા સિવાયના સૌ એક એક કરીને પોતાની ગઝલો પેશ કરતા. સમયના વીતવા સાથે અદાયગીઓ રંગ પકડતી. આ બધામાં એક હું એવો હતો કે જે કવિ નહોતો. છતાં એક બે લાયકાતો ઓછી તો ઓછી પણ મારી પાસે હતી અને તેને કારણે હું આ બધા વચ્ચે નભી જતો. એમાંની એક તે બહુ કાન દઈને સાંભળનારો અને યોગ્ય ઠેકાણે દાદ દઈ શકનારો એક માત્ર શ્રોતા હોવું તે, અને બીજું જે આ કોઈ પાસે નહોતું તે અનેક પુરાણા ક્લાસિક શાયરોની રચનાઓને આવડે તેવું ગાઈ શકનારું ગળું હોવું તે !. આમાં આમ તો મારી કોઈ કમાલ નહોતી. ઘાયલસાહેબ, રુસ્વાસાહેબ અને ‘સમીર’ને જ્યારે મારે ઈન્ટરવલ આપવાનો હોય ત્યારે મારા ‘ઓતાર’માં ઉર્દુના નામી શાયરો આવતા. તલત મેહમૂદ, મોહમ્મદ રફી, મુકેશ, જગમોહન અને મહેન્દ્ર કપૂરના ગાયેલા ગાલિબ, દાગ, મીર તકી મીર, અકબર ઈલાહાબાદીથી માંડીને સાહિર લુધિયાનવી અને શકીલ બદાયૂંની જેવા શાયરોના કલામો તેમને ગાઈ સંભળાવીને બધાને મોદ આપતો. મારી ગાયકી મારી તો હતી જ નહિં, માત્ર આ મહાન ગાયકોની મિમિક્રી હતી. તેથી ગાયકી કરતાં વધારે દાદ તો શબ્દોને જ મળતી. પણ એ દાદના અસલી હકદારો તો હાજર ના હોય એટલે મારી પીઠ થાબડવામાં આવતી.આ બધું હું સભાનપણે સમજું, પણ તેની જમા-ઉધારી કરવાથી મારે કોઈ કામ નહોતું. જે સોનેરી ક્ષણો આ માહૌલમાં હું વીતાવતો હતો તે ફરી નહોતી આવવાની તેટલી સભાનતા હું કેળવી શક્યો હતો. શહેનાઝબાનુને ત્યાં ભોજન પણ શાકાહારી-બિનશાકાહારી એમ બન્ને પ્રકારનું અને અતિ સ્વાદિષ્ટ બનતું. એની લિજ્જતમાં ખોવાતા ત્યારે સૌ સ્વયમ મૌની બની જતા. પછી મોડી રાત્રે ખુમાર આંજેલી આંખો સાથે સૌ નીચે ઉતરતા પણ ‘સમીર’ ?

એ ત્યાં જ રોકાઈ જતા. એ એમની અસલી દિશામાં આવેલો મુકામ હતો.

(ક્રમશ: )

**** **** ****

લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા :

બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૦

મોબાઇલ : +91 98980 15545 /વ્હૉટ્સએપ : + 91 95580 62711/ લેન્ડ લાઇન – +91 79-253 23711

ઈમેલ : rajnikumarp@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

8 Comments

 • Piyush Pandya says:

  લેખકે એમના જીવનમાં માણેલી ખુબસુરત ક્ષણોનું એકદમ મનભાવન વર્ણન વાંચતાં ભાવકને પણ એ મહેફિલમાં પહોંચી ગયાનો ભાસ થાય છે.

 • Gulabrai D. Soni says:

  ખરેખર કેવા એ દિવસો હશે! જૂની યાદો તાજી કરાવવી એ પણ એક કળા છે અને આબેહૂબ એ માહોલમાં વાંચકને
  દોરી જવું,ત્યારે એમ લાગે કે હું પણ સાથે એ જમાનામાં પહોંચી જતો હોઉં. બહુ સરસ ધન્યવાદ આવું સરસ મજાનું
  રસપાન કરાવવા બદલ.

 • pragnajuvyas says:

  કવિ-લેખકોની રમુજી વાતો સિધ્ધહસ્ત કાલમ દ્વારા અદભૂત વર્ણન
  આવી વાત તો આજે માણી-‘એકાએક મને જવાબ સૂઝ્યો : “ઘાયલસાહેબ, વો શેળા કીસી શેળી કે પીછે પડા થા. જલદીમેં થા…. ઈસલીયે આડે આયા…. મજનૂને મીસરા તોડા…. અબ ઉસકો મૂઆફ કરો….”.
  “હાં….’ ઘાયલસાહેબ એકદમ ડોલી ઊઠયા : “…તો યું બોલો ના ? અરે, ઐસે ઈશ્કી શેળે પે તો સૌ ગઝલેં કૂરબાન…. આખીર ગઝલ હોતી હી હૈ ક્યા? મજનૂ કી જૂબાં… વાહ શેળે… વાહ….” અને આવી સંવેદનશીલ વાત ભાગ્યેજ કોઇ જાણતું હશે !
  ‘સમીર’ના અંગત જીવનની કરપીણ કારુણીના મહાસાગરમાં એ સુખના તરતા ટાપુ જેવાં હતાં. ‘સમીર’ના મિત્રોને એ પોતાના ફેમિલીના મિત્રો ગણતાં. અમારે ત્યાં જવાનું હોય ત્યારે એમની મેડીનો દાદર ચડતાંની સાથે જ મનમાં ફૂટતા શબ્દોના પુરુષસહજ અર્થાંતરો, વ્યંજનાઓ, ઈંગીતો, સંકેતો સૌ લોપ પામતા.
  ઇંતેજાર આગળના સંસ્મરણોનો…

 • આપ નો શાયર આતમા હોય તોજ શાયરો વ્ચે! બેસ્વાનિ -મેહ્ફિલ મા જોડાવાનિ અનુભુતિ રન્ગ લાવે પન્ડ્યાજિ .

 • પ્રસન્ન કાણે says:

  વાહ મજા આવી ગઈ. લેખકે શું વાતાવરણ નિર્મીતી કરી છે કે’વું પડે. આટલાં વર્ષો વીતી ગયા તો પણ જલન થાય છે કે આપણે રહી ગયા.

 • વાહ વાહ! રજનીભાઈ! આપનાં શબ્દચિત્રો હંમેશા કાબિલે-તારીફ હોય છે… આપનાં શબ્દો એવાં તો રસઝરતાં હોય છે કે તેના પ્રવાહમાં ખેંચાતા જ જવાય.

 • ભગવાન થાવરાણી says:

  વો ગુનગુનાતે રાસ્તે ખ્વાબોં કે ક્યા હુએ
  વીરાન ક્યું હૈં બસ્તિયાં બાશિંદે ક્યા હુએ

  વો જાગતી ઝબીનેં કહાં જા કે સો ગઈં
  વો બોલતે બદન જો સિમટતે થે ક્યા હુએ

  જિન સે અંધેરી રાતોં મેં જલ જાતે થે દિયે
  કિતને હસીન લોગ થે ક્યા જાને ક્યા હુએ

  હમસે વો રતજગોં કી અદા કૌન લે ગયા
  ક્યું વો અલાવ બુઝ ગએ વો કિસ્સે ક્યા હુએ

  ઊંચી ઇમારતેં તો બડી શાનદાર હૈં
  પર ઇસ જગહ જો રૈનબસેરે થે ક્યા હુએ …

 • vijay joshi says:

  Rajnikantbhai, you have this uncanny ability to include and welcome readers and to let us re-live these wonderful nostalgic moments in time by re-telling, sharing your experiences. These sketches are delightful. Enjoyed immensely.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME