મિત્રો,

૫-૭-૫ શ્રુતિવાળું આ કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે, એટલું વધારે સંકુલ છે. આપ સૌ જાણો છો કે કાવ્યમાં ધ્વનિ મહત્ત્વનો છે. શબ્દસ્થ થયેલી પંક્તિમાંથી ઊઠતી વ્યંજના આપણને ચિત્તમાં અર્થ પ્રગટાવતાં તે આનંદ-આહલાદ આપે છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર  હૃદયને સ્પર્શતાં તે કવિતા બને છે.

આપણી ભાષામાં સૉનેટ-ગઝલ-રૂબાઈ  જેવા કાવ્ય-પ્રકારો  વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. એ જ રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી  સ્નેહરશ્મિના હાથે જાપાનીઝ કાવ્યપ્રકાર હાઈકુ અવતર્યું, ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં, આપણે જાણીએ છીએ તેમ, રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલો-મુક્તકો કહેતા. આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ૫-૭-૫-૭-૭-ની શ્રુતિ રહેતી. તેમાંથી સત્તરમી સદીમાં  (૧૬૪૪-૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તે ‘હાઈકુ’ કહેવાયું. તેમણે તાન્કાની આરંભની ૫-૭-૫ ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેને ‘હોક્કુ’ કહી. પછી સમય જતાં તે ‘હાઈકાઈ ‘ નામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયું ‘હાઈકુ’ !

હાઈકુ વિશે બાશોનો મત આ પ્રમાણે છેઃ જ્યારે સંવેદનશીલ મન જડ-ચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે – તે પણ ૫-૭-૫ની શ્રુતિમાં જ, ત્યારે તે હાઈકુ બને ! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવકમનમાં જન્મે.

આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે, કોઈ સદ્‍વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે. રોજ સવારે ખીલતાં પુષ્પો રોજ નવું દર્શન કરાવે, નવો પથ આપે,પ્રકૃત્તિનાં તત્ત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે, જે નવજીવન પ્રેરે.

આમ, હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિનાં તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવકચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિયવ્યત્યયો, ભાવવ્યત્યયો, પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે, વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચક-ભાવકના ચિદાકાશમાં  સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે !

આપણે ત્યાં આવાં લઘુ કાવ્ય-સ્વરૂપ  મુક્તક, સુભાષિત, ઉખાણાં કે લાંબાં કાવ્યોમાં સૂત્રાત્મક પંક્તિઓ આવતાં, તે દ્વારા કવિ બોધાત્મક ભાવને ઉપસાવતા. યાદ રહે કેહાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. લઘુકાવ્યના સ્વરૂપથી પણ અલગ, એટલે કે હાઈકુમાં કશું બોધાત્મક હોય; પ્રકૃતિનું  શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે.
હાઈકુને બોલવા દો, કવિ તમે બોલોએમ કહેવાય.

એનો અર્થ એવો થયો કે ૫-૭-૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું, તેમાંથી ઊઠતી વ્યંજના કે ઊઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય ! તે ચાક્ષુષ થાય, ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું.

મિત્રો, ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું. બંનેની અલગ તાસીર રહેવાની કારણ કે બંને ભાષાઓનાં કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષામાં નામ, ક્રિયાપદ, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે એટલે ત્યાં પદક્રમ મહત્ત્વનો છે, જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ ન મૂકાય, પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુ-વિભાવના અહીં ખપમાં ન લાગે. છતાં તે  આપણું હાઈકુ કહેવાય.

મિત્રો, આપણે જાપાનીઝ બનાવટની ચીજ-વસ્તુઓથી પરિચિત છીએ. એમની નાનામાં નાની ચીજવસ્તુની બનાવટ અદભુત ફિનિશીંગવાળી હોય છે, જોતાં જ તેનું આકર્ષણ થાય ને લેવા મન લલચાય. તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને ય બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો ? જાપાનીઝ પ્રજાની આ કલા-પ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.

હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટુકડાઓ હોય છે. તેના વડે આકાર-આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મન-વિસ્મય સાથે આહ્‍લાદ અનુભવે છે, હરખાય છે ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫-૭-૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંનાં આખાં રંગીન  આકૃતિ-ચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. એ જ રીતે આ સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીંત્યાં કરીએ-બદલીએ ને ભાવ પલટાઈ જાય, અર્થ બદલાઈ જાય. એમ આનંદદાયક અર્થો, ભાવો મળતા રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

આમ, હાઈકુની અસલિયત એ કવિની અનુભૂતિની અસલિયત છે. એ ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે, ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે ! આ બધું ખૂબ સહજ- સ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ ! તેમાંથી જે સુખ-દુઃખ, વિસ્મય, આઘાત-પ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે જ હાઈકુનો પ્રાણ ! તેમાંથી ભાવકેભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે, તેટલા અંશે તેમાં સાચું હાઈકુતત્ત્વ ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો સાક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં  રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળ-કાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવકચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય, તેના તર્ક બુદ્ધિ વળોટી જાય  ને આનંદ મૂર્ત કરે.

હાઈકુ વિશેની મારી આવી સમજને આધારે મેં આપે મોકલેલાં હાઈકુમાંથી જેને હાઈકુ કહી શકાય, એવાં ૬ હાઈકુ તારવ્યાં છે. એમાંથી જે અર્થ-વ્યંજના-ધ્વનિ સમજાય તે લખો… તો મજા પડે.

ઋતુ બદલી
કળીઓનું બગાસું
વસંત આવી.                  નીતિન વ્યાસ

વીજળી થઈ,
આભમાં હસ્તાક્ષર
કોના હશે એ ?               દેવિકા ધ્રુવ

પતંગ ચગે
પવન પીછો કરે
કપાઈ પડે !                   ઇન્દુબેન શાહ

આભ ઉદાસ
ઝીલાયાં અશ્રુ પર્ણે
કળી ઉઘડે.                    ઈન્દુબેન શાહ

વગાડ્યો બેલ
ખોલશે એ અંદરથી
ઘર તો સૂનું !                 ચીમન પટેલ

 

આખા ઘરમાં
તારી એક આ છબિ
જીવાડે મને.                   ચીમન પટેલ.

 

બાશોએ કહ્યું છે કે એક હાઈકુમાંથી જેટલા વધુમાં વધુ અર્થ-સંકેતો પ્રાપ્ત થાય, તે ઉત્તમ હાઈકુ !
આવાં જે વધુ હાઈકુ આપે તે હાઈકુનો મહાકવિ કહેવાય !!!.

– યોસેફ  મેકવાન (જાન્યુ. ૨૦૧૪)

સંપર્ક- ૯૮૨૪૧૭૬૬૭૫. ( અમદાવાદ )

(સાહિત્ય-જગતમાં યોસેફ મેકવાનના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. તેમણે ૧૯૬૩થી ૧૯૯૭ સુધી “સ્નેહરશ્મિ” સાથે સી.એન.વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવાઓ આપી છે અને હાઈકુ વિષે ઘણી ચર્ચાઓ કરી છે. યોસેફ મેકવાન સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાની ૨૦મી સદીની મુખ્ય ધારાના મુખ્ય કવિ છે. ’સ્વગત’, ‘સૂરજનો હાથ’, ‘અલખના અસવાર’, ‘અવાજના એક્સરે’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે; જે બધા જ ઈનામને પાત્ર ઠર્યા છે. તેઓ કવિતા ઉપરાંત નવલિકા, નિબંધો, કાવ્ય રસાસ્વાદો પણ લખે છે અને તે બધાં પુસ્તકો રૂપે પ્રગટ પણ થયાં છે. વિશેષમાં, બાઇબલમાંના Psalmsનો ‘સ્તોત્રસંહિતા’ નામે છંદોબધ્ધ ગુજરાતી અનુવાદ એ તેમનું અનન્ય કામ છે, જે ભારતમાં માત્ર ગુજરાતીમાં જ થયું છે. આ ઉપરાંત બાળ-સાહિત્યમાં તેમણે તદ્દન મૌલિક બાળવાર્તાઓ આપી છે જેને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી ૨૦૧૨નો પુરસ્કાર એનાયત થયો છે. તેમણે સાહિત્ય અને ધર્મના આશયે યુરોપયાત્રા પણ કરી છે. 
હાઈકુ ઉપરનો આ લેખ હ્યુસ્ટન (અમેરિકા) ખાતેનાં આપણાં ગુજરાતી સાહિત્યપ્રેમીજનોએ શરૂ કરેલી ‘હાઈકુ વર્કશોપ’ને સંબોધીને પત્ર સ્વરૂપે લખેલો હતો, જેને અત્રે પ્રસિદ્ધ કરવા માટેની સંમતિ આપવા બદલ માનનીય મેકવાન સાહેબનો ખૂબ ખૂબ આભાર.)

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

34 Comments

 • એક સિદ્ધહસ્ત લેખક દ્વારા લખાયેલો હાઈકુ વિશેનો સુંદર માહિતી લેખ

 • devikadhruva says:

  આનંદ સહ આભાર.

 • vijay joshi says:

  જાપાનીઝ હાઈકુનો આરંભ મુખ્યત્વે નિસર્ગ સાથે સંકળાએલો રહેલો છે. તેથી મારા લખેલા નિસર્ગ પ્રધાન હાઈકુ પ્રસ્તુત મુકું છું.
  ————-
  ઊડી સુગંધ
  ભ્રમરને સંગાથે.
  ઉપવનમાં.
  ——————–
  બાગમાં ફૂલોં
  વરસાદે પલાળ્યા
  ભીની સુગંધ.
  ——————
  ઝાપટું આવ્યું
  થોભીજા કીધું તો ય
  પલાળી ભાગ્યું.
  ———————
  ઉજાસ આવ્યો
  દીવા નીચે સંતાણું
  કાળું અંધારું.
  ————————
  અસહ્ય ગર્મી
  બેઠો ઝાડની નીચે
  થાકેલો છાંયો.
  ———————–
  ઠંડો શિયાળો.
  રાતના અંધારામાં
  ધ્રુજે સિતારા.
  ——————-
  ઝાકળ પડી
  લીલી ઓઢણી પર
  ચમક્યાં મોતી.
  ———————–
  પવન લાવ્યો
  રૂક્ષ પીળા પાંદડા.
  કબ્રસ્તાનમાં.

  વિજય જોશી

  • વાહ, ભાયા વાહ ! એકેએક હાઈકુ સર્વાંગસંપૂર્ણ છે. લખતા રહો અને એકાદી P નહિ તો E Book બહાર પાડો. ઘણા વિષયો અને ઘણા રસોને આવરી શકાય.

 • pragnaju says:

  મૂળ જાપાન નું હાઇકુ

  古池や
  蛙飛込む
  水の音

  ……………………..
  ઉઠે વ્યંજના
  ધ્વનિ આંખ સાંભળે-
  કર્ણ ચાક્ષુસ !
  ……………………………
  અમને ગમતું સ્નેહરશ્મિનું હાઈકુ

  ફૂલ – પાંખડી
  રંગ – રંગી, ને ભ્રમે
  કાળો ભ્રમર !

 • સકળ વેગુજનને નિમંત્રણ છે કે અહીં પ્રતિભાવમાં પોતાનાં સર્જનો પૈકીનાં પોતાની દૃષ્ટિએ બેત્રણ ઉત્તમ હાઈકુ લખે અને જો નોંધપાત્ર સંખ્યા થાય તો સંપાદકમંડળ હાઈકુસંગ્રહની ઈ-બુક પણ બહાર પણ પાડી શકે છે. .

 • સૂર્યાગમને,
  નિશાચર સંતાડી,
  નિશા ભાગતી !
  *****
  ઇક્ષુપિલાણે
  શ્વેત વિષ સર્જાતું,
  શુગરમિલે !
  *****
  ઘેઘુર વડ,
  લંબાવે વડવાઈ
  ભાર ઝીલવા !
  *****
  વીજખડગે
  વાદળ ચિરાતાં, ને
  વારિ દદડે !
  *****
  વીજ ત્રાટકે,
  ના પ્રજળે, જુઓ ને
  રૂ-પુંજ વાદળો !
  *****
  ભૂ છલાછલ,
  વાદળમાથે સાવ,
  કોરું ધાકોડ !
  *****
  વ્હેલી પરોઢે,
  કાગ જગાડે ખગ,
  ’ભોર ભઈ, લ્યાં !’
  *****
  સૂરજમુખી,
  સૂર્યભણી મિટડે,
  નવ અંજાતું !
  *****
  પ્રસવે માતા,
  બે જીવમાંથી થાતી,
  એકલો જીવ !
  *****
  ખેતમૂષક,
  નહિં હોય લ્યા ભાઈ,
  યુરોપિયન ?
  *****
  મધ્યમવર્ગી
  ઘંટીપડિયાં વચ્ચે,
  રોજ પિસાતો !
  *****
  થઈ ભૂલકું,
  થાઉં ભુલક્કડ, હા
  મજો મજો ભૈ !

  – વલીભાઈ મુસા

  (મારા બ્લોગ ઉપર મુકાએલાં તાજાં હાઈકુ)

 • devikadhruva says:

  પાંદડાના આ
  દરબારે, કળીનો
  રાજ્યાભિષેક !

  click this link-
  http://devikadhruva.wordpress.com

 • બાળપણમાં લખેલા ત્રણ હાઈકુઓ :

  બેઠી કોયલ
  મધુરા ગીત ગાતી
  આમ્રની ડાળે

  બેઠો પોપટ
  કનકના પીંજરે
  ઉદાસ ઉરે

  ગગનભેદી
  પ્રભાકર કીરણો
  ગમ્યાં ધરાને

 • perpotoumesh says:

  પવને મસ્ત ,બજાવે કરતાલ ,સુકેલા પર્ણો

 • venunad says:

  માહિતિસભર લેખ આપવા બદલ ખૂબજ અભિનંદન!

 • chaman says:

  પવન ફૂંક
  પાંદડા સાફ બધા;
  યાર્ડ હસતું!
  ******
  એને જોઇને
  ઉભો રહી ગયો હું;
  દિલ દોડતું!
  ******
  ગુસ્સામાં ચાલે
  જીભ એવી તો જલ્દી-
  મગજ નહિ?
  ******
  રૂપતો ઘણું
  દિલને ચીરે એવી-
  નજર ક્યાં છે!!
  *******
  ઊડવું મારું,
  એક પાંખનું હવે-
  ઊડવું રહ્યું!
  ******
  મારું રુદન,
  ન જોઇ શક્યા મિત્રોઃ
  મુખ હસતું!
  *******
  સીતા સમી તો
  પત્ની મળી; કેમ એ
  રાવંણ બન્યો?
  *******
  ઘર કામમાં
  મને જોઇ, ફોટામાં
  એ મલકાય!!
  *********
  બાપતો બન્યો
  માના ખોળામાં ઊંઘે-
  ઘસઘસાટ!!
  *********
  સુનામી પછી
  સમજાયો સહુને;
  પાણી પ્રકોપ!
  **********
  બાળક ભુખી,
  દત્તક લીઘા પછી-
  બની સગર્ભા!
  ***********
  ચીમન પટેલ “ચમન”

  વલી ભાઇનો વિચાર ગમ્યો ને મેં મારા ટપકાવી દીધા.

 • ઊડવું મારું,
  એક પાંખનું હવે-
  ઊડવું રહ્યું!

  હશે, મારા ભાઈ ! એક પાંખ કપાઈ ગઈ, પારાવાર દુ:ખ થતું પણ હશે; પણ એક પાંખેય ઊડ્યા વિણ છૂટકો ખરો ? અમારી પાસે સાંત્વનાના બે શબ્દોથી વિશેષ તો શું હોય; ઊડતે રહો, ચીમનભાઈ !

 • બાળકભૂખી,
  દત્તક લીઘા પછી-
  બની સગર્ભા!

  આને કહેવાય, વિધિની વક્રતા ! પણ, દત્તક લેવાએલું બાળક નસીબદાર હોં કે ! બોલો, એ દત્તક ન લેવાયું ત્યાંસુધી પેલી બાઈ કંઈ ગર્ભવતી થઈ ખરી !

  = = = = =

  ઘર કામમાં
  મને જોઇ, ફોટામાં
  એ મલકાય!!

  એ મલકાટ એમ સૂચવે છે કે ‘ડિંગો, હું હયાત હતી; ત્યારે કદીય ઘરકામમાં મદદ કરતા હતા ? હવે માથે પડ્યું; તો કેવું કરવા માંડ્યા, હેં !’

 • Indu Shah says:

  હર્ષ સાથે આભાર, અમારા હ્યુસ્ટન મિત્રોના હાયકુને વેબ ગુર્જરીમાં સ્થાન આપવા બદલ,
  વલીભાઇ, ચીમનભાઇ આપના હાઇકુ વાંચ્યા મને એક સુજ્યું, અને બીજા ચાર વલીભાઇના કહેવા પ્રમાણે નૈસર્ગિક લખ્યા,

  શાને બે હાથ?
  કાન આંખ બે શાને?
  ને મુખ એક!

  થોડા નૈસર્ગિક

  સૂર્ય કિરણ
  પિગળાવી બરફ
  ગુંથે તોરણ

  નાનું વિહંગ
  બેઠું ડાળે ટહૂકે
  આવી વસંત

  વાયુ વિંઝાઇ
  રંગીન પર્ણો ઊડે
  રંગોળી રચે

  થીજેલ પૃથ્વિ
  આગમન પિતાનું (સૂર્યનું)
  પિગળી ધારે

  ઇન્દુબેન શાહ

  • બહુત ખૂબ, ઇન્દુબેન.

   હવે મને લાગે છે કે ‘વેગુ’નું સંપાદકમંડળ હાઈકુસંગ્રહની ઈ-બુક બહાર પાડશે જ.

   અમને સંપાદકોને અંગત મેઈલ રૂપે સર્જકોની વ્યથા જાણવા મળે છે કે વાચકો પોતાના પ્રતિભાવો આપવામાં કે Even ‘Like’ બટન દબાવવામાં સક્રીય નથી.

   કલાપીની આ કાવ્યપંક્તિને સૌ કોઈ સમજવા પ્રયત્ન કરે કે ‘કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ.’

   મને લાગે છે કે ‘સંગીત’ના કાર્યક્રમો કે મુશાયરાઓમાં જો ‘વેગુ’ના વાચકો ૧૦૦ ટકા હાજર હોય તો પેલા કલાકારો યોગ્ય દાદ ન મળવાના દુ:ખે ૧૦૧ ટકા પાછલા બારણેથી ભાગી જાય !

   એ તો ‘વેબગુર્જરી’નાં અહોભાગ્ય છે કે કેટલાંક નિયમિત જણ નિયમિત રીતે પોતાના પ્રતિભાવો આપ્યે જાય છે અને આપણાં બધાંની આબરૂ સલામત રહે છે, નહિ તો ‘અકબરી લોટા’ જેવું થઈને ઊભું રહે, શું ક્યો છો ?

   માફ કરજો, ઇન્દુબેન, મારા આપના જવાબી પ્રતિભાવમાં બધાંને લાગુ પડતું મારાથી આ બધું લખાઈ ગયું. આ તો આપને સાક્ષી રાખ્યાં છે, હોં કે !

   • Indu Shah says:

    વલીભાઇ, આપના જવાબી પ્રતિભાવમાં મને સાક્ષી રાખી ગમ્યુ, હું સચેત રહીશ, લાઇક બટન તો વાપરૂં છું .લખવાનું બનતુ નથી.

 • Dipti Trivedi says:

  વેગું પરથી આતાવાણી પર ગઈ, અને અંતે પ્રતિભાવમાં મેં હાઇકુ લખ્યું :
  થાય કિતાબી
  વાચન ઘણું આજે
  માણસ વાંચ્યો

 • Dipti Trivedi says:

  નમસ્તે,
  આ સાથે ” વર્ષાનો વૈભવ “દર્શાવતા હાઈકુ મોકલી રહી છું. જે આપને યથાયોગ્ય લાગે તો પુસ્તકમાં સમાવેશ કરી આભારી કરશોજી .

  વાવી વસંત
  પાનખર લણું હું
  વરસાદ ક્યાં?

  મન ગોરંભે
  ચમકે વીજ,નેણે
  નીતરે મેહ

  સૂકું જીવન
  ખરે, મેઘલ સ્પર્શે
  કૂંપળ મ્હોરે.

  વર્ષા નીતરે
  અંગે તરુના , જાણે
  કો સદ્યસ્નાતા.

  અન્ય સ્વરચિત હાઇકુ – જીવન અને મનુષ્ય અને શિયાળાનો મહિમા કરતા – છે
  ઈ મેલ કરી શકું? સંખ્યાની કોઈ મર્યાદા ખરી?

  દીપ્તિના યથાઘટિત

 • દિપ્તીબેન,
  સરસ હાઈકુ છે. ઈ-બુકનું નક્કી થયેથી સંપાદકીય જાણ કરવામાં આવે ત્યારે આપનાં ઉત્તમ હાઈકુઓને માગવામાં આવે તેટલી સંખ્યામાં મોકલશો. હાલ ઈ-મેઈલમાં મોકલશો, તો સંભવ છે કે તે ક્યાંક અટવાઈ જશે. હાલમાં તો આ જ લેખના પ્રતિભાવ તરીકે જેટલાં મૂકવાં હોય તેટલાં મૂકી શકો છો. જ્યારે જરૂર પડશે, ત્યારે અહીંથી પણ મેળવી શકાશે. આતા ઉપરનું આપનું હાઈકુ કાબિલે દાદ છે. હાલમાં તો કાવ્યો માટેની ઈ-બુકનું કામ ચાલી રહ્યું છે, જે જાણ સારુ.

 • vijay joshi says:

  પ્રભાત ભેજ,
  છોડવાને વળગ્યો
  ઝાકળ બની.
  ——————–
  વેદના રડી
  અશ્રુ બની, દર્દીલી
  ગઝલ થવા
  ———————–
  ઢોળાયું દર્દ
  હાથમાંથી, બનવા
  કરુણ કાવ્ય!
  ————————–
  સૂર્ય અને ચંદ્ર
  સાથી એકબીજાના
  નભમાં વસે
  ———————————–
  મેઘરાજના
  ભીના આલિંગનમાં,
  તૃપ્ત ધરતી

 • જયદીપ દવે says:

  વેદના ને વાગોળશો નહિ,
  દુઃખ ને વાગોળશો નહિ,
  સુઃખ ને અવગણશો નહિ,
  વીતી જશે જીન્દંગી,
  દીન દુઃખિયા ને રંજાડશો નહિ !
  – જયદીપ દવે

 • જયદીપ દવે says:

  હાઇકુ
  દરિયો કહે
  આવું તારી નજીક
  ભરતી બની.
  – જયદીપ દવે

 • જયદીપ દવે says:

  હાઇકુ
  ધરમપુર
  માં ઈશ્વર વસે છે
  મંદિરો થકી.
  – જયદીપ દવે

 • જયદીપ દવે says:

  હાઇકુ
  દર્પણ કહે
  હું સત્યમ દેખાડું
  મને જુવે તો .
  – જયદીપ દવે

 • જયદીપ દવે says:

  હાઇકુ
  પુસ્તક બની
  રહું તારા હાથમાં
  તારી સમક્ષ.
  – jaydeep dave

 • લ્યો ત્યારે, જયદીપભાઈ…
  આપના માશુકાના હાથમાં પુસ્તક બની રહેવાના અભરખા જાણીને, નીચે મારું ભૂતકાલીન એક હાઈકુ ટપકાવું છું.

  તવ ઉંબરે
  થૈ પગલૂછણિયું
  સ્પર્શું તળિયાં!

  હાહાહા…હાહા..હા.

 • anuj solanki says:

  મનના મારા
  પ્રતિભાવોને આપી
  હાઈકુ ઓપ

  તમો સહુને
  વાંચી વેગુ પર, હું
  પામ્યો આનંદ!!!!

  નવો બની હું
  નિશાળિયો, ભણવા
  આવ્યો વેગુમાં

  મારા મનની
  વાત આજ, ઉપર
  પ્રમાણે કહી

  મનમાં એક
  કોડ ઉદ્ભવ્યો, નામ
  હોય વેગુમા

 • Zeel Patel says:

  એક નાનકડો પ્રયત્ન
  “લવ હાઈકુ”
  પ્રેમ એટલે ?
  એકમેક નો સાથ
  બીજું શું વળી !

 • Anuj solanki says:

  ઝાલર વાગી
  વળ્યા પંછી પરત
  સાંજ રણકી

 • dinesh jethava says:

  રોજ રંગોળી
  તુ દોરતી આંગણે
  મને રંગને

 • anuj says:

  હાઈકુ

  રઝળપાટ
  રેતનો વાયરામાં
  રણ સુકાય

 • Jasmi sangani says:

  કંથ વિરહ
  યાદનું મોતી સર્જે
  આંખને ખૂણે

  કૃષ્ણ અર્જુન
  નામ બે,પ્રાણ એક
  મિત્રતા ગાઢ

  મોક્ષ ની ચિંતા
  બેઠો ગુરુના ખોળે
  પળમા શાંતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME