રજનીકુમાર પંડ્યા

(૧૯૦૧માં બાર વર્ષની વયે સૌભાગ્ય સુંદરીનાટકમાં સ્ત્રીપાઠ ભજવીને તે પછી સુંદરીતરીકેનું બીરુદ પ્રાપ્ત કરનારા અને પછી પૂરા અભિનયકૌશલ્યથી તેને સાર્થક કરનારા, ૧૮૮૯માં જન્મેલા જૂની રંગભૂમિના મશહૂર સ્વર્ગસ્થ અભિનેતા જયશંકર ભોજક ઉર્ફે જયશંકર સુંદરી ૧૯૩૨માં નિવૃત્તિવેળા જ્યારે સ્ત્રી તરીકેના પરિધાનને વેગળું કરે છે, ત્યારે માત્ર વેશ જ નહિં, કેશ પણ ત્યાગે છે અને ત્યારે…..)

એ વખતે ‘સુંદરી’ના હાથ પોતાના લાંબા કેશ પર બહુ મમત્વથી ફરતા હતા. બંધ આંખોમાં પોપચાં પર આંગળી ફેરવતા હોય એવી પીછવાશથી. આ ‘પીછવાશ’ શબ્દ મારા મનમાં અચાનક જ નીપજી આવ્યો છે. બિડાયેલાં પોપચાં પર કોઈ પીછું ફેરવે એની અનુભૂતીને હળવાશ કેમ કહેવાય? ‘પીછવાશ’ કહો.

આંખો ખરેખર સ્મૃતિઘેનમાં બિડાયેલી જ હતી. 1901 થી શરૂ કરીને 1932 સુધીની આથો આવીને કેફી બની ગયેલી સ્મૃતિ થોડી તૂટી. થોડી કડવી, થોડી તમતમતી અને છતાં પણ સમગ્રપણે મીઠી મીઠી અને મદીર.

“સુંદરી, તમારા વાળ….” સહઅભિનેતા રતિલાલે હળવેથી ફરી કહ્યું.

એકાએક સુંદરીની આંખો ઊઘડી ગઈ. કેશકલાપ પર ફરતો હાથ અટકી ગયો. ફરી આ ધરતી પર આવી જવાયું. પૂછ્યું “આવી ગયો ગાંયજો ?”

“આવી ગયો.” રતિલાલ બોલ્યા. “તમારી જ રાહ જુએ છે.”એટલી વારમાં ગાંયજો સાવ પાસે આવી ગયો.

“લો.” કહીને સુંદરીએ એના તરફ પીઠ કરી. વાળ વાળંદની સાવ સામે જ આવી ગયા. એણે હાથમાં કાંસકો અને કાતર લીધાં. વાળને પકડ્યા. સુંદરીએ સ્ત્રૈણ ચેષ્ટાથી માથું નમાવ્યું. જાણે કે વાળ ઓળવા બેસવાનું હોય. ફરી મન મક્કમ કર્યું. આંખ બીડી દીધી.

પણ કાતરનો પહેલો કર્કશ ઘસારો જેવો કાન પડ્યો કે તરત જ એમણે વાળંદનો હાથ પકડી લીધો. વાળંદ તરફ અને બીજા પાંચ મિત્રો એમની સામે ઊભા હતા એમની તરફ મોં કર્યું. બોલ્યા : “જુઓ છો ને સૌ ?સુંદરી હવે જતી રહે છે.” અને એ અટકીને બોલ્યા :“જયશંકર પ્રગટ થાય છે.”

છગન રોમિયો, કે જે વાતેવાતે હસી શકે, હસાવી શકે, અરે નજર માત્રથી હાસ્ય પ્રગટાવી શકે એની આંખમાં પણ આંસુનું ટીપું આવી ગયું.

જયશંકર સુંદરી બોલ્યા : ૧૯૦૧ ના ઓકટોબરની ઓગણીસમીએ ‘સૌભાગ્ય સુંદરી’ નાટકથી હું ‘સુંદરી’ બન્યો હતો. ખબર છે ?”

'સુંદરી'

‘સુંદરી’

ખબર તો સૌને હતી એ તવારીખની. પણ એ કલાકારના તરફડાટની કોને જાણ? ગેઈટીના (ગેઈટી થિએટર) મેઈક-અપના રૂમમાં જયશંકર ભુધરદાસ ભોજકના સ્થૂળ પુરુષદેહની નહિં, પણ નરચેતનાની કાયાપલટ થઈ હતી. એ વખતે સંકોચ થતો હતો. પુરુષ થઈને સ્ત્રીનાં લૂગડાં શરીર પર ચડાવાય ? ઘણાએ કર્યું હતું, માટે આપણે કરવું ? સવાલ-જવાબ, સવાલ-જવાબ અને અંતે એ ગડમથલનો ય નિકાલ: કરવું. પ્રથમ સ્ત્રીની બોડીસ(બ્રેસીયર)ને, પછી બ્લાઉઝને અને પછી ચણિયાને શરીર પર લગાડ્યો. એ જ ક્ષણે જાણે એક સંપૂર્ણ પુરુષ સંપૂર્ણ સ્ત્રીમાં પલટાતો હોય એમ લાગ્યું. સ્ત્રીની ચેતનાનું કળાસ્વરૂપ પેદા કરવા માટે ઊર્મિ જાગી. જયશંકરે પોતાનામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતી જોઈ. જેના કટિલા, મદભર અંગોમાંથી યૌવન નીતરતું હતું. જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય ઝળકી રહ્યું હતું. જેની આંખોમાં સખીસહજ ભાવો ઊભરાતા હતા. જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટતો હતો. જે પુરુષ નથી, માત્ર એક સ્ત્રી જ છે એવી એક છબીને એમણે અરીસામાં જોઈ. આ જયશંકર નથી. લજ્જામયી ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ લટકો, એ અભિનય, એ કામણ. શરીરના અંગપ્રત્યંગમાં મધુર ઝણઝણાટી થઈ આવી. એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું – પુરુષ નથી – નથી જ (નોંધ: આ શબ્દો જયશંકર સુંદરીના પોતાના જ છે).

A scene from Kamlata (194) - કામલતા (૧૯૦૪)નું એક દૃશ્યKashmir Nu Prabaht 1928 - કાશ્મીરનું પ્રભાત - ૧૯૨૮

“એ નથી જ – નથી જ – હું પુરુષ નથી – રંગમંચ ઉપર તો સ્ત્રી જ છું.” અભિનય મટીને એક અનુભૂતિ બની ગયો અને આમ રંગમંચ પર જ નહિં, પણ પ્રેક્ષકોના ચિત્ત સુધી પણ પ્રસરી ગયો. ગુજરાતી સમાજની સ્ત્રીઓની ઢબછબ, ફેશન, વસ્ત્રપરિધાનની છટા, એ બધા જ ઉપર ‘સુંદરી’ છવાઈ રહ્યા. એ ભ્રાંત ખોળીયું બરાબર બત્રીસ વરસ ચાલ્યું. એમનું નામ ‘જયશંકર ભોજક’ મટીને જયશંકર ‘સુંદરી’ પડી ગયું.

'Sundari''s attarctive pose - 'સુંદરી'ની એક મોહક અદા

પણ ૧૯૩૨ માં ‘સુંદરી’ ફરી કેમ પુરુષ બન્યા ? લાંબા વાળ કપાવવા બેસતી વેળા જયશંકરના મનમાં થોડીક કડવી યાદ છવાઈ ગઈ. પોતે અને પંડિત વાડીલાલ (સંગીતકાર, કે જે થોડા સમય માટે સંગીતનિર્દેશક જયકિશનના પણ ગુરુ રહ્યા હતા.) એક સાથે જ બાપુલાલ નાયકની મંડળીમાં જોડાયા હતા. પણ બાપુલાલની પ્રચંડ પ્રતિમા પાસે વાડીલાલને કાયમ થોડા દબાયેલા રહેવું પડ્યું. એમના હાથ નીચે એમને પોતાના જ નાટકોનું સુવાંગ દિગ્દર્શન એમને કરવું હતું, પણ બાપુલાલે એવી તક બક્ષી જ નહોતી. એટલે જરા પણ મનદુઃખ વ્યક્ત કર્યા વગર એમણે છૂટા પડવાનું નક્કી કર્યું હતું. અને એ પણ હકીકત હતી કે બાપુલાલને છોડ્યા પછી બીજી કોઇ નાટક કંપનીમાં જોડાવાનો વિચાર પણ થઈ શકે નહિં એવો પ્રગાઢ સ્નેહસંબંધ એમની સાથે હતો. એટલે પહેલાં પંડિત વાડીલાલ વાંસદા સ્ટેટની નોકરીમાં જોડાઇ ગયા હતા. અને એમના પછી ‘સુંદરી’ છૂટા થાય એમ નક્કી થયું હતું. નિર્ણયની જાણ બાપુલાલ નાયકને કરી ત્યારે એ ક્ષુબ્ધ પણ થયા હતા. એમણે જરા મોળા પડીને કહ્યું હતું : ‘જેલા, જઈશ જ?’

“હા.” જયશંકર બોલ્યા હતા :“આમેય મને તેંતાલીસ થયાં. હવે કામ કરવાની ઈચ્છા નથી. વિસનગર જઈને રહીશ. છોકરાઓનાં ઉછેર પ્રત્યે ધ્યાન આપીશ.”

થોડીવાર વિચારમાં ડૂબી રહ્યા પછી બાપુલાલ બોલ્યા હતા :“સારું, પણ મારી એક વાત રાખજે. બલકે મારું માન રાખજે. તે એ કે કશા પણ સન્માન સમારંભ કે ઢંઢેરા વગર તું છૂટો થજે. આપણી મંડળીના નટોને પણ જાણ થવા દઈશ નહિં. કહેજે કે તું લાંબી રજા પર જાય છે. એમ જ કહેજે –નહિતર શું થશે કે મંડળીની ઈજ્જત પર બહુ માઠી અસર થશે. આર્થિક રીતે પણ.”

જયશંકરે ચૂપચાપ એ સ્વીકારી લીધું. પણ મન ચચરી ઊઠ્યું હતું. મહોલ્લાનું એક ચકલું મરી જાય અને જેમ કોઈને એની પરવા જ ન હોય તેમ ૧૯૦૧ થી ૧૯૩૨ સુધીની એમની રંગભૂમિની સેવાઓ આમ મહોલ્લાના ચકલાની જેમ જ મરી જવાની હતી. હજારો પ્રશંસકો તો ખરા જ, પણ પોતાના હાથે તાલીમ પામેલા નટો, સ્નેહીઓ અને મંડળીના માલિકોને એમની સેવા બદલ એક અક્ષર પણ બોલવાની તક છીનવાઈ રહી હતી. (નોંધ:આ વાક્યો એમનાં પોતાનાં જ વાક્યો પર આધારિત છે.) છતાં મન મારીને બેઠાં રહેવા સિવાય બીજું કશું જ થઇ શકે તેમ નહોતું.

‘જેલાં’ બાપુલાલ નાયકે ફરી પૂછ્યું : “મારું આટલું વેણ આપીશ ને?”

સવાલ જ ક્યાં હતો ? આ બાપુલાલ નાયક, ભલે આજે આટલું મનદુઃખ થયું હતું, પણ વરસો અગાઉ ૧૯૦૧ ની સાલમાં પોતે જ્યારે કલકત્તાથી વિસનગર આવ્યા ત્યારે અમદાવાદ આવીને તેમની ઓળખાણ ફૂઆએ આ બાપુલાલ સાથે કરાવી હતી. એમની પાસે જયશંકરે શિષ્યભાવે ગીત ગાઈ બતાવ્યું હતું અને એનાથી રાજી થઈને આ જ બાપુલાલે એમના (જયશંકરના) ગળાની આસપાસ હાથ ફેરવ્યો હતો. અનુભવી આંખે નક્કિ કર્યું હતું કે બાર વર્ષના આ જયશંકરનો અવાજ પડી જવાને (પુખ્ત થવાને) કેટલા વરસની વાર છે? એ પછી કેટલુંક ઉર્દૂ ગદ્ય બોલાવ્યું હતું ને છેવટે રાજી થઈને રૂપિયા પચ્ચીસના માસિક પગારે એને નોકરી રાખી લીધો હતો. એ પછી મુંબઇ લઈ ગયા હતા અને ગેઈટી થિએટર (પાછળથી મેજેસ્ટિક સિનેમા) માં પ્રવેશ આપીને જયશંકર ભોજકને જયશંકર ‘સુંદરી’ બનાવ્યા હતા.

હવે છૂટા થવાની વેળાએ એમની આટલી નાનકડી માંગણી કેમ ઉથાપાય? જયશંકરે જરા પણ વેદના ના કળાઇ જાય તેની ચોંપ રાખીને કહ્યું :“ભલે,તમે કહો છો ને એટલે નહિ કરું. ” કડવો ઘુંટડો ગળે ઉતારીને બોલ્યા :“રાજીખુશીથી કરીશ.”

Sundari-After retirement-1932 'સુંદરી' - ૧૯૩૨માં નિવૃત્તિ સમયે

એમ જ કર્યું હતું. ‘લાંબી રજાઓ પર વિસનગર જાઉં છું’ એમ જ સૌને કહ્યું હતું. પણ નજીકના પાંચ મિત્રો છગન રોમિયો, રતિલાલ મનસુખલાલ(સૂંઢિયા), પ્રેમશંકર વ્યાસ, પ્રાણસુખ નાયક, અને કૃષ્ણલાલ મારવાડી આખી વાત સમજી ગયા હતા. વિદાયના એ દિવસે તારીખ ૨૯-૪-૧૯૩૨ ને શુક્રવારે અમદાવાદની સુંદરીની ઓરડીમાં સૌ એકઠા મળ્યા હતા. એમના હાથમાં ફૂલના હારતોરા, નાસ્તો, ચાનું થર્મોસ, પાન, સિગારેટ હતાં. હતી તો વિદાય પાર્ટી, પણ કોઈના મોં પર ઉલ્લાસ નહોતો. જયશંકરે કહ્યું કે આ ફૂલહાર તો હું નહિ સ્વીકારું, કારણ કે હવે રંગમંચ ક્યાં ? એ પ્રેક્ષકો ક્યાં ? ફૂલોના ગુચ્છા ફેંકનારા ક્યાં ? હવે જો ફૂલ મારા નસીબમાં નથી, તો આજે પણ ફૂલ શા માટે મારે ગળે ઘાલું ? માટે એને ટેબલ પર જ રહેવા દો. હા પણ હું મારી વ્હાલી વસ્તુઓ તમને સોંપી રહ્યો છું.

સૌ અવાક્ થઈ જોઈ રહ્યા. એવી તે વળી કઇ વહાલી વસ્તુઓ ?

Sundari-Group at the time of retirement-1932 નિવૃત્તિ સમયે, 'સુંદરી' તેમના સહમિત્રો સાથે

“આ…” એમણે મેક-અપનો સામાન પ્રાણસુખ નાયક તરફ લંબાવ્યો. “આ હું તમને આપું છું, પ્રાણસુખ. કારણ કે હું નિવૃત્તિમાં ઘરે લઈ જઈશ તો નિવૃત્તિમાં પણ એમને પીડ્યા કરશે.” એવી જ રીતે છગન રોમિયોને નાટકોનાં પુસ્તકો આપ્યાં. કોઈને હારમોનિયમ પેટી આપી. કોઈને કંઈ, કોઈને કંઈ. પછી સૌની ઈચ્છા હતી એટલે ગૃપ ફોટો પણ લેવરાવ્યો અને પછી બોલ્યા :“હવે કોઈ જરા ગાંયજાને બોલાવશો ? મારે વાળ કપાવી નાંખવા છે.”

સૌને માથે વીજળી પડી.

સુંદરી બોલ્યા :“હા, હવે સુંદરીના વાળ કપાવી નાંખવા પડશે ને મૂછો ઉછેરવી પડશે. ઢીલ ના કરો ભાઈઓ, ગાંયજાને બોલાવો.”

હવે અત્યારે આ ક્ષણે આ ગાંયજાના હાથમાં ‘બત્રીસ વરસ’ની સુંદરીના વાળ પકડેલા જોઈને એમને એક સાથે આ બધી સ્મૃતિઓ ઊમટી આવી. ખરેખર સૌ તરફ મોં કરીને ભૂતકાળની વાતો કરી લીધી. પછી હોઠ બીડીને બહુ મક્કમતાથી બોલ્યા : ‘મેલ કાતર, ભાઈ ગાંયજા, મેલ કાતર…..’

ગાંયજે (વાળંદે) એમના વાળ પર કાતર મૂકી અને વાળનો પહેલો ગુચ્છો જમીન પર પડ્યો એ જ ઘડીએ શું થયું ? જે થયું તે કોઈ પણને માટે અણધાર્યું હતું, જયશંકર ‘સુંદરી’ અચાનક છુટ્ટા મોંએ, હીબકે હીબકે રડી પડ્યા. ચોધાર આંસુએ, ધ્રુસકે ને ધ્રુસકે.

કોઈ કશું જ બોલી ના શક્યા. કોઈ એમને છાના પણ રાખી ના શક્યા. વાળ કપાઈ ગયા ત્યારે કોઈએ પૂછ્યું : “જેલાભાઈ, તમે આમ રડી કેમ પડ્યા ?”

“એ તો…..”જયશંકર સુંદરી બોલ્યા :“હું રડ્યો ક્યાં હતો ? એ તો સુંદરીના કાનમાં મુકાયેલી જયશંકરની પ્રાણપોક હતી. ”

**** **** ****

૧૯૬૨ પછીની એકાદ સાલની એકાદ સવાર.

“મારું વીલ વાંચ, ભાઇ.”એમણે પુત્ર દિનકર ભોજકને કહ્યું.

“કેમ ?”પુત્રે પૂછ્યું, “શી ઉતાવળ છે ? તમે તો હજુ ઘણું જીવવાના છો.” છતાં એમણે આગ્રહ કર્યો. ક્યારેય ન વંચાયેલું વીલ પહેલીવાર વાંચવામાં આવ્યું. પુત્ર સ્વસ્થતાથી વાંચતો હતો : પુત્ર વિદ્વાન છે એમ.એ; બી.એડ્ અને પી.એચ.ડી. છે. સ્વસ્થ માણસ છે. શાંતિથી વાંચતો હતો. છતાં વીલ વાંચતાં વાંચતાં તેનાથી એકદમ રડી પડાયું.

“કેમ ?કેમ ?”જયશંકરભાઈએ પૂછ્યું.

પુત્રે આંખો લૂછી :“તમે આ વીલમાં મારા મૃત્યુ પછી આમ કરજો, તેમ કરજો, તમે સૌ ભાઈઓ અને બહેનો સંપીને રહેજો એમ લખ્યું છે. અરે તમારા મૃત્યુના ઉલ્લેખ માત્રથી જ મારાથી હચમચી જવાય છે. વીલમાં આવું શા માટે લખ્યું ?”

એ હસીને બોલ્યા :“જીવવાની ઈચ્છા કોને ન હોય ? સુંદરીના વાળ ઉતરાવીને વિસનગર આવ્યો ૧૯૩૨ માં ત્યારે ક્યાં ખબર હતી કે હજુ આટલાં વરસ જીવીશ ?પણ હવે લાગે છે કે લાંબુ જીવ્યો. બહુ લાંબુ.”

એ ક્યાં લાંબુ જીવ્યા હતા?. એ તો ઊંડુ જીવ્યા હતા. 1932 ની સાલમાં વિસનગર આવીને એકદમ ખાલીપો અનુભવતા હતા. એટલે સાહિત્યિક મંડળની સ્થાપના કરી હતી, પણ કામ તો નાટકનું જ કર્યું હતું. રસિકલાલ પરીખનું ‘રૂપિયાનું ઝાડ’ અને દુર્ગેશ શુક્લનું ‘એક સ્વપ્ન’ નામનું એકાંકી ભજવ્યું.

સુંદરી' દિના ગાંધી (પાઠક) અને અન્ય દક્ષિણ ભારતીય કલાકાર સાથે

સુંદરી’ દિના ગાંધી (પાઠક) અને અન્ય દક્ષિણ ભારતીય કલાકાર સાથે

‘એક સ્વપ્ન’માં તો એમણે એક દૃશ્યમાં સ્વપ્નનો આભાસ ઊભો કરવા માટે નવતર પ્રયોગ કર્યો. મચ્છરદાનીના કાપડના પડદા પછવાડે પેટ્રોમેક્સ સળગાવીને (વિસનગરમાં એ વખતે ઇલેક્ટ્રસિટી ક્યાં હતી ?) દૃશ્યઆયોજન કરેલું. એ રીતે જૂની રંગભૂમિનો આ મહારથી એકાએક નવી રંગભૂમિમાં આવી ગયો. પછી તો સાંકળચંદ પટેલ, રમણિકલાલ મણિયાર, જનિન્દ્ર આચાર્ય, સોમપ્રસાદ માસ્તર અને ડૉ. રમણીકલાલ કવિ (પ્રખ્યાત સંગીતકાર રાસબિહારી દેસાઈના પિતા) સાથે રહીને ‘શંકિત હૃદય’ ભજવેલું. ડીરેક્ટ કરેલું. આમ ૧૯૪૮ સુધી વિસનગર રહ્યા પછી ફરી જશવંત ઠાકર અને મિત્રોનું તેડું અમદાવાદથી આવ્યું હતું એટલે વગર પગારે માત્ર નાટ્યસેવાની ભાવનાથી બાર વર્ષ એટલે કે ૧૯૬૨ સુધી અમદાવાદ રહ્યા. નટમંડળની પ્રવૃત્તિઓ કરી. નટોને તાલીમ આપી અને પ્રાર્થના સમાજની એક ઓરડીમાં પડી રહ્યા અને હાથે રસોઈ બનાવીને જમ્યા. પૈસો-પગાર લીધો નહોતો પણ અંતે તબિયત લથડતાં ૧૯૬૨માં પાછા વિસનગર આવ્યા હતા અને આવીને પહેલું કામ વીલ કરવાનું કર્યું હતું. જે વીલ વાંચતાં વાંચતાં વિદ્વાન પુત્ર દિનકર ભોજક પણ પોચા પડી ગયા હતા.

વીલ વાંચતાં વાંચતાં દિનકરે અટકીને પૂછ્યું :“તમારી અંતિમ ઈચ્છા શી છે ?”

“તમને જ્યારે એમ લાગે કે મારી અંતિમ ઘડી આવી છે ત્યારે શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકનો એકાદો ફકરો મારી પાસે બેસીને વાંચજો. મારી તો ઈચ્છા સમાધિમૃત્યુ પામવાની છે. બાકી તો ઈશ્વરેચ્છા કે શું થાય છે.”

એમ જલ્દી તો શું થવાનું હતું. એમની દિનચર્યા નિયમિત હતી. વહેલા ચાર વાગ્યે ઊઠવું. શ્રીમદ્ રાજચંદ્રનું ધ્યાન ધરવું. જાતે ચા બનાવીને પી લેવી. ફરવા જવું. એક વાટકો રાખ્યો હતો. એમાં બધું એકઠું કરીને ખાઈ લેવું. કોઈ રંજ ન હતો, કોઈ ફરિયાદ નહોતી. જાતમાં જ મસ્ત. આમ ૧૯૬૨ પછી પણ તેર વર્ષ કાઢ્યાં.

૨૦ મી જાન્યુઆરી ૧૯૭૫ ને સોમવારે એમની તબિયત લથડી . પુત્રે કહ્યું :“બાપુજી,તમને ઉપરના માળે તકલીફ પડશે. ચાલો, તમને નીચે લઈ જઈએ.”

એમણે કંઈક વિચારીને જવાબ આપ્યો :“બુધવારે નીચે જઈશું.”

બુધવારે ૨૨ મી જાન્યુઆરી. સવારે ઊઠીને બોલ્યા :“દિનકરભાઈ, જુઓ તો પ્રભાત થયું ?”

“હા, ભાઈ! ”દિનકરભાઈ બોલ્યા :“પ્રભાત થયું.”

એ પછી દિવસ દરમ્યાન ઘણું બની ગયું. પણ સાંજે પાંચ ને પંચાવન મિનિટે એમણે દિનકરભાઈનો એક હાથ પોતાના હાથમાં લીધો. બીજો હાથ લીધો પરમ મિત્ર સુરેશભાઈ હાડવૈદ્યનો. સવારે ઊગતું જોયેલું પ્રભાત સાંજે પણ એમના દિપ્તિમય ચહેરા પરથી વિલાયું નહોતું. આંખમાં ચમકારો આવ્યો. એટલે દિનકરભાઈએ રડતાં રડતાં શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકનો એમને ગમતો ફકરો વાંચવાનો શરૂ કર્યો. જયશંકરભાઈ સંપૂર્ણ સંપ્રજ્ઞાવસ્થામાં હતા. શબ્દેશબ્દ પી રહ્યા હતા. પછી સમાધિમાં ઊતરતા હોય એમ આંખો મીંચી. અને પવનની એક લહેરખી હળવેથી પસાર થઈ જાય એમ જ….

પ્રશ્ન એ થાય છે કે ૧૯૩૨ ની સાલમાં ૨૯ મી એપ્રિલે સુંદરીના કેશ ઉતરાવતી વખતે જયશંકરભાઈએ ‘સુંદરી’ ના કાનમાં પ્રાણપોક મૂકી હતી એ વખતના મૃત્યુને મૃત્યુ ગણવું કે ૧૯૭૫ માં થયેલા એમના દેહાવસાનને?

**** **** ****

દીનકર ભોજક સાથે લેખક, રજનીકુમાર પંડ્યા

દિનકર ભોજક સાથે લેખક, રજનીકુમાર પંડ્યા

(નોંધ: દિનકર ભોજકનું પણ તાજેતરમાં અવસાન થયું છે.)


લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા : બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૦

મોબાઇલ : +91 98980 15545 /વ્હૉટ્સએપ : + 91 95580 62711/ લેન્ડ લાઇન – +91 79-253 23711

ઈમેલ : rajnikumarp@gmail.com | બ્લૉગ: http://zabkar9.blogspot.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

14 Comments

 • સુમંત શિકાગો says:

  રજનીભાઇ,
  એક્કી શ્વાશે લેખ પુરો થતા હજુ વધુ લખાણ હશે એમ લાગ્યુ, પણ નિરાશા.
  એકે એક લેખ હ્ર્દયના કોઇક ખુણે લપાઇને બેસી જાય છે. લેખની શરૂઆત એવી કે લેખ પુરો કર્યા વગર ઉઠાય જ નહીં.
  થોડુક વધારે
  .https://www.youtube.com/watch?v=Fy5PGuP0ivc

  • Gulabrai D. Soni says:

   રજનીભાઈ, સુંદરીનો આર્ટીકલ બહુ સરસ છે.મને યાદ છે મેં એક નાટક જોયેલું નામ ભૂલી ગયો છું.પણ તેનું એઈ ગીત હતું ભારી બેડા ને હું તો નાજુકડી નાર…બહુ નેચરલ અભિનય હતો.

 • pragnaju says:

  ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે જયશંકર ‘સુંદરી’નું પ્રદાન સીમાચિહ્નરૃપ છે.
  યાદ આવે-‘ જ્યારે અમારી દીકરીના સમાચારપત્રોમા સમાચાર વાંચ્યા કે ‘પૂર્ણ અભિનયક્ષમતા તથા વાંચનક્ષમતા ધરાવતા નાટકો લેખિકા યામિની વ્યાસ દ્વારા લિખિત નાટક વ્હાલના વારસદાર . મા અને અપંગ સંતાનની વાત.રાયખડ સ્થિત જયશંકર સુંદરી હોલ રજુ થશે ત્યારે અમે જૂની રંગભૂમિના મશહૂર સ્વર્ગસ્થ અભિનેતા જયશંકર ભોજકને સ્મરણાંજલીને યોગ્ય પાત્રતા કેળવાય તેવા આશીસ આપ્યા હતા.
  તેમનો પ્રશ્ન – ૧૯૩૨ ની સાલમાં ૨૯ મી એપ્રિલે સુંદરીના કેશ ઉતરાવતી વખતે જયશંકરભાઈએ ‘સુંદરી’ ના કાનમાં પ્રાણપોક મૂકી હતી એ વખતના મૃત્યુને મૃત્યુ ગણવું કે ૧૯૭૫ માં થયેલા એમના દેહાવસાનને? અમારે માટે પણ કોયડો છે.
  શ્રીરજનીકુમાર પંડ્યાજીએ જુની યાદો તાજી કરી ધન્યવાદ તેઓના હંમેશ જેમ ખૂબ સ રસ લેખની પૂર્તિમા-
  Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન | જયશંકર સુંદરી
  Video for જયશંકર સુંદરી▶ 12:21
  https://www.youtube.com/watch?v=Fy5PGuP0ivc
  Jan 20, 2014 – Uploaded by Maulik Bhuptani
  ” જયશંકર સુંદરી | JAYSHANKAR SUNDARI | સર્જક અને સર્જન, ગુજરાતી સાહિત્યકાર, પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી, મહામાત્ર, ગુજરાત સાહિત્ય …

 • Sharad Shah says:

  અતિસુંદર લેખ. આજની પેઢીને ભાગ્યેજ ખબર હશે જયશંકર સુંદરી અને તેમના જીવન વિષે. આ ઓલિયાને સલામ અને લેખકને પણ.

 • Ghanshyamsinh Dabhi says:

  ઘણી નવી વાતો જયશંકર સુંદરી વિશે જાણવા મળી.
  ભરૂચ GNFC ખાતે શ્રી ભેજક સાહેબ હતા જે કદાચ એમના કુટુંબીજન હતા.

 • mahendra shukla says:

  What a treasure,what a great contribution by Rajnibhai.Kindly accept our sincere thanks.

 • બહુ જ સરસ લેખ. અહીં ઉમેરી દીધો.
  https://sureshbjani.wordpress.com/2013/03/02/jayshankar-sundari/

 • anand rao says:

  Rajanibhai,
  I read your article about JaiShanker Sundari.
  What a highly charged, emotional retirement !! The first cut of his hair !! Very touching moment.
  ”Jayshankere potanamathi ek sunder navyauvanane chhooti pdadati joi”.
  You are preserving the treasures of history, Rajanibhai.
  I think there is theater named after him in Amdavad. Right?
  There is no mention of his wife. How was she feeling about his female character?
  Thank you … so much.

 • આપણા એક મહાન અભિનેતા વિશે અદભુત લેખ.
  ૧૯૫૦ના દાયકામાં અમદાવાદની કોલેજમાં ભણતો હતો ત્યારે પ્રેમાભાઈ હોલમાં ‘મેના ગુર્જરી’ નાટક જોયેલું. એમાં જયશંકરભાઈ પણ હતા — લાકડીના વિવિધ રીતે ટેકો લઈને (એ એમની અભિનયકળા પર વારી જવાયું હતું!) ઊભેલા એ નજર સામે દેખાય છે!
  લેખમાં ‘સુંદરી,’ દિના ગાંધી (પાઠક) … ફોટો જોતાં જયશંકરભાઈ ‘મેના ગુર્જરી’ નાટકમાં જોયા હતા એવા જ લાગ્યા.
  નાટકમાં મારી યાદ મુજબ દિનાબહેને મેનાનું પાત્ર ભજવ્યું હતું.
  –ગિરીશ પરીખ
  મોડેસ્ટો કેલિફોર્નિયા

 • Navin Trivedi says:

  Shri Rajnikumarbhai – whatever may be your age but after reading this article, we have every right to believe that you were with them in those days. Your writing does not allow us to get up from our seat. Some of the artists/actors of those year I have seen them performing – for example Pransukh Nayak and Dina Gandhi in “Patta ni Jod” :Mena gurjari” etc – Chhagan Romeo = many of his performances in Bhangwadi theatre Mumbai – heartily enjoyed the article

 • રજનીકુમારજી,

  આપ પાસે જે ખજાનો છે તે એક સંગ્રહાલય સમાન છે. આવા જ લેખો આપાતા રહો અને ઇતિહાસને મમળાવવાનો આનંદ આપતા રહો.

 • મનસુખલાલ ગાંધી says:

  ઘણી નવી વાતો જયશંકર સુંદરી વિશે જાણવા મળી.અતિસુંદર લેખ………………

 • Bipin Desai says:

  Jayshanker Sundari and Chhan Romeo two of the greatest Artists….Seen then both…Chhan Romeo died at Baroda (Vadodara) during 100 the night of his dramma. As a Child I
  witenessed his “Smashan Yatra” !!!!!!

 • Bipin Desai says:

  Sorry : it must be “chhagan Romeo” !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME